The Next Chapter Of Joker - 7 books and stories free download online pdf in Gujarati

The Next Chapter Of Joker - Part - 7

Written By Mer Mehul

અંકિતા વાસણ માંજતી હતી. તેનો નાનો ભાઈ પાર્થ બેઠકરૂમમાં ટીવી જોઈ રહ્યો હતો. તેની સાવકી માં ફોન પર કોઈની સાથે વાતો કરી રહી હતી. અંકિતાનાં ચહેરા પર આજે જુદી જ મુસ્કાન હતી. એ મુસ્કાન પાછળનું કારણ શું હતું એ ખબર નહિ પણ આજે એ ખુશ જણાતી હતી. વાસણ માંજીને અંકિતા પણ ટીવી જોવા બેઠકરૂમમાં ચાલી ગઈ. આજે કોઈ ગ્રાહક નથી આવવાનો એ વાત તેને અગાઉથી જણાવી દેવામાં આવી હતી. કદાચ તેની ખુશીનું કારણ એ પણ હોય શકે.

ફોરમ કે જે તેણીની સાવકી બહેન હતી એ બાજુનાં રૂમમાંથી આવી અને ફોન ટીવી પાસે રાખીને પાર્થનાં હાથમાંથી ટીવીનું રિમોટ છીનવી લીધું. ફોરમ અને અંકિતાને કોઈ દિવસ બન્યું નહોતું. જ્યારે પણ બંને એકબીજાની સામે આવતી ત્યારે બંને એકબીજાનાં કટ્ટર દુશ્મન હોય એવી રીતે વર્તતા. ફોરમને બધી જ સુવિધા મળતી. ફોરમ પાસે એન્ડ્રોઇડ મોબાઈલ હતો, પોતાનું લેપટોપ હતું, દર મહિને એ મોલમાંથી શોપિંગ કરી આવતી, ઈચ્છે ત્યારે દોસ્તો સાથે ફરવા ચાલી જતી.. જ્યારે અંકિતા આ બધી સુવિધાથી વંચિત હતી. તેની પાસે કોઈ મોબાઈલ નહોતો, તેને ફોરમનાં જુના કપડાં પહેરવા પડતાં. દોસ્તો સાથે ફરવાની વાત તો દૂર રહી, કોઈ કસ્ટમરને ખુશ કરવા તેનાં ઘરે જવા સિવાય અંકિતાનાં બહાર નીકળવા પર પાબંધી લગાવવામાં આવી હતી. ફોરમને જે સુવિધા મળતી એ અંકિતાને આભારી જ હતી. પોતાને કંઈ ન આપીને પોતાની સગી દીકરીને બધી સુવિધા આપે છે એમ વિચારીને અંકિતા દુઃખી થતી અને એટલે જ તેને ફોરમ પણ નહોતી ગમતી. બંને વચ્ચે ક્યારેય શબ્દોની આપ-લે ના થતી અને જ્યારે થતી ત્યારે બંને સામસામે આગ જ વરસાવતી.

અત્યારે પણ ફોરમે રિમોટ લીધું એટલે અંકિતા ગુસ્સે થઈ ગઈ.

“તારી પાસે મોબાઈલ છે તો એમાં જ પડી રહેને…શું કામ મારાં ભાઈને હેરાન કરે છે ?” અંકિતાએ ગુસ્સામાં કહ્યું.

“ટીવી તારાં બાપાનું નથી….હું મોબાઈલ મચેડું કે ટીવી જોઉં એ તારે મને નથી સમજાવવાનું.” ફોરમે પણ સામે અંગાર વરસાવ્યાં.

“તારાં ઘરમાં આ બધી વસ્તુ આવે છે ને…...” અંકિતા અટકી ગઈ. પોતે કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે એ વાતની જાણ પાર્થને નહોતી. બાર વર્ષનાં પાર્થને એવું જ બતાવવામાં આવતું કે બંને ભાઈ-બહેનને લાડથી ઉછેરવામાં આવે છે.

“આગળ બોલ…કેમ અટકી ગઈ….” ફોરમે કહ્યું.

