The Next Chapter Of Joker - 8 books and stories free download online pdf in Gujarati

The Next Chapter Of Joker - Part - 8

Written By Mer Mehul

સવારનાં સાડા નવ થયાં હતાં. અવિનાશ છેલ્લી દસ મિનીટથી AMTSનાં બસ સ્ટેન્ડ પાસે બાઇક સ્ટેન્ડ કરીને ઉભો હતો. એ પેલી બુરખાવાળી છોકરી જેણે પોતાનું નામ મુસ્કાન કહ્યું હતું તેની રાહ જોઇને ઉભો હતો. બંસી અને મનીષા થોડીવાર પહેલા જ કોલેજ જવા નીકળી ગયાં હતાં અને તેજસ હજી નહોતો આવ્યો. અવિનાશને ગઈ રાતનાં વિચારો ફરી મગજમાં આવ્યાં.

વોટ્સએપ ગૃપમાં ચેટ કરી તેણે ડેટા બંધ કર્યા અને સુવાની કોશિશ કરી હતી પણ મુસ્કાનની આંખો તેને સુવા નહોતી દેતી. રહી રહીને મુસ્કાને જે રીતે તેની સાથે આંખો મેળવી હતી એ દ્રશ્યો નજર સામે ઘૂમતા હતાં. તેની આંખો રહસ્યમય હતી, એ આંખોમાં ઘણા બધા સવાલ હતાં જેને અવિનાશ સમજી નહોતો શકતો. ઘણું વિચાર્યા પછી તેને પોતાની મૂર્ખામી પર જ હસવું આવી ગયું. તેણે પોતાની જાતની મજાક ઉડાવતાં કહ્યું, ‘કેવો પાગલ છે તું…માત્ર કોઈની આંખો જોઈને તેને પસંદ કરી લેવાય ?, પસંદ કર્યું એ વાત તો ઠીક છે…તેનો પીછો કરવાની શું જરૂર હતી ?, ચાલો પીછો કર્યો એમાં પણ કંઈ ખોટું નથી પણ ત્રણ કલાક રાહ જોવાની શું જરૂર હતી ?, તેનાથી શું મળ્યું તને ?, બેચેની જ ને..!’

અવિનાશે મુસ્કાન માટે જે ત્રણ કલાક રાહ જોઈ હતી તેનું ફળ મળ્યું તો હતું જ. તેણે મુસ્કાન સાથે વાતો કરી હતી, પોતાનાં મનની વાત કરી હતી, એ ગુમનામ બુરખાવાળીનું નામ જાણવા મળ્યું હતું અને ખાસ વાત…તેણે અવિનાશ સાથે પોઝિટિવ બીહેવ કર્યું હતું. અવિનાશ પાસે આશા જીવંત હતી. જો મુસ્કાન તેને બીજીબાર મળી જાય તો વાત આગળ વધી શકે એમ હતી, પણ કેવી રીતે ???

મુસ્કાને પોતાનાં ઘરનું સરનામું નહોતું આપ્યું, ન તો કોઈ મોબાઈલ નંબર આપ્યો હતો અને ન તો બીજી મુલાકાતનો સમય અને સ્થળ જણાવ્યું હતું. મુસ્કાન બીજીબાર અવિનાશને મળશે કે કેમ…એ પણ મોટો પ્રશ્ન હતો.

“શું ભાઈ.. કોનાં વિચારમાં ખોવાય ગયો ?” તેજસે આવીને અવિનાશને વિચારમગ્ન અવસ્થામાંથી બહાર ખેંચ્યો.

“યાર એની આંખો મારી નજર સામેથી નથી હટતી….” અવિનાશે મુસ્કુરાઈને કહ્યું.

“કોની આંખો ?, તું પંક્તિની વાત કરે છે ?” તેજસે જાણીજોઇને પંક્તિનું નામ લીધું હતું.

“ના…હું મુસ્કાનની વાત કરું છું.” અવિનાશે કહ્યું, “કાલે ઉત્તમનગર બસ સ્ટેન્ડેથી બદ્રીનારાયણ સોસાયટી બાજુ એક બુરખાવાળી છોકરી ચાલી જતી હતી…મેં જેનો પીછો કર્યો હતો, હું એ છોકરીની વાત કરું છું.”

“એવું તો શું જોઈ ગયો એનામાં તું ?” તેજસે પૂછ્યું, “તમારા બંને વચ્ચે કોઈ વાતચીત થઈ હતી ?”

“હા…મેં ત્રણ કલાક તેનાં એપાર્ટમેન્ટ બહાર રાહ જોઈ હતી અને જ્યારે એ બહાર નીકળી ત્યારે બસ સ્ટેન્ડ સુધી અમારી વાત થઈ હતી.”

“શું કહ્યું એણે ?” તેજસે ફરી પૂછ્યું, “એ તને પસંદ કરે છે કે નહીં ?”

“ખબર નહિ, બીજી મુલાકાત થાય પછી ખબર પડે…ત્યારે તો ઉતાવળમાં સરખી વાત નહોતી થઈ.”

“તો ક્યારે મળો છો બંને ?”

“એ જ તો પ્રોબ્લેમ છે…તેણે નંબર કે એવું કશું આપ્યું નથી અને બીજીવાર ક્યાં અને ક્યારે મળશે એ પણ નથી જણાવ્યું. તેણે કહ્યું છે કે મારે બીજીવાર મુલાકાત કરવી હોય તો મારે જ બધી માહિતી મેળવીને તેને શોધવી પડશે.”

