THE GUJJU AND GUNS SEASON 1 - 11 books and stories free download online pdf in Gujarati

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 11 (બુટલેગિંગ)

ટાઇગર તેને જેલના જીમખાનામાં લઈ ગયો.

સમરે જોયું કે ઘણા બધા કેદીઓ ત્યાં કસરત કરી રહ્યા હતા. બધાનો બાંધો મજબૂત હતો.

' હે... સમર અહીંયાં આવ ' ટાઇગરે બૂમ પાડી સમરને બોલાવ્યો.

ટાઇગરે કસરત કરવાનું શરૂ કર્યું અને સમરને ખાલી સપોર્ટ આપવા કહ્યું.

થોડા દિવસો વીત્યા.

ટાઇગર દરરોજ સવારે તેને પોતાની સાથે જીમખાનામાં લઈ જતો.

સમર પણ થોડી ખુલીને વાત કરવા લાગ્યો હતો. જાણે તેને એક મોટો ભાઈ મળ્યો હોય.

**************

સપ્ટેમ્બર , 1987

લગભગ સાંજના પાંચ વાગવા આવ્યા હશે.
આકાશમાં કાળા ભમ્મર વાદળાં છવાઈ ગયા હતા. વરસાદના છાંટા પડવાની શરૂઆત નહતી થઈ પણ વીજળીના કડાકા ભડાકાનો અવાજ આવી રહ્યો હતો.

ઠંડો ઠંડો પવન શરૂ થઈ ગયો હતો.

' સમર... અારામથી ડાબી બાજુ જોઈને...પેલા ટકલા ને... ' જેલના મેદાનમાં ઠંડા પવનમાં કબ્બડીની મેચ જામી હતી. ટાઇગર સમરને પાછળથી સલાહ આપી રહ્યો હતો જ્યારે સમર સામેની બાજુ રેઇડ પાડવા ગયો હતો.

' કબ્બડી.... કબ્બડી.... કબ્બડી! ' સમર બોલતો બોલતો ડાબેથી જમણે રમી રહ્યો હતો ત્યાંજ કોબ્રાએ તેનો પગ પકડી લીધો અને ગજરાજ સીધો સમર પર કૂદીને તેને દબાવી દીધો અને એટલામાં બાકીના ખિલાડી આવી ગયા.

ગજરાજે ટોળું જોઈ સમરના મોઢાં પર મુક્કો માર્યો જેથી સમરના હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું.

' શું થયું સમર ? કોણે માર્યું?' ટાઇગરે સમરને સામેથી આવતા જોઈને પૂછ્યું.

' કશું નઈ આતો વાગ્યા કરે કબ્બડીમાં...'

'શાબાશ ...શાબાશ...' ટાઇગરે બૂમ પાડીને કહ્યું.

કહેવાય છે ને જેવો સંગ તેવો રંગ...

સમર બહાર હતો પાણી પીવાનું કહી જીમખાનામાંથી એક સ્ક્રુ લઈને આવ્યો અને તેના જભ્ભાના ઉપરના ગજવામાં મૂકી પાછો આવ્યો.

થોડી વારમાં સમરને ફરીથી અંદર જવાનો મોકો મળ્યો.

સામેથી ગજરાજ રેઇડ પાડવા આવ્યો.

ફેઝલે જોરદાર તેનો પગ ખેંચી લીધો અને તેનો લેંઘો ફાટી ગયો એટલામાં ટાઇગરે સીધું તેનું માથું પકડી નીચે પછાડ્યો એટલામાં સમર આવ્યો અને બાકીનું ટોળું.

એટલું ઝડપથી થયું બધું , મોકો જોતા સેકંડોમાં સમરે ગજવામાંથી સ્ક્રુ જમણા હાથની પહેલી બે આંગળીમાં ભરાઈ ગજરાજના નાક ઉપર ફેંટ આપી અને ગજરાજનું નાક તૂટી ગયું .

આ ટાઇગર જોઈ ગયો અને આશ્ચર્ય પામ્યો.
ગજરાજ ઉભો થઇ હાથાપાઈ કરવા લાગ્યો એટલામાં સામેની ટીમમાંથી કોબ્રા અને તેની ગેંગના જોડાયા.

વરસાદ શરૂ થઈ ગયો અને ચાર પાંચ પોલીસના કોન્સ્ટેબલો જે જેલમાં ફરજ બજાવતા હોય તેઓએ આવી ટોળાને અલગ કરાવ્યા.

બધા એકબીજાને જોતા જોતા પલળતા પલળતા શેડથી ઢંકાયેલો કોરિડોર હતો ત્યાં જઈને બેસી ગયા.

****************

મીઠાખળી , અહમદાબાદ

એક ખૂણા ખાંચરમાં કાટ ખાઈ ગયેલા લોખંડના પતરાઓથી ઢંકાયેલું કારખાનું હતું.

