Murder Mastari (ajampur) - 3 books and stories free download online pdf in Gujarati

મર્ડર માસ્ટરી (આઝમપુર) - 3

દિલ્લી ક્રાઇમ બાન્ચના વડા અનિકેત શર્માને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તેઓ કોસ્ટેબલ વૈશાલી અને પીઆઇ એમ.કે.રાઠોડ તથા ત્રણ ચાર પોલીસ જવાનો સાથે એમના ક્વાર્ટર તરફ જવા રવાના થયા હતા. પંદર મિનિટમાં તો પોલીસ કાફલા સાથે અનિકેત શર્મા એમના ક્વાર્ટરે આવી પહોંચ્યા.


આખી ઘટના જાણ્યા બાદ વૈશાલીના મનમાં એક પ્રશ્ન ઉભો થતો હતો કે ગુનેગાર આમ ખુલ્લી રીતે શા માટે પોલીસને ધમકી આપી રહ્યો હતો ? અને એ પણ ક્રાઇમ બ્રાન્ચના વડા અનિકેત શર્માને.!! આ વાત ખરેખર હેરાન કરી નાખે એવી અને આશ્ચર્ય ઉપજાવે એવી હતી. ખરેખર ગુનેગાર આવું શા માટે કરી રહ્યો હશે ? અને આવું ઓપન ચેલેન્જ આપીને એ પોલીસનું ધ્યાન કઈ બાજુ દોરવા માંગતો હશે ? વગેરે પ્રશ્નોએ વૈશાલીના મગજમાં ઘમસાણ મચાવી દીધી. છેવટે કંઈ ના સમજાતા વૈશાલીએ એ વિચારો તરફથી પોતાનું ધ્યાન હટાવી દીધું.


"સર.. તમારા માટે જમવાનું ઓર્ડર કરાવી દઉં ?' પીઆઇ એમ.કે.રાઠોડે આરામખુરશીમાં બેઠેલા ક્રાઇમબ્રાન્ચના વડા અનિકેત શર્માને પૂછ્યું.


"હા કરાવી દો બધા માટે.' અનિકેત શર્માએ ઊંડા વિચારોમાંથી બહાર આવીને જવાબ આપ્યો.


અનિકેત શર્માએ કહ્યું એટલે પી.આઇ રાઠોડે એક પોલીસ જવાનને જમવાનું લેવા માટે મોકલ્યો. વૈશાલી ક્વાર્ટરની પાછળ આવેલા ગાર્ડનમાં આંટો મારવા નીકળી. ક્વાર્ટર પાછળનો ગાર્ડન વધારે વિશાળ નહોંતો. પાર્કિંગ એરિયાની ડાબી તરફનો જે ભાગ હતો. એ ભાગને ગાર્ડન તરીકે વિકસાવવામાં આવ્યો હતો. કોઈ ખાસ મિશન માટે જ આ ક્વાર્ટરમાં સરકારી અધિકારીઓને ઉતારો આપવામાં આવતો.બાકીના સમયે આ ક્વાર્ટર બંધ રહેતું. પણ બગીચાની સાર-સંભાળ તો દરરોજ લેવાતી જ. એટલે બગીચામાં ઉછરેલ વૃક્ષો અને છોડવાઓ હંમેશા લીલાછમ રહેતા. બગીચા અને આખા ક્વાર્ટરની આજુબાજુ પાંચ ફૂટ ઊંચી દીવાલ હતી. વૈશાલી બગીચાની લીલોતરી જોવામાં ખોવાયેલી હતી. ત્યાં દીવાલની પાછળ કોઈક દોડી ગયું હોય એવો અવાજ એને સંભળાયો.


વૈશાલીએ અવાજ ના થાય એ રીતે દીવાલ તરફ પોતાના ડગ ઉપાડ્યા. વૈશાલીએ દીવાલ પાસે જઈને એક પથ્થર ઉપર પોતાનો પગ ટેકવી દીવાલની બહાર નજર કરી. બહાર નજર કરી ત્યાં તો એની આંખો પહોળી જ રહી ગઈ. દીવાલની બહારની ગલીમાં જ પેલો કાળા કપડાં પહેરેલ માણસ ભાગી રહ્યો હતો. જેને વૈશાલીએ સવારે હોસ્પિટલમાં સીડી ઉતરતો જોયો હતો. આ માણસ અહીંયા શું કરતો હશે ? વૈશાલીના મનમાં નવા પ્રશ્નએ જન્મ લીધો. એ થોડીકવાર પેલા ભાગી રહેલા માણસને પાછળથી જોઈ રહી.


