Ascent Descent - 40 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 40

આરોહ અવરોહ - 40

પ્રકરણ - ૪૦

કર્તવ્ય "બે મિનિટમાં આવું" કહીને પોતાની ગાડી પાસે ગયો. ત્યાં ઊભા રહીને એણે કોઈને ફોન કર્યો. થોડી વાતચીત પછી એ વંદનભાઈ અને સ્નેહલભાઈ ઉભાં છે ત્યાં પાછો આવ્યો. એ બોલ્યો, " લગભગ કેટલા લોકો અહીં કામ કરી રહ્યાં છે એ ખબર છે? કોણ સંભાળે છે અહીનું કામકાજ એ કંઈ ખબર છે?"

વંદનભાઈ : " લગભગ અઢીસો જેટલાં હશે. એક યુવતી હમણાં પોતાને અહીની માલિક કહેતી હતી પણ એવું લાગ્યું નહીં કે એ જ હશે! "

" તો આ સેન્ટર મોટું હશે. આ માહિતી તમને કેવી રીતે મળી? કોના દ્વારા?"

" અમારાં એક વોચમેનની દીકરી અહીં આવે છે. આડકતરી રીતે અમને થોડી ખબર પડતાં અમે બધી માહિતી લીધી. એમણે કહ્યું આર્થિક ખેંચતાણને કારણે એ દીકરી નોકરી કરે છે એવું કહેલુ. પિતા બહું ભણેલા ન હોવાથી એમણે બહું પૂછપરછ નહોતી કરી. એ લગભગ પાચ વર્ષથી અહીં આવે છે. એ વોચમેનની પત્ની ઘણા વર્ષોથી પથારીવશ છે. એક દીકરો છે એ માનસિક અને શારીરિક રીતે વિકલાંગ છે. બસ આ બધાને કારણે એ દીકરી આ બધું કરતી રહી.

બે દિવસ પહેલાં જ એને ખબર પડતાં એ પિતા તરીકે ભાગી પડ્યો. એ બોલ્યો કે મારી દીકરી ક્યાં નોકરી કરવા જાય છે એ જોવાની મારી પિતા તરીકેની ફરજ ચૂકી ગયો. બસ એના પગારથી મને આર્થિક સહારો મળતો રહ્યો એનાથી હું ખુશ થતો રહ્યો. બસ જ્યારે એનાં સગપણની વાત થઈ ત્યારે એ છોકરીએ આ કારણે આડકતરી રીતે ના કહેતાં જ બધી ખબર પડી." વંદનભાઈ ટુકમાં વાત કરીને બોલ્યાં.

કર્તવ્ય : " એમની દીકરી સાથે કંઈ વાત થઈ? એણે કંઈ કહ્યું?"

"એને બહું સમજાવટથી વાત કરતા એણે બધી જ વાત જણાવી. અમે એ દીકરી સાથે પણ વાત કરી. એણે જ બધું જણાવ્યું."

કર્તવ્ય : " પણ એમાં દરેક જણા આવી રીતે બહારથી જ આવે છે કે ત્યાં રહેનારા પણ લોકો છે?"

"મોટાં ભાગનાં લોકો આવી જ રીતે આવીને જતાં રહે છે. એટલે કોઈને બહું અંદરની વિગતો મળતી નથી. પણ એ પ્રમાણે પૈસા બહું જ ઓછાં આપે છે પણ મજબૂરીને વશ કોઈ કશું બોલતું નથી. એનું મુખ્ય સંચાલન કોઈ બહારનાં વ્યક્તિ દ્વારા થાય છે પણ એ કોણ છે પાક્કી ખબર નથી."

કર્તવ્ય : " થોડીક વાર ઉભા રહીએ. આજે તો આર યા પાર..."

સ્નેહલભાઈ: " પણ આ લોકો આપણને અંદર જવા દેશે ખરાં?"

"એ લોકો માટે તો હું મથામણ કરતો હતો. એમાં આપણાં લોકોનું કામ નથી. લોઢું લોઢાને કાપશે." એટલામાં જ બે મોટી ગાડીઓ આવીને ઉભી રહી.

કર્તવ્ય : " બસ હવે ચિંતા ન કરો. આ માણસો જ બધું કરશે. ચાલો આપણે અંદર જવાનું છે." કહીને ત્રણેય જણા એ સેન્ટરનાં મેઈનગેટ પાસે પહોંચ્યા. દરવાજા પાસે જ બે માણસોએ અટકાવ્યા. અંદર ન જવા માટે કહ્યું. એમાંથી એક બોલ્યો, " અહીં જેન્ટ્સ માટે એન્ટ્રી નથી."

