Ascent Descent - 64 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 64

આરોહ અવરોહ - 64

પ્રકરણ - ૬૪

એક લાચારી સાથે મિસ્ટર આર્યન આખમાં આસું સાથે આધ્યાની વાતનો જવાબ આપતાં બોલ્યાં," બસ એને મળ્યો તો ખરાં પણ એની એક નાની માગણી પુરી ન કરી શક્યો. મેં તેને લગ્ન કરીને એક પિતાનું નામ આપવાની ના પાડી. તને મોટી કરવાની આર્થિક જવાબદારી માટે વચન આપ્યું પણ શ્વેતા એની બાળકીને એના પિતાનું નામ આપવા ઈચ્છતી હતી. છેલ્લે એણે એક વાત કરી કે જો હું તમારાથી દૂર જતી રહું તો તમને દત્તક દીકરી લીધી છે એમ કહીને પણ એને નામ આપતા હોવ તો....

ને એ સમયે એક નકટો બાપ ઠર્યો. લાગણીઓને નેવે મૂકીને મેં એને હા કહી દેતાં કદાચ મારા પર આંધળો વિશ્વાસ રાખીને એ કાયમ માટે મને છોડીને દૂર જતી રહી. પણ બેરહેમ તો હું બન્યો તને છ મહિના તો રાખી પણ કદાચ એક માતા વિના એક નાના બાળકને મોટું કરવું એ લોઢાનાં ચણા ચાવવા જેવું કઠિન કામ છે એ ખબર પડી.... મારાં અમીરીની હોડમાં એ અવરોધરૂપ બનતું હોય એવું લાગી રહ્યું હતું અને એક દિવસ બપોરથી રાત સુધી ખબર નહીં તું બહુ રડતી હતી ડૉક્ટરને બતાવતાં દવા પણ આપી પણ તારું રડવાનું શરું રહ્યું. હું થાકી ગયો...હવે મારી પાસે તારી મમ્મી ક્યાં હશે એની પણ કોઈ જાણ નહોતી...ને એ દિવસે રાતનાં લગભગ અગિયારેક વાગ્યાના સમયે હું તને એક બેટની સાઈડમાં થોડી સૂમસામ જગ્યાએ છોડી આવ્યો....." કહેતાં જ મિસ્ટર આર્યન એક નાનાં બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં...!

 

આધ્યા પણ આ પોતાની જિંદગીને જાણીને એની આંખો પણ ચોધાર આસુંએ રડી રહી છે. મલ્હાર હેબતાઈ ગયો કે એ હવે શું કરે?

 

પણ થોડીવાર પછી આધ્યાએ પોતાની જાતને સંભાળતા કહ્યું, " પછી તમને જરાય મારાં માટે કંઈ થયું નહીં કે હું ક્યાં હોઈશ? કેવી સ્થિતિમાં હોઈશ?"

 

" બેટા એવું કામ કરતાં તો કરી દીધું પણ પછી તો મને આખી રાત ઉઘ ન આવી. મારી આંખો સામે ફક્ત બે જ ચહેરા તરવરી રહ્યાં એક શ્વેતા અને એક નાનકડી પરી જેવી લાગતી મારી દીકરી...! એ આખી રાત હું સૂઈ ન શક્યો પણ હું શું કરું એની મૂંઝવણમાં હું આખી રાત કંઈ નિર્ણય ન કદી શક્યો એ મારી જીવનની સૌથી મોટી ભૂલ થઈ હતી.

 

આખરે સવારે દસેક વાગે ફરી હું એ જગ્યાએ પહોચ્યો જ્યાં મે તને છોડી હતી. પણ એ જગ્યાએ તું મળી નહીં એનો મતલબ કોઈ તને લઈ ગયું હતું. હું બહું દુઃખી થયો. પણ એ સમયે હું તને નામ આપવા ન ઈચ્છતો હોવાથી હું દુનિયા સામે પોલીસ કેસ ન કરીને પોતાની પ્રસિદ્ધિ પર પાણી નહોતો ફેરવવા ઈચ્છતો. મેં મારી રીતે તપાસ તો ઘણી કરાવી પણ તારો કોઈ પત્તો ન લાગ્યો.

