Beggar's appetite books and stories free download online pdf in Gujarati

ભીખીની ભૂખ



ભીખીની ઝૂંપડીમાંથી એની માની બૂમ સંભળાઈ,"ભીખી ..ઓ...ભીખી મારું માથું દબાવી દે તો...."ભીખી દોડતી આવી માનું માથું દબાવવા બેઠી.મા એ પૂછ્યું,"બહાર શું કરતી હતી?" "રોટલી જમીનમાં વાવી હવે આવતાં વર્ષે રોટલીનું ઝાડ ઉગશે મા" હસતાં ચહેરે ભીખીએ જવાબ આપ્યો.ભીખીનો જવાબ સાંભળી રૂખડીને હસવું આવ્યું.અને બોલી,"રોટલીનું તે કંઈ ઝાડ થતું હશે?!રોટલી મેળવવા તો પોતે જ મહેનત કરવી પડે અને પોતાનું લોહી રેડી ઝાડ મોટું કરવું પડે દીકરા,હું તો બિમાર કંઈ ન કરી શકું બસ તારે જ મહેનત કરવાની છે."રૂખડી બસ આમ જ "હું બિમાર કંઈ ન કરી શકું" બોલી બોલીને ભીખીનાં કોમળ મનને પીગળાવી નાખતી હતી.
ભીખી અને એની મા રૂખડી એક નાનકડાં ગામમાં રહેતાં હતાં. રૂખડીને પૈસાની લાલચ અને એનાથી વિરુદ્ધ કામનું આળસ હતું.વળી,ભીખી રૂખડીનું વણજોઈતું સંતાન હતી.પણ એ આવી ત્યારે સૌએ કહ્યું કે દીકરીની મા રાજરાણી બનશે,દીકરી મોટી થાય એટલે મા ને કામની નિરાંત!આ વિચાર રૂખડીને બહુ ગમી ગયો ને મનમાં ઊંડે ઉતરી ગયો.અને એ ભીખીને એ રીતે જ મોટી કરવા માંડી.એનો પતિ સામાન્ય મજૂરી કરી રૂપિયા રળતો હતો.એને એનાં પતિથી ભારે અસંતોષ રહેતો હતો એ રોજ ઝગડતી અને પૂરતાં રૂપિયા ન કમાઈ શકવા માટે સંભળાવતી રહેતી હતી.એનો પતિ દારૂના રવાડે ચડી ગયો હતો.એટલે એણે એ બહાનું પોતાનો ફાયદો બનાવ્યો! પોતે મનફાવે એમ રહી શકે એ માટે ભીખી પંદર-સોળ વર્ષની થઈ ત્યારે પતિને ઘરેલું હિંસાના ગુના માં જેલ કરાવી દીધી અને પોતે ભીખી સાથે બીજે ગામ ઉચાળા ભરી ગઈ!
અહીં આવ્યાં પછી રૂખડીને કોઈ રોક-ટોક કરવાવાળું રહ્યું નહિ!એ માંદગીનું બહાનું કાઢી પથારીમાં રહેવા લાગી અને ભીખી પાસે પટાવી-પટાવીને આખા ઘરનું કામ કરાવવા માંડી. બચાવેલા રૂપિયા પૂરા થયાં હવે શું કરવું?પોતે તો બીમારીની આડમાં ખાતી રહેતી પણ ભીખી બિચારી એક-એક રોટલી માટે પણ અટવાતી રહેતી હતી.ભૂખ અસહ્ય થઈ પડી એટલે બિચારીએ રોટલીનું ઝાડ વાવ્યું!
છેક આ પરિસ્થિતિએ આવી ગયાં એટલે રૂખડીનું શેતાની દિમાગ જાગ્યું.એણે ગામમાં રહેતાં રમેશને મળવાનું વિચાર્યું એ ઘણાં લોકોને શહેરમાં કામ અપાવતો હતો.એ રમેશને મળી,રમેશે કહ્યું,"ભીખી હજી નાની છે એને થોડાં દિવસ મારે ત્યાં ઘરકામ કરવા મોકલો હું તમને રૂપિયા પહોંચાડતો રહીશ.મારું કામ બહુ ન હોય હું એકલો જ તો રહું છું." ભીખી રમેશને ત્યાં કામે જવા માંડી. એક દિવસ ભીખી પોતું કરતી હતી ને ગરીબીમાં પણ સુંદરતા છલકતી ભીખીની ડોકાતી કાયા પર રમેશનું શેતાની મન આવી ગયું.ભીખીનું ગરીબ કૌમાર્ય એની કારમી ચીસો સાથે વધેરાઈ ગયું! રમેશ ભીખી પર પાંચસોની નોટ ફેંકતા બોલ્યો,"તારી મા ને કહેજે આ નવી કમાણી આજથી શરૂ થઈ." ને એ ખંધુ હસ્યો.
ભીખી ધીમા પગલે અને થાકેલા શરીરે ઘરે આવી,રડતી ગઈ અને મા ને વાત કરી પાંચસો રૂપિયા ધર્યા.રૂખડીને પાંચસોની પત્તી પર નજર પડતાં જ આંખમાં ચમક આવી ગઈ! એની પૈસાની ભૂખ પૂરી કરવાનું આટલું સહેલું સાધન પાસે હતું ને એને ખબર જ નહોતી! એ બોલી,"ચૂપ મર ભીખલી,હું બિમાર કંઈ કરી શકું એમ નથી તને આટલું રૂપ ભગવાને મને મદદરૂપ થવા જ આપ્યું છે.ભૂખ્યા રહેવા કરતાં રોજનાં પાંચસો શું ખોટા છે?તારો બાપ તો નક્કામો નીકળ્યો હવે દીકરા તારી જ આશા છે."માની દયનીય વાતોમાં આવીને ભીખી પાંચસો,છસો,સાતસો કરતાં બે હજારે આવી અટકી. રમેશ તો શહેરમાં બીજા શિકારની શોધમાં નીકળી ગયો.
આ બાજુ બાજુનાં શહેરમાં એક રિક્ષાચાલક સાથે ભીખીના લગ્ન થયાં. એક દીકરી પણ થઈ.ભીખી બધું ભૂલી સુખેથી રહેતી હતી.એનો સંસાર સુખરૂપ ચાલતો હતો પણ એને હંમેશ કંઈક ખૂટતું હોય એવું જ લાગતું રહેતું હતું.આમ ને આમ છૂપા અસંતોષ સાથે જીવતાં જીવતાં દીકરી મોટી થઈ ગઈ એક દિવસ ભીખી એને શાળાએ મૂકવા જતી હતી ત્યાં જ એની નજર પાનના ગલ્લે ઉભેલા રમેશ પર પડી અને એનાં અધૂરાં અરમાનો આળસ મરડી ફરી જાગ્યા. એની પરિવર્તન પામેલી ભૂખ બમણાં જોરે ઉછળી!રમેશને જોઈને એને જાણે છપ્પનભોગનો થાળ મળ્યો એમ લાગ્યું!એને એક થાળીથી હવે સંતોષ જ ક્યાં હતો?!
બે વખતની ભૂખ ભાંગવા અને દીકરીને સારી રીતે મોટી કરવાની આશમાં આખો દિવસ રીક્ષા ચલાવી ઘરે આવતાં પતિને ઊંઘતો મૂકી એ ફોન પર કોઈ સાથે વાતો કરતી રહેતી અને દિવસ થાય એટલે દીકરીને શાળાએ મોકલી પોતાની નવી ભૂખ સંતોષવા ઉપડી જતી!એમાંથી થોડાં રૂપિયા મા ના ખાતામાં ટ્રાન્સફર કરતી રહેતી હતી.કેમકે મા જ તો હતી જેણે એની નવી ભૂખ ઉઘાડી હતી!અને શારીરિક ભૂખ સંતોષવા સાથે ધનલાલસા ની ઓળખ કરાવી હતી.