કર્તવ્ય હસીને બોલ્યો, " એટલે ફક્ત રાત્રે જ એન્ટ્રી મળે છે એમ ને?

પેલો વ્યક્તિ કંઈ બોલ્યો પછી બોલ્યો," તમે અંદર નહીં જઈ શકો." પણ કર્તવ્ય એ કંઈ પણ સાભળ્યું નહીં. સીધો દરવાજો જ ખોલવા માટે ધક્કો માર્યો. પાછળથી કેટલાક લોકોએ આવીને ગેટ પાસે ઉભેલા બે લોકોને પકડીને બહાર લઈ ગયાં. અંદર દરવાજો ખોલીને જેવા અંદર પ્રવેશ્યાં કે અંદર જોયું તો એકદમ સૂનકાર દેખાયો. બહાર એક ચોગાન જેવી ખુલ્લી જગ્યા દેખાઈ.

સ્નેહલભાઈ : " આ કેવી જગ્યા છે કંઈ સમજાતું નથી.બહાર પણ કોઈ દેખાતું નથી. જાણે રહેવાની એક સીધીસાદી જગ્યા હોય એવું લાગે છે"

" ભાઈ ચિંતા ન કરો. બે મિનિટ..." પછી તરત જ કર્તવ્ય જોરથી બોલ્યો, " કોઈ છે અહીં?"

થોડીવાર કોઈ અવાજ ન આવ્યો. એટલે કર્તવ્ય ફરીવાર બોલ્યો, " તમે બહાર આવશો કે પછી અમારે આવવું પડશે?"

એટલામાં જ એક રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. એ કદાચ પચ્ચીસ- સત્તાવીશ વર્ષની જ હોય એવી એક લાગતી છોકરી બહાર આવી.

એકદમ સિમ્પલ કપડાંમાં એ યુવતી આવીને બોલી, " શું થયું ભાઈ? કેમ સવાર સવારમાં આમ બૂમો પાડો છો?"

કર્તવ્યને એ યુવતીની પર્સનાલિટી પરથી એ કોઈ અહીં કામ કરનાર હોય એવું લાગ્યું. કોઈ કોલેજમાં ભણતી હોય એવી છોકરી જ લાગે. બાકી એને જે પ્રમાણે માહિતી છે એ મુજબ કોઠાની માલિક સ્ત્રીઓ તો આમ જોરદાર હોય પુરુષોને ક્યાંય ધકેલી દે એવી એમની હિમ્મત હોય.

"અહીનું માલિક કોણ છે? મારે એક અગત્યનું કામ છે. આપના સેન્ટર માટે એક મોટી જગ્યા શોધી છે એનાં માટે વાત કરવી છે."

એ યુવતી તો કર્તવ્યની સામે જોઈ જ રહી. એ બ્લુ કલરની ટીશર્ટ અને ક્રીમ કલરની કેપરીને થોડા વિખરાયેલાં સિલ્કી બ્લેકવાળને આછી સેટ કરેલી દાઢીમાં એકદમ કુલ અને સ્માર્ટ લાગી રહ્યો છે.

એ યુવતી હસીને બોલી, " તમે હજુય ઉઘમા જ છો કે શું? હું જ આ કોઠાની માલકિન છું. આ કોઠાની અંદર કે બહાર શું થાય છે મને બધી જ ખબર છે."

કર્તવ્ય હસીને બોલ્યો, " તું આ કોઠાની માલકિન?"

" હા કેમ ન હોઈ શકે? એના માટે કોઈ લાયકાત હોય?"

"જો તું જ આ બધું ચલાવતી હોય તો કહે બેટા કે કેટલા સમયથી આ બધું સંભાળે છે?" વંદનભાઈ શાંતિથી બોલ્યા.

" જન્મથી. સમજણી થઈ ત્યારથી." એ છોકરી કદાચ બેટા શબ્દ સાભળીને સહેજ નરમ પડી.

" મતલબ?"

" પહેલાં મારી માઈ હતી હવે હું..."

" મતલબ તારી મમ્મી ક્યાં છે?"

"એને દુનિયા છોડી દીધી ને ત્રણ વર્ષથી બધું મારાં હાથમાં આવ્યું."

કર્તવ્ય સીધો વાત પર આવતાં બોલ્યો, " એક વાત પૂછું? એકલે હાથે આ બધું સંચાલન કરે છે? કે પછી કોઈ...?"

"બસ હું એટલે હું... અંતરા...પણ તમે શું કામ આવ્યાં છો મને સીધી રીતે જણાવો નહીંતર..."