“હવે આટલા મોટા શહેરમાં તું એને ક્યાં શોધીશ ?” તેજસે કહ્યું.

“કાલે એ દસ વાગ્યે અહીં આવી હતી. .આજે પણ આવશે જ ને…!”

“અને એ અહીં માત્ર કામથી આવી હશે તો ?” તેજસે કહ્યું, “ભૂલી જા ભાઈ…હવે એ નહિ મળે...”

“એવું ના બોલ બે…મારે એને મળવું છે...” અવિનાશે બેચેની સાથે કહ્યું.

“તો તું એની રાહ જો…હું જાઉં છું કૉલેજે…મારે એસાઈમેન્ટ સબમિટ કરાવવાનાં છે.” તેજસે કહ્યું.

“બાઇક લેતો જા…હું આજે કૉલેજે નથી આવવાનો….”

“એ તું જ રાખ…તારી મુસ્કાન મળે તો એને બાઇક પર બેસારીને ફરજે.” તેજસે હસીને કહ્યું, “હું બસમાં ચાલ્યો જાઉં છું.”

તેજસ સ્ટેન્ડ તરફ ચાલ્યો. કૉલેજ તરફ જતી બસ આવીને ઉભી રહી એટલે એ બસમાં ચડી ગયો. અવિનાશ આમતેમ નજર ફેરવીને મુસ્કાનને શોધતો હતો. તેણે ઘડિયાળમાં સમય જોયો. હજી દસ નહોતાં વાગ્યાં. મુસ્કાન કાલે દસ વાગ્યે આવી હતી એટલે આજે પણ દસ વાગ્યે આવશે એમ વિચારીને એ બાઇક પાસે જ ઉભો રહ્યો.

પાંચ મિનિટ થઈ હશે ત્યાં તેનો ફોન રણક્યો.

“બોલ તેજસ….” અવિનાશે ફોન રિસીવ કરીને કહ્યું.

“બે… તારી બુરખાવાળીને મેં અજિતમીલ ચાર રસ્તાનાં સ્ટેન્ડ પર ઊભેલી જોઈ…કોઈ છોકરા સાથે વાતો કરી રહી હતી એ….” તેજસનાં અવાજમાં ઉત્સાહ હતો.

“મજાક નથી કરતો ને..!” અવિનાશે પુછ્યું.

“બુરખાવાળી હતી એટલી ખબર છે મને…તારી વાળી હશે કે બીજી કોઈ એ નથી ખબર….” તેજસે કહ્યું.

“સારું.. હું જોઈ આવું.” કહેતાં અવિનાશે ફોન કટ કરી દીધો અને બાઇક સ્ટેન્ડ પરથી ઉતારી, કિક મારીને અજિતમીલ ચાર રસ્તાનાં બસ સ્ટેન્ડ તરફ બાઇક ભગાવી મૂકી. માત્ર ત્રણ જ મિનિટમાં એ સ્ટેન્ડ પાસે પહોંચી ગયો. તેણે સ્ટેન્ડ પર ઊભેલાં લોકો પર ઊડતી નજર ફેરવી. તેની સામે એક બુરખાવાળી છોકરી ઉભી હતી. અવિનાશને માત્ર તેની પીઠ જ દેખાતી હતી. એ છોકરી અદબવાળીને કોઈ છોકરા સાથે વાતો કરી રહી હતી.

‘હે ભગવાન…આ મુસ્કાન ના હોય તો સારું…’ મનમાં ભગવાન પાસે પ્રાર્થના કરતો કરતો અવિનાશ એ છોકરી પાસે જઈ પહોંચ્યો.

“એક્સ્ક્યુઝ મી….” અવિનાશે એ છોકરીને ઉદ્દેશીને કહ્યું.

“યસ….” એ છોકરીની સામે ઊભેલાં છોકરાએ જવાબ આપ્યો, “કોનું કામ છે ?”

એ બુરખાવાળી છોકરી પણ કુતુહલવશ અવિનાશ તરફ ફરી. અવિનાશ અને એ છોકરીની આંખો ચાર થઈ.

‘થેન્ક ગોડ..!’ અવિનાશ મનમાં બોલ્યો. એ મુસ્કાન નહોતી.

“સૉરી…મને લાગ્યું મારી ફ્રેન્ડ છે.” કહેતાં અવિનાશ બાઇક તરફ આગળ વધ્યો અને વિજય ચોકનાં બસ સ્ટોપ તરફ નીકળી ગયો.

બસ સ્ટોપ પાસે આવીને તેણે કાંડા ઘડિયાળમાં સમય જોયો. સવા દસ થઈ ગયા હતાં.

‘એ આવીને નીકળી તો નહીં ગઈ હોય ને..!” અવિનાશે વિચાર્યું. એ અજિત મીલ ચાર રસ્તા જઈ આવ્યો ત્યાં વીસેક મિનિટ થઈ ગઈ હતી. મુસ્કાન કાલે દસ વાગ્યે આવી હતી અને અત્યારે દસ ઉપર પંદર મિનિટ થઈ ગઈ હતી. એ બાઇક પરથી ઉતરીને સ્ટેન્ડે ગયો અને ‘કોઈ બુરખાવાળી છોકરી બસમાં ચડી કે નહીં’ તેની પૂછપરછ કરી. સ્ટેન્ડ પર ઊભેલાં લોકોએ નકારમાં જવાબ આપ્યો એટલે અવિનાશને રાહત થઈ.

(ક્રમશઃ)