 

અને બસ એ જ કારણે કે હું શ્વેતાને આપેલું વચન પણ ન નીભાવી શક્યો આથી હું ફરી એને મેળવવા માટે કોશિષ કરતાં ડરતો રહ્યો. ને પછી ધીમે ધીમે સમય જતાં હું બધું ભૂલવાની કોશિષ કરતો મારાં બિઝનેસને આગળ ધપાવવામાં વ્યસ્ત બની ગયો. એ પસ્તાવાને કારણે આટલું બધું હોવા છતાં કોઈની સાથે લગ્ન માટે ઘણાં વર્ષો સુધી હું હા ન પાડી શક્યો. આખરે બત્રીસ વર્ષે મેં માતાપિતાની ઈચ્છાને માન આપીને પપ્પાનાં ઓળખીતા બિઝનેસમેનની દીકરી સાથે લગ્ન કર્યા.

 

પણ કુદરત બધે ન્યાય કરે છે એમ હું નંબર વન પર પહોંચી ગયો કોઈ વાતની કમી નહોતી પણ કમી રહી મનોમન એક સાચા પ્રેમની..મારી પત્ની પણ એટલી સારી હતી. અમારું જીવન પણ સારું ચાલી રહ્યું હતું પણ કુદરતનો મારાં કર્મો માટેનો પ્રકોપ કે થોડાં વર્ષો બાદ કેટકેટલી દવાઓ દુવાઓ છતાં પણ અમારે ઘરે પારણું ન બંધાયું. મારાં મનમાં શ્વેતાને છોડવાનું અને તને તરછોડવાનુ દુઃખ મનોમન દિલનાં એક ખૂણે સતત ધરબાતુ રહ્યું. મારી પત્ની પાયલે મને એક દિવસ કહ્યું પણ ખરાં કે તમે બીજા લગ્ન કરી લો. આટલી સંપતિને સાચવનાર કોઈ હશે જ નહીં તો?

 

પણ હું મનોમન મારી જાતને જ દોષી માની રહ્યો હતો એ દિવસે મેં એને મારા જીવનની બધી વાત કરી. અને બીજા લગ્ન માટે ચોક્ખી ના કહી દીધી. મને તો એવું લાગ્યું હતું કે એ મને નફરત કરીને છોડી દેશે પણ એ દિવસ પછી એણે કહ્યું કે જે થાય પણ તમારી મરજી વિના હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. બસ હજુ સુધી આજ રીતે જીવન ચાલી રહ્યું છે.

 

" પણ તમે પાયલ આન્ટીથી પણ કદાચ સંતોષ નહીં પામ્યાં હોય એટલે વળી ક્યાંય ને ક્યાં ફાફા તો મારતાં જ રહ્યાં ને જીવનભર?"

 

મિસ્ટર આર્યન હેબતાઈ ગયાં અને બોલ્યાં, " આવું કેમ બોલે છે? હું તારી મમ્મીનાં ગયા પછી પાયલ સિવાય કોઈ સાથે મેં એવો સંબંધ રાખ્યો નથી. અલબત્ત, કોલેજમાં હતો ત્યારે મારે ઘણી ગર્લફ્રેન્ડસ હતી કદાચ એ અમારી કોલેજનાં કલ્ચર મુજબ એમ ફેશન અને ટ્રેન્ડ ગણાતો. અમીર પરિવારનાં દીકરાઓને આવું કંઈ ન હોય તો એને કોલેજમાં બધા આનામાં તો હિંમત જ નથી કહીને લોકો હેરાન કરી મૂકે. પણ હું આવી જગ્યાએ જાઉં છું એ તું કેમ કહે છે બેટા?"

 

"તો તમે જ આવ્યાં હતાં ને આઠ મહિના પહેલાં પેલાં દિવસ શકીરાના કોઠા પર? કોઈ એમ જ થોડું ફરવા આવે ત્યાં? મેં તો હજુ સુધી કોઈને ત્યાં મફતમાં પૈસા આપવા આવતાં નથી જોયાં."

"તને યાદ છે બેટા કે હું એ સમયે આવ્યો હતો? હવે મને સમજાયું કે તું એ દિવસે હું આવ્યો એ પરથી તને એવું લાગી રહ્યું છે. પણ હકીકત કંઈ અલગ હતી કદાચ એ દિવસનાં કારણે જ આજે હું તને મળી શક્યો છું.