બગીચા પાછળથી જે ગલી હતી. એ ગલી આગળ જતાં ડાબી અને જમણી તરફ ફંટાતી હતી. પેલો જયારે એ ગલીના છેડા સુધી પહોંચ્યો. ત્યાં જ ડાબી ગલીમાંથી પોલીસની વર્દીમાં સજ્જ બીજો માણસ જમણી તરફની ગલીમાંથી આંખ પલકે એટલી વારમાં ડાબી તરફની ગલીમાં સરકી ગયો. ત્યાં પોલીસની વર્દીમાં બીજા માણસને સરકતો જોયો એટલે વૈશાલીનું તો મોઢું જ પહોળું થઈ ગયું. પોલીસની વર્દીવાળો માણસ જે ગલીમાં સરક્યો એ જ ગલીમાં પેલો કાળા કપડાંવાળો માણસ પણ સરકી ગયો.


પોલીસવાળો એ ગલીમાં શું કરતો હશે ? કોણ હશે એ ?કાળા કપડાં પહેરેલ માણસ કોણ હશે ? અને એ ક્વાર્ટરના બગીચાના પાછળના ભાગમાં શું કરતો હશે ? આ બધા વિચારો વૈશાલીને ભેંદી લાગી રહ્યા હતા. એનું મગજ વારે ઘડીએ એ વાતનો સંકેત આપી રહ્યું હતું કે જરૂર આ કાળા કપડાંવાળા માણસ અને પેલી ગલીમાં સરકી ગયેલા માણસ વચ્ચે કોઈક પ્રકારના મજબૂત સબંધો હતા.


"વૈશાલી..' પાછળથી કોન્સેટબલ રીટાની બુમ સાંભળીને વૈશાલી પાછળ ફરી.


અનિકેત શર્માને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ રીટા પોલીસ સ્ટેશને ગઈ હતી. અને ત્યારબાદ અનિકેત શર્માના આદેશ મુજબ અહીંયા આવી હતી.


"તું આવી ગઈ ?' વૈશાલીએ બગીચા પાછળની ગલીમાં છેલ્લી નજર નાખી અને પછી રીટા તરફ ફરીને બોલી.


"હા, પણ તું અહીંયા બગીચામાં શું કરે છે ? બધા જમવા માટે તારી રાહ જોઈ રહ્યા છે.' આંખો જીણી કરીને રીટા બોલી.


"કંઈ નહિ બસ. એમજ આ હરિયાળો બગીચો જોયો એટલે થોડીકવાર અહીંયા ઉભા રહેવાનું મન થઈ ગયું.' સાચી વાતને છુપાવતા વૈશાલીએ જવાબ આપ્યો.


"ઓહ.! એમ વાત છે. હવે જોઈ લીધો હોય આ હરિયાળા બાગને તો ચાલો હવે અંદર પેટમાં ઉંદરો દોડતા હશે.' હસીને રીટાએ ટીખળ કરી.


"હા ભૂખ તો લાગી જ છે. ચાલ.' રીટાને હળવા સ્મિત સાથે પ્રત્યુત્તર આપીને વૈશાલી ક્વાર્ટરમાં પ્રવેશી.


જાહોજહાલીથી છલકતું આઝમપુર શહેરમાં ગુનાઓની ગંદકી વધતા પ્રજામાં રોષ ઉભરાયો હતો. ન્યુઝ પેપરવાળા તો પોલીસ ઉપર સીધા પ્રહાર કરી રહ્યા હતા. કે ખૂનો થતાં જાય છે અને આઝમપુરની પોલીસ કંઈ કરતી જ નથી. હવે રાત્રે બહાર નીકળતા પણ સૌ ગભરાતા હતા. કારણ આ મહિનામાં થયેલા સાત ખૂનોએ સૌને હચમચાવી મુક્યા હતા.


વૈશાલી અંદર પ્રવેશી ત્યારે બાકીના બધાએ જમવાનું પતાવી દીધું હતું. ફક્ત એને જ જમવાનું બાકી હતું. અનિકેત શર્મા રાતે જે ખૂન થયું એ લેખક વિશ્વદીપ મિશ્રાના પોસ્ટમર્ટમ રિપોર્ટ ચેક કરી રહ્યા હતા. વૈશાલી જયારે બગીચામાંથી અંદર જમવા આવી ત્યારે આરીફ જ પોસ્ટમર્ટમ રિપોર્ટ લઈને આવ્યો હતો.