“ચાલ પાર્થ….” પાર્થનું બાવડું ઝાલીને અંકિતા પોતાનાં રૂમ તરફ ચાલતી થઈ.

“એક મિનિટ બેટા….” અંકિતાની સાવકી માં ઉષાએ ચાસણી જેવા મીઠાં શબ્દોમાં કહ્યું. અંકિતા અટકી ગઈ, ચોંકી ગઈ..!

પોતાની સાવકી માં પાસેથી અપશબ્દો અને કટાક્ષ ભર્યા શબ્દો સિવાય જેણે બીજું કંઈ ન સાંભળ્યું હોય એની પાસેથી આવા મીઠાં શબ્દો સાંભળીને કોઈને પણ આશ્ચર્ય થાય. અંકિતા પાછળ ફરી. સામે ઉષા ચહેરા પર રહસ્યમય સ્મિત સાથે ઉભી હતી. ઉષાનાં એ રહસ્યમય સ્મિતમાં અંકિતાને કાવતરાંની ગંધ આવતી હતી. ઉષા ફોરમ પાસે ગઈ, પોતાની દીકરીનાં હાથમાંથી રિમોટ છીનવીને એ અંકિતા પાસે આવી.

“આ લે પાર્થ…ટીવી જો તું….” પાર્થ તરફ રિમોટ ધરીને ઉષાએ કહ્યું. પાર્થે  રિમોટ હાથમાં લીધું અને ટીવી સામે જઈને બેસી ગયો.

“આ શું કરે છે મમ્મી ?, મારે સીરીયલ જોવી છે….” ફોરમે ચિડ ભર્યા અવાજે કહ્યું.

“તું મોબાઈલમાં જોઈ લે….” ઉષાએ કહ્યું. ફોરમ નાક ફુલાવીને, પગ પછાડતી પછાડતી ટીવી પાસેથી મોબાઈલ લઈને પોતાનાં રૂમમાં ચાલી ગઈ.

“આ બાજુ આવ અંકિતા, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે.” અંકિતાને પોતાનાં રૂમ તરફ ઈશારો કરીને ઉષાએ કહ્યું. ઉષા કોઈ દિવસ અંકિતાને તેનાં નામથી નહોતી બોલાવતી..ધંધાવાળી, રાંડ અથવા ચુડેલ જેવા અપશબ્દોથી સંબોધનારી ઉષા આજે અંકિતાને નામથી બોલાવતી હતી એટલે અંકિતાને સમજાય ગયું હતું.

“શું વાત છે એ કહો…કારણ વિના મને ફોસલાવવાની જરૂર નથી...” અંકિતાએ ત્યાં જ ઉભા રહીને કહ્યું.

“તારાં સારા માટે કહું છું…અંદર આવ.” અંકિતાનું બાવડું ઝાલીને ઉષા તેને રૂમમાં ખેંચી ગઈ. અંકિતનાં પલંગ પર તેણીને બેસારી ઉષા તેની બાજુમાં બેઠી.

“જો દીકરી….” ઉષાએ અંકિતાનાં માથે હાથ રાખ્યો. એ જ સમયે અંકિતાએ એક ઝટકે પોતાનાં માથેથી ઉષાનો હાથ હટાવી દીધો.

“દીકરી ના કહો મને…કોઈ માં પોતાની દીકરીને રાંડ કહીને નથી બોલાવતી અને કોઈની નીચે સુવા મજબૂર નથી કરતી….” અંકિતાએ ચોખ્ખાં શબ્દોમાં કહ્યું.

“હું તારી લાગણી સમજી શકું છું…મેં તારી સાથે ખૂબ જ અન્યાય કર્યો છે…તારાં પપ્પા મને તારી માં બનાવીને પરણી લાવ્યાં હતાં પણ તેઓનાં ગયાં પછી એક સાથે ત્રણ બાળકોને ઉછેરવા મારા માટે મુશ્કેલ હતું એટલે જ મેં આવું કર્યું છે અને તું કંઈ પણ કહે…છેલ્લે તો હું તારી માં જ છું ને…!”

“સાવકી માં છો તમે…જેણે એક છોકરીની જિંદગી નર્કથી પણ ખરાબ બનાવી દીધી છે.” અંકિતાએ બેરુખીથી કહ્યું.

