Ego - 26 books and stories free download online pdf in Gujarati

અહંકાર - 26

અહંકાર – 26

લેખક – મેર મેહુલ

બક્ષીની ઑફિસેથી નીકળીને અનિલે સાંજ સુધી જીપ દોડાવી હતી. સાંજ સુધીમાં નેહા ધનવર, ખુશ્બુ ગહરવાલ અને જનક પાઠકની બધી જ માહિતી મળી ગઈ હતી. નેહાની સહેલીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર હાર્દિક એકવાર નેહાને તેના બોયફ્રેન્ડ સાથે જોઈ ગયો હતો, ત્યારબાદ હાર્દિકે નેહાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. એ સમય દરમિયાન નેહાએ હાર્દિકનું મોઢું બંધ કરવા માટે હાર્દિકને દસ હજાર રૂપિયા અને એક રાતનો સમય આપેલો. ત્યારબાદ પણ હાર્દિક નેહાને અવારનવાર પોતાનાં રૂમે લઈ જતો. આખરે નેહાએ બધી વાતો પોતાની સાહેલીઓને કરેલી.

નેહાએ આ વાતો સ્ટેટમેન્ટમાં નહોતી કહી. ખુશ્બુ સાથે પણ આવો જ એક કિસ્સો બનેલો. ખુશ્બુની બહેન એકવાર ઇન્ટરવ્યૂ દેવા માટે લોન ડિપાર્ટમેન્ટમાં આવેલી. ત્યારબાદ હાર્દિક ખુશ્બુની બહેન સાથે મેળ પડાવવા ખુશ્બુ પાછળ પડી ગયેલો. ખુશ્બુએ ઘસીને ના પાડી હતી. ત્યારબાદ હાર્દિકે જાત મહેનતે ખુશ્બુની બહેનને ફસાવી હતી અને ત્રણ મહિના બાદ છોડી દીધેલી. એ સમયે ખુશ્બુની બહેને સ્યુસાઇડ કરવાની કોશિશ કરેલી. આ વાત ખુશ્બુની બહેને જ કહેલી.

જનક પાઠકે પોતાનું સ્ટેટમેન્ટ એ જ રાખ્યું હતું જે તેણે જયપાલસિંહને કહેલું. સાંજે એક કલાક ચાની ટપરી પર બેસીને ભૂમિકાએ અને અનિલે ચર્ચા કરી હતી. જેમાં બાકીનાં સસ્પેક્ટ સંકેત, શિવ અને જયની માહિતી કેવી રીતે મેળવવી એની યોજના ઘડવામાં આવી હતી.

બીજા દિવસની સવારે અનિલે જયપાલસિંહને પ્લાન મુજબ વાત કરવાની તૈયારી બતાવી. જો કે એ સમયે જયપાલસિંહ ગુમસુમ બેઠો હતો એટલે પોતાની ભૂલ પર એને પસ્તાવો થતો હતો એવું દેખાય રહ્યું હતું. અનિલ ઓફિસમાં રૂમમાં પ્રવેશ્યો એટલે જયપાલસિંહે તેને બોલાવીને પાસે બેસાર્યો.

“અનિલ..” જયપાલસિંહે ઢીલા અવાજે કહ્યું, “તું સાચું કહેતો હતો યાર, આ બંનેમાંથી કોઈએ હાર્દિકની હત્યા નથી કરી. મેં બંનેને બધી રીતે ટોર્ચર કર્યા. મૂંઢ ઘાવ આપ્યા, અડધી કલાક લટકાવી રાખ્યા, ઊંધા લટકાવીને પાણીમાં પણ ડૂબાવ્યા તો પણ એ લોકો એક જ વાત પકડીને બેઠા છે કે તેઓએ મર્ડર નથી કર્યું. મને લાગ્યું બંનેમાંથી જ કોઈ એક હત્યારો છે પણ હું ખોટો પડ્યો. ઉપરથી પ્રેશર હતું એને કારણે પણ…” જયપાલસિંહ અટકી ગયો.

“કાલે હું રાજેશ બક્ષીને મળ્યો હતો સર” અનિલે કહ્યું, “અમે જુદી જુદી બે ફાઇલ તૈયાર કરી છે, જેમાં જે સસ્પેક્ટને આપણે બાજુમાં તારવ્યા હતાં એનાં વિશે અમે માહિતી મેળવીએ છીએ”

અનિલે ગઈ કાલે કરેલી કાર્યવાહી, જેમાં ખુશ્બુ, નેહા અને જનક પાઠકની જે માહિતી મેળવી હતી એ કહી સંભળાવી.

