Murder Mastari (ajampur) - 4 books and stories free download online pdf in Gujarati

મર્ડર માસ્ટરી (આઝમપુર) - 4

આઝમપુર શહેરના પશ્ચિમી છેડે જૂનું કબ્રસ્તાન આવેલું હતું. કબ્રસ્તાનમાં ઠેર-ઠેર નાની મોટી બિન ઉપયોગી વનસ્પતિઓ ઉગી નીકળી હતી. એ કબ્રસ્તાનમાં ઘણા સમય પુરાણી કબરો અને મકબરાઓ હતા. કબ્રસ્તાનને અડીને જ નદી વહી રહી હતી. આ નદીની આસપાસ થોડાંક કોતરો પણ હતા. એમાંના એક કોતરમાં બે માણસો વાત કરી રહ્યા હતા. એક માણસ પોલીસ વર્દીમાં સજ્જ હતો. જયારે બીજા માણસે કાળા ઓવર કોટથી સંપૂર્ણ રીતે પોતાનું શરીર ઢાંકી દીધું હતું. જે માણસ પોલીસ વર્દીમાં હતો એ બીજું કોઈ નહિ પણ ખ઼ુદ પોલીસ કોન્સ્ટેબલ આરીફ હતો.

"આગળ હવે પોલીસ શું પગલાં લેશે?" કાળા ઓવરકોટધારી માણસે કોન્સ્ટેબલ આરીફને પૂછ્યું.

"અમૂક સબુતો પોલીસના હાથમાં છે. અને અનિકેત શર્મા મજબૂત મનોબળનો વ્યક્તિ છે. એટલે એ આમ સરળતાથી હાર નહિ માને! ચોક્કસકંઈક નવા પ્લાનિંગ સાથે આ કેસની તપાસ કરશે." આજુબાજુ નજર કરીને એક એક શબ્દ ઉપર ભાર મૂકીને કોન્સ્ટેબલ આરીફ બોલ્યો.

"એ બિચારો કરી રહ્યો તપાસ હવે." આમ કહીને ઓવરકોટધારી માણસ થોડુંક ખંધુ હસ્યો. પછી એણે ખિસ્સામાંથી એક સિગારેટ કાઢીને સળગાવી. સિગારેટના ધુમાડાથી કોતરની દીવાલ ઉપર બેઠેલા મચ્છરો આમતેમ ઉડવા લાગ્યા.

"અરે પણ એ માણસને સાવ મજાકમાં લેવો એ વાત આપણા માટે સૌથી મોટી મુર્ખામી સાબિત થઈ શકે છે રણછોડ." આરીફે ઓવરકોટધારી માણસના ખભા ઉપર હાથ મુકતા કહ્યું. ઓવરકોટધારી માણસનું નામ રણછોડ શેટ્ટી હતું.

"હાહાહા." રણછોડ હસ્યો. અને પછી આગળ બોલ્યો. "આના જેવા તો કેટલાય પોલીસ ઓફિસરોને મારી આ રિવોલ્વરે મોતની નિંદ સુવડાવી દીધા છે. અને તું પણ કેટલો મૂર્ખ છે. મારી શક્તિ જાણતો હોવા છતાં પણ મને તું એ બે કોડીના ઓફિસરની બીક બતાવી રહ્યો છે. એને તો ખબર જ નહિ હોય કે આઝમગઢમાં કેવા-કેવા ખૂની ખેલોના ક્રિમિનલો શહેનશાહની જેમ જીવી રહ્યા છે."

"રણછોડ તું ભલે એ પોલીસ ઓફિસર બે કોડીનો ગણે પણ." આટલું બોલીને આરીફ બોલતા અટક્યો.

"પણ શું? કેમ અટકી ગયો!" રણછોડે તરત જ વળતો પ્રશ્ન કર્યો.

"પણ તું એને જેટલો મૂર્ખ ધારી રહ્યો છે. એટલો એ મૂર્ખ નથી! એ આપણા કરતા પણ વધારે ખતરનાક અને ચાલાક છે. તને અને આપણા બોસને ગમેતેમ કરીને શોધી કાઢવાની એનામાં તાકાત છે. એટલે એ ઓફિસરને આમ સાવ હલકામાં ના લેવો જોઈએ." આરીફ એક-એક શબ્દ ઉપર ભાર મુકતા બોલ્યો.

કોન્સ્ટેબલ આરીફની વાત સાંભળીને રણછોડની કપાળ ઉપર થોડાંક સળ પડ્યા. પીધેલી સિગારેટના વધેલા ઠૂંઠાને એણે ગુસ્સામાં કોતરની દીવાલ સાથે ઘસી નાખ્યું. માથા ઉપર પહેરેલી બ્લેક હેટને ઉતારીને એ માથું ખંજવાળવા લાગ્યો.

