The Next Chapter Of Joker - 11 books and stories free download online pdf in Gujarati

The Next Chapter Of Joker - Part - 11

Written By Mer Mehul

અવિનાશ રૂમમાં પ્રવેશ્યો ત્યારે રૂમમાં અંધારું હતું. તેણે ડાબી બાજુએ દીવાલ પર હાથ રાખ્યો અને સ્વિચ બોર્ડ શોધ્યું. સ્વિચબોર્ડની ત્રણ સ્વિચ ઑન કરી એટલે રૂમમાં અંજવાળું ફેલાઈ ગયું, સાથે પંખો પણ શરૂ થયો. રૂમમાં અજવાળું ફેલાયું, જેને કારણે બધી વસ્તુઓ દ્રશ્યમાન થઈ ગઈ. અવિનાશ સામે પલંગ પર એક છોકરી બેઠી હતી. અવિનાશને તેની પીઠ દેખાતી હતી. રૂમમાં.લાઈટો થઈ તો પણ એ છોકરીએ પોતાનો ચહેરો બારણાં તરફ ના ફેરવ્યો. અવિનાશ થોડો આગળ વધ્યો.

“માફ કરશો…મેં તમને ડિસ્ટર્બ કર્યા...” અવિનાશે કહ્યું. અવિનાશની નજર એ છોકરીનાં ખભા પર હતી. ખભા પર ચબખાની લાલ રેખા ખેંચાઈ આવી હતી. અવિનાશ બોલ્યો એટલે એ છોકરીએ પોતાનો ચહેરો અવિનાશ તરફ ફેરવ્યો, છોકરી પોતાની તરફ ચહેરો ઘુમાવે છે એ જોઈને અવિનાશે નજર નીચે કરી લીધી. અવિનાશ નજર મેળવવાનું ટાળતો હતો.

“તમે જે વિચારો છો..હું એ માટે અહીં નથી આવ્યો.” અવિનાશે નીચી નજર સાથે જ કહ્યું, “મારા દોસ્તોએ મને ટાસ્ક આપ્યો છે કે હું તમારી સાથે બેસીને વાતો કરું..તમે વાતો ના કરવા ઇચ્છતાં હોવ તો તમે સુઈ શકો છો. હું એક કલાક બેસીને નીકળી જઈશ.” અવિનાશ હિંમત એકઠી કરીને માત્ર આટલું જ બોલી શક્યો અને પછી જવાબની રાહે ચૂપ થઈ ગયો. અંકિતાએ કોઈ જવાબ ન આપ્યો અને બીજી બાજુ નજર ફેરવી લીધી.

“ઠીક છે..હું અહીં બેઠો છું.” અંકિતાને મૌન જોઈને અવિનાશ સમજી ગયો. તેણે ખૂણામાં રહેલી ખુરશી ખેંચી અને તેનાં પર બેસી ગયો. મોબાઈલ હાથમાં લઈને તેણે ગૃપમાં મૅસેજ ચેક કર્યા. હજી એ વાત પર જ ચર્ચા ચાલી રહી હતી.

‘હું એ છોકરી પાસે જ બેઠો છું’ અવિનાશે મૅસેજ લખ્યો.

થોડીવારમાં ગૃપમાં મેસેજનો ઢગલો થઈ ગયો. કોઈ રેકોર્ડિંગ માંગતું હતું તો કોઈ શરતનાં રૂપિયા. બંસી શું વાત થાય છે એ જાણવા માંગતી હતી એટલે તેનો મૅસેજ કંઈ આ મુજબનો હતો,

‘ક્યાં ટોપિક પર વાત ચાલે છે..’

‘કદાચ તેને વાત કરવાની ઈચ્છા નથી. એ ચૂપચાપ બેઠી છે અને હું પણ….’ અવિનાશે લખ્યું.

‘અબે….કોઈ ટોપિક પર વાત શરૂ કરો…તને અમસ્તા જ નથી મોકલ્યો ત્યાં…’ બંસીએ લખ્યું.

‘હું કોશિશ કરું છું’ લખીને અવિનાશે ફોન લૉક કરી દીધો. સામે બેસેલી છોકરી, જે અંકિતા હતી તે હજી પીઠ દેખાય એ રીતે જ બેઠી હતી. અવિનાશને ક્યાંથી વાત શરૂ કરવી એ સમજાતું નહોતું.

