Ascent Descent - 67 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 67

પ્રકરણ - ૬૭

કર્તવ્ય બોલ્યો, " શું થયું આધ્યા? હું એ જ મલ્હાર છું જેની સામે તે દિલ ખોલીને બધી વાત કરી હતી. મારામાં કોઈ જ ફેર નથી આવ્યો. તું નહોતી જાણતી પણ હું તો જાણતો હતો જ ને કે હું કોણ છું તો પછી શું કામ આવું કરે છે?"

આધ્યાને શું બોલવું સમજાયું નહીં. આટલાં સમયથી ચુપ રહેલાં મિસ્ટર આર્યન આધ્યાની નજીક આવી ગયાં એ બોલ્યા, " બેટા તારાં આ લાચાર પિતાને હવે તો અપનાવીશ ને? તારાં વિના હવે અમારું આ દુનિયામાં છે પણ કોણ? આટલા સમયથી જે ખુશી માટે રાતદિવસ આ દીકરો મથામણ કરી રહ્યો છે ક્યાંક કર્તવ્યમાં પોતાનું કર્તવ્ય નિભાવતો તો ક્યાક મલ્હાર બનીને આધ્યાની દેખભાળ કરતો....એનું આ બલિદાન એમ જ જવા દઈશ? એ પણ મોટાં બિઝનેસ પરિવારવાળો છે... એને કંઈ આ કામ કરવાનો કંઈ ચાર્જ નથી લીધો એણે દિલથી આ કામ કર્યું છે એક પિતાને પોતાની દીકરી સાથે મળાવવા માટે...."

" પણ તું મલ્હાર બનીને કેમ આવ્યો કર્તવ્યની જગ્યાએ?"

"કર્તવ્ય બસ તે અત્યારે વિચાર્યુ એમ જ મોટો માણસ હોઈ શકે પણ મલ્હાર એક ફક્ત આધ્યા માટે જ કાળજી રાખનાર પાત્ર બનાવ્યું હતું. સૌ પ્રથમવાર આવ્યો ત્યારે તો એવું વિચારેલુ કે તને આડકતરી રીતે તારાં પિતા વિશે કહી દઈશ. જેટલું જલ્દી બધું થાય મેં મિસ્ટર આર્યન મને આપેલું વચન પૂરું થાય. આ કામ કદાચ હું બીજા કોઈ યુવાન વ્યક્તિને મોકલીને પણ કદાચ કરાવી શકત...પહેલાં તો એવું વિચારેલું કે એકવાર હું જોઈ લઉં બધું પછી કોઈ પાસે આ બધું યોજના મુજબ કામ કરાવી દઈશ.

પણ ત્યાં પણ પ્રથમવાર આવતાં જ મેં દરવાજામાં જ જે તું બેભાન થઈને પડી હતી અને એ હાલત જોઈ હું ખરેખર હચમચી ગયો.એ શકીરા પર તો એવો ગુસ્સો આવેલો કે હાલ જ પોલીસને બોલાવીને જેલમાં નંખાવી દઉં... પણ એ સમયે જરા પણ ઉતાવળ બધું ફ્લોપ કરી દે એમ હતી કારણ કે કોઈ એવાં ઠોસ સબૂત વિના એને કોઈ જેલમાં પણ ન રાખી શકે વળી એને છોડાવનારા પણ નાનાં માણસો તો નહીં જ હોય એ મને ખબર હતી. પણ તાવમાં ધગધગતી તને જોઈ છતાં તારી પાસે લેવામાં આવતું કામ હું સમજી શક્યો કે અહીં આવી કેટલીય છોકરીઓ સાથે આવું કેટલુંય બનતું હશે. એ દવાઓ પણ હું મમ્મી માટે ઘરે લાવેલો પણ હું આપવાનો ભૂલી ગયેલો એ જ તારાં તાવમાં કામ આવી ગયેલી. બાકી તને તાવ હશે એવો તો મને કોઈ અંદાજ નહોતો.

 

બસ પછી તો મેં મનોમન નક્કી કર્યું કે હવે આ મલ્હાર બનીને જ મારે આ બધું સત્ય શોધવું પડશે. કારણ કે કર્તવ્ય મિશનનો કર્તાહર્તા છે એ જ આવું કંઈ પણ કરતો કે આવી જગ્યાએ જતો કોઈની સામે આવશે તો કોઈ એનાં પર વિશ્વાસ નહીં કરી શકે. " એમ કહીને એણે પોતાની નકલી લગાવેલી ફ્રેન્ચ કટ દાઢી નીકાળી દીધી. અને બોલ્યો આ છે હવે અસલી કર્તવ્ય મહેતા...!