રણછોડ શેટ્ટી આઝમપુરનો સૌથી ક્રૂર અને ખૂની ક્રિમિનલ હતો. આઝમપુર શહેરમાં થતાં દરેક ગુનાઓમાં એનો હાથ સૌથી પહેલા રહેતો. આઝમપુર શહેરના લોકો એને ફક્ત નામથી જ જાણતા હતા. કોઈએ આ ખૂની અને આઝમગઢની ગુનાખોરીના સૌથી મોટા ગુનેગારનો ચહેરો ક્યારેય જોયો નહોતો. તેનું નામ આઝમગઢના જે એરિયામાં ગુંજતું એ એરિયાના બધા જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા. એ જ્યારે પણ બહાર નીકળતો ત્યારે પોતાનું સંપૂર્ણ શરીર ઓવરકોટની મદદથી ઢાંકી નાખતો. આંખો ઉપર કાળા ગોગલ્સ પહેરી લેતો. માથા ઉપર એની ફેવરિટ બ્લેક હેટ અને પગમાં એકદમ ઘાટ્ટા બ્લેક કલરના સ્યૂઝ પહેરી લેતો. તે મુસાફરી કે કોઈ ગુનાખોરીની ઘટનાને અંજામ આપવા માટે બ્લેક ઓડી કારનો ઉપયોગ કરતો. આ ખૂંખાર ખૂનીએ આઝમગઢની સાત પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ઢીમ ઢાળી દીધા હતા. તેની પહોંચ છેક પાર્લામેન્ટના મોટા નેતાઓ સુધી હતી. એટલે એ દરેક સમયે ગમે તેવા કેસમાંથી પોતાની જાતને આબાદ બચાવી લેતો. ગમે તેવો વકીલ તેની સામે કેસ લડતો હોય એ વકીલને એ પોતાના પૈસાના જોરે ખરીદી લેતો. અને જે વકીલ એનું કહ્યું ના માને તો એ વકીલનું એ કત્લ કરાવી દેતો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ તેની ખૂબ ઊંચી પહોંચ હતી. પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ પોતાની દોલતની મદદથી ઘણા બેઈમાની પોલીસ ઓફિસરોને મોં માંગી કિંમત આપીને પોતાનું કામ કઢાવી લેતો.

રણછોડ શેટ્ટીના નામે આઝમપુર શહેરમાં તમામ ગેરકાનૂની ગોરખ ધંધાઓનો ચાલતા હતા. એ ક્યાં રહેતો એ કોઈ જાણતું નહોતું. એના વફાદાર દસ માણસોને જ એ પોતાનો ચહેરો બતાવતો હતો. બાકી આખી આઝમગઢની પ્રજા માટે એ એક અદ્રશ્ય ડર અને છૂપો ખૂની હતો. આ વખતે એણે કરેલા સાત ખૂનોથી સમગ્ર આઝમગઢ શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આરીફ રણછોડ શેટ્ટીનો બાળપણનો દોસ્ત હતો. રણછોડ શેટ્ટીએ જ પોતાની લાગવગ દ્વારા આરીફને પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલની પોસ્ટ અપાવી હતી. આરીફ પોલીસ સ્ટેશનમાં થતી તમામ ઘટનાઓની હિલચાલ રણછોડ શેટ્ટી સુધી પહોંચાડી દેતો.

"આરીફ પેલી લેડી કોન્સેબલનું નામ શું છે? જે ક્વાટરના બગીચાના પાછળના ભાગથી આપણને ભાગતા જોઈ ગઈ હતી! તું તો ઓળખતો જ હશેને એને?" રણછોડ શેટ્ટીના મગજમાં અચાનક વૈશાલીનો વિચાર જબક્યો. એટલે એણે આરીફને પૂછ્યું.

"હમ્મ.. એ પણ એક ઉપાધિ છે આપણા માટે." આરીફે કોતરની બહાર નજર કરતા હળવા હુંકાર સાથે જવાબ આપ્યો.

"પણ એ ઉપાધિનું નામ તો બોલ તું!" રણછોડે આરીફના શબ્દો ઉપર દાંત પીસતા કહ્યું.

"એનું નામ વૈશાલી છે. અને એણે એક વર્ષ પહેલા જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી જોઈન કરી છે. પણઅમુક બાબતે ખૂબ જ જિદ્દી છે. એ જે કામ ઉપાડે એને કરીને જ એ જંપે છે." આરીફે રણછોડને વૈશાલી વિશે થોડીક માહિતી આપતા કહ્યું.

