Ego - 21 books and stories free download online pdf in Gujarati

અહંકાર - 21

અહંકાર – 21

લેખક – મેર મેહુલ

“એક મિનિટ સર…તમે ગલત નથી…” કહેતા અનિલે સ્લેબનાં ખૂણામાં રહેલા હાર્દબોર્ડનાં ખોખા તરફ આંગળી ચીંધી. જયપાલસિંહે ત્યાં નજર ફેરવી એટલે તેની આંખો ચમકી ગઈ. હાર્ડબોર્ડનાં ખૂણે ખોખા માંથી લાકડાનો એક હાથો બહાર દેખાતો હતો.

“નીચેથી ખુરશી લઈ આવ….” જયપાલસિંહનાં શબ્દોમાં ઉમંગ હતો, અનુમાન સાચું પડવાની ખુશી હતી. અનિલ ફટાફટ નીચેથી ખુરશી લઈ આવ્યો અને ખૂણામાં રાખી. જયપાલસિંહ ગજવામાંથી હાથરૂમલ કાઢ્યો અને ખુરશી પર ચડીને લાકડાનાં હાથા પર રૂમાલ રાખીને પકડ મજબૂત કરી. ત્યારબાદ એ લાકડાનાં હાથાને બહાર તરફ ખેંચ્યો. હાથાને બહાર ખેંચતા બંનેને માલુમ પડ્યું કે એ લાકડાનો હથિયાર નહોતો. અડધી વેંતના હાથા પછી એક ફૂટ જેટલું લાબું આયર્નનું અણિયાળ ખંજર હતું. ખંજર પર લોહી લાગેલું હતું જે હાલ સુકાઈ ગયું હતું.

“વાહ સર…” અનિલે કહ્યું, “આખરે તમારું અનુમાન સાચું પડ્યું જ..”

“હા…” કહેતાં જયપાલસિંહ ખુરશી પરથી નીચે ઉતર્યો, “મોહિતે ખોટી પીલ આવી ગઈ એવું કહ્યું હતું ત્યારથી મને એનાં પર શંકા હતી અને મેં ભૂમિકાને એટલે જ કાજલ સાથે પૂછપરછ કરવા મોકલી હતી. મોહિતે એ રાત્રે કાજલને ઊંઘની ગોળીઓ આપીને સુવરાવી દીધી હતી અને ત્યારબાદ હાર્દિકનાં મર્ડરને અંજામ આપ્યું હતું. આપણી પાસે કોઈ સબુત નહોતું એટલે આપણે કશું નહોતાં કરી શકતાં..”

“ચાલ હવે મોહિતને રિમાન્ડ પર લેવાનો સમય આવી ગયો છે..” જયપાલસિંહે કહ્યું.

જયપાલસિંહ ખંજરને કપડામાં લપેટી લીધું. બંને બહાર આવી ગયા એટલે ઓમદેવકાકાએ ઘરને તાળું લગાવી દીધું.

અગિયાર વાગ્યા સુધીમાં બંને ચોકીએ પહોંચી ગયા હતાં. ભૂમિકા અને દિપક હોસ્પિટલે હર્ષદને લેવા માટે ગયા હતાં. અનિલ મોહિતને ઇન્કવાઇરી રૂમમાં લઈ આવ્યો, જ્યાં જયપાલસિંહ અગાઉથી જ હાજર હતો.

“બેસ મોહિત…” જયપાલસિંહે શાંત ચિત્તે કહ્યું. જયપાલસિંહમાં હાથમાં પેલી નેતરની સોટી હતી. જેને વારંવાર હાથમાં લઈને એ ફેરવી રહ્યો હતો.

“મને અહીં શા માટે બોલાવવામાં આવ્યો છે ?” મોહિતે પૂછ્યું.

