Wheels keep spinning - 14 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | પૈડાં ફરતાં રહે - 14

પૈડાં ફરતાં રહે - 14

14

નાથગીરીએ તો સિંહ જેવું કામ કરેલું. પોતે સળગતા અગનગોળા જેવી બસમાં કૂદીને દસબાર હજારની કેશ પણ બચાવેલી અને સો જેટલી અણમોલ જાન.

ભાવનગરમાં ચેનલો એનો ઇન્ટરવ્યૂ લેવા હોસ્પિટલ પહોંચી. ત્યાંના સત્તાવાળાઓએ ના પાડી દીધી. એસટીના ડિવિઝનલ કંટ્રોલર અને ખુદ વાહનવ્યવહાર પ્રધાન ફળદુ સાહેબ પણ પુષ્પ ગુચ્છ લઈને એના ખબર પૂછવા ગયા હતા. હું પોરસાયો. અમારો ખાસ દોસ્તાર.

મને એક ફેરો સૌરાષ્ટ્રનો કરી ઘેર ઓફ માટે જવાનું હતું. જમીન તો ભાગીયાઓ ખેડતા હતા. બાપા ધ્યાન રાખતા બેઠા 'તા. પહેલાં તો અમારે મોટી જમીન હતી. પછી તમને કહીને શું કરું? અમે રાજપૂતો પણ ઈ જમીન માફીયાઓને પહોંચેલા નહીં. બાપા અને મારા દાદાએ તો પોતાની જ જમીન બચાવવા ધીંગાણું કરેલું પણ એમાં બાપાને લેવાદેવા વગરની જેલ ભોગવવી પડેલી. બા નાં ઘરેણાં ગીરવે મૂકી હું ને નાનો ભાઈ ભણ્યા તો ખરા. હું કોલેજ જઈ શક્યો હોત પણ નાનાને ભણાવવા ને એકની એક બેનને પરણાવવા મેં નોકરી લઈ લીધી. લેવી પડેલી. બેનનાં સાસરિયાંએ દહેજ લીધું નહોતું. ઠકરાણી પણ વગર દહેજે જ મોડ બાંધી મારી મેડીએ ચડેલાં.

જમીનનો કેસ હજી હાલે છે. બાપા બેઠા બેઠા ફુંગરાયા કરે. માફીયાઓએ શહેરના વકીલને સાધીને અમારી જમીન પર અમારા અંગુઠા એમણે મારી (બાપા સહી કરે છે. ભણેલા છે આઠ ધોરણ.) પોતાનાં નામ ચડાવી દીધાં છે. ગામના જ સાક્ષીઓ ડરાવેલા ને સાહેબો 'ધરાવેલા'. અમારું કાંઈ ન ચાલેલું.

તો જમીનમાં વાવણી થઈ એ જોવાની હતી. મારા ઘરમાં લહેરાતા અણમોલ 'મોલ'ને જોવા 'તા. આંખ બંધ કરું તો સામે સાત વરસની ઢીંગલી સોના, ત્રણ વરસનો બહાદુર અને ઠકરાણાં દેખાતાં.

સ્ટિયરિંગ પકડું એટલે ભોમિયો ડ્રાઇવર અને ઘેર જોડા ઉતારું એટલે એક બાપ, એક દીકરો ને એક સાગના સોટા જેવી રાજપુતાણીનો વર. ધણી નહીં કહું. ધણી એટલે માલીક. ઈ મારી પ્રોપર્ટી નથી. મારા કાળજાનો, મારી બહાર રહેતો કટકો છે. ગામના નવરાઓના મોઢે કે'વાતો 'ફટકો' છે. હા. ઓલું ગીત કયે છે એમ 'રૂદીયાની રાણી' સે.

બસ એકાદ ટ્રીપ ને થોડી રજા સોત મંજુર થઈ છે. હમણાં ઘર ભેગો. ઈ પે'લાં ખાતામાંથી પગાર ઉપાડી લઉં. હા. ઈ ખાતામાં પગારની વાત ઘેર પોંચીને. અટાણે તો સુરતથી રાજકોટ બાજુ જાઉં છું. તમે પણ હાલો.

હું નીચે ઉતર્યો. કાર્તિક બહાર લારીએ કાંક લેવા ગ્યો. ઓલા નાથગર સાથે આવેલા કંડકટર મળ્યા. ઈ મને સારી રીતે ઓળખે છે. મને એનું નામ યાદ નથી આવતું. એની ટ્રીપ તો મારાં ગામ કોર હતી! મેં એને ટાઈમ કાઢી મારે ઘેર જઈને આપવા ચિઠ્ઠી મોકલાવી. કેમ? દોઢ બે દી' માં તો જવું છે. કઈંક હશે તો જ મોકલું ને?

મેં મારું શિડયુલ જોયું. રાજકોટથી પોરબંદર, ત્યાંથી દ્વારકા થઈ ઘેર. તો દ્વારકાની જાત્રા બાપા અને ઠકરાણાંને નો કરાવું? મારાં બે જીવતાં રમકડાને પણ મારે રમવા હારે લઉં.

મારી વહાલી 1212 જ મારી સાથે સુરતથી રાજકોટ જવા આવી પહોંચી. એને સાપુતારા છોડેલી ને!

અમે નવસારી ડીપોમાં બસ બરાબર ચેક નહોતી થઈ એની કંમ્પ્લેઇન આપી દીધી. ભગવાનનો પાડ માનો કે સાપુતારા એ રીતે હેમખેમ પહોંચ્યા. મારું ધ્યાન ગયેલું કે લાઈટ બરાબર નથી. એ લોકોએ દિવસનો ભાગ છે એમ કહી વાત ટાળી દીધેલી. મને ખબર પડી કે નાથગરની અગનગોળો બની ગયેલી બસ છેલ્લે નવસારીમાં જ સર્વિસ ને ચેક થયેલી. કોઈ અમારી સામે વેર વાળી રહ્યું છે? શકયતા નકારી શકાય નહીં. અંદરોઅંદર ગંદુ પોલિટિક્સ રમાતું હોય છે. મેં મારી શંકા કાર્તિકને કીધી. એને ય લાગ્યું કે એક સાથે, એક જ વર્કશોપમાં એટેન્ડ થયેલી બે બસમાં જાનનું જોખમ થાય એવું કાગનું બેસવું ને ડાળનું પડવું ન હોય. કાંઈક ઊંડી રમત છે. મેં નાથગર સાજા થાય પછી રફીક, જીવણ મારાજ અને બીજાઓને પૂછીને સાહેબને મળવા નક્કી કર્યું. કોને અમારી સામે વેર લેવું હશે? શા માટે? કાંઈ દેખીતું તો દુશ્મન નહોતું. અમારા બેયનો એક દુશ્મન કોણ હોય? કાંઈક યાદ આવશે.

અત્યારે તો હું સુરતથી રાજકોટ જવા નીકળી ગ્યો.

રાજકોટમાં રફીક ભેગો થયો. અમે હારે ચા પીધી. રાજકોટ તો ગાંઠીયાનું ધામ! ટાઈમ હતો. થોડે આગળ ત્રિકોણબાગ પાસે એક જાણીતા ગાંઠીયાવાળાના ગાંઠીયા ત્યાં જ ગરમાગરમ ઉતરતા ખાધા. હું હવે ઉત્સાહમાં હતો. દ્વારકા જવા મેં સામેથી કીધું, PO 1212 આપો.

મેં ઈને ચેક કરી. ચારેબાજુ કપડું ફેરવ્યું. ઓલી એટીએમ લૂંટી ભાગતી કાર પકડવા બે માઈલસ્ટોન વચ્ચેથી નીચે જવા દિધેલી ત્યારે ખાલી પાછલું પડખું ગોબાયેલું ને એક બાજુની લાઈટ ફૂટી હશે. બાકી ટનાટન હતી. સાપુતારા જતાં જાણી જોઈને એને મુશ્કેલી કરવામાં આવી 'તી.

વાતમાં ને વાતમાં પડધરી ગ્યું. 'સામે ગામ' (ધ્રોળ, એમ કે'વાય સે કે એનું નામ લઈએ તો જમવા ન મળે. હું તો ગાંઠીયા જમીને જ આવેલો. ) આવ્યું.

**

હું ઉભી રહી. મારા ઘર.. ઘર.. અવાજ સાથે ભોમિયાના ધક.. ધક.. અવાજ મેચ થતા હતા. એની 'ઠકરાણી' ગ્રામ્ય નારી બનીઠની શકે એવી તૈયાર થઈને આંગળીએ એક સાત વરસની, બધે ચકળવકળ જોતી ઊંચી પાતળી છોકરી અને એક નાના બાળકને ઝાલીને ચડી. ભોમિયો હસું હસું થઈ રહ્યો. એનું મોં તડકામાં ડ્રાઇવ કરવાને કારણે કે એની ઠકરાણીને મળીને, લાલચોળ થઈ ગયું. હવે એ મને દાદ દે? ન દે તો પણ મારે એનો સંસાર સંભાળીને વહોરવાનો હતો. તો જ મારી ઉપર ભોમિયાનાં હેત પ્રીત રહે.

તેઓ બેઠાં. વગર કહ્યે કાર્તિક 'ભાભીજી'ને ઓળખી ગયો. તોય, ભોમિયાએ એ લોકોનો ફેમિલી પાસ કાઢ્યો ને પંચ કરાવ્યો.

એસટીના સ્ટાફનાં કુટુંબને અમુક મર્યાદામાં ગુજરાતમાં મફત મુસાફરી કરવા મળે છે. અમુક કંડકટર તો એમ ને એમ કોઈકના ટિકિટના સો થતા હોય તો પચાસ લઈ ચેકર આવે તો 'સ્ટાફ' કહી જવા દે.

એમાં એકવાર કોઈ બસમાં ટીસી ચડ્યા. એક કંડક્ટર કોઈ ટિકિટ વગરના ભાઈને માટે કહે 'મારા મામા છે.' તો ટીસીએ મામા ભાણેજના પ્રેમના ગુણગાન ગાવાને બદલે દંડ ઠપકાર્યો. કન્સેશન ઇમીજીએટ ફેમિલી એટલે ન કમાતા બાપ ને મા, પત્ની અને બાળકો ને જ મળી શકે. તેણે બે ઘડી માટે વગર ગરજે એ મકૃતિયાને બાપ બનાવ્યો હોત. પણ ટીસીએ સીધું એનું નામ પૂછ્યું. કંડક્ટરના આઈકાર્ડમાં જોયું. બાપનું નામ તો અલગ હતું એટલે એને 'મામો' બનાવવો પડ્યો ને એ બેય પકડાઈ ગયા.

ભોમિયો એવી માટી નથી એ તમે સમજો છો.

તો કાર્ડ પંચ થયું. ડ્રાઇવરની પાછલીની સામેની સીટે તે બેઠી. પુત્ર બારી પાસે ઉભાડયો. પુત્રી બે ગોઠણ વાળી બરાબર ભોમિયાની પાછળ જાળી પકડી અધુકડી બેઠી. બાપને આવડી મોટી બસ ચલાવતા જોઈ આભી બની જાળી ચાવવા લાગી.

એ ભાઈ, ખબર છે તારું 'ફેમિલી' છે. બધાને હોય. કાંઈ નવી નવાઈનું છે? ચલાવ એક ધ્યાનથી. હું મનમાં બોલી.

પણ ભોમિયાનું ધ્યાન બરાબર રસ્તે ચોંટેલું. વચ્ચેવચ્ચે પાછળ જોવાના મીરરમાંથી 'નિરખ્યા કરતો' હતો. ક્યાં? કહેવાની જરૂર છે? એકાદ બે વાર પીઠ ફેરવી પુત્ર બહાદુર સામે જીભડો પણ કાઢી લીધો. બહાદુરે રાજી થઈ સીટ પર ઠેકડો માર્યો.

ભોમિયાથી રહેવાયું નહીં. દિકરી સોનાને કહે 'આવવું સે આગળ?'

દીકરી પણ ભણવા જતી હતી. કહે 'બાપા, સે નહીં, છે બોલો!' પારકી મા અને પોતાની દીકરી કાન વીંધે.

ભોમિયાની સીટની બાજુમાં નાની સીટ હતી. મૂળ તો ટિફિન કે કોઈ વસ્તુ રાખવા આડું પાટીયું. એની ઉપર રેકઝીન કવરની યુ ફોમની ગાદી મુકેલી. સોના તો વચ્ચેના ખાંચામાંથી કાર્તિકની મદદ લઈ ત્યાં આવીને બેસી ગઈ.

જામનગર આવ્યું. બરાબર ઓળખી ગયેલા કાર્તિક સાથે ભોમિયાએ 'ફેમિલી'ની ઓળખાણ કરાવી. એમ ને એમ ભાટીયા ગયું.

વીસેક મિનિટ પછી દ્વારકાની ઊંચી ધજા દેખાઈ. પંદરેક મિનિટ વહેલી. આજે ભોમિયો હવામાં ઉડતો હતો ને મને ઉડાડતો હતો.

સોના બે પગ હલાવતાં ગાવા લાગી, 'સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ.. જય જય ગરવી ગુજરાત..'

એનો બાપ હરખથી છલકાઈ ઉઠ્યો. 'સ્કૂલમાં શીખવ્યું?' એણે પૂછ્યું. પછી કહે 'તો બોલ, પશ્ચિમ એટલે?'

કોઈ વાહન ખુબ નજીકથી પસાર થયું.

આજે ભોમિયો દાંત પીસીને ગંદી ગાળ ન બોલ્યો. ઘેર જઈને ઠકરાણી માથું વાઢી નાખે. ભોમિયાએ ખુબ જોરથી હોર્ન વગાડ્યું. કોઈ નહોતું તો પણ 'ટિકટુક.. ટિકટુક' કરતી પાસ લાઈટ આપી.

સોના સીટના ઉખડેલા ડનલોપમાં આંગળી ખોતરતી બોલી 'સૂરજ આથમે એ દિશા. દિશાઓ કહું? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ!' તેણે ડોકું નમાવી ખુલ્લું હાસ્ય કર્યું. વળી તે પગ હલાવવા લાગી.

'જો, આપણે પશ્ચિમમાં જઈએ છીએ. હમણાં સુરજ આથમશે.' ભોમિયો દીકરીને સમજાવી રહ્યો.

આમ વાતો થાય ત્યાં હું દ્વારકા પૂર્વ દરવાજે આવી ઉભી. તરત ઉપડી. દ્વારકાના બસસ્ટોપનો ઢાળ ચડી ત્યાં દરિયાની ખારી લહેર આવી.

હવે 'રે પંખીડાં સુખથી ફરજો..' મારે ગાવાનું હતું. હું થાકી હતી. ગેરેજમાં જઈ મારું એન્જીન ને ડોર બંધ થયાં એટલે તરત સુઈ ગઈ. આજે ભોમિયો નહીં સુવે એની ખાતરી હતી.

**

'તો હું ઉતરીને મારૂં 'ફેમિલી' લઈને દ્વારકાધીશના દર્શને ગ્યો. દેવે ઘણું આઈપું સે. પણ મોટા ભગવાન પાસે જઈએ એટલે કાંક તો માંગીએ જ ને? મેં જમીનનો કેસ જલ્દી ચાલે ને જીતીએ એમ માંગ્યું. બાપા સાચા હતા તો ય આ બાવન ગજની ધજાવાળાની મેરબાની થાશે તો બધું પાર ઉતરશે.

કાર્તિકને અમારી હારે આવવા કીધું. ઈ નો માઈનો. એકલો નીકળી ગ્યો.

અત્યારે સાંજે પણ કોઈ ધજા ચડાવતું હતું. નવ માળ જેટલે ઊંચેથી નીચે નારિયેળ ફેંક્યું. છેક એ નવ માળ જેટલે ઉપર ચડી એક માણસે ધજા ફરકાવી. સોનાને મેં તેડીને બતાવ્યું. બહાદુરને એની માએ.

સુરજ આથમવાને હજી વાર હતી. અમે ઘોડાગાડી કરી દરિયાકાંઠે સનસેટ પોઇન્ટ ગયાં. નિરાંતે સનસેટ જોઈ, સોના અને એની મા ને ગોળ ફરતી ને દૂર લાઈટ ફેંકતી દીવાદાંડી બતાવી અને દરિયાની હવા લેતાં સનસેટ પોઇન્ટ પાસે બિરલા ધરમશાળામાં રહ્યાં.

આજે કાંઈ ડોરમીટરીમાં રે'વાય?

એવડી ઈ ઘરનાં થેપલાં લાવી 'તી ઈ બજારમાંથી મસ્તી દહીં લાવેલાં એની હારે ખાધાં.

બાપા કેમ નો આઈવા? પૂછ્યું તો કયે ઈમને આવવું તું પણ વળી જમીન માટે કાંક બબાલ થઈ. લોહી પી જાય છે પીટયાઓ.

એક વાર બહાદુર ને સોનાનું ભણવાનું હોય ઈ હાટુ પૈસાનો જોગ કરી મારી દઉં બે ઘા, કરી નાખું કટકા ઈ માફીયાના. ને પછી ભલે જેલમાં જાઉં.

ઠકરાણીનો હાથ મારી પર ફરવા માંડ્યો ને જવાબમાં મારો એની પર. છોકરાં થાકીને સુઈ ગયાં હતાં. એક સરખો દરિયાનો ઘૂઘવાટ સંભળાઈ ર્યો. ઠંડો વાયરો બારીમાંથી આવતો ર્યો. આકાશમાં ચાંદની, હું ને ઠકરાણી.

દરિયો આકાશ કૉર્ય ઉછળતો 'તો ને એની ટાઢી મઝાની હવા લેતાં અમે બે માણા..

દ્વારકાધીશ, તારી કીરપા સે. બાપા, સે નહીં, છે.

ક્રમશઃ

Rate & Review

Be the first to write a Review!