The Next Chapter Of Joker - 10 books and stories free download online pdf in Gujarati

The Next Chapter Of Joker - Part - 10

Written By Mer Mehul

રાતનાં સાડા નવ થયા હતાં. અવિનાશ થોડીવાર પહેલાં જ ઘરેથી નીકળ્યો હતો. નવ વાગ્યે વોટ્સએપ ગૃપમાં ચર્ચા શરૂ થઈ હતી. બંસીએ ગઈ કાલે અવિનાશને જે ટાસ્ક આપ્યો હતો એ પૂરો કરવા બધા અવિનાશ પર દબાણ આપતાં હતાં. પંક્તિ અને અવિનાશ જ આ ટાસ્ક પૂરો કરવાની વિરુદ્ધમાં હતાં. બહુમતીને કારણે અવિનાશે અનિચ્છાએ ટાસ્ક પૂરો કરવા ઘર બહાર નીકળવું પડ્યું.

બંસીએ ‘શિવરંજની એપાર્ટમેન્ટ’ વિશે માહિતી મેળવી હતી. અવિનાશે ‘સી’ વિંગમાં, ફ્લેટ નં.11 માં ઉષા નામની સ્ત્રીને મળવાનું હતું. ઉષા સાથે એક મિનિટ વાત કરી, તેને રૂપિયા આપીને ‘અંકિતા’ નામની યુવતીને મળવાનું હતું, જે ધંધાવાળી હતી. બંસીનાં ટાસ્ક મુજબ અવિનાશે માત્ર તેની સાથે બેસીને વાતો કરવાની હતી.

ગ્રૂપ મેમ્બરોએ ભેગા મળીને અવિનાશનાં બેન્ક ખાતામાં એક હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. અવિનાશ ATMમાંથી રૂપિયા લઈને બાપુનગર ચાર રસ્તા પાસે આવ્યો. બસ સ્ટોપ હાલ સુમસાન હતું. આજે દિવસે અવિનાશ અને મુસ્કાન અહીં મળ્યા હતાં. અવિનાશને એ ઘટનાં યાદ આવી એટલે તેનાં ચહેરા પર સ્મિત રેળાઇ ગયું. ચાર રસ્તાથી તેણે જમણી બાજુ બાઇક ચલાવી. તેણે ‘શિવરંજની એપાર્ટમેન્ટ’ જોયો તો નહોતું પણ બંસીનાં જણાવ્યા અનુસાર ‘શુભલક્ષ્મી ફલેટ્સ’ થી ત્રીજી ગલીમાં જતાં છેલ્લે આ એપાર્ટમેન્ટ આવતો હતો. અવિનાશે ‘શુભલક્ષ્મી ફલેટ્સ’ નામની બિલ્ડીંગ જોઈ હતી. સાત-આઠ વળાંક લઈને અવિનાશ ‘શુભલક્ષ્મી ફલેટ્સ’ નામની બિલ્ડીંગ પાસે આવીને ઉભો રહ્યો. ત્યાંથી ત્રીજી ગલી ગણીને તેણે જમણી બાજુ વળાંક લીધો. આ ગલીમાં બધા જુનાં મકાનો જ હતાં. ત્રણસો મીટર જેટલી બાઇક ચલાવતાં અવિનાશને ડાબી બાજુ ‘શિવરંજની એપાર્ટમેન્ટ’ નામનાં RR કેબલની એડ્વર્ટાઈઝમેન્ટ વાળું બોર્ડ દેખાયું. તેણે એ ગેટ પાસે બાઇક ઉભી રાખી અને ફ્લેટનું બોર્ડ દેખાય એવી રીતે સેલ્ફી ક્લિક કરીને ગૃપમાં મોકલી ત્યારબાદ બાઇક અંદર લઈ લીધી. સવા દસ થયા હતાં તો પણ ગેટ હજી ખુલ્લો હતો.

અવિનાશે બાઇક પાર્ક કરી એટલે સાઈઠેક વર્ષનો વોચમેન, જે ખુરશી પર સૂતો હતો એ ઉઠીને અવિનાશ પાસે આવ્યો.

