Manhood in Gujarati Motivational Stories by Pramod Solanki books and stories PDF | માણસાઈ

માણસાઈ

ચારો તરફ કોરોના વાઈરસનો ડર ફેલાયેલો હતો. બધી હોસ્પિટલો ફૂલ થઈ ગઈ હતી. દરેક હોસ્પિટલો ની આગળ એમ્બ્યુલન્સની લાંબી કતારો હતી. દરેક હોસ્પિટલમાં દર્દથી કણસતા દર્દીઓ હતા અને તેમના વાલીઓ ઇન્જેક્શન અને ઓકસીજન ની બોટલો લેવા જ્યાં ત્યાં રજળપાટ કરતા હતા.


પરિસ્થિતિ જ એટલી ગંભીર થઈ ગઈ હતી કે મોબાઈલમાં આવતી કોઈની રીંગ, વૉટ્સેપમાં મુકાતું સ્ટેટ્સ, ફેસબુકમાં મુકાતી પોસ્ટ કે વૉટ્સએપમાં આવતા કોઈ મેસેજ ના ટોન માં પણ સતત એક ફફડાટ રહ્યા કરતો કે કોઈના મુત્યુના સમાચાર ના હોય તો સારું. અચાનક જ આવી પડેલી આ ગંભીર પરિસ્થિતિ સામે સરકાર પણ વામણી સાબિત થઈ હતી. આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો એ કોઈ સમજી શકતું નહોતું.


લોકો હજુ લોકડાઉન નો ભાર હળવો કરવા કામે જ ચડ્યા જ હતા ત્યાં કોરોનાની બીજી લહેરના કારણે વધતા કેસો એ ફરી પાછા રોજગારી વગરના કરી નાખ્યાં. આર્થિક કટોકટી તો હતી જ એમાં જેના ઘરે દવાખાનું આવ્યું તેને તો પોતાની સંપત્તિ વેચવાની નોબત આવી પડી. આ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ માનસિક રીતે હતાશ હતી. જેને ઘરે કોઈ બીમાર નહોતું તે લોકો પણ આવા સમયે એક અજંપો મહેસૂસ કરી રહ્યા હતા.


આવા જ સંજોગોમાં એક ગરીબ કુટુંબ ના ઘરે કમાનાર વ્યક્તિને આ રોગ લાગુ પડ્યો. બે ભાઈઓનું કુટુંબ એક સાથે રહેતું હતું. જેમાં મોટાભાઈ મિલનભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા અને નાનાભાઈ કરશનભાઈ ને નાની પાનમાવાની દુકાન હતી. કરશનભાઈ વધારે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હોવાથી તેને કોરોના પોઝિટિવ આવ્યો.


મોટાભાઈ ધાર્મિક વૃત્તિ વાળા હોવાથી નાની મોટી ઓળખાણ આવા કપરા સમયે કામ લાગી. એક સરકારી હોસ્પિટલમાં લાગવગ ના કારણે એક બેડની સુવિધા મળી ગઈ. પરંતુ નાનાભાઈની તબિયત દિવસે દિવસે વધુ ખરાબ થતી ગઈ. ડોક્ટરે છેલ્લે હાથ ઊંચા કરીને એક પ્લાસ્ટિકના કવરમાં બોડી પૅક કરીને વાલીને સોંપી દીધી.


મિલનભાઈ ઉપર તો જાણે દુઃખનો પહાડ પડ્યો હોય એમ કલ્પાંત કરવા લાગ્યા. એમ્બ્યુલન્સ ને સીધી સ્મશાન ગૃહમાં લેવામાં આવી. એમ્બ્યુલન્સ ના ડ્રાઈવરે સીધી સૂચના આપી કે પ્લાસ્ટિકને ખોલ્યા વગર જ બોડીને અગ્નિદાહ આપવામાં આવે પરંતુ મિલનભાઈએ ચોખ્ખી ના પાડી. અને ડ્રાઇવર ને સહજતાથી અને પ્રેમથી સમજાવતા કહ્યું કે " હું ધાર્મિક વૃત્તિ વાળો માણસ છું, હું મારા ભાઈના અગ્નિસંસ્કાર ધાર્મિક વિધિવિધાન પ્રમાણે જ કરીશ. મહેરબાની કરીને આ કામ કરવામાં મને રોકશો નહિ. ભલે મને આ કાર્ય કરવાના કારણે કોરોના થઈ જાય એ મને મંજૂર રહેશે પરંતુ હું મારા ભાઈના અગ્નિસંસ્કાર કોઈ વિધિ વગર કરીશ જ નહિ.
મિલનભાઈના શબ્દોમાં આજીજી, જીદ, ભાઈ પ્રત્યેનો પ્રેમ અને પોતાની ધાર્મિક વિધિ પ્રત્યેની શ્રદ્ધાને જોતા ડ્રાઈવરે તેમને કોઈ ને નહિ કહેવાની શરતે બોડી પર ચડાવેલા પ્લાસ્ટીક નું કવર ખોલવાની પરવાનગી આપી.


