Rajkaran ni Rani - 49 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૪૯

રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૯
જનાર્દને જ્યારે હિમાનીને સુજાતાબેનના જીવનનું એ રહસ્ય જણાવવા કહ્યું ત્યારે તે ક્યાંથી શરૂઆત કરવી એમ વિચારવા લાગી.
જનાર્દનને થોડા સમયથી શંકા હતી કે સુજાતાબેન એવી કોઇ વ્યક્તિની સાથે સાથે સંપર્કમાં છે જેનું નામ ખાનગી રાખવા માગે છે. અગાઉ હિમાનીએ પણ એ વાતનું ધ્યાન દોર્યું હતું કે સુજાતાબેન ક્યારેક પોતાના મોબાઇલ પર કોઇનો ફોન આવે ત્યારે બીજા રૂમમાં જઇને વાત કરતાં હતા. જનાર્દન અને હિમાનીએ અગાઉ ચર્ચા કરી હતી કે સુજાતાબેનનો કોઇ મોટા રાજકારણી સાથે સંપર્ક છે. તેમને એ માર્ગદર્શન આપે છે. એમના થકી જ આ સ્થાન પર પહોંચ્યા છે. ફિલ્મ અને રાજકારણના ક્ષેત્રમાં ગોડફાધરની ભૂમિકા મહત્વની હોય છે. જેને સારા ગોડફાધર મળી જાય એનો બેડો પાર થઇ જાય છે. અને કોઇ સ્ત્રી જ્યારે ફિલ્મ અને રાજકારણમાં આગળ વધવા માગતી હોય ત્યારે તેના ગોડફાધર બનવા ઘણા લોકો તૈયાર થઇ જતા હોય છે. પરંતુ સુજાતાબેન આવી બધી વાતો છુપાવે એ બંનેના માનવામાં આવતું ન હતું. જનાર્દને ઘણી વખત એ ચર્ચાને એમ કહીને વિરામ આપ્યો હતો કે સુજાતાબેનનું પોતાનું જીવન છે. તે એમની રીતે સ્વતંત્ર છે. એમના અંગત જીવનમાં માથું મારવાનો આપણાને કોઇ હક્ક નથી.
જનાર્દનને થયું કે હિમાનીએ એવું કયું રહસ્ય જાણી લીધું હશે? અને એ કોની પાસેથી જાણવા મળ્યું હશે? બે વખતની પાટનગરની મુલાકાતમાં તો આવું કંઇ બન્યું હોય એમ લાગતું નથી. જનાર્દને પોતાના વિચારો પર બ્રેક મારી અને પૂછ્યું:"હિમાની, જલદી બોલ..."
"હં...સુજાતાબેનને કોઇની સાથે પ્રેમ છે..." હિમાનીએ રહસ્યસ્ફોટ કરતાં કહ્યું.
"પ્રેમ છે? મતલબ કે તે કોઇ પુરુષના પ્રેમમાં છે?" જનાર્દને નવાઇથી પૂછ્યું. તેને આ વાતની કલ્પના જ ન હતી. તેણે આ બાબત વિચારવાની જરૂર જ લાગી ન હતી. જતિન સાથેના છૂટાછેડા પછી સુજાતાબેન રાજકારણમાં ડૂબી ગયા હતા. પ્રેમ કરવા માટે એમની પાસે સમય જ ન હતો. અને એવી કોઇ વ્યક્તિ સાથે એમનો સંપર્ક થયો હોય એવું ધ્યાનમાં આવતું ન હતું. તો પછી એ વ્યક્તિ કોણ હશે?
હિમાની પોતાના ઘરમાં પણ કોઇ સાંભળી જવાનું હોય એમ ધીમા સ્વરે બોલી:"હા, એ ધારેશ નામના વ્યક્તિના પ્રેમમાં છે..."
જનાર્દન સહેજ વિચારીને બોલ્યો:"ધારેશ? આવું નામ તો મેં એમના મોઢે તો ઠીક અમારા વર્તુળમાં ક્યારેય સાંભળ્યું નથી. પાટનગરમાં તેની સાથે મુલાકાત થઇ હશે કે શું?"
"ના, એ એમનો આજનો નહીં કોલેજકાળનો પ્રેમી છે..." હિમાનીએ એક પછી એક રહસ્ય પરથી પડદો ઉઠાવવાનું શરૂ કર્યું:"સુજાતાબેનને ધારેશ સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ કોઇ કારણસર- કદાચ પરિવારના દબાણ હેઠળ જતિન સાથે લગ્ન કરવા પડ્યા હતા. એ હકીકતને તેમણે સ્વીકારી લીધી હતી અને એ કારણે એમણે પોતાના પરિવાર સાથે સંબંધ કાપી જેવો જ નાખ્યો હતો..."
"આ સ્ત્રીને માનવી પડે. આટલું મોટું રહસ્ય તેણે છુપાવી રાખ્યું. હું કેટલીયવાર જતિનને ત્યાં ગયો છું પરંતુ આ વાતનો જતિન કે પછી સુજાતાબેન તરફથી ઉલ્લેખ થયો નથી. કદાચ જતિનને ખબર નહીં જ હોય..." જનાર્દન ભૂતકાળ યાદ કરીને બોલ્યો.
