Ascent Descent - 53 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 53

પ્રકરણ - ૫૩

આધ્યા મલ્હારની પાછળ રૂમમાં ગઈ. મલ્હારે તરત જ દરવાજો આડો કર્યો. આધ્યાના ધબકારા વધી ગયાં. કોઈ પુરુષનું એની સાથે એક રૂમમાં આમ એકાંતમાં હોવું એ એનાં માટે નવું નથી પણ મલ્હાર એ એની જીવનની એક મહત્વની વ્યકિત છે આથી એની લાગણીઓનું ઘોડાપૂર જાણે કોઈ અવિરત રીતે વહી રહ્યું છે. એ પોતે જાણે એની નજીક જવા માટે આકર્ષાઈ રહી છે.

મલ્હાર દરવાજો આડો કરીને દરવાજા નજીક ઉભેલી આધ્યાની એકદમ નજીક આવી ગયો. આધ્યા કંઈ જ બોલી નહીં ફક્ત એને જોતી જ રહી.

મલ્હાર આધ્યાના સુંદર ચહેરાને જોતાં બોલ્યો, " શું થયું? કેમ આમ જોઈ રહી છે? હું કોઈ જોકર લાગું છું?"

આધ્યાનુ દિલ હવે બેકાબૂ બની રહ્યું છે. એની આંખો જાણે કહ્યાં વિના પણ મલ્હારની એ આંખોની ભાષા સમજી રહી છે. છતાં પણ એ પોતાના આવેગોને સંકોરવા લાગી કારણ કે એને એક જ ડર છે કે હજુ મલ્હારને એના માટે કેવી લાગણી છે એ સ્પષ્ટ નથી. એણે એવું કંઈ કહ્યું નથી. એ આધ્યાને પસંદ પણ કરે છે કે સહાનુભૂતિ જ છે એ પણ એને નથી ખબર કારણ કે એણે હજુ સુધી પોતાનાં મતલબ માટે આવીને પોતાની ઈચ્છાઓ સંતોષીને પોતાનાં રસ્તે જતાં રહેનારાં લોકોને જ જોયાં છે. કોઈ સાચો પ્રેમ કરે એ શું કરી શકે કોઈનાં માટે એની કદાચ એને પણ ખબર નથી. મલ્હાર એનાં વિશે કંઈ ઉલટું વિચારીને હંમેશાં માટે એનાથી દૂર થઇ જાય તો? આથી એ ત્યાં જ ઉભી રહી. મલ્હાર શું કહે છે એની રાહ જોવા લાગી ત્યાં જ એની કોઈ પણ અપેક્ષા વિરૂદ્ધ મલ્હારે પળવારમાં એને પોતાનાં મજબૂત બાહોમાં સમેટી લીધી.

કેટલીવાર સુધી બેય જણા એકબીજાનાં એ સ્પર્શને માણી રહ્યાં. કોઈ કંઈ બોલ્યું નહીં બંને વચ્ચે શબ્દોની ચૂપકીદી છવાઈ ગઈ છતાં ઘણીબધી વાતો થઈ ગઈ. વર્ષો બાદ જાણે બે પ્રેમીઓ એકબીજાને આલિંગન કરી રહ્યાં હોય એમ બેય ઉષ્માભેર એમ નિકટતાને માણી રહ્યાં છે

 

આધ્યાના શ્વાસોચ્છવાસ રીતસરના મલ્હારની એ વિશાળ છાતીને લગોલગ સ્પર્શીને જઈ રહ્યાં હોય એવું મલ્હાર અનુભવવા લાગ્યો. હવે શું થશે આગળ એ પણ કદાચ બેમાંથી કોઈ વિચારવા નથી ઈચ્છતું. જાણે આ ઘડી અહીં જ થંભી જાય તો કેવું સારું? મલ્હારના સાનિધ્યને મીઠાશથી માણતી આધ્યા થોડી મિનિટો પછી અચાનક જ એક ઝાટકે એનાથી દૂર થઈને સહેજ દૂર ઉભી રહી ગઈ. એની આંખો આસુંથી ભરાઈ આવી.

 

મલ્હાર ગભરાઈ ગયો અને બોલ્યો," શું થયું આધ્યા? સોરી... મને એમ કે...તું પણ..."

 

આધ્યા આસું સાથે બોલી, " પણ મલ્હાર આનો શું મતલબ? આ કામ તો હું વર્ષોથી કરતી આવી છું પણ મને હવે સાચો પ્રેમ જોઈએ છે. મેં તને સાચાં દિલથી પ્રેમ કર્યો છે પણ જો આ સંબંધોનું ભવિષ્ય જ હોય તો એનો કંઈ મતલબ નથી ને? શકીરાહાઉસ છોડતી વખતે જ મેં નિર્ણય કરેલો કે હવે જો મને કોઈ સાચો પ્રેમ મળશે તો જ એને મારો દેહ અર્પીશ બાકી મૃત્યુને ભેટીશ પણ આ દેહને કોઈને હાથ નહીં લગાડવા દઉં."