“બસ…વધુ ના બોલ હવે.” ઉષાએ કડક શબ્દોમાં કહ્યું, “હું તારી સાથે પ્રેમથી વાત કરું છું એનો મતલબ તારે માથે નથી ચડી જવાનું…તારા માટે એક માંગુ આવ્યું છે, તારાં લગ્ન કરવા ઈચ્છું છું એટલે તને પૂછું છું.”

“મારી સાથે જે લગ્ન કરશે એની પણ જિંદગી નર્ક જેવી બની જશે, માટે મારે લગ્ન જ નથી કરવા…મારો ભાઈ અઢાર વર્ષનો થાય એટલે અમે બંને તમને અને તમારાં ઘરને છોડીને દૂર જતાં રહીશું.” અંકિતાએ કહ્યું.

“સાંભળ ઑય છોકરી….તું જે રીતે વિચારે છે ને એવી રીતે હું તને નથી છોડવાની.” ઉષા પોતાનાં અસલી રૂપમાં આવી ગઈ હતી, “ તું મારી સોનાનાં ઈંડા આપવાવાળી મરઘી છે.. પુરુષો તારાં રૂપને જોઈને પાગલ થઈ જાય છે…હું તને એમ તો નથી જ છોડવાની…ક્યારેક મને વિચાર આવે છે..તું આટલી ખુબસુરત છે તો તારી માં કેટલી ખુબસુરત રહી હશે..જો અત્યારે એ જીવતી હોત તો એને પણ…..”

સટાક…. ઉષાની વાત અધૂરી રહી ગઈ. અંકિતાએ ઉષાનાં ગાલ પર જે તમાચો માર્યો હતો તેનો અવાજ રૂમમાં ગુંજી ઉઠ્યો. આપોઆપ ઉષાનો હાથ તેનાં ગાલ પર આવી ગયો અને ઉષાનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. એ ગુસ્સામાં જ ઉભી થઇ…બારણું વાસ્યું અને બારણાં પાછળ ટેકવેલી નેતરની સોટી હાથમાં લીધી.

“કુબ્જા…તારી માં પર હાથ ઉઠાવે છે.” કહેતાં તેણીએ સોટી ઉગારી અને અંકિતાની પીઠ પર મારી. અંકિતાનાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

“તારાં બાપે બધું લૂંટાવી દીધું હતું…મેં તને સાચવી છે..હું તને જમાવનું આપું છું અને તું જ મારાં પર હાથ ઉપાડે છે….” કહેતાં ઉષાએ બીજી સોટી મારી. આ વખતે અંકિતા ચૂપ રહી. ઉષા પોતાનો ગુસ્સો શબ્દોમાં અને સોટી મારફતે ઉતારતી રહી, અંકિતા મૌન બનીને બધું સહન કરતી રહી.

“સાંભળ હવે મારી વાત…કાલે જે શેઠ આવ્યો હતોને એને તારી સાથે લગ્ન કરવા છે અને એનાં બદલામાં એ મને મોટી રકમ આપવાનો છે.. કોઈ પણ જાતન નાટક કર્યા વિના તૈયાર થઇ જજે અને ચુપચાપ નીકળી જજે….” કહેતાં ઉષા પગ પછાડતી બહાર નીકળી ગઈ અને બારણું બંધ કરી દીધું.

અંકિતા ઉભી થઇ, છેલ્લી બે મિનિટથી રોકેલા આંસુ બહાર નીકળી ગયા. તેનો ડ્રેસ સોટીને કારણે પીઠ પરથી ચિરાઈ ગયો હતો. તેની રૂ જેવી સફેદ અને મુલાયમ ચામડી પર ઉજરડાં પડી ગયાં હતાં અને તેનાં પર લોહીનાં ટીપાં બાજી આવ્યાં હતાં. અંકિતા માટે આ બધું સામાન્ય હતું, આવા ઘાવ તો તેનાં શરીર પર ન ગણી શકાય એટલા હતાં. આંસુ લૂછી, ડ્રેસ બદલાવીને અંકિતા સુઈ ગઈ.

(ક્રમશઃ)