 

આધ્યા થોડીવાર એને જોઈ જ રહી પછી બોલી, " તું સાવ અલગ જ લાગે છે હવે તો...પણ બીજું એક કે મેં ભાગીને શકીરાહાઉસ છોડ્યાં બાદ તું કેવી રીતે મારાં સુધી પહોંચી શક્યો?"

 

"સાચું કહું એ સમયે મને એવું જ લાગ્યું હતું કે હવે બાજી હાથમાંથી જતી રહી છે પણ કદાચ કરેલાં કોઈ સારાં કામ નિષ્ફળ નથી જતાં એ મુજબ અનાયાસે એ ગાડીવાળા વ્યક્તિ દ્વારા તારી સારવાર માટે અમારી સંસ્થાનું કાર્ડ મળ્યું. વળી જુના શકીરાહાઉસ જતાં તે વોચમેનને આપેલી ચીઠ્ઠી મળી. હું મારી જાતને રોકી ન શક્યો. એ કાર્ડ દ્વારા મારી સાથે વાત થઈ.

 

પહેલા એ પપ્પા સંભાળતાં પણ હવે હું....હું લગભગ મારાં માણસો દ્વારા જ વ્યક્તિ યોગ્ય છે કે સાચું બોલીને જ હું તપાસ કરાવતો હોઉં છું.... પણ એ દિવસે મને શું સૂઝ્યું કે હું પોતે આવ્યો. મેં તને તો નહોતી જોઈ પણ સોના અને અકીલાને ત્યાં તારાં રૂમની અંદરની બાજુએ જોયેલી. હું ત્યાં જ અટકી ગયો. અંદર ન આવ્યો. એ બંનેને મેં શકીરાહાઉસમા જોયાં હતાં એટલે એ તો નક્કી જ હતું ત્યાંની જ કોઈ છોકરી છે પણ તું જ હોઈશ એવી ખબર નહોતી. પણ મારું મિશન આ બધાને મુક્ત કરવા માટે તો હતું એટલે મેં વધારે પૂછપરછ વિના જ ડોક્ટર માનવને જે પણ ખર્ચો થાય હા પાડી દીધી.

 

પણ પછી બીજાં દિવસે તારી સ્થિતિ ક્રિટિકલ થતાં હું ફરી આવ્યો. મેં તારી બધી ડિટેઈલ જોઈ એમાં તારો બધાં પેશન્ટની જેમ સ્કેન થયેલો ફોટો જોયો. હું સમજી ગયો કે તને તાવ તો જ અને પેલાં દિવસે સોનાએ પણ આડકતરી રીતે કહેલું કે એની તબિયત સારી નથી જ્યારે તું મને નહોતી મળી. પછી હું પોતે ફરી મલ્હાર બનીને શકીરાહાઉસ ગયો એટલે ખબર પડી ગઈ ચાર છોકરીઓ ગાયબ છે એમાં તું પણ છે એવું ખબર પડી. જ્યારે તને અમૂક રિપોર્ટ માટે ઈન્વેસ્ટીગેશન રૂમમાં લઈ જવાયેલી ત્યારે જ મેં તને દૂરથી જોઈ લીધી હતી. મિસ્ટર આર્યન પણ ત્યાં આવેલાં વળી તારું ડીએનએ ટેસ્ટ પણ ડૉ માનવની મદદથી શક્ય બનેલો. એ પણ ખરેખર મિસ્ટર આર્યનને ખુશી અપાવનાર આવ્યો. બસ પછી તો તારી સારવાર માટે પાછું જોવાનો સવાલ જ નહોતો. ખુદ તારાં આ પિતાએ પણ તને બલ્ડ આપ્યું હતું.

 

ફરી એકવાર બાજી હાથમાંથી જતી રહી હતી જ્યારે તમે લોકો ડિસ્ચાર્જ લઈને જતાં રહેલાં...પણ કદાચ કુદરત પણ જ્યારે આવું કંઈ ઈચ્છતી હોય અને આપણે નિસ્વાર્થ ભાવે કોઈ માટે કામ કરતાં હોઈએ ત્યારે એ ચોક્કસ સાથ આપે જ એ મેં જોઈ લીધું. કોઈ દિવસ પબ્લિક ગાર્ડનમાં ન જતો હું ફોન પણ ઘરે ભૂલી ગયેલો મને શું સૂઝ્યું જ્યાં તમે લોકો હતાં એ જ ગાર્ડનમાં હું લટાર મારવા નીકળ્યો અને તમે લોકો મળી ગયાં."

 

" તો ઉત્સવભાઈ કેમ આવેલા ત્યાં તારી જગ્યાએ?"