“એમાં એવું છે ને બેટા કે તું વધુ સમય સરકારી ખાવાનું ખાઈશ તો જાડીયો થઈ જઈશ અને એ મને નહિ ગમે…” જયપાલસિંહે કહ્યું, “એટલે તારા માટે હું આ ખંજર લઈ આવ્યો છું, હું થોડું સુથારકામ પણ જાણું છું, તને મફતમાં કરી આપીશ”

જયપાલસિંહે ટેબલ પર પેલું કાપડ રાખ્યું અને એ કાપડને ખોલીને ખંજર દ્રશ્યમાન કર્યું. ખંજર જોઈને મોહિતનાં મોતીયા મરી ગયા.

“આ..આ.. ખંજર કોનું છે ?” મોહિતે હકલાતા હકલાતા પૂછ્યું.

જયપાલસિંહ ઉભો થયો અને મોહિત પાસે આવીને તેનાં સાથલ પર સોટી ફટકારી, જેનાં કારણે મોહિતનાં મોંઢામાંથી ચીખ નીકળી ગઈ.

“કોનું છે આ ખંજર ?” જયપાલસિંહે કડક અવાજે પૂછ્યું.

“મારું છે સર…” મોહિત ગળગળો થઈ ગયો, “મેં જ હાર્દિકનાં પેટમાં આ ખંજર ભોંક્યું હતું”

“ગુડ બોય…” કહેતા જયપાલસિંહ પોતાની જગ્યા પર આવીને બેઠો, “હવે શા માટે ભોંક્યું એ પણ જણાવી દે..”

“હાર્દિક અહંકારી માણસ હતો સર.., અમારા રૂમ પાર્ટનર પણ આ વાત જાણતાં હતાં. હાર્દિક ઘરમાં મનફાવે એવા નિયમો બનાવતો અને પોતે જ એ નિયમોનું પાલન નહોતો કરતો. અઠવાડિયામાં એક રૂમ પાર્ટનર સાથે હાર્દિકને ઝઘડો થતો જ અને છેલ્લે હાર્દિક પોતાનાં હોદ્દાની ગરજ બતાવીને સામેવાળાને દબાવી દેતો. મારી સાથે પણ આવું કંઈક થયું હતું.

એક વર્ષ પહેલાં હાર્દિકને એક લાખ રૂપિયાની જરૂર હતી. ત્યારે હું નવો નવો જ તેની સાથે રહેવા આવેલો એટલે હાર્દિકનાં સ્વભાવથી હું વાકેફ નહોતો. એ અમારો સેલ્સ મેનેજર હતો અને હું એની નીચે કામ કરતો હતો. હાર્દીકની નજદીક જવાના ઈરાદાથી મેં તેને ભેગા કરેલા લાખ રૂપિયા એક મહિને પાછા આપવાની શરતે આપી દીધા. એક મહિનાની બદલે પાંચ મહિના થઈ ગયા તો પણ હાર્દિક લાખ રૂપિયા પાછા આપવાની વાત જ નહોતો કરતો.

છેલ્લે મેં જ તેને યાદી આપી હતી, શરૂઆતમાં આપી દઈશ એમ કહીને એ વાત ટાળી દેતો. જ્યારે મારે ઘરે રૂપિયા આપવાનાં હતા ત્યારે એ હાથ ઊંચા કરીને ઉભો રહી ગયો અને ‘થશે ત્યારે આપીશ, વારંવાર યાદ ન અપાવ’ એવું કહ્યું.

મેં ત્યારે મહિનાનાં ત્રણ ટકાની ઉધારીએ લાખ રૂપિયા લઈને ઘરે આપ્યા હતાં. ત્યારબાદ હું અઠવાડિયામાં બે-ત્રણવાર હાર્દિકને રૂપિયા પાછા આપવાની વાત યાદ અપાવતો અને દર વખતે વાત ટાળીને જતો રહેતો.

આખરે કંટાળીને મેં પોલીસ કેસ કરવાની ફરિયાદ કરી ત્યારે એણે મારી સાથે મારપીટ કરી હતી અને ‘બધા રૂપિયા તારી બેન પાછળ જ ઉડાવ્યાં છે, એની પાસેથી માંગી લે’ એવું કહ્યું હતું.