"હા, સુજાતાબેને પોતાના હ્રદયમાં ધારેશનું નામ દફન કરી દીધું હતું. એ પતિવ્રતા સ્ત્રી જ બની રહ્યા હતા. જતિન આટલો લંપટ હતો છતાં તેમણે ધારેશનો સંપર્ક કર્યો ન હતો. પરંતુ જતિનથી અલગ થયા પછી એમણે જ્યારે કોલેજ સમયની એમની સખીને કોઇ કારણથી ફોન કર્યો ત્યારે તેના દ્વારા જાણવા મળ્યું કે ધારેશ હજુ પણ કુંવારો છે. સુજાતાબેને ના પાડી અને જતિન સાથે લગ્ન કરી લીધાં પછી તે એમને ભૂલી શક્યો નહીં અને બીજી કોઇ સ્ત્રી સાથે લગ્ન કરવાનું ટાળ્યું છે. આ વાતથી સુજાતાબેનના દિલમાં દફન થયેલા ધારેશનું નામ જમીન ફાડીને કૂંપળ ફૂટી નીકળે એમ બહાર આવી ગયું. તેમણે સામેથી ધારેશનો સંપર્ક કર્યો. જોકે, હજુ સુધી તેઓ રૂબરૂ મળ્યા નથી. બંને ફોન કે વિડીયો કોલથી જ વાત કરે છે. કદાચ સુજાતાબેન રાજકારણમાં અત્યારે એવા મુકામ પર છે કે ધારેશ સાથેની વાતો બહાર આવે તો એમની કારકિર્દીને નુકસાન થઇ શકે..."
હિમાનીની વાત સાંભળીને જનાર્દન પહેલાં તો અવાક જ થઇ ગયો. સુજાતાબેન રાજકારણની અમુક વાતો છુપાવીને રાખે છે એમ આ વાત પણ કોઇને કહી નથી. ક્યારે, કેટલું, કોને કહેવાનું હોય છે એની સમજ એમની પાસે ઘણી છે. જનાર્દન એમના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં બોલ્યો:"હિમાની, એક સ્ત્રી તરીકે મને સુજાતાબેન પ્રત્યે વધારે માન થાય છે. જતિન એક નહીં અનેક સ્ત્રીઓ સાથે રંગરેલિયા મનાવતો હતો. કેટલીય સ્ત્રીઓ સાથે ફોન પર મસ્તી કરતો હતો ત્યારે સુજાતાબેન સાચી પતિવ્રતા સ્ત્રી બની રહ્યાં. એમણે પોતાના પ્રેમનું બલિદાન આપી દીધું હતું. એમણે પણ ચાહ્યું હોત તો ખાનગીમાં ધારેશ સાથે પ્રેમાલાપ કરી શક્યા હોત. તેમને રોકનાર કે ટોકનાર કોઇ ન હતું. તે લગ્નેત્તર સંબંધ રાખે તો ખુદ જતિન પણ રોકી શકે એમ ન હતો. તેમ છતાં તેમણે પોતાની પત્ની તરીકેની ફરજ બજાવી અને જ્યારે પાણી નાક પરથી ઉપર જવા લાગ્યું ત્યારે પોતાની સ્ત્રી શક્તિનો પરચો આપી દીધો. જતિને એમની ભલમનસાઇનો ગેરલાભ લીધો એનું પરિણામ ભોગવવું પડ્યું."
"હા જનાર્દન, આવી સ્ત્રીઓની જ રાજકારણમાં જરૂર છે. જે રાજકારણમાં પ્રજાને સમર્પિત થઇને રહી શકે..." હિમાનીને પણ સુજાતાબેન માટે ગૌરવ થયું.
"મને એક ડર પણ લાગી રહ્યો છે..." કંઇક વિચારીને જનાર્દન બોલ્યો:"તેમના રાજીનામા આપવાના વિચાર પાછળ ધારેશ તો નહીં હોય ને? ભલે એ શંકરલાલજીનું નામ આપી રહ્યા છે પરંતુ એમ પણ બની શકે કે તે પોતે પણ ધારેશ સાથેના સંબંધમાં આગળ વધવા માગતા હોય અને હવે રાજકારણ છોડવા માગતા હોય."
"હા, એવું બની શકે છે. તેમના જેવા મહિલાની અત્યારે રાજકારણમાં ખાસ જરૂર છે ત્યારે એમને આવો નિર્ણય લેતા રોકવા જોઇએ..." હિમાની ચિંતા વ્યકત કરી રહી.
"એ વાત પછી...પહેલાં એ કહે કે તને ધારેશની વાત કોણે કરી?" જનાર્દન અચાનક યાદ આવતાં પૂછવા લાગ્યો.
"એનું નામ આપવું જરૂરી છે?" હિમાની કચવાતા મનથી બોલી.
"હા અને ના..." હિમાનીને સમજાતું ન હતું કે એ વ્યક્તિનું નામ આપવું કે નહીં.
ક્રમશ: