Ascent Descent - 51 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 51

આરોહ અવરોહ - 51

પ્રકરણ - ૫૧

આધ્યા અને સોના સવારથી બેચેન છે. ચારેય જણા મળીને વિચારી રહ્યા છે કે ઉત્સવ એ દિવસે ગયાં પછી નથી એનો ફોન કે એ પોતે પણ આવ્યો નથી. કોઈ સમાચાર નથી બાકી એ પહેલાં તો ભલે એ ન આવે પણ ફોન કરીને સમાચાર તો અચૂક લે જ.

આધ્યા વિચારવા લાગી કે ઉતાવળમાં એ મલ્હાર પાસેથી એ દિવસે મલ્હારનો નંબર લેવાનો પણ ભૂલી ગઈ. એ પણ એ પછી આવ્યો નથી.

સોના : " કંઈ અજુગતું તો નહીં બન્યું હોય ને? મને ચિંતા થાય છે. ઉત્સવ ફોન પણ ઉપાડતો નથી."

"ચિંતા ન કર. જો કે મને પણ મનમાં ઊડે ઊડે ચિંતા થાય છે કે આજે ચાર દિવસ થયાં છતાં કોઈ ફરક્યું કેમ નથી? કે ન ફોન?"

અકીલા:" હમ વો કર્તવ્ય મહેતા કા નંબર દિયા થા ઉનપે એક બાર બાત કરે તો?"

"હા આપણને કંઈ તકલીફ તો નથી અહીં પણ આપણી આટલી સલામતી રાખનારનુ થોડું ધ્યાન તો રાખવું જોઈએ ને." કહીને આધ્યાએ એ નંબર લઈને કર્તવ્યના એ નંબર પર ફોન લગાડ્યો. બે રીગ પછી કોઈએ ફોન ઉપાડ્યો પણ આજુબાજુ બહું કોલાહલ સંભળાયો. સામેથી એટલું પૂછયું, " કોઈ તકલીફ તો નથી ને મેડમ?"

આધ્યા:" નહીં પણ તમે લોકો ઠીક છો ને? અને ઉત્સવભાઈ?"

"ચિંતા ન કરો. એ ઠીક છે. આવીને બધી વાત કરશે. હું પણ તમને લોકોને મળવા બહું જલ્દી આવીશ. મારે તમને લોકોને મળવું છે. ધ્યાન રાખજો. કંઈ કામ હોય તો ફોન કરી દેજો." ફોન મુકવા જ ગયો ત્યાં જ આધ્યા બોલી, " સોરી, પણ એક વાત પૂછી શકું?"

" હા બોલોને?"

" તમે કદાચ ઉત્સવના ફ્રેન્ડ મલ્હારને ઓળખતા હશો. એનો નંબર આપી શકો?"

" હા ઓળખું છું... પણ..." કહેતાં જ ફોન કપાઈ ગયો.

ફોન મુકીને આધ્યા કંઈ વિચારવા લાગી. એણે ફરી ફોન લગાડ્યો પણ કવરેજ ક્ષેત્રની બહાર બોલવા લાગ્યું.

સોના :"શું થયું? કંઈ ચિંતા જેવું તો નથી ને?"

"ના ઉત્સવ ઠીક છે પણ આવીને બધી વાત કરશે" કહીને બધી વાત કરીને મનમાં કંઈ વિચાર કરતી અટવાતી આધ્યા ત્યાં હોલમાંથી અંદર જતી રહી...!

*********

દિલીપભાઈની અંતિમક્રિયા બધું પતી જતાં જ બે દિવસ પછી અંતરા જ્યાં રહેતી હતી એ કોઠાના વોચમેનનો ફોન આવતાં ઉત્સવ અને કર્તવ્ય બંને એ કોઠા પર ગયા. એ વોચમેને કહ્યું કે મને સાહેબે અહીંથી જતાં પહેલાં કેટલાક કાગળોની ફાઈલ આપી હતી એ તમારાં સુધી પહોચાડવાની કહી હતી. આમાં શું છે એ તો મને ખબર નથી હું એટલું ભણેલો પણ નથી પણ સાહેબે જે રીતે સાચવીને મને આપ્યાં હતાં એ મુજબ કોઈ અગત્યનાં કાગળ હશે એવું મને લાગે છે. પણ હું તમને આપુ પહેલા આ બધું બની ગયું એટલે આજે હવે મેં તમને બોલાવ્યા.

ઉત્સવે એક પછી એક બધાં કાગળો જોયાં. એ સ્તબ્ધ થઈ ગયો. કંઈ બોલ્યો નહીં એટલે કર્તવ્ય એ એ કાગળો હાથમાં લીધા. એણે દિલીપભાઈએ લખેલી મોટી ચીઠ્ઠી વાંચવાની શરું કરી.

