children books and stories free download online pdf in Gujarati

બાળકો

બાળકો

આજનો વિષય છે 'બાળકો' . કદાચ આ લેખ શરૂ કરતી વખતે મારા મોઢા પર આવતું ચમકદાર સ્મિત હું તમને બતાવી શકતો હોત . ખરેખર બાળકો બહું જ અદભુત વિષય છે હો . દુનિયાભરના બધા મનોવૈજ્ઞાનિકોને ભેગા કરીને પણ જો સમજવામાં આવે તો પણ આ વિષય પૂરો સમજાય એવો નથી . રાત્રે જાગે , દિવસે સૂવે , ક્યારે હસે ? , ક્યારે રોવે ? કોણ જાણે કોથળામાંથી ક્યારે શું નિકળે ? નાના બાળકો સાથેનો વ્યવહાર હંમેશાં આશ્ચર્યોથી ભરેલો હોય છે . જો નસીબ સારા હોય તો સાનંદઆશ્ચર્ય બાકી પછી ઝટકા .

હવેના નાના બાળકોને જોતાં લાગે છે કે કુદરતના કારખાનામાં ડાહ્યા બાળકોનું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે . લગ્નમાં તોફાન કરતાં બાળકોને જોઈને મને ક્યારેક વિચાર આવે છે કે બાળકોને ઈશ્વરનું સ્વરૂપ કહેવામાં આવે છે એ આજ બાળકોની વાત છે ? પછી હું મારા મનને એમ કહી મનાવી લઉં છું કે કૃષ્ણ ભગવાન અને હનુમાનજી પણ નાનપણમાં તોફાની હતા . આ બાળકો તોફાની હોવાની સાથે સ્માર્ટ પણ બહું છે હોં . પોતાનું નામ સરખી રીતે ન બોલી શકતા બાળકો પણ મોબાઈલ વાપરી જાણે છે . આ બધા રિયાલિટી શોઝ માં બાળકોને જોઈ એવું લાગે છે કે આ લોકો પોતાની સાથે ડાન્સ કે સીંગીંગની કોઈ એપ ઈન્સ્ટોલ કરાવીને આવ્યા છે . બટન દબાવો કે ચાલુ . ને આપણી તો વાત જ શું કરવી ? કોણ જાણે કેટલી ઉંમર સુધી 'શક્તિ... શક્તિ.. શક્તિમાન' કરતાં હતા ?

નાના બાળકોના તો વળી લાડ પણ અજબ હોય છે . બાર-પંદર જોડી કપડા , બાર-પંદર જોડી નાના-નાના શૂઝ .એમાં પણ પાછાં મેચિંગ શૂઝ . અરે ભાઈ મેચિંગ નહીં હોય તો પણ એને ક્યાં સગપણ જોવા જાવાનું છે..? હું સ્કૂલમાં હતો ને મને આખાં મહીનામાં જેટલા રૂપિયા વાપરવા મળતા એનાથી વધારેના તો આ નાના નવાબો સાંજ પડે ડાયપર ભીના કરી નાંખે છે . એમાં આ મોડર્ન બાળકોના મોડર્ન મમ્મીઓ . સાસુમા એ કહ્યું હોય આપણે ટપૂ માટે ખોયું લેવા જવું છે એટલે એ ગૂગલમાં સર્ચ કરે ' what is meaning of khoyu ? ' . આજના બાળકો મોટા થઈ જાય છે એમાં મોબાઈલની ઘણી મહેરબાની છે હોં . બાળકો જમતા નથી તો આપો મોબાઈલ , બાળકો સૂતા નથી તો આપો મોબાઈલ , બાળકો તોફાન કરે છે તો આપો મોબાઈલ . બાળક સમજણો થાય ત્યાં સુધી માં તો એને મોબાઈલનું બંધાણ થઈ જાય પછી મમ્મીઓ કહે અમારો કાન્યો મોબાઈલ બોવ વાપરે . બેન હવે તમારા કાન્યાને આદત પડી ગઈ છે .

આમ તો બાળકો મોટા થાય એટલે બાળકો સાથે સૌથી વધુ પનારો શિક્ષકોનો હોય છે . એવાં જ એક શિક્ષકનો ટેણિયો એમનાં જ ક્લાસમાં ભણતો હતો . ટેણિયો સાંજે મમ્મી પાસે હોમવર્ક કરાવતો હતો . પપ્પા એ બૂમ પાડી "કેમ મમ્મી પાસે હોમવર્ક કરાવે છે..?" ટેણિયાએ તરત જ જવાબ દિધો કે "મને ખબર છે તમે મમ્મીની ભૂલ નહીં કાઢો" . નટુભા માસ્તરે તોફાની મગનને કોઈ વાતમાં માર્યો હશે . મગનને તો ચઢી ખીજ અને એણે નટુભા માસ્તરના સ્કૂટરના એક વ્હિલની હવા કાઢી નાંખી . નટુભા સમજી ગયા કે આ મગનીયાનું જ કામ હોય . બીજે દિવસે નટુભાએ મગનીયાને ઉભો કરી કીધું કે તને પાંચ ફૂટપટ્ટી પડશે .ત્યાં મગન બોયલો "સાહેબ ત્રણ મારી લ્યો એમાં થોડીક હવા ઓછી જ હતી" એકવાર કનુએ એના પપ્પાને કીધું કે પંદરસો વાળું બેટ અપાવોને એના પપ્પાએ કહ્યું આટલું મોંઘું હોય ? કનુએ કીધું તો હજાર વાળું અપાવો તોય એના પપ્પા કે ના ના આ પણ મોંઘું કહેવાય . છેલ્લે પપ્પાએ કનુને પાંચસો વાળું બેટ અપાવ્યું . કનુ તો ખૂશ ખૂશ . પપ્પાએ પૂછ્યું કે પાંચસો વાળું બેટ મળતું હતું તો કેમ પંદરસો વાળું માંગતો તો ? ત્યારે કનુએ કીધું કે " મને ખબર હતી પંદરસોથી ચાલું કરીશ ત્યારે તમે માંડ પાંચસો વાળું અપાવશો" કેમ બાકી..? ગોટે ચડાવી દે ને...?

આ તો હસવાની વાત થઈ . બાકી બાળક બહું શીખવા જેવો વિષય છે . એને ધૂળમાં રમાડો તોય ખૂશ . એને પડી નથી શીમલા મસૂરી જવાની કે ઈન્ટરનેટ પર પોસ્ટ મૂકવાની . ને આપડે હાય હાયમાં જીવન ધૂળ કરી દઈએ છીએ . એને હવામાં ઉછાળો તોય એ હસે કેમકે એને વિશ્વાસ છે કે પપ્પા કે મમ્મી મને પકડી લેશે . આપડે એટલો વિશ્વાસ ભગવાન પર કરી શકતા નથી . એ ઈશ્વરનું સ્વરૂપ કહેવાય છે કારણકે એને કપટ કરતાં નથી આવડતું . એ વાત જુદી છે કે બાળકો મોટા થઈને આ બધું શીખી જાય છે . કદાચ આસપાસનું જોઈને જ . ચાલો ફરી આવા જ કોઈ વિષય સાથે મળીશું.....