 

મલ્હાર તો આધ્યાના ગુલાબી બનેલા એ સુદર ચહેરાને સ્તબ્ધ બનીને જોઈ જ રહ્યો પછી બોલ્યો, " સંબંધોનું ભવિષ્ય નથી એ તે કેવી રીતે નક્કી કર્યું?"

 

"નક્કી કરનાર તો હું કોણ? પણ હું એક કોલગર્લ અને તું એક અમીર પરિવારનો દીકરો હશે કદાચ...વળી તું આ સંબંધ માટે ગંભીર છે કે નહીં એ પણ મને નથી ખબર."

 

"તને હું કોણ છું? કયા પરિવારમાંથી આવું છું કંઈ પણ ખબર છે? સંબંધોની ગંભીરતા વિચારીને તું મારાથી દૂર થાય છે, મારે જો તારી સાથે એવું જ કંઈ કરવું જ હોત તો એ રાત્રે જ તને શું કામ સુવા દેત? તારાં માટે એટલાં રુપિયા શું કામ આપત? તારો મારાં પરનો વિશ્વાસ અચાનક કેમ ગાયબ થઈ ગયો?"

 

"જો તું ગંભીર છે આ સંબંધ માટે તો પણ તારો પરિવાર એક વેશ્યા તરીકે કામ કરી ચૂકેલી છોકરીને પોતાની પુત્રવધૂ બનાવવા તૈયાર થશે ખરાં? એ દુનિયાની કડવી પણ સત્ય હકીકત છે. "

 

" મલ્હાર આખોમાં આસું સાથે આધ્યાના ગુલાબી સુંદર કોમળ હોઠો પર હાથ રાખતાં બોલ્યો, " પ્લીઝ, હવે આગળ કંઈ જ ન બોલીશ. આજે જે પણ સત્યનો પડદો કે જે આપણી વચ્ચે અજાણતા છે એ બધો રાઝ ખુલી જશે. પછી નિર્ણય આપણાં બંનેનો હશે, બરાબર? એ પહેલાં તું કંઈ જ આડુંઅવળું વિચારીશ નહીં, મારી કસમ છે તને....જો તને મારાં માટે જરા પણ લાગણી હોય તો...."

 

આધ્યાએ ફક્ત એ સજળ નયને ફક્ત હકારમાં માથું ધુણાવ્યું. એ સાથે જ મલ્હાર એનો હાથ પકડીને એને બેડ પાસે લઈ ગયો અને એણે આધ્યાને પોતાની સામે બેસાડીને કહ્યું, " હવે એક સ્માઈલ કરીશ? તો જ કંઈ કહીશ."

 

એ સાથે જ બંને જણા એકબીજાની સામે જોઈને સ્મિત રેલાવા લાગ્યાં....!

**********

આધ્યા અને મલ્હાર અંદર રૂમમાં જતાં કદાચ સોના અને ઉત્સવ વાત માટે કોઈ એકાત શોધી રહ્યાં છે એવું લાગતાં નેન્સી બોલી, " અમે લોકો ટીવી જોઈએ છીએ...તમે શાંતિથી તમને ગમે ત્યાં વાતો કરો. બરાબરને અકીલા?"

 

" હા ચાલ ચાલ...હું પણ આવ્યું" અકીલા પણ બધાની સાથે થોડું ગુજરાતી બોલતાં થઈ હોવાથી એનાં વાક્યો સાંભળીને બધાને હસવું આવી ગયું.

 

બીજા એક રૂમમાં ઉત્સવ અને સોના સોફા પર બેઠા. સોનાએ જ વાતની શરૂઆત કરતાં કહ્યું, " મને તો પહેલાં તારું અહીં આવવું અને શકીરા અહીં કેવી રીતે પહોંચી સમજાયું નહીં?"

 

"અમારામાંના જ કોઈ વ્યક્તિ દ્વારા શકીરાના ખાસ વ્યક્તિને ખબર પડી કે તમે લોકો અહી છે. આ વિસ્તારમાં દરેક જગ્યાએ અમારાં અનેક માણસો છે. શકીરા અને એનાં માણસો સાથેની ગાડી જોતાં જ મને ફોન આવ્યો એટલે ફટાફટ હું અહીં આવવા નીકળ્યો. પણ વચ્ચે ગાડીમાં પ્રોબ્લેમ થતાં થોડીવાર લાગી ગઈ એટલે મારા પહેલાં આવવાની જગ્યાએ એ પહેલાં પહોંચી ગઈ. અને પાછળ પાછળ હું આવ્યો ત્યાં તમે લોકો મને સામે મળ્યાં."