“કોને મળવું છે ?” વોચમેને પૂછ્યું.

“ફ્લેટ નં.11 માં ઉષા…..” અવિનાશ પોતાની વાત પૂરી કરે એ પહેલાં વોચમેને કહ્યું, “પચાસ રૂપિયા આલો….”

અવિનાશે પોકેટમાંથી સો રૂપિયાની નોટ કાઢીને આપી. વોચમેને નોટ લઈને ગજવામાં સરકાવી.

“પચાસ પાછા તો આલો….” અવિનાશે કહ્યું.

“એ થઈ ગયું….” વોચમેન લુચ્ચું હસ્યો, “સામે દાદર ચડી જાઓ એટલે જમણી બાજુએ અગિયાર નંબરનો ફ્લેટ મળી જશે.”

અવિનાશ મોઢું કાળું કરીને ચાલવા લાગ્યો. એક માળ ચડીને અવિનાશ મુખ્ય દરવાજા બહાર આવીને ઉભો રહ્યો. તેણે આજુબાજુ નજર ફેરવી. એક માળમાં કુલ ચાર ફ્લેટ હતાં. ચારેય ફ્લેટનાં દરવાજા એકબીજાની સામસામે પડતાં હતાં. અવિનાશ જ્યાં ઉભો હતો તેની બરોબર સામેનો દરવાજો અંદરથી બંધ હતો અને બાકીનાં દરવાજા પર તાળા લગાવેલા હતાં. અવિનાશે ડોરબેલ વગાડી.

અડધીએક મિનિટ પછી દરવાજો ખુલ્યો. સામે ફોરમ ઉભી હતી.

“કોનું કામ છે ?” ફોરમે પૂછ્યું.

“ઉષા નામની સ્ત્રી અહીં રહે છે ?” અવિનાશે અચકાતાં અચકાતાં પૂછ્યું. ડરને કારણે તેનાં પગ ધ્રુજતાં હતાં. તેનાં કપાળે પરસેવો છૂટી ગયો હતો.

“ફોરમ….” અંદરથી ઉષા બરાડી, “તને કેટલીવાર સમજાવી છે કે રાત્રે તારે દરવાજો નહિ ખોલવાનો…તારા રૂમમાં જા….”

ફોરમ પગ પછાડતી પછાડતી પોતાનાં રૂમમાં ચાલી ગઈ.

“હું જ ઉષા છું.” ઉષાએ કહ્યું, “શું કામ હતું બોલો.”

“જી…હું…હું..હું...” અવિનાશ હલકાયો…

“સમજી ગઈ.” ઉષાએ કહ્યું, “પણ હવે એ ધંધો અહીં નથી થતો…સામેની વિંગમાં ત્રીજા માળે ચાલ્યાં જાઓ..ત્યાં મળી જશે તમને.”

“મને તો અહીંનું સરનામું આપ્યું હતું.” અવિનાશે કહ્યું, “તમે જ ઉષા છો ને ?”

“હા, હું જ ઉષા છું અને સરનામું પણ બરોબર છે….” ઉષાએ કહ્યું, “પણ હવે એ અહીં નહિ મળે…તમે સામેની વિંગમાં ચાલ્યા જાઓ.”

અવિનાશે હકારમાં માથું ધુણાવ્યું. ઉષાએ દરવાજો બંધ કરી દીધો. નતમસ્તક થઈને અવિનાશે નીચે તરફ પગ ઉપાડ્યા. હજી એ થોડાં પગથિયાં જ ઉતર્યો હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો.

“એક મિનિટ..ઉભા રહો….” એ ઉષા હતી. અવિનાશ દાદર ચડીને ફરી ઉપર ગયો.

“એક કલાક માટે એક હજાર થશે….” ઉષાએ કહ્યું.

“મને ખબર છે ત્યાં સુધી બે કલાક માટે હજાર લ્યો છો તમે...” અવિનાશે કહ્યું.