ઉત્સવ અને વર્ષા,

"પહેલાં તો મને માફ કરી દેજો મારી માફ ન કરી શકાય એવી અઢળક ગંભીર ભૂલો માટે...આજે મને સાચા અર્થમાં પસ્તાવો થઈ રહ્યો છે. પણ હવે હું મારાં પ્રશ્ચાતાપ માટે ગરમ થયેલા લોઢા પર બહું જલ્દી જ ઘાટ આપીને હું આજે મારાં કર્મોને અહીં જ ધોવા માગું છું. કે જેથી એ ઠરી જતાં એને ઘાટ આપવો મુશ્કેલ ન બને. મેં મારી બુદ્ધિમતા અનુસાર આજે બધું નક્કી કર્યુ છે. જો તમને યોગ્ય લાગે તો તમારાં બંનેની સહમતિથી જ આ શક્ય બનશે.

આ કોઠો મારી પ્રોપર્ટીનો હિસ્સો છે સાથે જ આવાં એક નહીં પણ કોઈની પાર્ટનરશીપ સાથે બીજાં ચાર કોઠા છે. ત્રણ આપણાં પોતાનાં છે. એમાં દરેકનાં સરનામાં પણ પાછળ લખું છું. એ બધી જે આપણી લીગલ કે જે બિઝનેસ પ્રોપર્ટી છે કે જેની તમને ખબર છે એ સિવાયની મિલકત છે. પણ હવે આ બધાં જ કોઠા બંધ કરવાનું કામ કર્તવ્યને સોપું છું. એ બધાંને જ તો તમારાં બંનેની સહમતિ હોય તો સ્ત્રી સેવા સંસ્થાન કે સમાજસેવાના કાર્ય માટે ફેરવી શકો છો. એ સિવાય એકાદ બે મિલકત વેચીને એના રૂપિયા સ્ત્રીઓની સેવામાં વાપરી શકો છો.

માફ કરશો પણ એક પ્રોપર્ટી મેં અંતરાને નામે રાખી છે કે મારી અને એની મમ્મી પહેલીવાર મળ્યાં હતાં એ અમારાં પ્રેમની નિશાની છે. એ પાચમાં કોઠો એને નામે કરેલો છે. જો કદાચ તમે એને ન અપનાવી શકો તો એનું જીવન એ એની રીતે જીવી શકે એ માટે એમાં એની મંજુરી અનિવાર્ય છે. તમે કોઈ પણ સંજોગોમાં મારી જેમ એની પર કોઈ જબરદસ્તી નહીં કરી શકો. આ માટે ફક્ત એકવાર મારાં વકીલ મિત્ર વિશ્વેશ પંડયા સાથે વાત કરી લેજો...

ફરી એક વાર માફી માગું છું...

- દિલીપ ઝરીવાલા"

એ સાથે જ બધા જ પ્રોપર્ટીના કાગળો પર એમની સહીઓ દેખાઈ. એમાં બે સેન્ટરનું નામ જોતાં તો એમનાં ઉત્સવ અને કર્તવ્ય ગભરાઈ જ ગયાં.

ઉત્સવ તો બધું એનાં જીવનમાં શું બધી રહ્યું છે એ બેબાકળો બનીને જોઈ જ રહ્યો છે. કર્તવ્ય પરિસ્થિતિ પારખીને બોલ્યો, " ભાઈ મને લાગે છે આપણે પહેલાં વિશ્વેશ પંડયાને મળવું જરૂરી છે. તું કહે તો..." ને બેય જણા એ વિશ્વેશ પંડયાને મળવા વહેલીતકે નીકળી ગયાં...!

***********

કર્તવ્ય અને ઉત્સવ વર્ષાબેનને બધી વાત કરીને વિશ્વેશ પંડ્યાના બંગલે પહોંચ્યા. એનો બંગલો જોઈને આ લોકો પણ આભા બની ગયાં.

કર્તવ્ય : " લોકો એવું કહે છે કે આ વિશ્વેશ પંડ્યા મુબઈમા આવેલાં ત્યારે એમની પાસે એક વકીલની ડીગ્રી સિવાય કંઈ જ નહોતું. પણ એમની સારી એવી પ્રેક્ટિસ અને નામનાથી એ આજે આ જગ્યાએ પહોંચ્યા છે."

ઉત્સવ : " તો સારું કહેવાય. પણ સાચુ કહું હવે મને કોઈ પર વિશ્વાસ નથી આવતો કે કોઈ માણસ સારો જ હશે."