એક વખત મોઢે બુકાની બાંધેલી ભીખીને કોઈની કારમાં બેસતાં એનો પતિ જોઈ ગયો.એના વહેમની સાબિતી મેળવવા એણે રીક્ષા લઈને જ ભીખીનો પીછો કર્યો.કાર એક હોટેલ આગળ ઉભી અને નકકી કરેલા રૂમમાં ભીખી એનાં ખોરાક સાથે દાખલ થઈ!એનાં પતિનું મગજ જબરજસ્ત રીતે ફાટતું હતું પણ એને બદનામીના ડરથી ત્યાંથી ચૂપચાપ નીકળી જવું વ્યાજબી લાગ્યું.
ઘરે આવ્યો એક મજબૂત ઈરાદા સાથે ભર શિયાળે હિમ જેવાં પાણીએ ન્હાયો.દીકરીને શાળાએથી લઈને બાજુનાં ગામમાં રહેતાં પોતાના માતા-પિતા પાસે મૂકી આવ્યો.કહ્યું,"હવે આ અહીં જ રહેશે મેં કસર અને મહેનતથી એને ભણાવવા ભેગી કરેલી બેંકમાં સારી એવી રકમ છે એટલે કોઈ ચિંતા કરશો નહિ."અને એ પોતાના ઘરે આવ્યો.
ભીખી ઘરે આવી તો પોતાના પતિને ઘરમાં જોઈ થોડી ચોંકી ગઈ.પરંતુ તરત જ હસતો ચહેરો પહેરી બોલી,"આજે કેમ જલ્દી?!તબિયત તો સારી છે ને?!"પતિ બોલ્યો,"આજે જો મેં રસોઈ બનાવી, તને મારાં હાથે જમાડવી છે તારી ભવોભવની ભૂખ ભાંગવી છે." ભીખી દોડતી પતિને વળગી પડી.વળગી તો હતી પતિને પણ ખુશી કોઈ બીજી જ હતી!વિચાર્યું,"હાશ!મારાં કોઈ કારનામાની આને જાણ નથી થઈ."એકાએક અળગી થઈ પૂછ્યું, "આપણી ઢીંગલી ક્યાં?"પતિ એ એનો હાથ પકડતાં જવાબ આપ્યો,"એને એનાં સપનાઓ જીવવા થોડાં દિવસ માટે દાદા-દાદી પાસે મૂકી આવ્યો અને આજના દિવસે બસ તું, હું અને તારી બધી ઈચ્છાઓ જ રહીશું."
બીજે દિવસે દરેક ન્યૂઝ ચેનલ્સની હેડલાઈન "પતિ-પત્નીની ભૂખમરાને કારણે આત્મહત્યા,આત્મહત્યાનાં સ્થળેથી મળી આવેલી ચિઠ્ઠીમાં ઉલ્લેખ: પત્નીની ભૂખ ન સંતોષી શકવાથી લીધેલું પગલું."

કુંતલ ભટ્ટ
સુરત.