“એ વાત સાચી છે પણ હવે અહીં ધંધો નથી થતો…આ તો તમને જોઈને મને દયા આવી ગઈ એટલે મેં તેને મનાવી અને એ એક કલાક માટે તૈયાર થઈ છે.”

“ઠીક છે...” અવિનાશે કહ્યું. ઉષાએ રૂપિયા આપવાનો ઈશારો કરીને જમણો હાથ ફેલાવ્યો. અવિનાશે પોકેટમાંથી ગણીને હજાર રૂપિયા આપ્યાં.

“અંદર આવો….” ઉષાએ મોટી સ્માઈલ સાથે કહ્યું.

અવિનાશ અંદર ગયો. બેઠકરૂમમાં સોફા પર તેને બેસારવામાં આવ્યો. ઉષાએ ટીવીની બાજુમાં રહેલો કબાટ ખોલ્યો અને નિરોધનું પેકેટ અવિનાશનાં હાથમાં આપ્યું.

“પહેલીવાર છે ?” અવિનાશનાં ચહેરા પર બદલાતાં રંગ જોઈને ઉષાએ પૂછ્યું. અવિનાશે હકારમાં ડોકું ધુણાવ્યું.

“બરોબર જગ્યાએ આવ્યાં છો.” ઉષાએ કહ્યું, “આવો રૂમ બતાવું.”

અવિનાશ ઉભો થયો. તેણે આજુબાજુ નજર ફેરવી. ઘરમાં બધું જ રાસરચિલું હતું. કોઈ ફેમેલી રહેતું અને ઘર જેમ સ્વચ્છ રાખવામાં આવે એટલી સ્વચ્છતા અહીં દેખાતી હતી. ઉષા આગળ ચાલી, અવિનાશ તેની પાછળ. આગળ જતાં જમણી બાજુએ રસોડું હતું, બરોબર તેની સામે જ બાથરૂમ હતું. બાથરૂમનાં દરવાજા પાસે એક રૂમનો દરવાજો પડતો હતો અને તેની બાજુમાં બીજા રૂમનો. ઉષાએ પહેલાં રૂમનો દરવાજો ખોલ્યો, “ડાબી બાજુ લાઈટની સ્વીચ છે’ કહેતાં ઉષાએ અંદર જવા ઈશારો કર્યો.

અચાનક જ અવિનાશનાં દિલની ધડકન વધી ગઈ. અંદર જવા માટે તેનાં પગ ઉપડતાં નહોતાં. અવિનાશ અહીંથી પોબારા ગણવાના વિચાર કરવા લાગ્યો. અંદર જઈને જો સામેની યુવતીએ દબાણ આપ્યું તો પોતે શું રિએક્શન આપશે એવા વિચારો તેનાં મગજમાં ઘુમવા લાગ્યાં. તેણે એક ડગ પાછળ ભર્યું ત્યાં જ તેનાં ફોનમાં નોટિફિકેશનનો અવાજ આવ્યો. તેણે ઉતાવળથી ફોન પોકેટમાંથી કાઢ્યો અને ફોન ચૅક કર્યો.

વોટ્સએપમાં બધા અવિનાશ વિશે વાતો કરી રહ્યાં હતાં. અવિનાશે જે સેલ્ફી પાડીને મોકલી હતી તેનાં પર ચર્ચા થઈ રહી હતી. બંસી અને તેજસની બાદ કરતાં બધાં ગ્રૂપ મેમ્બર્સનું એવું માનવું હતું કે અવિનાશ આ કામ નહીં કરી શકે. સામે તેજસ અને બંસી એ લોકો સાથે શરત લગાવી રહ્યાં હતાં.

અવિનાશે ફોનમાં રેકોર્ડિંગ શરૂ કરીને, ફોન પોકેટમાં રાખ્યો, હિંમત એકઠી કરીને દરવાજાને ધક્કો મારીને રૂમમાં પ્રવેશ્યો.

(ક્રમશઃ)