 

" મને જરા થોડું આ બધું ઓછું ફાવે. વળી હું સીધો ત્યાં ક્યાં પહોચ્યો એ પણ સવાલ થાત કોઈ મને જોવત તમારી સાથે તો બધું ખબર પડી જાત કારણ કે મને એ સમયે જાણવા મળી ગયું હતું કે શકીરાના માણસો તમારી પાછળ નીકળી ગયાં છે માટે તમારાં જીવને પણ જોખમ હતું. એટલે બની એટલું જલ્દી તમને લોકોને સલામત જગ્યાએ મોકલવા જરૂરી હતાં. મને વિશ્વાસ હતો કે ઉત્સવ આ કામ બહું સારી રીતે કરી શકશે એટલે એને મોકલેલો."

 

આધ્યા જરા શાત પડી. જાણે એક વકીલની જેમ એનાં સવાલ પૂરાં થયાં હોય એમ હવે એ ઉભી રહી.

 

કર્તવ્ય બોલ્યો, " ચાલ હું જતો રહીશ તારી ઈચ્છા હોય તો પણ તું તારા આ પિતાને તો અપનાવીશ કે નહીં?"

 

આધ્યાએ સીધો જ સવાલ કર્યો, " પપ્પા,પણ મમ્મી ક્યાં છે? એ આ દુનિયામાં પણ છે કે નહીં? માફ કરશો પણ એની કોઈ પણ પ્રકારની જાણ વિના હું તમારી સાથે નહીં આવી શકું. જે વ્યક્તિ એની પ્રેમિકા કે પોતાની દીકરીની માતા ક્યાં છે એની ખબર સુદ્ધાં ન રાખી શકે એની સાથે મારે કેવી રીતે આવવું?" કહીને આધ્યા રૂમમાંથી બહાર નીકળી ગઈ.

 

કર્તવ્ય એ મિસ્ટર આર્યનને સાંત્વના આપતા કહ્યું, " આમ હારી ન જાવ અંકલ... મને ખબર જ હતી અંકલ કે આધ્યા આ સવાલ તો કરશે જ...એટલે જ મેં શ્વેતા આન્ટી માટે થોડીક પૂછપરછ કરાવી રાખી હતી. વળી એમને તમને પપ્પા કહ્યું એનો મતલબ એ નક્કી તમને સ્વીકાર્યા તો છે એ પણ એક હકીકત છે એ પણ બહું મોટી વાત નથી?"

 

"એનાં મોઢે પપ્પા સાંભળીને જાણે આજે મારું જીવતર સફળ થયું એવું મને લાગી રહ્યું છે. પણ શું વાત કરે છે? એટલે શ્વેતા ક્યાં છે તને ખબર છે? મને તો એમ હતું કે કદાચ એણે...."

 

"જે વ્યક્તિ પોતાના પ્રેમીના ઠુકરાવવા છતાં એકલે હાથે એક દીકરીને જન્મ આપવાનું સાહસ કરી શકે, જે દીકરીના સુખ ખાતર એને એક પિતાનું નામ અપાવવા ખાતર પોતાનું બધું સુખ ભુલીને દૂર જતી રહેવા તૈયાર હોય એ સ્ત્રી એટલી નિર્બળ મનની હશે કે તમે એમ લાગ્યું કે એણે આત્મહત્યા જેવું કાયરોનો રસ્તો અપનાવીને એનું જીવન ટૂકાવી દીધું હશે? "

 

"એવું નથી કહેતો બેટા... પણ આટલા વર્ષો સુધી એની મને કોઈ જાણ નથી થઈ તો....કદાચ મને એવું લાગ્યું...પણ એ ક્યાં છે? મને કહે ને મારે એને મળવું છે એની સાથે બહું વાત કરવી છે એની દીકરીને મળાવવી છે એને...."

 

કર્તવ્ય બોલ્યો, " અંકલ પણ એ તમને પૂછશે કે આટલા વર્ષો તમે દીકરીને સંભાળીને રાખી હતી ને? તો શું જવાબ આપશો?"

 

કર્તવ્યનો આ સવાલ સાંભળીને જ જાણે મિસ્ટર આર્યનના પગ થીજી ગયાં...! માંડમાંડ પોતાની જાતને સંભાળી શક્યાં...!

 

શ્વેતા ખરેખર જીવિત હશે? આધ્યાને એની માતા મળશે ખરાં? કર્તવ્ય આધ્યાને પોતાની જીવનસાથી તરીકે અપનાવશે કે એનો સાથ અહીં મલ્હારના પાત્રનો અંત થતાં અંત આવી જશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૬૮