Radhavtaar - 17 - 18 in Gujarati Book Reviews by Khyati Thanki નિશબ્દા books and stories PDF | રાધાવતાર.... - 17 અને 18

રાધાવતાર.... - 17 અને 18

શ્રી રાધાવતાર....
લેખક શ્રી ભોગીભાઈ શાહ..,

પ્રકરણ 17 ઉદ્વવના જ્ઞાન ગર્વનું ખંડન....


ભક્તિ બે રીતથી થાય જ્ઞાનથી અને પ્રેમથી. આ બંને તત્વો હંમેશા એકબીજા સાથે સ્પર્ધા માં રહે છે અને જો જ્ઞાન અને પ્રેમ બંનેનો સમન્વય થઇ જાય તો પછી પુછવું જ શું શ્રીકૃષ્ણના બે પ્રકારના ભક્તો એક જ્ઞાનના માર્ગે અને શ્રી ઉદ્વવ અને બીજા પ્રેમમાં અંધ વ્રજવાસીઓ અને શ્રી કૃષ્ણ એ મિલન કરાવ્યું બંનેનું પોતાની લીલા દ્વારા.

શ્રી ઉદ્વવ પોતાના જ્ઞાનને ગોઠવતા ગોઠવતા વ્રજ તરફ રવાના થયા અને ત્યાં પહોંચ્યા ત્યાં તો તેમનું જ્ઞાન નું ગણિત જ જાણે ખોવાઈ ગયું.હજુ તો તેમનો રથ વ્રજ માં પ્રવેશ્યો ત્યાં તો રથ અને પહેરવેશ ને કારણે બધાં તેને કૃષ્ણ સમજી સેવા અને સત્કારમાં લાગી ગયા ઉદ્વવજી તેમને સમજાવીને થાકી ગયા અને આ સમજાવટ માં જ સાંજ પડી ગઈ.

લેખક શ્રી નું પ્રકૃતિનું સજીવારોપણ જબરદસ્ત છે . વ્રજના પ્રત્યેક ઝાડપાન, સમગ્ર વનરાવન જાણે શ્રીકૃષ્ણના વિરહમાં સુકાઈ ગયા. શ્રી ઉદ્ધવજીને વિચાર આવે છે કે પ્રકૃતિની આવી હાલત છે તો વ્રજના જીવતા જાગતા વ્રજવાસીઓ નું શું થયું હશે ? તેમના રથની ચારેકોર વ્રજ ની રજ એવી તો વીંટળાઈ ગઈ કે જાણે કોઈ વિરહી ગોપાંગના.
આ વર્ણન એટલું તો આબેહૂબ છે કે જાણે આપણે આ બધું કોઈ ચિત્રપટમાં જોઈએ છીએ.

ઉદ્ધવજીને એક પછી એક આશ્ચર્ય થયા કરે છે નંદબાબા ને યશોદાજી ને જોઈને તો તેના જ્ઞાન ને આઘાત પહોંચે છે. યશોદા મા ના કાનુડા પ્રત્યેના પ્રેમ નીતરતા સંવાદોને સાંભળીને તો થોડીવાર માટે તેઓ ચિત્તભ્રમ ગણી લે છે. પરંતુ ત્યારબાદ નંદબાબાના પણ એવા જ પ્રતિભાવથી તેમનું જ્ઞાન બહેરું થઇ જાય છે. વ્રજવાસીઓ માટે તો કૃષ્ણ તેમનો કાનુડો છે અને ઉદ્ધવજી માટે આ ગળે ઉતારવું અઘરું છે.

ઉદ્ધવજીને ફરીથી પોતાનો સંદેશ જણાવવાનું મન થાય છે. ત્યાં તો વ્રજ ગોપ ગોપી કે ભેરુ તેમની વાત કે સંદેશ કાને ધરવા જ તૈયાર નથી.તે તો સામે ઉદ્ધવજીને કહે છે કે જો એવું જ હોય તો કૃષ્ણની કહે તેઓ અમને ભૂલી જાય એટલે અમે પણ ભૂલી જસુ.આમ ઉદ્ધવજીને જ્ઞાન સાંજ સુધીમાં તો પાંગળું થઈ ગયું હવે બે જ કામ બાકી રહ્યા એક રાધાજી ને મળવું અને બીજું ગાંગી ગાયને.,...પરંતુ ગાયના સુકાયેલા હાડકા જોઈને ઉદ્વવજી હતપ્રત થઈ જાય છે.

🍂 અંધ પ્રેમમાં
જ્ઞાનને ન સમજે
લાચાર સખા 🍂

નંદબાબા પ્રથમ તો રાધાજીના મળવા વિશે શંકા સેવે છે આમ છતાં તેમની પ્રિય સખીઓ લલિતા અને વિશાખા ને બોલાવી રાધા ને મળવા જવાનું કહે છે. તેમની બંને સખીઓ અમુક શરત સાથે ઉદ્ધવજીને યમુનાના કાંઠે બોલાવે છે.

આમ દ્વિતીય અંકના મિલન ની ચરમસીમા પર વાચકોને લાવી લેખક શ્રી પ્રકરણને વિરામ આપે છે.


શ્રી રાધાવતાર...
લેખક: શ્રી ભોગીભાઈ શાહ

પ્રકરણ 18 ઉદ્ધવ ની શરણાગતિ....

