Pati Patni ane pret - 24 books and stories free download online pdf in Gujarati

પતિ પત્ની અને પ્રેત - ૨૪

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૪

નાગદાના મનમાં ખુશીનો પાર ન હતો. એ ખુશીથી અંગઅંગેમાં ઉત્સાહ અને ઉન્માદ ઉછાળા મારવા લાગ્યો હતો. નરવીર તેની સાથે સંબંધ બાંધીને પોતાને પ્રેતમાંથી પત્ની બનાવી દે એની ઘણા દિવસોથી નાગદા રાહ જોતી હતી. આજે એ ઘડી આવી પહોંચવાની એંધાણી નરવીરનું વર્તન આપતું હતું. જયનાનું મૃત્યુ થયું અને તેની લગ્ન કરવાની ઇચ્છા અધૂરી રહી ત્યારે તેના જીવને મોક્ષ ના મળ્યો અને પ્રેત બની ગઇ. પ્રેત બન્યા પછી જ્યારે તે પ્રેતનગરીમાં કાળરાજ ભૈરવ પાસે ગઇ અને પોતાની લગ્નની ઇચ્છા પૂરી કરવા માર્ગદર્શન માગ્યું ત્યારે તેને કાળરાજે કહ્યું કે તારે લગ્ન કરવા હોય તો પ્રેતયોનિમાંથી ફરી માનવરૂપમાં આવવું પડે. અને કોઇ સુંદર અને શ્રેષ્ઠ પરિણીત પુરુષનો સંગ કરવો પડે. એના થકી તું ગર્ભવતી બને તો ફરી માનવ સ્વરૂપમાં આવી શકે અને એક માનવ સ્ત્રી તરીકે લગ્નજીવન વ્યતિત કરી શકશે. આ વાત ભલે અશક્ય નથી તો પણ શક્ય બની શકે એની ખાતરી નથી. ઘણા પ્રેત પોતાની જુદી જુદી ઇચ્છાઓ સાથે ફરતા રહે છે. તું લગ્નની જંજાળમાં પડવાને બદલે પ્રેતાત્માના રૂપમાં આનંદિત રહે તો સારું છે. તારું લગ્નજીવન સફળ રહેશે કે નહીં એ કહી શકાય એમ નથી. તું પ્રયત્ન કરી શકે છે. તારી પાસે શક્તિઓ મર્યાદિત છે. એનો ગમે ત્યાં ગમે તે આશયથી ઉપયોગ કરતાં પહેલાં વિચાર કરજે. શક્તિઓનો ખોટો ઉપયોગ તને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ શક્તિઓ કોઇ માનવ કરતાં ઘણી વધુ છે. પણ આ દુનિયામાં એવા માનવો છે જે સાધનાથી પોતાની શક્તિઓનો વિકાસ કરી ચૂક્યા છે. અને એ તને જવાબ આપી શકે છે. તું સાવધાનીથી તારી ઇચ્છા પૂરી કરવાનું કામ કરજે.

જયનાને કાળરાજની ચેતવણીઓ યાદ આવી ગઇ. તેણે નાગદાના રૂપમાં નરવીર પર માત્ર કામવૃત્તિ જગાવવા જ શક્તિનો ઉપયોગ કર્યો હતો. નરવીરના મનમાં એક પુરુષમા જાગવી જોઇએ એ પ્રેમની ઇચ્છાઓ જાગૃત કરી રહી હતી. હવે નરવીર એક પુરુષ તરીકે વર્તવાનો હતો. તે મનમાં જ મલકાઇ રહી હતી.

નરવીરને એનું કાતિલ રૂપ વધુને વધુ નજીક ખેંચી રહ્યું હતું. ત્યારે સામેની બારીના અંદરના છજ્જા પર બેઠેલા કબૂતરની જોડી ઘૂઘૂઘૂ કરી રહી હતી. એકબીજા સાથે ચાંચ લડાવી રહી હતી. અચાનક બંને ઉડ્યા. એમના ઉડવાના ફફડાટથી નાગદા ઉંઘમાં ચમકી હોય એમ જમણો હાથ પોતાના બંને કપોતની વચ્ચે ડરથી મૂકી દીધો. નરવીરને થયું કે નાગદાના કપોત પણ ફફડી રહ્યા છે. તેના શરીરમાં વહેતું રક્ત જાણે ગરમ થઇ રહ્યું હતું. તેણે આવેશમાં નાગદાને આલિંગન આપી એની છાતીને ભીંસી નાખી. એના શરીરની ગરમાહટથી એ આનંદ અનુભવી રહ્યો. નરવીરના હાથ એની લીસ્સી કાયાને સહેલાવવા લાગ્યા.

નરવીરને સમજાતું ન હતું કે નાગદા પ્રત્યે તેને આજે આટલું બધું આકર્ષણ કેમ વધી ગયું છે. તેણે થોડી ક્ષણો પછી આલિંગન છોડી દીધું. નાગદા બંધ આંખે જ વિચારમાં પડી ગઇ. તેને પોતાનું સપનું તૂટતું લાગ્યું. તેણે ધીમેથી પોતાની આંખો ખોલી. નરવીરની આંખો પગથી માથા સુધી ફરી રહી હતી. નાગદાને એ સમજતા વાર ના લાગી કે પોતાનું સૌંદર્ય જોઇ નરવીર ગાંડો જેવો થઇ ગયો છે. આ રૂપનો તે માલિક છે એનો તેને વિશ્વાસ થઇ રહ્યો નથી.

નાગદાએ બંને હાથ ઉંચા કરી સહેજ આળસ મરડીને અંગડાઇ લીધી. નરવીરની નાગદાની સાથે આંખો મળી. નાગદાની આંખોની મસ્તીથી ઘાયલ થવા લાગ્યો. તેના હોઠ હલ્યા અને નરવીરના શરીરમાં ઉત્તેજનાની એક લહેર ફરી વળી. તેની નજર કમર પર ગઇ. ભરાવદાર કમર પર નાભિથી નીચેની તરફ સોનાનો એક કંદોરો ચમકી રહ્યો હતો. કમર પર હાથ ફેરવીને એ કંદોરાને રમાડવા લાગ્યો. નાગદા આહ ભરતી બોલી:"પ્રિયવર! આજે મને તમારી આગોશમાં સમાવી લો. મારું તનમન તમારો સાથ ચાહે છે..."

"તું કેટલી સુંદર અને આકર્ષક છે! આજે પહેલી વખત તારા રૂપને આટલી તન્મયતાથી જોઇ રહ્યો છું....આંખોથી પી રહ્યો છું."

"તમે મારા પતિ છો. આ શરીરના અંગેઅંગ પર તમારો હક છે. આ બધું તમારા માટે જ છે. હવે વિચારોમાં સમય ના વિતાવો. ઘણા દિવસથી તમારા પ્રેમની પ્યાસી છું. મારી પ્યાસ બુઝાવો પ્રિયવર!"

નાગદા બેઠી થઇને નરવીરને વળગી પડી. તેની પીઠને પ્રેમથી સહેલાવવા લાગી. નરવીર પણ તેનું અનુકરણ કરતો હોય એમ નાગદાની ખુલ્લી પીઠ પર હાથ ફેરવવા લાગ્યો અને ઉપરના ભાગ પરના એક નાનકડા વસ્ત્રની તેની પીઠ પરની દોરીને ખોલવા લાગ્યો. નાગદા ખુશીથી ઝૂમવા લાગી હતી. તે ધીમેથી ગાઇ ઉઠી...

આવી જા...પ્રિયવર, આવી જા...

તું મારા દિલમાં સમાઇ જા...

તારા પ્રેમમાં તડપું રાતદિન,

તું મારા તનમાં સમાઇ જા...

નરવીરે દોરી છોડી અને વસ્ત્ર નીચે સરકીને પડી ગયું. તેને નાગદાના શરીરનો સ્પર્શ વધુ મૃદુતાથી અનુભવાયો. તે નાગદાના શરીર પર ઓળઘોળ થવા લાગ્યો. નાગદા કોઇ પુષ્પની જેમ મહેંકી રહી હતી.

નાગદા એના કાન પર બચકું ભરી પોતાના હોઠ રાખી ગાઇ રહી.

આવી જા...પ્રિયવર આવી જા..

તું મારા દિલમાં સમાઇ જા...

આ દુનિયાને ભૂલી જઇએ,

એકબીજામાં એકાકાર થઇએ...

આવી જા...પ્રિયવર આવી જા..

નરવીરની રગેરગમાં અનંગનો રંગ લાગી ચૂક્યો હતો. તે નાગદાના સ્વરમાં ડૂબી ગયો હતો. તેના સ્વરની મોહિનીમાં શરીર પરનું બાકી બીજું વસ્ત્ર પણ દૂર કરવા તેનો હાથ કમર પર ગયો અને...

ખટ ખટ ખટ... ખટ ખટાક... ખટ... ખટ ખટ ખટ...

બારણાની સાંકળ ખખડવાના સતત અવાજથી બંને ચોંકીને અટકી ગયા. પ્રેમસમાધિ તૂટી હોય એમ એક નિસાસો નીકળી ગયો. નાગદાએ એ ખખડાટને અવગણીને ફરી નરવીરને બાથમાં લીધો અને તેના ગળા પર ચુંબન કર્યું. નરવીર એ ભીંસમાં હવે અકળાયો. તેણે ધીમેથી હાથ છોડાવતા કહ્યું:"જોને...કોઇ બારણું ખખડાવે છે..."

"આટલી સવારે કોણ હશે?" નાગદા હતાશ થઇ કપડાં પહેરીને વ્યવસ્થિત કરતાં બોલી. અને પછી મનમાં બબડી:"મારા ધ્યેયમાં વિધ્ન નાખવાની હિંમત કરનારું કોણ છે? કિનારે આવીને મારું વહાણ ડૂબી ગયું છે. મારી બધી મહેનત પાણીમાં ગઇ છે. હવે ફરી નરવીરને તૈયાર કરવાનું કામ સરળ નહીં હોય. જેણે પણ મારા કામમાં વિક્ષેપ પાડ્યો છે એને હું છોડીશ નહીં."

નાગદા વાળને સરખા કરતી દરવાજા પાસે ગઇ. ત્યારે તેને ખબર ન હતી કે નરવીર પણ ઉત્સુક્તાથી તેની પાછળ આવીને ઉભો રહી ગયો છે. નાગદાએ પહેલાં અડધો જ દરવાજો ખોલ્યો અને નજર નાખી.

નાગદાની સામે રેતા ઉભી હતી. તેની આંખોમાં દ્રઢ વિશ્વાસ દેખાતો હતો. કોઇ ધ્યેય સાથે તે આવી હોય એમ ઊભી હતી. નાગદાના રૂપમાં રહેલી જયના તેને આશ્ચર્ય સાથે ગુસ્સાથી જોવા લાગી. રેતાની નજર તેની પાછળ ઉભેલા નરવીર પર પડી. તેની આંખો ચમકી ઉઠી. તેણે ખુશીમાં ચીસ પાડી:"સાયબા...."

વધુ પચીસમા પ્રકરણમાં...