 

" પણ કર્તવ્યભાઈનો ફોન આવેલો પણ એ તો આવ્યાં જ નહીં? એમણે બે વાર કહેલું કે હું આવીશ પણ એ કેમ અમને મળતાં નથી. એ કદાચ વ્યસ્ત રહેતાં હશે, પણ મને એવું લાગે છે કે એ કોઈ ખાસ કારણસર નથી મળવા આવતાં અમને. "

 

"હા એ આવવાનો જ હતો પણ એક કામમાં અટવાઇ જતાં એ મોડો પડ્યો સહેજ. પણ એ આજે ચોક્કસ મળશે તમને."

 

"અમે તમને કેવી રીતે મદદ કરી એ અમને સમજાયું નહીં." સોના નવાઈ પામતાં બોલી.

 

"શકીરાને એક મહત્વના કામ માટે પકડવી જરૂરી છે થોડો સમય માટે... અને એ અહીંથી જ મળી ગઈ. જો તમે સમયસૂચકતા વાપરીને અહીંથી નીકળી ન શક્યાં હોત તો એનાં માણસો તમને લઈ જાત તો તમને લોકોને શોધવા કે ફરી આ નોર્મલ લાઈફમાં લાવવા બહુ મુશ્કેલ કમ બની જાત અમારે માટે. "

 

એટલામાં જ એક ફોન આવતાં ઉત્સવ સાઈડમાં વાત કરવા ગયો સોનાનું દિમાગ હવે ઉત્સવની હકીકત જાણવા માટે આતુર બની ગયું છે એ ઉત્સવના આવવાની રાહ જોવા લાગી...!

**********

થોડાં આજનાં બનાવ વિશેની સામાન્ય વાતચીત બાદ મલ્હારે વાત શરું કરતાં કહ્યું, " આધ્યા તું મને પહેલાં જણાવીશ કે તું શકીરા પાસે ક્યારથી કેવી રીતે છે?"

 

" તું સાંભળી શકીશ?"

 

"સાભળવું પડશે મારે...આપણાં બંનેની હકીકત જાણીને જ જીવનમાં આગળ વધવું એ જ બેસ્ટ છે એવું મારું માનવું છે."

 

આધ્યાને પણ મલ્હારની વાત યોગ્ય લાગી. એણે સમય બગાડયા વિના વાતની શરૂઆત કરી,

 

" હું લગભગ છ- સાત મહિનાની હોઈશ ત્યારે હું શકીરા અને એનો કોઈ ખાસ વ્યક્તિ છે એમને કોઈ રીતે એક ઝુંપડપટ્ટી પાસેથી  મળેલી. મને ખબર નથી હકીકત પણ એમનાં કહેવા અનુસાર હું જે દંપતિ પાસે હતી એ લોકો સાવ ગરીબ ચીંથરેહાલ હતાં અને હું એકદમ સુંદર, ઉજળેવાન , સ્વસ્થ બાળકી હતી. એ જોઈને એમને લાગ્યું કે હું એમની દીકરી તો ન જ હોઈ શકું. એ લોકોએ કોઈ રીતે કયા ઈરાદાથી એ ખબર નથી પણ એ લોકો સાથે લડાઈ ઝઘડો કરીને કે કોઈની મદદ લઈને કે પૈસાના પાવરથી મને એમની સાથે લાવી દીધેલી.

 

એ વખતે શકીરા પોતે એક કોલગર્લ જ હતી. એ પોતે મારી જેમ જ એક જગ્યાએ કામ કરતી પણ એને એની સાથે રહેલાં વ્યક્તિ સાથે ખાસ સંબંધોને કારણે એને ક્યારેક બહાર નીકળવાની પરમિશન મળતી. એ પુરુષ કદાચ મોટો માણસ હતો પણ એણે મને ઘરે લઈ જવાની ના કહી... ત્યારે શકીરા એની સાથે ઝઘડેલી કે એનાં કહેવાથી એ બાળકોને લાવી અને હવે એ...કારણ કે હું એટલી નાની હોવાથી એ એને પોતાનાં કોઠા પર તો ન જ લઈ જઈ શકે.

 

પછી શું થયું હતું ખબર નહીં પણ થોડાં જ સમયમાં એણે નવું આખું શકીરાહાઉસ ખોલી દીધું...એ વચ્ચેના સમય દરમ્યાન હું ક્યાં રહી હતી એ મને ખબર નથી. અને એ દિવસથી શકીરા એની માલિકન બની ગઈ.... ને મારો પણ ત્યાં ઉછેર થવા લાગ્યો...!

 

શું શું બન્યું હશે આધ્યા સાથે? શકીરા આધ્યાની પાસે શું ઈચ્છતી હશે? એ શકીરાનો ખાસ વ્યક્તિ કોણ હશે? મલ્હારની હકીકત શું હશે? બંને એકબીજા સાથે એક સંબંધમાં બંધાઈ શકશે? અંતરાને વર્ષાબેન પોતાનાં પરિવારમાં અપનાવી શકશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૫૪