Aapna Mahanubhavo - 8 books and stories free download online pdf in Gujarati

આપણાં મહાનુભાવો - ભાગ 8 - મહારાણા પ્રતાપ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



આપણાં દેશમાં અનેક વીર યોદ્ધાઓ અને રાજાઓ થઈ ગયા. આમાંના જ એક એવા મહારાણા પ્રતાપની આજે વાત કરીએ. આ વર્ષે તેમની 480મી જન્મજયંતિ છે. આમ તો એમનો જન્મ 9મેનાં રોજ આવે છે, પણ તેમની જયંતિ એમનો પ્રશંશક વર્ગ હિંદુ તિથી પ્રમાણે ઉજવે છે, એટલે કે જેઠ સુદ ત્રીજનાં રોજ.

મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540નાં રોજ મહારાણા ઉદયસિંહ બીજાને ત્યાં થયો હતો. તેમનો જન્મ રાજસ્થાનનાં પાલી શહેરનાં જૂની કચેરીનાં કુંભલગઢ(હાલનો રાજસમંદ જિલ્લો) માં થયો હતો. તેમની માતાનું નામ જીવંતાબાઈ અને પત્નીનું નામ અજબદે પવાર હતું. તેમને સંતાનમાં 3 પુત્રો અને બે પુત્રીઓ હતી. પરંતુ કેટલીક જગ્યાઓએ તેમની 11 પત્નીઓ અને 17 સંતાનો હતાં એવો ઉલ્લેખ છે. તેઓ સીસોદીયા રાજપૂત હતા. મુઘલ બાદશાહ અકબર સાથે લડીને મેવાડ બચાવવાની તેમની હલ્દીઘાટીની લડાઈ ઈતિહાસમાં અમર થઈ ગઈ છે.

તેમણે પોતાના શરૂઆતનાં દિવસો ભીલ લોકો સાથે ગાળ્યા હતાં. ભીલ બોલીમાં 'કીકા'નો અર્થ પુત્ર થાય છે અને તેથી જ મહારાણા પ્રતાપને તેઓ કીકા કહીને બોલાવતા. મહારાણા પ્રતાપની ઊંચાઈ 7 ફૂટ 5 ઇંચ જેટલી હતી. અકબરની શરણાગતિ સ્વીકારવી ન હતી એટલે જ્યારે અકબરે કુંભલગઢ જીતી લીધું એમની ગેરહાજરીમાં ત્યારે પણ તેઓ શરણાગત થવાને બદલે અરવલ્લીનાં જંગલોમાં રહેવા લાગ્યા હતા. જંગલોમાં રહીને, અનેક મુસીબતોનો સામનો કરીને તેમનું શરીર ખાસ્સું કસાયેલું હતું. તેમનું વજન લગભગ 110કિલો હતું. વાત માનવામાં નહીં આવે પણ સત્ય છે.

પ્રતાપે મુઘલો સામે ઘણાં યુદ્ધો કર્યા હતા, પરંતુ પ્રખ્યાત તો હલ્દીઘાટીનું યુદ્ધ જ હતું. ઈ. સ. 1576માં થયેલાં આ યુદ્ધમાં 20હજાર સૈનિકો સાથે પ્રતાપે 80હજાર સૈનિકોવાળી મુઘલ સેનાનો સામનો કર્યો હતો. આ યુદ્ધ પછી મોગલોએ મેવાડ, ચિત્તોડગઢ, કુંભલગઢ, ઉદયપુર અને ગોગુંડા પર કબ્જો મેળવી લીધો હતો. મોટા ભાગના રાજપૂત રાજાઓ મુઘલોની શરણાગતિ સ્વીકારી ચુક્યા હતા, પરંતુ પ્રતાપે ક્યારેય હાર સ્વીકારી ન હતી.

હલ્દીઘાટી યુદ્ધ દરમિયાન પ્રતાપને તે સમયનાં વેપારી વીર ભામાશાએ 25000 રાજપૂતોને 12વર્ષ સુધી ચાલે એટલું અનુદાન આપ્યું હતું.

તેમનાં ભાલાનું વજન 81કિલો અને બખ્તરનું વજન 72કિલો હતું. ભાલો, બખ્તર અને બે તલવારો મળીને કુલ વજન 208કિલો હતું. આટલું વજન લઈને પણ તેઓ દુશ્મનો સામે સ્ફૂર્તિથી લડી શકતા હતા.,પહાડ પરથી કૂદકો મારી શકતા હતા કે પછી ઘોડો કુદાવી શકતા હતા.

તેઓ હંમેશા એક કરતાં વધારે તલવાર સાથે લઈને ફરતા હતા. જો ક્યારેક કોઈ દુશ્મન હથિયાર વગરનો થઈ જાય તો તેઓ પોતાની તલવાર આપી દેતા, પરંતુ નિઃશસ્ત્ર દુશ્મન પર ક્યારેય હુમલો ન કરતા.

