Carrie books and stories free download online pdf in Gujarati

કેરી



ઉનાળો આવી ગયો છે . આખો દિવસ ફરી ફરીને છત પરના પંખા પણ હવે થાકવા લાગ્યા છે . સૌરાષ્ટ્રનો રહેવાસી છું એટલે ઉનાળામાં કેરીની વાત કર્યા વગર નથી રહી શકતો . આજે ઘરમાં મોસમની પહેલી કેરી આવી છે . એટલે આ આર્ટિકલ લખવાનું મન થયું .

ઉનાળામાં શિમલા , મસુરી , માલદીવ ફરવા જવું એ અમે નાના હતા ત્યારે મધ્યમવર્ગીય ઘરના બાળકો માટે કાલ્પનિક વાર્તાથી વધુ કંઈજ ન્હોતું અને એર કંડીશનર ની મજા પણ પપ્પા ભેગા એ.ટી.એમ માં ઘૂસી ગયા હોય ત્યારે જ મળતી એ પણ સદભાગ્યે જો એ.સી ચાલુ હોય તો . આવામાં બાળકો માટે આ કાળઝાળ ગરમીમાં બે જ વસ્તુ ઠંડક આપતી એક કેરી અને બીજું વેકેશન .

મને કાયમ આશ્ચર્ય થાય છે કે સમુદ્રમંથનમાં કેસર કેરી કેમ નહીં નીકળી હોય?? પણ મને ખાતરી છે કે સ્વર્ગમાં એવા આંબા તો હશે જ જે બારેમાસ કેસર કેરી આપતાં હોય . આમ તો સાંભળ્યું છે કે કેરીની બહું બધી જાત આવે છે જેમકે હાફૂસ , લંગડા , તોતાપૂરી , રાજાપૂરી વગેરે.. પણ નાનપણથી કેસર કેરી ખાધી છે એટલે એજ કેરીના સમ ખાઈને કહું છું કે બાકી બધી કેરીઓનો સ્વાદ કેવો હશે? એનો મને વિચાર સુધ્ધા નથી આવ્યો .

પપ્પા શાકભાજી લઈને આવે અને એ બાસ્કેટ ફંફોળતા હોઈએ ત્યારે એવું લાગતું જાણે લોટરીની ટિકિટનો નંબર વાંચીએ છીએ . જો કેરી નીકળી તો લોટરી લાગી બાકી મન વૈરાગી . એ કેરીની સુગંધ... આહાહા..!!! જો આ ડ્રગ્સના રવાડે ચડી ગયેલા નબીરાઓને નશામુક્તિ કેન્દ્રમાં જો આ કેરી સૂંઘાળવામાં આવે તો જરૂર કંઈ ફાયદો થઈ શકે . પાછું આપણે ખાલી કેરી નથી ખાતા.... કેરીના ખાટાં-મીઠા અથાણાં , મુરબ્બો એમાં પણ કટકી વાળો અને સાદો જુદો ખાટો અને મીઠો જુદો , કેરીનો રસ , કેરીના શ્રીખંડ , કેરીના આઈસક્રીમ અને બીજું ઘણું બધું . મને લાગે છે કે કેરીને મોસ્ટ યુટીલાઈઝ્ડ ફળનો એવોર્ડ મળવો જ જોઈએ . એમાં પણ અમુક લોકો તો કેરીનો ઓર્ગેનીક રસ એવી રીતે સાચવે છે કે બારેમાસ ઉપયોગમાં લઈ શકાય . હવે આ પ્રવૃત્તિને સંગ્રહખોરી કેવી કે કેમ..? કાયદામાં આ વીશે કોઈ નક્કર જોગવાઈ છે કે કેમ ? આ મુદ્દો સંસદમાં ઉપાડવો જ રહ્યો .

કેરીનો સ્વાદ મીઠો છે પણ એની યાદ મીઠી જ હોય એવું જરૂરી નથી હોં . એ તો એ બારકસ બાળકોને પુછો જે કેરી પાડવા ગયા હોઈને પકડાઈ ગયા હોય . એ પછીનો સ્વાદ હજુ એ લોકોને યાદ હશે . જ્યારે બરોડા હોસ્ટેલમાં ભણતા ત્યારે કેરીનો એ વિરહ...!! યાદ કરતાં પણ ધ્રુજી જવાય છે . મને તો એ નવાઈ છે કે આ વિરહ પર કોઈ ફિલ્મ ન બની . આ તો સારું છે કે કેરીને રાષ્ટ્રીય ફળ તરીકે સ્થાન મળ્યું છે બાકી એના અલગ ધરણાં કરવા પડેત .
મને યાદ છે નાના હતા ત્યારે હું અને મારો મોટો ભાઈ કેરીના ભાગ એટલી ચોકસાઈથી પાડતા જાણે મિલકતના ભાગ પાડતાં હોય . હવે મોટા થયા છે એટલે એ થોડુંઘણું ચલાવી લે છે . હું તો હજુ પણ નથી ચલાવતો . અરે હમણાં મારા મિત્રને ઉનાળામાં કંપની તરફથી વિદેશ જવાની તક મળી પણ એણે ના પાડી દીધી . મેં પુછ્યું કે કેમ એલા આવું કર્યું ? તો મને કહે છે "ન્યાં થોડી કેરી મળે..?" જોયું મિત્રો કેરીનું મહાત્મ્ય . કેરીના આટલા ગુણગાન ગાયા પણ કેરી તો બે-ત્રણ મહિના જ છે પછી તો કેળાંથી જ કામ ચલાવવાનું છે એટલે એમને સાવ ભુલી નો જતાં હોં . ચાલો ત્યારે... કેરી છે ત્યાં સુધી તો કેરી ખાતાં રેહજો . ફરી મળીશું....