 

લગભગ નવ મહિના પહેલાં મારો એક ખાસ મિત્ર છે પ્રદિપ. એનો પરિવાર ફોરેન રહે છે. એની પત્ની લગભગ આઠેક વર્ષ પહેલા એક કેન્સરમાં મૃત્યુ પામી છે. આથી એ કોઈ કોઈવાર આવી રીતે કોઠા પર જતો હોય છે. એ એક જ વ્યક્તિ છે પાયલ સિવાય કે જેને શ્વેતાથી માંડીને બધી જ મારાં જીવનની ખબર છે. એ મોટે ભાગે અહીની ફેમસ જગ્યાએ જ જતો હોય છે પણ એ દિવસ એને કોઈએ શકીરાહાઉસનુ કહેતાં એ એ રાત્રે ત્યાં આવેલો. એણે કહ્યાં મુજબ એ દિવસે એ તો કદાચ ત્યાંની કોઈ બીજી છોકરી સાથે ગયેલો પણ એણે તને ત્યાં બહાર કોઈ રીતે જોયેલી. ત્યાંથી તો કદાચ કોઈની વિગત મળે એમ ન હોવાથી એણે એ જેની સાથે ગયેલો એને આડકતરી રીતે તારું નામ પૂછેલું. પણ બેટા કદાચ તને ખબર નહીં હોય પણ તું એકદમ તારી મમ્મી શ્વેતાની કોપી દેખાય છે.

 

પ્રદીપને કદાચ એ અંધકારમાં તું તૈયાર થયેલી હોઈશ અને દૂરથી જોવાથી એવું લાગ્યું કે એ શ્વેતા જ છે. એણે આવીને બીજાં દિવસે સવારે જ મને ફોન કરીને કહ્યું કે શ્વેતા આ રીતે આ જગ્યાએ કામ કરે છે. મને એ સાંભળીને ખુશી સાથે ધ્રાસકો પડ્યો કે શ્વેતા આટલી ભણેલી ગણેલી સારાં સંસ્કારી પરિવારની છોકરીને આવી જગ્યાએ કામ કેમ કરવું પડ્યું હશે? શ્વેતા મને આટલાં વર્ષો બાદ મળી એની ખુશી પણ હતી. સાથે એટલું મનમાં દુઃખ હતું કે કદાચ મારાં કારણે જ એની આ સ્થિતિ છે.

મેં થોડાં દિવસો વિચાર્યું કે મારે શું કરવું જોઈએ કારણ કે પ્રદીપે કહ્યાં મુજબ ત્યાંની કોઈ પણ કામ કરતી વ્યક્તિને બહાર જવાની છૂટ નથી. એટલે મને શ્વેતા બહાર ક્યાંય મળશે એવી શક્યતા નહોતી. એટલે એક દિવસ મેં હિંમત એકઠી કરીને ત્યાં શકીરા હાઉસ આવવાનું નક્કી કર્યું. એ દિવસે હું જ્યાં સુધી કંઈ ફાઈનલ ન થાય ત્યાં સુધી પાયલને કંઈ પણ કહેવાની હિંમત ન કરી શક્યો. ને હું એ દિવસે ત્યાં આવી ગયો.

મને ખબર પડી હતી એ મુજબ એ નામ આધ્યા હતું શ્વેતા નહોતું પણ બની શકે કે કોઈને પોતાની સાચી ઓળખ ખબર ન પડે એ કારણે પણ નામ બદલ્યું હોય એટલે આવીને મેં એ મેડમ પાસે ડાયરેક્ટ આધ્યા માટે વાત કરી...એ માટે પણ મારે મથામણ કરવી પડેલી...! શકીરાહાઉસ પહોંચી તો ગયો પણ બસ એક પશ્ચાતાપની ધારા અને ફરી એકવાર શ્વેતાને મળવાની ઈચ્છા સાથે જ તારાં માટે મારે શું કહેવું શ્વેતાને એ વિચારે હું ફરી ચિતામાં આવી ગયો ને મારાં હાથ પગ જાણે ધ્રુજવા લાગ્યા.... એ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પરેસેવે રેબઝેબ થઈ ગયો...!

શું કરશે હવે આધ્યા? એ એનાં પિતાને અપનાવી પોતાની સાચી ઓળખ મેળવશે? શ્વેતા આ દુનિયામાં હશે કે નહીં? મલ્હાર કેવી રીતે આ બધું જાણતો હશે? જાણવા માટે વાચતા રહો, આરોહ અવરોહ - ૬૫

Rate & Review

Hemali Mody Desai

Hemali Mody Desai 10 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 months ago

Reena

Reena 10 months ago

GLAD

GLAD 11 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago