Rajkaran ni Rani - 43 in Gujarati Social Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૪૩

રાજકારણની રાણી - ૪૩

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૩

સુજાતાબેન મંત્રીપદ મળે તો પણ સ્વીકારવાના નથી એ જાણી જનાર્દન વધારે આશ્ચર્ય પામ્યો હતો. આજના રાજકારણીઓ હોદ્દા માટે ન જાણે કેવા કેવા ખેલ કરતા હોય છે ત્યારે સુજાતાબેન એનાથી દૂર રહેવા માગતા હતા. એમના જેવા અપેક્ષા વગરના સીધાસાદા રાજકારણી આ જમાનામાં શોધવા મુશ્કેલ છે. વિશ્લેષકો મતે આ વખતની ચૂંટણીમાં 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ને બહુમતિ મળે એવી શકયતા નહીંવત ગણાતી હતી. પરંતુ સુજાતાબેન પક્ષમાં આવ્યા પછી ચિત્ર જ જાણે બદલાઇ ગયું છે. એ પોતે તો બિનહરિફ ચૂંટાયા અને પક્ષની પહેલી વિધાનસભા બેઠક પાકી કરી આપી પછી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને વાતાવરણને પક્ષ તરફી રાખવામાં સફળતા મેળવી હોય એવું લાગે છે. પક્ષની કેટલીક ભૂલોને કારણે પ્રજા એનાથી વિમુખ થઇ રહી હતી. સરકારના કેટલાક નિર્ણયો બાબતે પ્રજામાં કચવાટ જોવા મળતો રહ્યો છે. પક્ષની સરકાર લોકોની અપેક્ષા પૂરી કરવામાં ખરી ઉતરી રહી ન હોવાનો મત વ્યક્ત થતો રહ્યો છે. પણ પ્રજા પાસે બીજો સારો વિકલ્પ ન હતો. વિરોધ પક્ષ સાથે અપક્ષ ઉમેદવારો ઘણા હતા. અને એમાં પક્ષમાંથી ટિકિટ ના મળી હોય એવાય ઘણા હતા. જે સત્તા પક્ષના મત કાપવાના હતા. આવા વાતાવરણમાં સુજાતાબેન તારણહાર બનીને આવી ગયા. બે દિવસ પછી પરિણામ જાહેર થશે અને બી.એલ.એસ.પી.ને પાતળી તો પાતળી પણ બહુમતિ પ્રાત થશે તો એ સુજાતાબેનને કારણે જ. એટલે પક્ષ તરફથી તેમની કદર થવાની છે. સુજાતાબેન મંત્રીપદ ના ઠુકરાવે તો સારું છે.

જનાર્દન લાંબું વિચારીને બોલ્યો:"બહેન, તમે મંત્રીપદના હકદાર છો. બહુ ઓછા દિવસોમાં તમે પક્ષ તરફી વાતાવરણ ઉભું કર્યું છે. એવું નથી કે તમને ટિકિટ મળી હતી એ વિધાનસભા વિસ્તાર માટે જ કર્યું છે. તમે તો અનેક બેઠકો પર પ્રજાને પક્ષ પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવાની અપીલ કરી હતી. અમે એટલા માટે તમને મંત્રીપદ સ્વીકારવાની ઇચ્છા વ્યક્ત કરીએ છીએ કે તેના દ્વારા તમે પ્રજાની વધારે ઝડપથી સેવા કરી શક્શો. તમે લોકો માટે જે સુધારા કરવા માગો છો એની રજૂઆત મંત્રીમંડળમાં સીધી કરી શકશો. કેબિનેટની બેઠકમાં તમારો સમાવેશ થશે તો પ્રજાલક્ષી કોઇપણ કાયદો કે હુકમ તરત લાવી શકશો. હમણાં આપણે સોશ્યલ મીડિયા મારફતે લોકોના મત મંગાવ્યા હતા. એમાં લોકોએ જે ઇચ્છાઓ વ્યકત કરી છે અને વહીવટમાં સૂચનો કર્યા છે એને અમલમાં મૂકવામાં સરળતા રહેશે. આપણે 'સત્તા અમારી સપનાં તમારા' સૂત્રને પણ સાર્થક કરી શકીશું..."

જનાર્દનની વાત શાંતિથી સાંભળી રહેલા સુજાતાબેન મોબાઇલમાં એક અગત્યની ખબર વાંચવામાં પરોવાયા અને જનાર્દનને એક મિનિટ થોભવાનો ઇશારો કર્યો. તેમના મુખ પરના ભાવ પરથી એમ લાગતું હતું કે રાજકારણમાં કોઇ મોટી હલચલ થઇ રહી છે કે થવાની હોય. મોબાઇલમાં અગત્યના સંદેશાઓ પર નજર નાખી તે બોલ્યા:"જનાર્દન, પાટનગરમાં ચૂંટણીના પરિણામો અને એ પછીની પક્ષની વ્યૂહ રચના અંગે આવતીકાલે એક બેઠક યોજવામાં આવી છે. એમાં મને પણ હાજર રહેવાનું આમંત્રણ મળ્યું છે..."

સુજાતાબેનની વાત સાંભળીને જનાર્દન અને હિમાની ખુશ થઇ ગયા. હિમાની કહે:'ચાલોને, તમારું મંત્રીપદ હવે પાકું જ સમજો. તમારો દબદબો અત્યારે જ આટલો છે તો મંત્રી બને ગયા પછી તો કેટલો વધી જશે?!"

"હા બેન, મંત્રીપદ આપને એમનેમ નથી આપવામાં આવી રહ્યું. તમે જે અશક્ય કામ કરી બતાવ્યું છે એની પક્ષ તરફથી કદર થશે. આજ સુધી જે મુદ્દા પર ચૂંટણી લડાતી હતી એનાથી તમારી રીત અલગ જ હતી. અને આપણા વિધાનસભા વિસ્તારનું મોડેલ પક્ષે બીજા ઘણા મત વિસ્તારોમાં અજમાવ્યું છે. મારું તો માનવું છે કે લોકોએ આ કારણે પક્ષને ખોબલેને ખોબલે મત આપ્યા હશે. વળી મંત્રી બનવાના લાભ કેટલા બધા હોય છે? દરેક પ્રકારની સુવિધાઓ મળે છે. અને..." જનાર્દન હિમાનીની જેમ ઉત્સાહમાં આવીને બોલતો હતો ત્યારે સુજાતાબેને એને હાથથી ઇશારો કરી અટકવા કહ્યું. પછી સહેજ હસ્યા અને બોલ્યા:"તમે બંને મારા મંત્રીપદની શકયતાથી વધારે પડતા ઉત્સાહમાં આવી ગયા હોય એમ લાગતું નથી? એની પાછળ તમારો કોઇ સ્વાર્થ છે ને?"

અચાનક સુજાતાબેને સ્વાર્થની વાત કરી એટલે બંનેના મોં પડી ગયા. એ જોઇ સુજાતાબેન ફરી હસતાં હસતાં બોલ્યા:"તમારો ઉત્સાહ તો કોઇ ગુલાંટખોર રાજકારણી બીજા પક્ષમાં જતો રહે એમ જલદી ઉદાસીમાં ફેરવાઇ ગયો! તમારો મારા મંત્રી બનવામાં સ્વાર્થ છે એનો અર્થ જુદો કાઢી રહ્યા છો. તમે મારા માટે સ્વાર્થી લાગો છો. મારા સ્વાર્થનું જ વિચારતા રહો છો. તમે આજ સુધી કોઇ અપેક્ષા વગર મને સાથ આપ્યો છે. જનાર્દનને તો હું પહેલાંથી ઓળખું છું. જતિનને પણ એણે રાજકીય કારકિર્દી માટે ઘણી મદદ કરી છે. ક્યારેય એમાં સ્વાર્થ દેખાયો નથી. તમે મારા સ્વાર્થ માટે મંત્રીપદનું વિચારી રહ્યા છો. તમે ઇચ્છો છો કે મને વધારે માન-સન્માન મળે અને હું વધારે પ્રગતિ કરી શકું. મને ખબર નથી કે હું તમારું કેવી રીતે ઋણ ચૂકવીશ..." સુજાતાબેન અચાનક ગળગળા થઇ ગયા.

હિમાની કહે:"બહેન, અમને તમારી વાતનું ખોટું લાગ્યું નથી. માત્ર આશ્ચર્ય થયું હતું. અને તમે તમારા માટેની અમારી સ્વાર્થની વાત સમજી ગયા એની હવે નવાઇ લાગે છે..."

ત્યાં સુજાતાબેનના ફોનની રીંગ વાગી. તેમણે સામેની વ્યક્તિની વાત સાંભળી "હા- ચોક્કસ... હા, આવી પહોંચીશ..." કહ્યું અને ફોન મૂક્યો.

"કાલે પાટનગરમાં પક્ષની બપોરની બેઠક છે. હું અને હિમાની જઇશું. જનાર્દન, તું લોકોના મત અને પ્રતિભાવોનું બરાબર સંકલન કરીને રાખજે. આપણે બહુ જલદી લોકો માટે કામ શરૂ કરી દેવાનું છે. અને આ સૂચનો આપણા વિધાનસભા વિસ્તાર પૂરતા છે. આગળના પગલામાં આપણે આખા રાજ્યમાંથી આ રીતે લોકોના વિચારો જાણવાના છે. દરેક વિસ્તારના લોકોના વિચારો અલગ હોય શકે છે. એમ પણ બને કે બીજા વિસ્તારના લોકોની સમસ્યાઓ આ વિસ્તારના લોકોએ જણાવી ન હોય કે આપણા ધ્યાન બહાર રહી ગઇ હોય. બધાની સમસ્યાઓ જાણીશું તો વધારે સારી રીતે ઉકેલ લાવી શકીશું..."

"જી બહેન, અમે કાલે સવારે આવી જઇશું..." કહી જનાર્દન ઉભો થયો. એની પાછળ હિમાની પણ ચાલવા લાગી.

ઘરે પહોંચીને જનાર્દન અને હિમાની જમી પરવારીને બેડ પર આડા પડ્યા. જનાર્દને હિમાનીને આલિંગન આપ્યું. તે અંધારામાં પણ શરમાઇ હોય એમ લાગ્યું. જનાર્દન તેની કમર પર ચૂંટણી ખણીને હસીને બોલ્યો:"હિમાની મેડમનો વટ વધી રહ્યો છે! આજકાલ પાટનગરના આંટાફેરા વધી ગયા છે. સુજાતાબેન સાથે રહીને મને ભૂલી તો નહીં જાય ને?!"

"હું તારા માટે દુનિયાને ભૂલી જાઉં, દુનિયા માટે તને નહીં. સુજાતાબેન પાસેથી જ મને પ્રેરણા મળી રહી છે. કોઇ પણ વાતનું ગુમાન રાખવાનું નહીં. આટલી બધી પ્રગતિ કરી રહ્યા હોવા છતાં એમની સાદગીને વંદન કરવાનું મન થાય છે. મેં મંત્રીપદની સુવિધાઓની વાત કરી ત્યારે પણ એમણે એક રીતે નારાજગી વ્યક્ત કરી હતી. મારો કહેવાનો આશય એમની સુવિધાઓ અને લાભનો જ હતો. પરંતુ સાચું કહું તો એમણે સમજાવ્યા પછી મારા મનમાં એમના મંત્રીપદથી આપણાને પણ લાભ મળવાની ઇચ્છા જાગી ગઇ છે!"

"જોઇએ હવે કાલે પક્ષની મહત્વની બેઠકમાં સુજાતાબેન સાથે શું વાત થાય છે. વધારે મહત્વનું એ છે કે એ શું જવાબ આપશે કે નિર્ણય લેશે..." કહી જનાર્દન હિમાનીને બાથ ભરીને સૂઇ ગયો.

ક્રમશ:

Rate & Review

Usha Patel

Usha Patel 1 month ago

Dilip Thakker

Dilip Thakker 10 months ago

Bhavesh Sindhav

Bhavesh Sindhav 10 months ago

Shilpa Christian

Shilpa Christian 12 months ago

Kinnari

Kinnari 12 months ago