“રાજેશ બક્ષીએ એક યોજના ઘડી આપી છે જેના આધારે આપણે હત્યારા સુધી પહોંચી જઈશું, એ યોજનામાં તમે પણ શામેલ છો. તમારે એક પ્રેસ કોન્ફરન્સ અથવા પ્રેસનોટ રિલીઝ કરવાની છે. જેમાં હાર્દિકનાં કાતિલ વિશે પોલીસને જાણ થઈ ગઈ છે એવું જાહેર કરવાનું છે. આપણે આ બધી સસ્પેક્ટને ભેગા કરીશું અને એમાંથી જ હત્યારાને શોધી કાઢીશું”

“હું હવે હિંમત હારી ચુક્યો છું અનિલ, મને લાગે છે કે આ કેસને કારણે મારે સસ્પેન્ડ થવું પડશે. તારે જે કરવું હોય એ કરજે, હું તારી સાથે છું” જયપાલસિંહે ખંભા ઝુકાવીને કહ્યું.

“તમે આમ હિંમત ન હારો સર, આપણે ખૂબ જ સારી કામગીરી કરી છે. જો આપણે ઉપરી અધિકારીઓનાં દબાણમાં આવીને એક ગલત કદમ ઉઠાવીએ તો એમાં આપણી ભૂલ નથી. અને જો તમને એવું લાગતું હોય કે તમે ભૂલ કરી છે તો તમારી પાસે ભૂલ સુધારવાનો એક મોકો પણ છે. હત્યારાને શોધીને જ આ ભૂલ સુધરી શકે છે”

“હું શોધીશ..” જયપાલસિંહે આત્મવિશ્વાસ સાથે કહ્યું, “હું આકાશ-પાતાળ એક કરી દઈશ, દિવસને રાત અને રાતને દિવસમાં ફેરવી દઈશ પણ હવે એ કાતીલને શોધીને જંપીશ”

“હવે પહેલાવાળા જયપાલસિંહ દેખાયા” અનિલે ખુશ થઈને કહ્યું.

“તમે લોકો તમારી રીતે કાર્યવાહી આગળ ધપાવો, હું પ્રેસ કોન્ફરન્સ કરીને હમણાં જ જાહેરાત કરી દઉં છું” જયપાલસિંહે ઊભા થતાં કહ્યું.

“યસ સર…” અનિલે પણ ઉત્સાહીત અવાજે કહ્યું.

અનિલ બહાર નીકળી ગયો એટલે જયપાલસિંહે થોડા રિપોર્ટરને કૉલ જોડ્યા અને અગત્યની જાણકારી આપવાની છે એમ કહીને બધાને ચોકીએ બોલાવી લીધાં હતાં.

અગિયાર વાગ્ય ત્યાં સુધીમાં બધા હાજર થઈ ગયાં હતાં. જયપાલસિંહે પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું જેમાં તેણે કેવી રીતે કાર્યવાહી કરી અને કેટલા સસ્પેક્ટ હજી શંકાનાં દાયરામાં છે એનો આલેખ જણાવ્યો હતો. ત્યારબાદ જયપાલસિંહે એક ધમકો કર્યો હતો જેમાં પોલીસને હત્યારા વિશે માહિતી મળી ગઈ છે એવું જણાવ્યું હતું અને બે દિવસમાં એને મિડિયા સમક્ષ લાવવામાં આવશે એવું જણાવ્યું હતું.

બધી ચેનલમાં જયપાલસિંહની કોન્ફરન્સનું લાઈવ પ્રસારણ થયું હતું, સાથે પૂરો દિવસ આ જ હેડલાઈન રહે એવી જયપાલસિંહે બધા રિપોર્ટરનાં કેમેરા બંધ થયા ત્યારબાદ વિનંતી કરી હતી.

બીજી તરફ અનિલ અને ભૂમિકા પોતાનાં કામે લાગી ગયા હતાં. બંનેએ બપોર સુધીમાં શિવ અને જય વિશે માહિતી મેળવી લીધી હતી, ઉપરાંત જનક પાઠક, ખુશ્બુ, નેહા અને સંકેતને સાંજે છ વાગ્યે ચોકીએ હાજર રહેવા નોટિસ પણ આપી દીધી હતી.

બપોર પછી હવે એક જ કામ બાકી હતું. સંકેતનું ગામ શિવગંજથી દુર હતું, બપોર પછી સંકેત વિશે પૂછપરછ કરવા તેનાં ગામે જવાનું હતું. એ પહેલાં બંને ચોકીએ આવ્યા હતાં. જયપાલસિંહે પ્રેસ કોન્ફરન્સમાં થયેલી વાત જણાવી જ્યારે અનિલે મેળવેલી માહિતી જણાવી.

“આજે સાંજે હત્યારો તમારી નજર સામે હશે” અનિલે કહ્યું, “અમને મળેલી માહિતી અનુસાર હત્યા કોણે કરી એનો અંદાજો તો અમને આવી જ ગયો છે પણ સબુત હાથમાં આવી જાય એટલે સત્તાવાર રીતે આપણે જાહેર કરી શકીશું”

“વાહ..મતલબ ઓલમોસ્ટ કેસ સોલ્વ થઈ જ ગયો છે” જયપાલસિંહે ખુશ થઈને કહ્યું.