એ દિવસ મેં તેની પાસેથી રૂપિયા માંગવાનું બંધ કરી દીધું હતું, પણ એણે કહેલી વાતો મારા મગજમાં હાથોડાની જેમ વાગતી હતી. હાર્દિક જન્મદિવસ પર પાર્ટી કરવાનો હતો, એ વાતની ચર્ચા અઠવાડિયા પહેલા જ થવા લાગી હતી. ત્યારે જ મારા મગજમાં હાર્દિકને મારવાનો પ્લાન બની ગયો હતો.

હું વાંકમાં ન આવું એટલે મેં કાજલની સાથે ઉપરનાં રૂમમાં રહેવાનું નક્કી કર્યું હતું. રાતનાં જ્યારે એ લોકો ઝઘડતાં હતાં ત્યારે હું બધું જ સાંભળતો હતો. બધાનાં સુઈ ગયા બાદ કાજલનાં પાણીનાં ગ્લાસમાં ઊંઘની ગોળીઓ ભેળવીને મેં એને બેહોશ કરી દીધી. પોલીસ જ્યારે પૂછપરછ કરે ત્યારે હું પુરી રાત કાજલ સાથે સૂતો હતો એની સાબિતી માટે જ મેં કાજલનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ અગાસી પરથી હું સઝા પર ઉતર્યો હતો. હું સઝા પરથી નીચે કેમ ઉતરવું એ વિચારી રહ્યો હતો એ દરમિયાન દરવાજો ખોલીને કોઈ બાલ્કનીમાં આવ્યું હતું. હું રીતસરનો ડરી ગયો હતો. ત્યારે મને લાગ્યું મારું કાવતરા વિશે બધાને જાણ થઈ જશે.

હું શ્વાસ રોકીને હલનચલન કર્યા વિના દિવાલને ટેકો આપીને ટટ્ટાર ઊભો રહી ગયો. જ્યારે મોબાઇલની ડિસ્પ્લેમાં લાઈટ થઈ ત્યારે મને એ વ્યક્તિનો ચહેરો દેખાયો, એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ ભાર્ગવ જ હતો. ભાર્ગવે મોબાઇલની ફ્લેશ લાઈટ શરૂ કરી એટલે દિવાલનાં ટેકે રહેલી હાર્દિકની ડેડબોડી દ્રશ્યમાન થઈ. એનાં ગળામાંથી લોહી નીકળેલું હતું, શર્ટ પણ લોહીવાળો હતો. મારી પહેલા કોઈએ હાર્દિકને સ્વધામ પહોંચાડી દીધો છે એ વાત સમજવામાં મેં માત્ર બે જ સેકેન્ડનો સમય લીધો હતો.

ત્યારબાદ ભાર્ગવે આજુબાજુ ફ્લેશ ધુમાવી હતી, દરવાજાની દીવાલ પાસે એણે કશું જોયું હતું એટલે તેનાં ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેણે ગજવામાંથી ચપ્પુ કાઢી અને ત્યાં રહેલા વ્યક્તિને મારવા ઉગારી હતી. હું જે સઝા પર ઊભો હતો એ જ દિવાલનાં ટેકે કોઈ વ્યક્તિ હતો, જે કોણ હતું એ મને નહોતી ખબર. ભાર્ગવે ચપ્પુ ઉગારી એ જ સમયે તેનાં મોબાઈલમાં કોઈનો મૅસેજ આવ્યો. મૅસેજ વાંચીને ભાર્ગવે ઉગારેલો હાથ નીચે લઈ લીધો.

ત્યારબાદ એ હાર્દિક પાસે પહોંચ્યો હતો અને હાર્દિકની છાતીમાં ચપ્પુ ભોંકીને એણે પોબારા ગણી લીધાં હતાં. ત્યારબાદ હું દસ મિનિટ એ જ હાલતમાં ઊભો રહ્યો. કોઈ હલનચલન નથી થતું એ જોઈને હું ઉપરનાં બાથરૂમમાંથી નીકળતી પીવીસી પાઈપનાં સહારે નીચે આવી ગયો.