મિલનભાઈની સાથે ૧૦ માણસો હતા. ડ્રાઈવર સાથે કરેલી વાતથી ડરના કારણે ૭ માણસો તો જતા રહ્યા. સાથે રહેલા ૩ માણસો એ એમ્બ્યુલન્સ માથી કરશનભાઈ ની બોડીને નીચે ઉતારી. તરત જ મિલનભાઈએ બોડી પર લગાડેલ પ્લાસ્ટિકના કવરની ચેઇન ખોલી નાખી. નજર સામે જ રહેલા ભાઈના મૃતદેહને જોઈને રડી પડ્યા. કયો એવો ભાઈ હોય જે એના ભાઈના મૃત્યુ સમયે રડ્યો ના હોય. મિલનભાઈએ પોતાના ભાઈના દેહને છાતીએ વળગાડી હીબકા ભરવાનું શરૂ કરું. રડતા રડતા જ નાનાભાઈને ઉઠાડવા કાકલૂદી કરવા લાગ્યા. હાજર બધાનું હૈયું આ દૃશ્ય જોઈને કંપી ઉઠ્યું. અચાનક જ મિલનભાઈ રુદન કરતા અટકી ગયા. આંખો પહોળી કરીને કરશનભાઇ ના ચહેરાને નીરખીને જોવા લાગ્યા. પછી તરત જ ગાલે થાપલી મારવા લાગ્યા.

હાજર બધાએ મિલનભાઈમાં આવેલો તફાવત નોંધ્યો. કુતુહલતા પૂર્વક બધા મિલનભાઈને જોય રહ્યા. કંઇક અજુગતું બન્યું એવું બધાને લાગ્યું. કોઈ કશું પૂછે એ પહેલાં જ મિલનભાઈનો અવાજ ગુંજી ઉઠ્યો " ધબકારા શરૂ છે. મારો ભાઈ હજુ જીવે છે. ચાલો જલ્દી એમ્બ્યુલન્સ માં બેસાડો."


બધા હજુ કંઇ સમજે એ પહેલા જ કરશનભાઈ ને ઉપાડીને એમ્બ્યુલન્સ માં સુવડાવ્યા. મિલનભાઈએ સ્પષ્ટ શબ્દોમાં ડ્રાઇવર ને કહ્યું કે 'ગાડી સીધી ઘરે લેજો.' સાથે રહેલા ૩ વ્યક્તિમાંથી એક વ્યક્તિએ વિરોધ નોંધાવ્યો કે 'અત્યારે આને હોસ્પિટલ લઈ જવાની જરૂર છે. ઘરે લઈ જઈને શું કરશો?'

' એ બધી વ્યવસ્થા થઈ જશે પણ હવે હું મારા ભાઈને મારી નજર સામેથી દૂર નહિ થવા દવ. જે કાંઈ પણ સારવાર કરવાની થશે એ મારી નજર સામે જ કરાવીશ.' બને એટલું પોતાના શરીરને સ્વસ્થ રાખી સહજતાથી મિલનભાઈએ પેલાભાઈને પ્રત્યુતર વાળ્યો. મિલનભાઈને કંઇક યાદ આવતા ખિસ્સામાંથી ફોન કાઢીને તેના પત્નીને ફોન લગાડી આખી વિગત ટુંકમાં રજૂ કરી દીધી અને ઘરે એક રૂમમાં કરશનભાઈ એકલા રહી શકે એવી વ્યવસ્થા કરવાનું કહ્યું. પછી એક મિત્રને ફોન કરીને પૈસાની વ્યવસ્થા કરવાનું કહ્યું. અને ત્રીજો ફોન પોતાના જાણીતા ડોક્ટરને લગાડીને આખી ઘટનાનો સારાંશ જણાવી જલ્દીથી પોતાના ઘરે હાજર રહેવાની આજીજી કરી.