“હા સર, પણ એનાં માટે આપણે એક જૂનું અને જાણીતું જાળ બિચાવવું પડશે” અનિલે કહ્યું.

“ક્યાં જાળની વાત કરે છે તું ?” જયપાલસિંહ વધુ ઉત્સાહિત થઈ ગયો.

“થશે એવું કે…”કહેતાં અનિલે પૂરા પ્લાનનો આલેખ જયપાલસિંહ સામે રાખ્યો.

“અરે વાહહ…મારું મગજ કેમ આમ નથી ચાલતું..” જયપાલસિંહે પૂરો પ્લાન સાંભળીને કહ્યું, “હું સાંજ સુધીમાં બધો બંદોબસ્ત ગોઠવી લઉં છું, ત્યાં સુધીમાં તું તારી કાર્યવાહી પુરી દેજે”

“યસ સર..” અનિલે કહ્યું.

અનિલ ત્યાંથી નીકળી ગયો. અનિલનાં નીકળ્યાં બાદ જયપાલસિંહે કેટલાક લોકોને કૉલ કર્યા હતાં અને સાંજે ચોકીએ આવી જવા કહ્યું હતું.

બીજી તરફ બપોરનું જમવાનું પતાવીને અનિલ અને ભૂમિકા સંકેટનાં ગામ તરફ અગ્રેસર થયા હતાં.

*

સાંજનાં છ થયાં હતાં. જયપાલસિંહ આજે વધુ ખુશ જણાતા હતાં. બપોરે તેણે જે લોકોને કૉલ કર્યા હતાં એમાંથી મોટાભાગનાં લોકો આવી ગયાં હતાં. સસ્પેક્ટમાં જનક પાઠક સિવાય બધા જ આવી ગયા હતાં. જયપાલસિંહે ઇન્કવાઇરી રૂમમાં બધાને બેસવાની વ્યવસ્થા કરી આપી હતી. થોડીવાર પછી એક કાર ચોકીનાં પરસાળમાં આવીને ઊભી રહી, જેમાંથી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સાગર, તેની ટીમ સાથે ઉતર્યો હતો.

જયપાલસિંહ સાગર માટે એક રૂમની વ્યવસ્થા કરી આપી. સાગરે પંદર મિનિટમાં બધા ઇક્વિપમેન્ટ સેટ કરી દીધાં. સાડા છ થયા ત્યાં સુધીમાં રાવત અને રણજિતે પણ હાજરી આપી દીધી હતી. જયપાલસિંહે બપોરે આ લોકોને પણ ફોન કર્યો હતો.

સાત વાગ્યાં સુધીમાં રાજેશ બક્ષી અને ‘બેન્ક ઓફ શિવગંજ’ નાં લોન ડિપાર્ટમેન્ટનો ક્લસ્ટર હેડ કેતન માંકડ પણ પહોંચી ગયો હતો. બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. હવે માત્ર જનક પાઠક અને ભૂમિકા-અનિલની રાહ હતી.

એ લોકો આવે ત્યાં સુધીમાં જયપાલસિંહે પોતાની રીતે કાર્યવાહી આગળ વધારવાનું નક્કી કર્યું. દીપકને આદેશ આપીને જય અને શિવ સાથે પેલાં ત્રણ લોકો ભાર્ગવ, મોહિત અને હર્ષદને પણ બોલાવી લેવા કહ્યું. દિપક રોબોટની માફક સેલમાં ગયો અને બધાને બોલાવી આવ્યો.

જય અને શિવની હાલત કફોડી હતી. બંને માંડ માંડ ચાલી શકતાં હતાં. જય તો કમર પર હાથ રાખીને, દીપકનાં સહારે ઇન્કવાઇરી રૂમ સુધી પહોંચ્યો હતો. ત્રણ લોકોને બાદ કરતાં બાકીનાં બધા જ લોકો ઇન્કવાઇરી રૂમમાં હાજર હતાં.

“તમને બધાને જાણીને આશ્ચર્ય થશે પણ હાર્દિક મર્ડર કેસ આજે સોલ્વ થઈ ગયો છે” જયપાલસિંહે શરૂઆત કરી, “જેણે હાર્દિકની હત્યા કરી છે એ આપણી વચ્ચે જ છે અને આગળની એક કલાકમાં એ જાતે જ પોતાનો ગુન્હો કબુલશે એની હું ખાતરી આપું છું”

જયપાલસિંહ માહિતી આપતો હતો એ દરમિયાન ઇન્કવાઇરી રૂમનાં દરવાજા પર જનક પાઠક આવીને ઊભો રહ્યો. જનક પાઠક પાછળ ભૂમિકા અને અનિલ પણ ઊભા હતાં. બંનેનાં ચહેરા પર કાન સુધી ખેંચાયેલી સ્માઈલ હતી, જે હત્યારો મળી ગયાની સાબિતી પૂરતી હતી.

કોણ હશે એ હત્યારો ???

(ક્રમશઃ)