મેં બારણાં પાસેની દીવાલ પર નજર ફેરવી તો એ હર્ષદ હતો, એનાં માથા પર પણ કોઈએ વાર કરેલો હતો. મેં એને જગાવવા ઢંઢોળ્યો પણ એ જાગ્યો નહિ. હાર્દિકને તો કોઈએ અગાઉથી જ મારી નાંખ્યો હતો તો મારે મારવાની જરૂર જ નહોતી. એટલે હર્ષદને જગાડીને હું વિકટમ બનવા ઇચ્છતો હતો.

હર્ષદ ન જાગ્યો એટલે તેનાં માથા પરની ચોંટ વધુ ગંભીર છે અને સવાર સુધીએ હોશમાં નહિ આવે એમ વિચારીને હું પલટ્યો હતો. મેં હાર્દિકને મારવા માટે ત્રણ દિવસ પહેલાં જ ખંજર ખરીદ્યું હતું, બધાની નજરમાંથી છૂપાવીને મેં એ ખંજર તૂટેલા હાર્ડબોર્ડનાં ખોખામાં રાખ્યું હતું. અત્યારે એ ખંજર મારી કમરે હતું.

મેં કમરેથી ખંજર કાઢ્યું અને હાર્દિકનાં પેટમાં ભોંકીને પોતાનો ગુસ્સો શાંત કર્યો હતો. ત્યારબાદ હું ચુપચાપ આવ્યો હતો એ જ રસ્તેથી ઉપર ચડીને કાજલની બાજુમાં સુઈ ગયો હતો”

જયપાલસિંહ મોહિત સામે જોઈ રહ્યા.

“સઝા પરથી જે પગનાં નિશાન મળ્યા હતાં એ તો તારા પગનાં નહોતાંને..?” જયપાલસિંહે પૂછ્યું.

“હું સઝા પર ઉભો હતો એ દરમિયાન મારા પગને હું બની શકે એટલા પાછળ ખેંચતો હતો, જેને કારણે ત્યાં એ જ જગ્યાએ મોટી છાપ ઉપસી આવી હશે”

“ઓહહ..” જયપાલસિંહે હુંહકાર ભર્યો, “તે જ્યારે ખંજર ભોંક્યું હતું, જ્યારે પેટની બીજી બાજુએ કોઈ ઘાવ હતો ?”

“ના સર..છાતી પર બે ઘાવ અને એક ગળા પર ચિરો હતો..”

“ઓહહ..” જયપાલસિંહે કહ્યું, “શિવ, જય અને હર્ષદમાંથી કોઈએ હાર્દિકને ઉધારી આપેલી ?”

મોહિતે નકારાત્મક ઢબે માથું ધુણાવ્યું.

“ઠીક છે..” કહેતાં જયપાલસિંહ ઊભો થયો અને અનિલને અવાજ આપ્યો. અનિલ મોહિતને ભાર્ગવવાળી સેલમાં છોડી આવ્યો.

જયપાલસિંહ ઓફિસમાં રહેલા વાઈટ બોર્ડ પાસે આવીને ખંજરનાં નિશાન પાસે જે પ્રશ્નાર્થચિન્હ કર્યું હતું, એ ભૂંસીને ત્યાં મોહિત પંડ્યા લખી દીધું. ત્યારબાદ તેણે બોર્ડથી થોડા દૂર જઈને બોર્ડ પર નજર કરી. પાંચમાંથી ત્રણ હત્યારા મળી ગયા હતા, હવે માત્ર બે જ બાકી હતા.

અનિલ અંદર આવ્યો એટલે જયપાલસિંહ તેને જીપ કાઢવા કહ્યું. બંને જનક પાઠકનાં ઘર તરફ આગળ વધી ગયા.

(ક્રમશઃ)