"અચ્છા જિદ્દી છે. અને સુંદર પણ છે. આરીફિયા મને એક વાતની ખબર નથી પડતી! આ વૈશાલી જેવી સુંદર યુવતીઓ શા માટે પોલીસ જેવી નોકરી જોઈન કરીને ટાઢ તડકામાં ઠુંઠાતા શેકાતા પોતાની સ્વરૂપવાન કાયાને બગાડતી હશે." આરીફ જોઈને રણછોડ શેટ્ટીએ અટ્ટહાસ્ય કરતા કહ્યું. એના અટ્ટહાસ્યથી કોતરોની દીવાલો ગુંજી ઉઠી.

"હા મને પણ નહિ સમજાતું. પણ વાઘને કોણ કહેવા જાય કે તારું મોઢું ગંધાય છે! એ સ્વરૂપવાન છે. પણ એને કોણ સમજાવે કે એનું સ્થાન કુતરાઓની જેમ આરોપીઓની પાછળ ભાગવાનું નહીં પણ કોઈક ધનવાન ઘરની શોભા બનવાનું છે." રણછોડે કરેલી ટિપ્પણી ઉપર આરીફે પણ પોતાની નાનકડી સોચના વિચારો પ્રગટ કરતા કહ્યું.

"હવે એની વાતો છોડ. અને તું પેલા ઓફિસરને આ કેશ પરથી ધ્યાન ભટકાવવાનું કામ કર. અને જો એ તારાથી ના થાય તો મને કહે એટલે હું એને ઉપર પહોંચાડી દઉં." રણછોડ ગંભીર થતાં બોલ્યો.

"અરે પણ મને ટ્રાય તો કરવા દે. જો મારાથી કામ પાર ના પડે તો પછી એને તારે ટપકાવવાનો જ છે. હમણાં હું હવે જાઉં. એ લોકોની હિલચાલ ઉપર નજર રાખવી પડશે. નહિતર ગમે ત્યારે બાજી પલટી જશે. અને આપણને ખબર પણ નહીં પડે!" આરીફ કોતરની બહાર નીકળતા બોલ્યો.

"હા જા પણ બરાબર ધ્યાન આપીને કામ કરજે તું." રણછોડે પણ કોતરની બહાર આવેલા રસ્તા ઉપર પડેલી પોતાની બ્લેક ઓડીમાં બેસતા કહ્યું.

આરીફ પોતાના વાઈટ પલ્સર બાઈક તરફ આગળ વધ્યો. સેલ આજે સવારે જ બગડી ગયો હતો એટલે બાઈક સેલસ્ટાર્ટ નહોતું થતું. એટલે એણે બાઈક ઉપર બેસીને કીક મારવા માંડી.

"એય આરીફ તારી પાસે પેલી લેડી કોન્સ્ટેબલ વૈશાલીના ઘરનું સરનામું છે?" આરીફ હજુ બાઈકને કીક મારતો હતો. ત્યાં પાછળથી રણછોડની બુમ સંભળાઈ.

"હા.. હું બોલું એ નોટ કરી લે જલ્દી. મકાન નંબર 78, મધુલક્ષી સોસાયટી, માઝીનપુર હાઇવે, સંગ્રામપુરા." આરીફે વૈશાલીના ઘરનું એડ્રેસ બોલ્યું. રણછોડે આરીફ દ્વારા બોલાયેલા એક એક શબ્દને પોતાના તેજ માઈન્ડમાં સમાવી લીધા.

બ્લેક ઓડી લઈને શોર્યગંજ રોડ તરફ નીકળેલા રણછોડે ધારી લીધું હતું કે ગમે તેમ કરીને એ રાત્રે કોન્સ્ટેબલ વૈશાલીના ઘરમાં ઘૂસીને એને ઉઠાવી લાવશે. વૈશાલી પ્રત્યે એને પ્રેમ નહોતો! પણ પ્રબળ આકર્ષણ જન્મ્યું હતું. વૈશાલીના સુંદર અને સ્વરૂપવાન શરીરને જોઈને એના મનમાં હવસનો કિડો સળવળી ઉઠ્યો હતો. ગમે તેમ કરીને એ આજે એ વૈશાલીના શરીરને પામવા માટે અધીરો બન્યો હતો. વૈશાલીને જો આજે તે ઉઠાવી લાવે તો એના બે કામ થઈ શકે એમ હતા. એક તો એની ગંદી ઈચ્છા સંતોષાવાની હતી. અને બીજું કે દરરોજ માટે પોતે જે ગુનામાં સપડાયેલો હતો એ કેશ પરથી વૈશાલી હટી જવાની હતી.

(ક્રમશ)