" જોઈએ..." કહીને બંગલામાં પ્રવેશતાં વિશ્વેશભાઈએ બહુ સારી રીતે બંનેને આવકાર્યા સાથે જ દિલીપભાઈ ના મૃત્યુ ભારે દુઃખ પણ જતાવ્યુ. છેલ્લે મૂળ વાત પર આવતાં એમણે કહ્યું કે ત્રણ કોઠા દિલીપભાઈના નામે જ છે. ચોથો કોઠો એ દિલીપભાઈ અને વિશ્વેશ પંડ્યાની પાર્ટનરશિપમા છે એ સાંભળતા ફરી એક ઝાટકો લાગ્યો. કારણ કે દિલીપભાઈની જેમ જ વિશ્વેશ પંડ્યાનું નામ પણ એક મોટા, આદર્શ વકીલ તરીકે આખા મુબઈમા ગૂજે છે એ પોતે પણ આમાં સંડોવાયેલા છે એ સાંભળીને બંનેને આઘાત લાગ્યો.

ઉત્સવ નવાઈથી બોલ્યો," અંકલ તમે પણ આવું કામ કરો છો? આજે કોના પર વિશ્વાસ કરવો એ મુશ્કેલ બની ગયું છે."

"બેટા... આવું થોડું ઘણું કરવું પડે. મોંઘવારી કેટલી છે? એકલા પ્રોફેશનને પકડવાથી શું આટલાં રૂપિયા થોડાં ભેગા થાય? સંતાનો માટે પણ કંઈ કરવું તો પડે છે. આવું નાનું નાનું ક્યાંક ચાલે હવે..."

બંને એકબીજાની સામે અવાક્ થઈને જોઈ રહ્યાં.

"એક કામ કરો એ કોઠાને કોઈ ખરીદવા તૈયાર હોય તો હું વેચવા તૈયાર છું બાકી એમ હું કોઈને દાન તો ન કરી શકું. તારાં પપ્પા તો હવે બધું પરવારી ગયાં અને સ્વર્ગે સિધાવી ગયાં પણ મારે તો હજુ બધું બાકી છે."

ઉત્સવ તો વિચારવા લાગ્યો કે કોણ આ ખરીદશે આટલી મોટી કરોડોની પ્રોપર્ટી? ત્યાં જ કર્તવ્ય બોલ્યો, " હા ખરીદનાર મળી રહેશે પણ તમારે સહી કરીને એ બધું જ કામકાજ બંધ કરવું પડશે કોઈ પણ જાતની છેતરપિંડી વિના. નહીતર કદાચ આ આખી પ્રોપર્ટી તમારે ગુમાવવી પડી શકે છે કારણ કે આ બધાં જ કોઠા ગેરકાયદેસર જ ચાલી જ રહ્યાં છે."

વિશ્વેશ પંડયા થોડાં ગુસ્સામાં આવી ગયાં પણ કદાચ એમને ખબર છે એ મુજબ કર્તવ્યના મિશનની દિલીપભાઈ દ્વારા જાણ છે જ આથી એ કંઈ પણ બોલ્યાં વિના તૈયાર થઈ ગયાં.

ઉત્સવ ચિંતામાં આવી ગયો કે કોણ ખરીદશે આટલી પ્રોપર્ટી? કર્તવ્ય એ તો કેટલા વિશ્વાસથી કહી દીધું છે. પછી એ કંઈ વિચાર કરતાં બોલ્યો," ચાર કોઠાની વાત થઈ પણ પાચમાં કોઠા માટે શું છે?"

"એમાં બીજો એક વ્યક્તિ પાર્ટનર છે પણ મને નથી લાગતું કે કદાચ આ વાત માટે તૈયાર થાય. તમે વાત કરી શકો છો એમની સાથે." કહીને એણે વ્યક્તિનો નંબર આપ્યો એ જોઈને કર્તવ્ય ફરી ચમક્યો. એક પછી એક વિચિત્ર પાસાઓ ખુલતાં એને કોનાં પર વિશ્વાસ કરવો અને કોના પર ન કરવો એ દ્વિધામાં મુકાઈ ગયો...! પછી બેય જણા ત્યાંથી નીકળીને ઘરે જવા નીકળી ગયાં...!

કોણ હશે એ પાચમાં કોઠાના દિલીપભાઈના પાર્ટનર? એમની આટલી બધી પ્રોપર્ટી કોણ ખરીદશે? કર્તવ્ય કે પછી બીજું કોઈ? આધ્યાના જીવનમાં બદલાવ આવશે ખરા? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૫૨

Rate & Review

Bharat Patel

Bharat Patel 4 weeks ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 months ago

Reena

Reena 10 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago

Hemal nisar

Hemal nisar 11 months ago