“તમારું નામ અંકિતા છે ને….” અવિનાશે પૂછ્યું. અંકિતાએ હકારમાં ડોકું ધુણાવીને જવાબ આપ્યો.

“મારું નામ અવિનાશ છે...” અવિનાશે કહ્યું, “હું અહીં શ્યામ શિખર પાસે રહું છું, મારા ફેમેલીમાં હું અને મારા પપ્પા જ છીએ…તમારી ફૅમેલીમાં કોણ કોણ છે ?”

અંકિતા હજી ચૂપ જ હતી. અવિનાશને પોતાનાં કરેલાં પ્રયાસો વ્યર્થ લાગવા લાગ્યાં. તેને કોઈ પણ વાતનો જવાબ નહોતો મળતો. અવિનાશે વાત અધૂરી છોડી અને રૂમમાં આમતેમ નજર ફેરવવા લાગ્યો.

રૂમ એકદમ સાફ લાગતો હતો. અંકિતાએ ઓછી જગ્યાનો પણ સારી રીતે ઉપયોગ કર્યો હતો. બિનજરૂરી વસ્તુ સિવાય કામની વસ્તુ જ નજરે ચડે એવી રીતે રૂમમાં ગોઠવણ કરવામાં આવી હતી. અવિનાશે રૂમમાં પ્રવેશવાનાં બારણેથી શરૂઆત કરી. બારણ પાસે કપડાં લટકાવવા માટે દિવાલમાં સ્ટેન્ડ લગાવવામાં આવ્યું હતું. જ્યાં એક રૂમાલ લટકતો હતો. દીવાલ અચ્છા જુના સફેદ રંગની હતી. જેનાં પર વાતવરણને કારણે થોડાં ડાઘ દેખાતાં હતાં. દીવાલ પાસે એક ડ્રેસિંગ કાચ હતો. ડ્રેસિંગ કાચનાં ટેબલ પર થોડી શણગારની વસ્તુઓ પડી હતી. અવિનાશે નજર બીજી તરફ ફેરવી. અંકિતા જે તરફ નજર રાખીને બેઠી ત્યાં સામે એક લાકડાનો કબાટ હતો. કબાટ પર રહેલો કાચ તોડી નાખવામાં આવ્યો હતો જેને કારણે તેમાં રહેલું પુઠું દેખાતું હતું.

અવિનાશને બીજું કંઈ જોવા જેવું લાગ્યું નહિ એટલે તેણે નજર ફેરવી. એટલામાં જ તેની નજરે કબાટની ઉપર રહેલી થેલી પર પડી. થેલીનું મોઢું બહાર તરફ હતું. તેમાંથી કપડાનો એક કટકો બહાર લટકતો હતો. અવિનાશે આંખો ઝીણી કરી.

“તમે મારી સાથે નજર મેળવી શકો છો ?” અવિનાશે કપડાં તરફ જ નજર રાખીને કહ્યું. અંકિતા જાણે જન્મજાત જ મૂંગી હોય એવી રીતે ચૂપ હતી.

“જવાબ આપો…તમે મારી સાથે નજર મેળવી શકો છો ?” આ વખતે અવિનાશે થોડાં આત્મવિશ્વાસ સાથે પૂછ્યું. અંકિતા હજી મૌન હતી. અવિનાશ ઉભો થયો અને અંકિતા તરફ આગળ વધ્યો. અંકિતાએ પોતાનો ચહેરો બીજી તરફ ધુમાવી લીધો. અવિનાશ કબાટ પાસે પહોંચ્યો અને એડીએથી ઊંચા થઈને તેણે થેલી હાથમાં લીધી. થેલીમાંથી તેણે અંદર રહેલું કાપડ બહાર કાઢ્યું.

“તમારું નામ અંકિતા છે તો આ….” અવિનાશે કાપડ તરફ જોઈને કહ્યું.

“અવિનાશ પ્લીઝ…..” અંકિતા મૌન તોડતાં કહ્યું.

“મુસ્કાન…..” અવિનાશે અંકિતાને હડપચીએથી પકડીને તેનો ચહેરો પોતાનાં તરફ ઘુમાવ્યો.

(ક્રમશઃ)