દૂરથી પણ કારખાનામાંથી ખરાબ દુર્ગંધ આવતી હતી.

ત્યાં એક સફેદ કલરની એમ્બેસેડર કાર આવીને ઊભી રહી.

વરસાદ ખૂબ ધોધમાર વર્ષી રહ્યો હતો એટલે તે યુવાને કાર બંધ કરી અને દરવાજો ખોલ્યો અને કાળા કલરની છત્રી ખોલીને કારમાંથી બહાર નીકળ્યો.

તે યુવાને એક જબરસ્ત આછા વાદળી કલરની સફારી પહેરી હતી , ગળામાં સોનાની ચેઇન અને હાથમાં બબ્બે સોનાની વીંટી , બૂટ એકદમ ચમકી રહ્યા હતા.

લગભગ તે યુવાનની ઉંમર પાંત્રીસ વર્ષની આસપાસ લાગતી હતી.

તે કારખાનાની અંદર ગયો.

કારખાનાના આગળના ભાગમાં જબરદસ્ત ગતીથી દારૂની બોટલોની પેકિંગ થઈ રહી હતી.

' સરસ... સરસ...સ્પીડ રાખો હજુ ' તે યુવાને ભારે અવાજમાં દરેક કારીગરોને કહેતા કહ્યું.

તે ચાલીને અંદરની બાજુ ગયો.

અંદર જોયું તો શું? ત્યાં લગભગ ત્રીસથી ચાલીસ દેશી દારૂની ભઠ્ઠીઓ હતી અને દરેકમાં દારૂ બની રહ્યો હતો.

ડાબી અને જમણી બાજુ ઇમ્પોર્ટેટ કંપનીની શરાબ પડી હતી. જે તે યુવાન સસ્તા ભાવે ક્યાંકથી લઈને આવતો હતો સાથે સાથે તે કારખાનામાં ઇમ્પોર્ટેટ કંપનીની શરાબમાં પણ ભેળસેળ કરી લોકોને વેચવામાં આવી રહી હતી.

તે યુવાન ત્યાં થોડી વાર ઉભો રહ્યો અને જોવા લાગ્યો. ત્યાં બાર થી લઈને પચાસ વર્ષથી પણ ઉપરના લોકો કામ કરી રહ્યા હતા અને તેમાં ખાલી પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ હતી.

તે યુવાન થોડી વાર રહી કારખાનાના છેલ્લા હૉલમાં ગયો. ત્યાં એક ટેબલ અને સરસ ગાદીવાળી ખુરશી હતી તે ત્યાં જઈને બેઠો. ટેબલ પર એક લેન લાઈન ફોન હતો. તેણે કોઈને ફોન લગાવ્યો.

' હેલ્લો...સાહેબ! વનરાજ બોલું '

' બોલો ...બોલો વનરાજ કેટલા ટ્રક આવી રહ્યા છે? '

વનરાજ : સાહેબ આજે ચાર ટ્રક આવી રહ્યા છે. ખાલી ગાંધીનગર પાર કરાવી દો.

' જરૂર જરૂર... પરંતુ આ વખતે એક ટ્રક દીઠ બે પેટી '

વનરાજ : પણ...ગઈ વખતે તો એક પેટીમાં બે ટ્રક હતા... કેમ આટલો બધો ભાવ?

' અરે વનરાજ સાહેબ ...તમને તો ખબર જ છે આ રમખાણોને કારણે ચેકીંગ બહુ છે...તો પણ હું તમારી ટ્રકો પહોંચાડી દઈશ...હવે આટલું તો મળવું જોઈએ... જો સરકાર પકડે તો મારી તો નોકરી જવા જેવી થાય...સમજો છો ને?

વનરાજ જેનું આ આખું કારખાનું હતું સાથે સાથે બીજા પણ કેટલાય ગોરખ ધંધા હતા. તે દર વખતે અમુક ફૂટેલી પોલીસ દ્વારા પોતાના ટ્રકો ગ્રાહકો સુધી પહોંચાડતો.

પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેણે જે પોલીસવાળો રાખ્યો હતો તે થોડો છેતરતો હોય તેવું વનરાજ ને લાગ્યું. છતાં પણ તે માંગે તેટલા આપવા જરૂરી હતા નહીંતર તે જેલના સળિયા ઘણતો હોત.

વનરાજ : ઠીક છે! પહોંચી જશે.

' ઓકે!'

વનરાજે ફોન મૂક્યો અને વિચારમાં પડ્યો કે પોલીસવાળાને વધારે પૈસા આપવા એના કરતાં એક - બે એવા રાઈટ હેન્ડ રાખું કે ઓછા પૈસામાં પણ પોતાની દાદાગીરીથી ટ્રક પાર કરાવી દે.

તેણે ફરીથી ફોન ગુમાવ્યો.

વનરાજ : હેલ્લો...! પાંડે

(ક્રમશ:)
- Urvil Gor