મિલનભાઈની સાથે રહેલા ત્રણેય વ્યક્તિઓ આવા કપરા સમયમાં પણ મિલનભાઈની યોગ્ય સૂઝબૂઝથી આશ્ચર્ય પામી ગયા. જો મિલનભાઈની જગ્યા પર કોઈ બીજી વ્યક્તિ હોત તો નાસિપાત થઈ જાત.


ઘરે પહોંચતા જ મિલનભાઈએ કરેલા આયોજન પ્રમાણે એક અલગ રૂમમાં કરશનભાઈ ની સારવાર શરૂ કરવામાં આવી. સારવાર માટે જરૂરી બધી જ વસ્તુઓ મિલનભાઈએ ડોક્ટરને પૂરી પાડી. ડોક્ટર સાહેબ તો ઘરે સારવાર કરવા રાજી જ નહોતા પરંતુ મિલનભાઈની ખુબ જ આજીજીને વશ થઈ તે સારવાર કરવા માટે તૈયાર થયા હતા. આમ પણ બંને વચ્ચે ઘનિષ્ઠ સબંધ હતો માટે ના પાડી શકવાની કોઈ શક્યતા જ નહોતી. તેમ છતાં ડોક્ટરે ચોખવટ પૂર્વક કહી જ દીધું હતું કે હું મારી રીતે બધા જ પ્રયત્નો જરૂર કરીશ પણ આગળ જો કંઇક અજુગતું થાય એમાં હું જવાબદાર નહિ રહું. મિલનભાઈએ બધી જ જવાબદારી પોતાના માથે લેતા ડોક્ટરને સારવારમાં કોઈ કચાક નહિ રાખવાની સૂચના આપી.


ડોક્ટરે ઘરના સભ્યની જેમ કરશનભાઈ ની સારવાર શરૂ કરી દીધી. પોતે પણ તેનાથી સંક્રમિત ના થાય એ માટે પી.પી.ઇ કીટ પહેરીને તેની સારવાર કરવા આવતા. ડોક્ટરે આ પહેલા ક્યારેય કોરોના વાળા દર્દીની સારવાર નહોતી કરી પરંતુ તેમના ઓળખીતા ડોક્ટરોને ફોન પર દર્દીના રિપોર્ટ મોકલી જે સૂચનાઓ મળતી એ આધારે સારવાર કરતા ગયા.

ડોક્ટરની સારી ટ્રીટમેન્ટ ના કારણે કરશનભાઈ ની તબિયતમાં સુધાર આવતો ગયો. તે હવે શ્વાસ પણ સારી રીતે લઈ શકતા હતા. હવે એને ઓકસીજન બોટલની જરૂરિયાત પણ નહોતી પડતી. બધા સાથે સારી રીતે વાત પણ કરી શકતા હતા. કરશનભાઈ ની તબિયત સુધારાથી ઘરના બધા સભ્યો નો શ્વાસ હેઠો બેઠો. બધા કરશનભાઈ નો આ બીજો અવતાર જ સમજતા. જો ત્યારે મિલનભાઈએ પ્લાસ્ટિક કવર ઉતારવાની જીદ ના કરી હોત તો આજે કરશનભાઈ ફરી પાછી આ દુનિયા જોઈ શક્યા જ ના હોત. ૨૦ દિવસ પૂરી સારવાર લીધા બાદ કરશનભાઈ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હવે તેને રૂમ ની બહાર અવાજ જવર કરવાની પરવાનગી પણ હતી. ત્યારે અચાનક મિલનભાઈ એક વકીલને લઈને કરશનભાઈ પાસે આવ્યા કરશનભાઇ ને કહે છે કે ' આપણે એ હોસ્પિટલ વિરુદ્ધ કેસ કરવાનો છે જેણે તમે જીવિત હોવા છતાં મૃત જાહેર કર્યા હતા. માટે જ આ વકીલને તમારી પાસે લઈ આવ્યો છું.'


કરશનભાઈ આશ્ચર્ય થી મોટાભાઈ અને વકીલ તરફ જોઇ રહ્યા પછી પૂર્ણ દૃઢતાથી કહ્યું કે કોઈ ઉપર કેસ કરવાની જરૂર નથી. તમે જે હોસ્પિટલ પર કેસ કરવાની વાત કરો છો ત્યાં ડોક્ટરો કેવી પરિસ્થિતિનો સામનો કરે છે એ તમને ખબર છે? તમે મારી આટલા દિવસો ઘરે સારવાર કરી છે તો તમને અંદાજો હોવો જોઈએ કે ઘરના બધા સભ્યો અને એક ડોક્ટર ઊભા પગે મારી દેખરેખ રાખી ત્યારે મને સારું થયું છે જ્યારે તે હોસ્પિટલમાં દર ૫ મિનિટે એક નવો દર્દી દાખલ થતો હતો અને દર ૧૦ મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થતું હતું. કાળજું કંપી ઉઠે એવા દૃશ્યો ત્યાં સર્જાતા હતા. એવા સમયે ત્યાંના ડોક્ટરો ભૂખ, તરસ, ઊંઘ કે આરામની કોઈ પરવા કર્યા વગર દર્દીઓની સારવાર કરતા હતા. એક ડોક્ટર સામે ત્રીસ ત્રીસ ગંભીર દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ડોક્ટર એક દર્દીને તપાસવા જતો ત્યાં બીજો દર્દી શ્વાસ છોડી દેતો હતો. બાથરૂમમાં ગયેલો દર્દી ત્યાં જ દમ તોડી દેતો. ડોક્ટર પણ અસમંજસમાં મુકાઈ જતા કે પહેલા ક્યાં દર્દીને સારવાર કરવી. છતાં ડોક્ટર બને એટલા દર્દીઓનો જીવ બચાવવાના પ્રયત્નો કરતા હતા. હવે આવા સંજોગોમાં મારા જેવા એકાદ દર્દીને પોતાના કામના ભારણને કારણે મૃત જાહેર કરી દીધો એમાં એના ઉપર આપણા થી કેસ ના કરી શકાય. આમ પણ એ લોકોએ આવા સમયે કેટલાય લોકોનો જીવ બચાવ્યો છે એ આપણે કેમ ભૂલી શકીએ. મારી સાથે બનેલો કિસ્સો તો અપવાદ કહેવાય.


મિલનભાઈએ કરશનભાઈ ને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ બધી નિષ્ફળ રહી. કરશનભાઇ એ એકનું એક જ રટણ ચાલુ રાખ્યું કે મારી સાથે બનેલો બનાવ એ એક અપવાદ છે જ્યારે એ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર તો ભગવાનનું રૂપ છે જેણે ઘણા લોકોને નવજીવન બક્ષુ છે હું તે લોકો ઉપર કેસ કરીને પાપમાં પડવા નથી માંગતો. મહેરબાની કરીને આ વાતને અહી જ ભૂલી જાવ. કરશનભાઈ ના કડક શબ્દોના કારણે મિલનભાઈએ કેસ કરવાનું માંડી વાળ્યું.


* * * * * * * * * * * *


આજ કાલ હોસ્પિટલોમાં મારઝુડ અને તોડફોડના દૃશ્યો વધુ જોવા મળે છે. વાલીઓ પોતાના સ્વજનને ખોઈ બેસવાનો આક્રોશ ડોક્ટર ઉપર અથવા હોસ્પિટલમાં તોડફોડ કરી ઉતારે છે પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે ક્યારેય કોઈ ડોક્ટર કે હોસ્પિટલ વાળા એવું નથી વિચારતા કે તેમને ત્યાં દાખલ થયેલો દર્દી તેમની હોસ્પિટલમાં જીવ ગુમાવે. ડોક્ટરો અને હોસ્પિટલ વાળા હંમેશા પોતાને ત્યાં દાખલ થયેલ દર્દીને બચાવવા માટે હંમેશા કાર્યશીલ હોય છે. લોકો એ પોતાની વિચારધારા બદલાવવાની જરૂરી છે.


નોધ :- આ કહાની કોરોનાની બીજી લહેર વખતે એક વડીલ પાસે સાંભળી હતી. સાચી છે કે ખોટી એ વિશે મે કોઈ ખરાઈ કરી નથી. પણ એક પોઝિટિવ સંદેશ મળે એ માટે વાર્તામાં મે મારી રીતે થોડા ફેરફાર કરીને મૂકી છે.


સમાપ્ત
પ્રમોદ સોલંકી

Rate & Review

Sheetal

Sheetal 10 months ago

Rupalben Mehta

Rupalben Mehta 1 year ago

Trupti Ashara

Trupti Ashara 1 year ago

J  Patel

J Patel 1 year ago

Dharamshibhai Donda