હલ્દીઘાટીમાં મુઘલ સેનાપતિ બહલોલ ખાનને તેમણે તલવારના એક જ ઝાટકે એનાં ઘોડા સહિત ચીરી નાંખ્યો હતો, જે ઈતિહાસની સૌથી ચર્ચિત ઘટના છે.

અકબરે ક્યારેય પણ મહારાણા પ્રતાપ સાથે પ્રત્યક્ષ યુદ્ધ કર્યું ન હતું. તેમણે હલ્દીઘાટીમાં પણ જહાંગીર અને પોતાના નવરત્નોમાના એક માનસિંહને મોકલ્યા હતા. યુદ્ધ દરમિયાન જ્યારે જહાંગીરનો હાથી તેમની એકદમ નજીક આવી ગયેલો ત્યારે તેમનાં ઘોડા ચેતકે હાથી પર પોતાનાં બે પગ ટેકવી દીધેલ અને પ્રતાપે પોતાનો 108કિલોનો ભાલો જહાંગીર પર છુટ્ટો ફેંક્યો હતો. નજીવા અંતરથી જહાંગીર આ ભાલાનાં ઘાથી બચી ગયો. જહાંગીરનાં બચી જવાથી જ ભારતમાં અંગ્રેજો પગપેસારો કરી શક્યા, કારણ કે આગળ જતાં જહાંગીર બાદશાહ બન્યો અને એણે જ અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની મંજુરી આપી હતી.

મહારાણા પ્રતાપ જેટલો જ બહાદુર એમનો ઘોડો 'ચેતક' હતો. કાઠીયાવાડી કુળનો આ ઘોડો એક સમયે જ્યારે મુઘલો સામેના યુદ્ધમાં મુઘલ સેના એકલા પ્રતાપની પાછળ પડી હતી ત્યારે ચેતક 22ફૂટનું નાળુ એક જ છલાંગમાં કુદાવી ગયો હતો. 110કિલોનાં પ્રતાપ, 208કિલોનો તેમનો સામાન લઈને 22ફૂટનું નાળુ કૂદવું કોઈ સામાન્ય બાબત નથી. પ્રતાપને સહી સલામત સ્થળે પહોંચાડી તો દીધા, પરંતુ ચેતક બચી ન શક્યો. તે ત્યાં જ મૃત્યુ પામ્યો.

મહારાણા પ્રતાપના ઘોડા ચેતક્નું મૂળ ગામ ચોટીલા પાસેનું ભીમોરા ગામ ગણાય છે, જે આજે પણ ઊંચી જાતનાં ઘોડા માટે વખણાય છે. એવું કહેવાય છે કે હળવદ પાસેનાં ખોડ ગામનાં દંતિ શાખાના એક ચારણે ચેતક અને નેતક નામનાં બે ઘોડા ભીમોરાથી લઈ મારવાડ પહોંચાડ્યા હતાં. મહારાણા પ્રતાપે આ બંને ઘોડાની પરીક્ષા લીધી હતી, જેમાં નેતક મૃત્યુ પામ્યો હતો અને ચેતક મહારાણાને પસંદ પડી ગયો હતો.

વર્ષ 1582માં તેમણે દિવારનાં યુદ્ધમાં ફરીથી પોતાનાં પ્રદેશનો કબ્જો મેળવ્યો. કર્નલ જેમ્સ તાવે પ્રતાપના મુઘલો સામેના યુદ્ધને યુદ્ધ મેરેથોન ગણાવી હતી. આખરે 1585માં તેઓ મેવાડને અંગ્રેજોના કબ્જામાંથી સંપૂર્ણપણે મુકત કરાવવામાં સફળ રહ્યા.

ઈ. સ. 1596માં શિકાર કરતી વખતે પ્રતાપને ઈજા થઈ હતી, જેમાંથી એ ક્યારેય બહાર આવી શકયા ન હતા. તેમની નવી રાજધાની ચાવંડમાં જ તેમનુ 19 જાન્યુઆરી 1597નાં રોજ માત્ર 57 વર્ષની વયે અવસાન થયું. તેમની બહાદુરી હિંમતની સામે અકબરે તેમની સ્વતંત્રતા સ્વીકારી લીધી અને પોતાની રાજધાની લાહોર ખસેડી લીધી હતી. મહારાણા પ્રતાપના મૃત્યુ પછી ફરીથી તેણે આગ્રાને પોતાની રાજધાની બનાવી દીધી હતી.

સ્વતંત્રતાનું જીવન જીવતાં શીખવનાર મહારાણા પ્રતાપને ભારત ક્યારેય ભૂલી નહીં શકે.

મને સતત પ્રોત્સાહિત કરી વધુ લખવાની પ્રેરણા આપવા માટે આપ સૌ વાચક મિત્રોનો આભાર.

સ્નેહલ જાની



સૌજન્ય:- ઈન્ટરનેટના વિવિધ વેબ પેજ