જયારે લેખક વિશ્વદીપ મિશ્રાને બુલેટ્સ વાગી ત્યારે માથામાં વાગે બુલેટ તો ખોપરી ચીરીને આરપાર નીકળી ગઈ હતી. પરંતુ છાતીમાં વાગેલી બુલેટ છાતીમાં જ રહી ગઈ હતી. લેખકની બોડીનું પોસ્ટમર્ટમ કરતી વખતે ડોકટરોએ એ બુલેટને કાઢી હતી. પોસ્ટમર્ટમ રિપોર્ટની સાથે આરીફ એ બુલેટ પણ લઈ આવ્યો હતો. પોસ્ટમર્ટમ રિપોર્ટમાં કંઈ ખાસ હતું નહિ. એટલે એને અનિકેત શર્માએ બાજુ પર મુક્યો. પછી કોથળીમાં વીંટાળેલી બુલેટને ટેબલ પર પાથરેલા કપડાં પર મૂકી. આ બુલેટની બનાવટ અલગ જ પ્રકારની હતી. સામાન્ય રીતે બધી જ બુલેટ્સ આગળથી શંકુઆકારની અને એકદમ લીસી હોય છે. જયારે આ બુલેટના સૌથી આગળના ભાગ ઉપર બે સાવ નાનકડા બારીક ટપકાંઓ ઉપસાવેલા હતા. અનિકેત શર્માએ આવી બુલેટ એમની પોલીસ કારકિર્દીમાં ક્યારેય જોઈ નહોતી.


"રાઠોડ આ જો તો ખરો બુલેટ કેવી છે.' અનિકેત શર્માએ ટીવીમાં ન્યુઝ જોવામાં મશગુલ બનેલા પીઆઇ રાઠોડને કહ્યું.


રાઠોડનું ધ્યાન ન્યુઝમાંથી હટ્યું. એ ઉભા થઈને અનિકેત શર્મા પાસે આવ્યા. એમણે પણ એ બુલેટનું નિરીક્ષણ કર્યું. ખરેખર ખુબ જ અલગ પ્રકારની બુલેટ હતી. બાકીના પોલીસ જવાનોએ પણ એ બુલેટ જોઈ. વૈશાલીએ પણ જમવાનું પતાવીને એ બુલેટ જોઈ. કોઈએ આવી બુલેટ પહેલા જોઈ નહોતી. આવી વિશિષ્ટ બનાવટની બુલેટ ખૂનીએ વાપરી હતી. બધા માટે આ વસ્તુ પણ અચરજનો વિષય બની ચુકી હતી. કે આવી અલગ જ બનાવટ ધરાવતી બુલેટ ખૂની પાસે ક્યાંથી ? શું ખૂનીને કોઈ બીજા દેશમાંથી આ બધો માલ સપ્લાય થતો હતો ? બધી જ વાતો ગૂંચવાડો ઉભો કરે તેવી હતી.


"રાઠોડ તું અને વૈશાલી મારી સાથે ચાલો બાકીના બધા પોલીસ સ્ટેશને જાઓ.' આમ કહીને અનિકેત શર્મા ઉઠ્યા.


"સર આ તમારો મોબાઈલ રહી ગયો.' આરીફે પાછળથી દોડીને ટેબલ પર પડેલો અનિકેત શર્માનો મોબાઈલ અનિકેત શર્માને આપતા કહ્યું. અનિકેત શર્માએ આરીફની પીઠ થપથપાવી અને પછી પોલીસવાનમાં બેસી ગયા. બાકીના બધા પણ બીજી પોલીસવાનમાં પોલીસ સ્ટેશન તરફ જવા રવાના થયા. વૈશાલી પાસે તો એક્ટિવા હતી જ. એણે પોતાની એક્ટિવા ચાલુ કરી અને અનિકેત શર્મા થતાં પીઆઇ રાઠોડ જે ગાડીમાં હતા. એની પાછળ-પાછળ જવા લાગી.


વૈશાલીના મગજમાં હજુ પણ ક્વાર્ટરના બગીચા પાછળની પેલી ગલીમાં ઝડપથી સરકી ગયેલો પોલીસની વર્ધીમાં સજ્જ માણસ અને કાળા કપડાં પહેરેલો માણસ ખસતા નહોતા. વૈશાલી બન્નેનો ચહેરો જોવામાં આજે અસમર્થ રહી હતી. કારણ કે પોલીસની વર્દીમાં સજ્જ થયેલો માણસ તો અડધી સેકન્ડમાં જ એક ગલીમાંથી બીજી ગલીમાં સરકી ગયો હતો. જયારે આ કાળા કપડાં પહેરેલ માણસની પીઠ વૈશાલી તરફ હતી અને એનો ચહેરો દેખાતો નહોતો. પણ સવારે જે હોસ્પિટલની સીડી ઉતરી રહ્યો હતો એ અને આ બન્નેના કપડાં તેમજ દોડવાની ઢબ એક જ જેવી હતી.


શોર્યગંજ રોડ વટાવીને મોર્ગનટ લાયબ્રેરી આગળ આવીને પોલીસવાને બ્રેક મારી. પોલીસવાનને સાઈડમાં કરીને અનિકેત શર્મા તેમજ પીઆઇ રાઠોડ નીચે ઉતર્યા. વૈશાલીએ પણ વિચારોના વમળોમાંથી બહાર આવીને પોતાનું એક્ટિવા સાઈડમાં ઉભું રાખ્યું.


(ક્રમશ)