Ascent Descent - 48 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 48

પ્રકરણ - ૪૮

થોડી જ મિનિટોમાં તો જાણે એ કોઠો ગોળીઓના નાદથી ગાજી ઉઠ્યો. ચોમેર એનાં અવાજો પડઘાઈ રહ્યાં છે. ત્યાં જ છુપાવેશે આજુબાજુ રહેલા કર્તવ્ય સહિત સ્નેહલ ભાઈ અને વંદનભાઈ આવી ગયાં છે. બધાં આજુબાજુ ઘેરાઈને ઉભાં છે.

કર્તવ્ય ઉત્સવને પકડીને બોલ્યો, " ઉત્સવ, ભાઈ આમ ભાનમાં આવ જરા. આ તું શું કરી રહ્યો હતો. સારું થયું અમે આવી ગયાં સમયસર નહીંતર આજે અર્થનો અનર્થ થઈ જાત."

સામે ઊભેલાં દિલીપભાઈ તો સ્તબ્ધ બનીને ઉત્સવને જોઈ જ રહ્યાં. એ કંઈ પણ બોલી જ ન શક્યાં. એમને જોતાં એવું લાગી રહ્યું છે કે કદાચ આ બધું એમની ધારણા બહાર એકદમ જ બની ગયું છે.

"ભાનમાં તો હવે આવ્યો ભાઈ. મેં તારી વાત ન માની તારી સાથે ઝઘડો કરીને ગુસ્સો કરેલો. આવા દગાખોર વ્યક્તિને કારણે મેં મારાં આવાં ભાઈ પર શક કરેલો. તારાં પર અમારાં સંબંધોની ઈર્ષ્યાનું આળ ચઢાવેલું. પ્લીઝ મને માફ કરી દે."

કર્તવ્ય : " એ તારી જગ્યાએ હું હોત તો પણ ન માની શકત. તું જરાય ખોટો નથી. એક પિતા પર શક એ કોઈ પણ સંતાન વિચારી ન શકે."

" અર્થનો અનર્થ તો થઈ જ ગયો છે. હવે શું બાકી છે?" પછી તરત જ દિલીપભાઈ સામે જોઈને ગુસ્સામાં બોલ્યો, " ચાલો મારી સાથે અંદર...કહો કોણ છે આ? અંતરા જ ને? તમારી દીકરીને?"

દિલીપભાઈ : " તને કોને કહ્યું? તું કેવી રીતે એને ઓળખે? મારી દીકરી? મને લાગે છે આ કર્તવ્ય એ જ તને બધું ખોટું ખોટું કહીને ભરમાવ્યો છે."

" હા જો એ ખોટો હોય તો તમે મને મારાં સવાલોનાં જવાબ આપોને? અંદર જે છે એનું સ્પષ્ટીકરણ કરોને. હું કદાચ આ બધું સમજી ન શકું એટલો નાનો તો નથી જ પપ્પા."

કર્તવ્ય સીધો જ રૂમમાં અંદર પ્રવેશ્યો. એણે ત્યાં સામે રહેલો એક બ્લેન્કેટ અંતરાને પહેલાં ઓઢાડી દીધો. પછી એણે બે ત્રણવાર બુમ પાડીને જગાડવા પ્રયત્ન કર્યો. પણ એણે કોઈ રિસ્પોન્સ ન આપ્યો.

ના છુટકે કર્તવ્યએ એનો હાથ પકડીને જોયું તો એનાં ધબકારા અને શ્વાસોચ્છવાસ તો ચાલું જ છે પણ એ આટલું હલાવવા છતાં કે આટલી ગોળીના અવાજથી હલી નહીં.

કર્તવ્ય બહાર આવીને બોલ્યો, " ઉત્સવ ડૉક્ટરને બોલાવીને તપાસ કરવી પડશે ક્યાક એને કંઈ થઈ ન જાય."

એ સાથે જ થોડી પરિસ્થિતિ વણસી જશે એવું લાગતાં દિલીપભાઈ ધીમેથી બોલ્યાં, " ડૉક્ટરને બોલાવવાની જરૂર નથી. એ દોઢ બે કલાકમાં ભાનમાં આવી જશે."

ઉત્સવ નવાઈથી બોલ્યો, " તમને કેમ ખબર? મને તો હવે તમારાં પર શંકા જાય છે. તમારાં પર એક ટકા જેટલો વિશ્વાસ કરવો એ પણ અઘરું છે. કંઈ આપી તો નથી દીધું ને?"

નીચું મોઢું કરીને બોલ્યાં, " ઉઘની દવા આપી છે ખાલી."

"ખાલી? આવું બોલતાં પણ શરમ નથી આવતી પપ્પા? કેમ આવું કર્યું? એ મને કહો."

" બસ ખબર નહીં આજે એ મારી વાત સાંભળવા તૈયાર નહોતી. આજે એનો મિજાજ કંઈ અલગ હતો. બિલાડીની માફક રહેતી આ વખતે એ ખબર નહીં કયા કારણે એ મારી સામે લડવા તૈયાર બની ગઈ હતી. આજે હું ઘણાં દિવસે એની પાસે આવ્યો છતાં મને ના પાડતી હતી નજીક આવવા તો મને ગુસ્સો આવી ગયો. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. "

ચારેય જણા સ્તબ્ધ બનીને આ વાક્યો સાંભળી રહ્યાં. પપ્પા આજે પહેલીવાર તમને કહું છું, " આજથી અને આ ઘડીથી કોઠો બંધ થઈ જશે. એ હવે થઈને જ રહેશે."

"જેટલાં તમે લોકો સુખસાહ્યબીમા રહો છો એની ત્રીસ ટકા કમાણી તો અહીથી મળે છે. એ બધું બંધ થઈ જશે. આ કોઠાને બંધ નહીં થવા દઉં."

"તમને જરા પણ મનમાં એક વાર વિચાર ન આવ્યો? અને બંધ નહીં થવા દઉં એટલે? તો સાંભળી લો આ આજથી જ બંધ થશે, આજથી જ બાપ દીકરાની જંગ શરૂ થઈ છે એને શરુંઆત ભલે તમે કરી હોય પણ અંત તો હું જ લાવીશ. મને તમારી વારસાગત મિલકત કે પ્રોપર્ટી કંઈ જ નહીં મળે તો પણ કંઈ ફરક નહીં પડે.

હું એક વસ્તુ વિચારીને કે ભૂલ સમજીને ચાલો તમને માફ કરી શકું કે તમારે કોઈ સાથે મમ્મી સિવાય સંબંધ હતો ને તમારી પુત્રી પણ છે. એ પણ માફ તો ન જ કરી શકાય છતાં પણ એકવાર માફ કરી દઈએ પણ પોતાની જ દીકરી સાથે આવું કૃત્ય? એ પણ એકવાર નહીં આટલાં વર્ષોથી કરી રહ્યા છો અને એ લાચાર બનીને સહન કરતી આવી છે." આ બોલતાં ઉત્સવના રૂવાટાં ઉભાં થઈ ગયાં...!

દિલીપભાઈ કંઈ પણ બોલ્યાં નહીં. થોડીવાર સન્નાટો છવાઈ ગયો. પછી દિલીપભાઈ બોલ્યાં, " પણ આ લોકો કોણ છે?"

કર્તવ્ય બોલ્યો, " ફુઆ એમની પણ ઓળખાણ કરાવી દઈએ કહેતાં જ સ્નેહલભાઈ અને વંદનભાઈ એમનાં અસલીરૂપમા આવી ગયાં.

એમનાં એક કટ્ટર બિઝનેસ હરીફ બંને જણાને જોઈને દિલીપભાઈ આભા બની ગયાં. વર્ષો સુધી બિઝનેસ વર્લ્ડમા એક આગવી છાપ, પ્રતિભા બધું જ એક જ ઝાટકે ચકનાચૂર થઈ ગયું. હવે શું થશે એની ચિંતા મનોમન સતાવવા લાગી.

કર્તવ્ય : " ફુઆ તમને તમારાં ખાસ લોકો દ્વારા ખબર નહોતી પડી કે તમારાં કર્મોનો ઘડો ભરાઈ ગયો છે, ક્યારે પણ ફુટી શકે છે." એટલામાં જ વાતચીતના દોર વચ્ચે કર્તવ્યનું અંદર રૂમમાં અચાનક ધ્યાન ગયું કે અંતરા હલનચલન કરી રહી છે મતલબ એને ભાન આવી રહ્યું છે.

કર્તવ્ય ઝડપથી અંદર પહોચ્યો. એ સાથે બધાં જ અંદર જવા લાગ્યાં ત્યાં ઉત્સવ બોલ્યો, " પ્લીઝ તમે અહીં જ રહેજો." કહીને એ પણ અંદર ગયો.

અંતરા લાચારી સાથે એ કર્તવ્યને જોઈ રહી. એની આખોમાં આસું આવી ગયાં. કંઈ બોલી ન શકી.

કર્તવ્ય : " સોરી... તે મને ભાઈ માન્યો પણ આજે હું થોડો મોડો પડ્યો. મને તું મુશ્કેલીમા છે એ એધાણ પણ આવી જ ગયો જ હતો પણ કદાચ આજે મારી એક વારની ધીરજ તને જીવનભર માટેની આ યાતનામાથી મુક્તિ અપાવે એ જરૂરી હતું. પણ બસ આ છેલ્લી વાર આજ પછી તારો ભાઈ છે ચિંતા ન કરીશ."

" ભાઈ તમે મને હિમ્મત આપી હતી મેં સામનો કરવાનો પ્રયાસ પણ કર્યો પણ કદાચ એ પુરુષની એ શક્તિ સામે હું હારી ગઈ. એને બાથ ભીડીને લડી ન શકી. એમણે મારો ફોન જ લઈને પોતાની પાસે રાખી દીધો. પછી હું શું કરી શકું?" હજુ પણ અંતરાની આખો આસુંથી છલકાઈ રહી છે.

ઉત્સવ : " તારો એક જ ભાઈ નથી આ ભાઈ પણ રહેશે હંમેશાં હવે તારી સાથે હશે તારી રક્ષા માટે" અંતરા ઉત્સવની સામે જોવા લાગી.

કર્તવ્ય બોલ્યો, " આ દિલીપ ઝરીવાલાનો દીકરો છે."

અંતરા એની સામે જોઈ રહી. પછી સહેજ દૂર હટી ગઈ.

"બાપ એવાં હોય તો પિતા પણ એવાં જ હોય જરૂરી નથી. એ બહું સારો માણસ છે. એનાં પર વિશ્વાસ રાખ. ચાલ હવે અમારી સાથે. તારો સામાન લઈ લે."

" પણ તમારાં મનમાં તો આ દિલીપ ઝરીવાલા પણ સારાં જ વ્યક્તિ હતાં ને ભાઈ?"

"દરેક માણસ બે મહોરાં લઈને ન ફરતો હોય ને? જેટલાં સમયે ઘરે હોય છે એનાં કરતાં અમે લોકો સાથે વધારે સમય હોઈએ છીએ. એની દરેક વાત મને ખબર હોય છે. એની ગેરંટી હું લઉં છું."

અંતરાને સહેજ ધરપત થતાં બોલી," પણ તમે મને કયાં લઈ જશો?"

ઉત્સવ :" જ્યાં તું સલામત રહીશ. તને કોઈ પણ જાતની ગભરાહટ નહીં રહે. મારાં ઘરે તો નહીં જ લઈ જાઉં એ જરાય ચિંતા ન કરીશ. "

અંતરાને રાહત સાથે ખુશી પણ થઈ. એ કઈ રીતે આ લોકોનો આભાર માને એ વિચારવા લાગી.

અંતરા : " ઠીક છે. હું તો આવીશ પણ આ બીજી છોકરીઓ એ લોકોને આમ સબડતી મૂકીને હું કેમ આવી શકું?"

ઉત્સવ : " પણ કોઠો જ નહીં રહેતો?"

"એ તો બરાબર છે. લગભગ દસ છોકરીઓ છે જેમને કોઈ પરિવાર જ નથી. આ કોઠો જ એમનું ઘર છે. તો પછી એમને આમ મૂકીને કેમ આવી શકું?"

કર્તવ્ય : " એ બધાં માટે પણ થઈ જશે વ્યવસ્થા. પણ હાલ તું અમારી સાથે ચાલ અને એ લોકોને બીજી એક યોગ્ય જગ્યાએ મુકવવાની વ્યવસ્થા કરુ છું. પણ એ લોકો છે ક્યાં હાલ?"

"અહીં બહાર રૂમમાં જ."

" ત્યાં તો બે જ રૂમ ખુલ્લા છે બાકીનાં રૂમ લોક છે તો એ બે ખુલ્લાં રૂમમાં છે એ લોકો?"

" નહીં ભાઈ. એ ફક્ત એક ભ્રમણા છે."

" મતલબ?"

અંતરા તરત જ કંઈ બોલ્યાં વિના ત્યાં સામેથી ચાવીઓ લઈને બહાર આવી. બહાર ઉભેલા દિલીપ ઝરીવાલાને જોઈને એ અટકી ગઈ. એ સાથે જ ઉત્સવ અને કર્તવ્ય એની આજુબાજુ આવી ગયાં અને કહ્યું, " હવે કોઈથી ગભરાવવાની જરૂર નથી." એ સાથે જ અંતરાએ ત્યાં રહેલાં ત્રણ રૂમો ચાવીથી ખોલી દીધાં. એ બહાર લોક કરેલાં રૂમમાંથી બાર જેટલી છોકરીઓ નીકળી એ જોઇને બધાં આશ્ચર્યમિશ્રિત ભાવ સાથે એકબીજાની સામે જોઈ રહ્યાં!

કેમ બધાં આમ નવાઈ પામ્યા હશે? કર્તવ્ય અંતરાને ક્યાં લઈ જશે? આધ્યા અને સોના હવે શું નિર્ણય કરશે? જાણવા માટે વાંચતા રહો, " આરોહ અવરોહ - ૪૯