વર્ણન કલા........ કથામાં ,પાત્રોમાં અને સંવાદોમાં શબ્દે શબ્દે અને દરેક વાક્યમાં સાહિત્યને પરોવતી એક સુંદર રચનાત્મકતા.શ્રી ભોગીભાઈ શાહ રચિત રાધાવતાર માં આ વર્ણન કલા સૌથી વધારે અનુભવાય છે વ્રજના સ્થળકાળ અને પ્રકૃતિના વર્ણનમાં.

અઢારમાં પ્રકરણની શરૂઆત જ પ્રકૃતિ વર્ણનથી થાય છે.વ્રજમાં યમુનાના કાંઠે જ્યારે ઉદ્વવજી પહોંચે છે ત્યારે લલીતા વિશાખા ને રાધા ની ભાળ મેળવવા નું કામ સોંપી એક ઘટાટોપ વૃક્ષ નીચે બેસી સંવાદ કરે છે.આ સમયે શ્રી ઉદ્વવજીના પૂછેલા પ્રશ્નોના જવાબો લલીતા દ્વિઅર્થી આપે છે જેના કારણે ઉદ્ધવજી નું મન ડામાડોળ થઇ જાય છે.

પરંતુ પ્રવિત્ર શ્રી કૃષ્ણ રાધામય નિકુંજ માં પ્રવેશતા જ ઉદ્ધવજી ના મનનો બધો સંતાપ હરાઇ જાય છે અને વિશાખા અને લલીતા જરૂરી સૂચનો આપી વિદાય થાય ત્યારે તે સાંભળવાની પણ ઉદ્ધવજીને જરા પરવા નથી.

નિકુંજ માં આવી રહેલા કોઈ યુગલના કર્ણપ્રિય અવાજ થી ઉદ્ધવજી નું ધ્યાન ખેંચાય છે. તેના સંવાદોથી ઉત્સવ જે અનુમાન લગાવે છે કે તે ચોક્કસ રાધા અને કૃષ્ણ જ છે ત્યારે તરત જ મનમાં શંકા સેવાય છે કે શ્રીકૃષ્ણ પોતે સ્વયં અહીં ઉપસ્થિત થઈ ગયા. આ શંકાનું સમાધાન કરવા જ તે મર્યાદા ભૂલી દોડી જાય છે ત્યાં તો શ્રીકૃષ્ણ એકલા નૃત્ય કરતા દેખાય છે તો થોડીવાર પછી રાધાજી એકલા નૃત્ય કરતા દેખાય છે અને અંતે યુગ્મ યુગલ નું સૌદ્ર્યતિત નૃત્ય શ્રી ઉધ્વજીના જ્ઞાન પાંગળું બનાવી દે છે.

🍂 રાધાકૃષ્ણ
એકમેકમાં લીન
નૃત્ય સંગ 🍂

આ લીલાના અંતે ફક્ત રાધાજી સફેદ વસ્ત્રોમાં બેઠેલા દેખાય છે અને શ્રી ઉદ્ધવજી નીચે તેમની સામે જ આંખો બંધ કરી તેમની રાહ જોવા લાગે છે. પરંતુ ધીમે-ધીમે ગર્વનો દિપક વધારે પ્રજ્વલિત થવા લાગે છે અને ફરી પાછું અહમ માં ત્યાંથી ઉદ્વવ નીકળવા માંગે છે ત્યાં તો રાધાજીનો કર્ણપ્રિય અવાજ તેમને અટકાવે છે.

સંદેશો આપવા આવી ગયેલો ઉદ્વવ ખુદ પોતે શ્રી રાધાજીની નિર્મળ વાણીના પ્રવાહમાં વહી જાય છે.અને આ અલૌકિક અનુભવ ને વિસ્તારવા માટે છ મહિના વ્રજમાં રોકાઈ જાય છે.

વ્રજના રોકાણના છેલ્લી રાત્રે શ્રી કૃષ્ણ તેમની રહી સહી બધી શંકાઓનું સમાધાન સ્વપ્નમાં આપે છે. પહેલા શ્રી કૃષ્ણ કૃપા સાધ્ય હતા અને હવે ક્રિયા સાધ્ય....આ બે શબ્દો ને સમજાવી શ્રી કૃષ્ણ એ ઉદ્વવ નું વ્રજમાં આવવાનુ કારણ સ્પષ્ટ કર્યું છે.

ઉદ્ધવજી ની વિદાય વખતે શ્રીરાધાજી તેમને પોતાની આસમાની ચુંદડી ભેટમાં આપે છે એ ચુંદડી જેની ઘણીવાર લાલાના પીતાંબર સાથે છેડાછેડી બાંધી હતી, એ ચુંદડી જેનાથી રાધે પ્રેમાશ્રુ લૂછતાં ઠેર ઠેર કાજલના ડાઘ પડી ગયા જે કૃષ્ણની યાદ અપાવે છે.

અને આમ પ્રકરણના અંતે ઉદ્વવ પોતાની જ્ઞાનયુક્ત ભક્તિને પ્રેમાળ સુર મા ગીતો દ્વારા શ્રી રાધા કૃષ્ણ ના પ્રેમ ને નિરૂપે છે. આ રચના થી આ પ્રકરણનું મધુર સમાપન થયેલું છે તો સાથે સાથે રુકમણી ને પણ શ્રી કૃષ્ણ ની યાદ આ લીલા માંથી જાગૃતિ અપાવે છે અને અંતે થયેલો અર્જુનનો નો સંદર્ભ નવા પ્રકરણની જિજ્ઞાસા વાચકોને જગાવે છે.