" નહીંતર શું? શું કરીશ? બહાર રહેલા ગુડાઓને અમને મારવા અંદર બોલાવીશ એમને? બોલાવી લે... પણ મારાં એક પ્રશ્નનો ઉત્તર આપ પહેલાં."

અંતરાએ કહ્યું, " સવાલ યોગ્ય લાગશે તો આપીશ. બાકી આમ લોકોની વચ્ચે સવાલનો જવાબ આપવો એ હું જરૂરી નથી માનતી."

"તું પણ એક સ્ત્રી છે, સ્ત્રી થઈને તને બીજાં લોકો પાસે આવું કામ કરાવતાં તને જરાય દિલને કંઈ થતું નથી?"

" જે કામ હું ખુદ કરું છું એના માટે શી શરમ? લોકોને હું બોલાવવા નથી જતી. બાકીનું કામ તો..." કહેતાં એ અટકી ગઈ. પ્લીઝ અહીંથી જતાં રહો નહીંતર સારું નહીં થાય.

કર્તવ્ય : " જે થાય એ કરી દે. અહીં કેટલા લોકો છે અત્યારે?"

" તરત જ એણે વેદી...એવી જોરથી બૂમો પાડી ત્યાં જ તો એક પહેલવાન જેવો મોટો વ્યક્તિ હાથમાં મોટી બંદૂક સાથે હાજર થયો."

અંતરા બોલી, " આ બધાને ભગાવી દો."

ત્યાં કંઈ પણ મુશ્કેલી હોય વેદી ત્યાં એક સીટી મારે કે તરત જ એનાં માણસો ફુલ તૈયારી સાથે આવી જાય. દર વખતેની જેમ જ

વેદીએ આજે પણ જોરથી સીટી વગાડી એ સાથે બધાં જ એ અવાજ સાંભળી રહ્યાં પણ આજે એનાં માણસોની જગ્યાએ બીજાં માણસો પાછળથી અંદર પ્રવેશ્યાં અને ચારે બાજુથી એને ઘેરી લીધો. એ જોઈને અંતરા ગભરાઈ. એની જે હિમ્મત છે એ જ કેદ થઈ જશે તો એનું શું થશે?

વેદી જે એક હાથે લોકોને ઉડાડી દે પણ આજે એનાં જેવાં અનેક લોકો એને ઘેરી વળતાં એ લડત તો આપી રહ્યો છે પણ થોડીવારમાં જ એને શરણે થવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે.

આટલાં અવાજ પછી પણ કોઈ બહાર ન દેખાયું એ જોઈને કર્તવ્ય વિચારવા લાગ્યો કે ખરેખર અહીં કોઈ બીજી છોકરીઓ હશે કે નહીં? કદાચ અંતરા એકલી જ અહીં રહેતી નહીં હોય ને?

બધાનું ધ્યાન એ તરફ છે એ સમયે જ અંતરા ત્યાંથી ભાગીને એ રૂમ તરફ ભાગવાની કોશિશ કરવા લાગી. એ જ સમયે કર્તવ્ય ઝડપથી એ તરફ ભાગ્યો અને બોલ્યો, " અંતરા ભાગવાની કોશિષ ન કરીશ. નહીં તો સારું નહીં થાય."

એ ઉભી તો રહી પણ એનાં હાથ પગ કદાચ ગભરાહટને કારણે ધ્રુજી રહ્યાં છે. એને પરસેવો થવા લાગ્યો છે. એનાં હાથમાં રહેલાં મોબાઈલથી કદાચ એ કોઈને ફોન કરવાની કોશિશ કરી રહી છે એવું લાગતાં વંદનભાઈએ એની પાસેથી ફોન માગ્યો. પણ એ ના પાડવા લાગી.

કર્તવ્ય : " તું બિલકુલ ગભરાઈશ નહીં. અમે તને હાથ સુદ્ધાં નહીં લગાડીએ. પણ તું અહીં ઉભી રહીને અમે કહીએ એ બધું જણાવ."

" તમારે શું જોઈએ છે? પૈસા જોઈતાં હોય તો હું એની ગોઠવણ કરાવી દઈશ."

"અમારે આ કોઠો બંધ કરાવવો છે...!" આ સાંભળીને અંતરાની આખો પહોળી થઈ ગઈ.

શું કરશે હવે અંતરા? કર્તવ્ય લોકો અંતરા પાસેથી સાચી માહિતી કઢાવી શકશે? કોણ હશે આ બધાં પાછળ? આધ્યા એ લોકોને શું સરપ્રાઈઝ મળવાની હશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૪૧

Rate & Review

Dimple

Dimple 5 months ago

Reena

Reena 10 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago

Hemal nisar

Hemal nisar 12 months ago

S J

S J 12 months ago