Ascent Descent - 72 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 72

આરોહ અવરોહ - 72

પ્રકરણ - ૭૨

આર્યન પોતાનાં રૂમમાંથી બહાર નીકળતી શ્વેતાને રોકતાં બોલ્યાં, "શ્વેતા એક મિનિટ!"

" હા બોલ ને. શું થયું?"

"તારાં જીવનનો આગળ શું પ્લાન છે? મતલબ મુબઈ આવવા વિશે? અહીં પુનામાં જ એકલી જિંદગી જીવ્યા કરીશ? તે તારું વચન નિભાવ્યું પણ હવે અમારાથી દૂર આવી રીતે રહેવાની શું જરૂર છે?"

"જીવવાનો મતલબ તો વર્ષો પહેલાં જ મીટાઈ ગયો છે, પણ હવે ત્યાં આવીને શું મતલબ છે? તારી લાઈફમાં પાયલ છે. સીધી સરળ ચાલતી બધાની જિંદગીને છંછેડવાની શું જરૂર છે હવે? અહીં મેં એક નાનકડી કંપની ખોલી છે. એને સંભાળું છું. એનું નામ પણ છે 'આર્યશ્વેત' બસ એની સાથે ખુશ છું. સલોનીનો સહારો છું. એનું ભણવાનું છેલ્લું વર્ષ છે કોઈ સારાં છોકરાં સાથે લગ્ન કરાવીશ એટલે મારી જવાબદારી પણ પૂરી. એ ખુશ રહે એટલે મને પણ નિરાંત...."

"પણ તને ક્યારેય એવું ન થયું કે જીવનમાં તને કોઈ હમસફરની જરૂર છે? લગ્ન ફક્ત શારીરિક જરૂરિયાત માટે નથી કહેતો પણ જીવનમાં ડગલે પગલે એક માનસિક સપોર્ટ કે સહારાની જરૂર પણ પડતી જ હોય છે ફક્ત સ્ત્રીને જ નહીં પુરૂષને પણ..."

"તમારી વાત સાચી છે. થયું પણ હતું, જરૂર પણ પડી હતી, કેટલીય વાર ભાંગીને ઉભી પણ થઈ છું પણ બસ એક મક્કમતા હતી કે એક જન્મમાં હું બીજાં કોઈને પ્રેમ કરવા જ નહોતી માગતી. પણ એક વાત હકીકત છે કે મેં હંમેશા તને મનમૂકીને ચાહ્યો છે, હજુય એ રીતે ચાહું છું... અને મારાં અંતિમ શ્વાસ સુધી ચાહતી રહીશ...તને પ્રેમ કરવો એ મારો નિર્ણય હતો અને મારી સાથે લગ્ન નામનાં બંધનમાં ન બંધાવું એ તારો નિર્ણય હતો. બસ પણ કદાચ એ યાદોની એ એટલી તાકાત જરૂર છે કે હજુ સુધી એનાં સહારે હું જિંદગી વીતાવી શકી છું."

 

"હમમમ....એ સમયની મારી જીદ્દ સામે હું તારી માફી પણ માગવાને લાયક નથી હું. પણ હવે તને ખબર છે એ મુજબ એક પ્રેક્ટિકલ જીવનને રાહ આપવા આધ્યાને પણ એક મા ની જરૂર છે, તું એનાં માટે પણ મુબઈ નહીં આવે? સલોનીને તું સાચવે, રાખે એનાં માટે મને કોઈ વાંધો નથી."

 

શ્વેતા બોલી, "એ વિશે હજુ કંઈ વિચાર્યુ નથી. પણ મારે મારી દીકરીને ચોક્કસ મનભરીને મળવું છે." કહીને શ્વેતા પોતાની આખો સાફ કરીને રૂમની બહાર નીકળી ગઈ. તરત મિસ્ટર આર્યન પણ બહાર આવી ગયાં. બહાર આવીને શ્વેતા બોલી, " સોરી, થોડીવાર થઈ ગઈ તમારે બેસવું પડ્યું પણ ચાલો હવે પહેલાં જમી લઈએ. બસ પાચ મિનિટમાં જ જમવાનું આવે છે.

 

થોડી જ વારમાં એક છોકરો આવીને બધું જમવાનું લઈ આવ્યો. ડાઈનિંગ ટેબલ પર જમવાનું રેડી થઈ ગયું. પાયલ બોલી, " શ્વેતાબેન આટલું બધું જમવાનું શું કામ બધું કરાવ્યું?"

 

"અરે સોરી, હું મારાં હાથે બનાવીને જ બધાને જમાડત. પણ આજે થોડું કંપનીનું કામ અરજન્ટ આવી ગયું તો શક્ય ન બન્યું. સલોની પણ મને હેલ્પ માટે કંપનીમાં આવી હતી. પણ ચિંતા ન કરો આ ઘરનું જ બનાવેલું છે." કહીને એણે સલોનીને પણ બોલાવી દીધી જમવા માટે. "

 

"બહું વધારે તો નથી કરાવી શકીએ પણ બધાંને પસંદ આવશે. બહું વધારે તીખું અને મીઠાશવાળુ પણ નથી." કહીને એ પીરસવા લાગી.

 

પાયલને ખબર પડી કે આ આર્યનની પસંદ છે એને મિડીયમ તીખાશ અને કોઈ પણ વસ્તુમાં ગળપણ હોય એ જરાય ન ભાવે. એક પછી એક જમવાનું પીરસાઈ ગયું. ઓછામાં ઓછી પંદરેક વસ્તુઓ તો છે જ. પણ બધી એટલી જ સ્વાદિષ્ટ.... સલોનીને કંઈ ખબર નહોતી પણ કદાચ એ ઘણું બધું સમજી રહી છે.

 

એને લાગ્યું કે કદાચ શ્વેતા આજે કામ અહીં કરી રહી છે પણ એનું મન સવારથી ક્યાંક વિચારોમાં અટવાઈ રહેલું છે. સલોનીએ જાણે પોતે બધાને ઘણાં સમયથી ઓળખતી હોય એમ નામની ઓળખ માત્રથી જ બધાને પ્રેમથી જમાડી દીધાં. પછી સલોની સામેથી જ બોલી, " માસી તું બધા સાથે બેસ. હું કામ પતાવી દઉં છું." આધ્યાએ હેલ્પ માટે કહ્યું પણ સલોનીએ એને એ બધું પતાવી દેશે કહી દીધું.

 

થોડીવારમાં જ હવે કદાચ બધાં રહસ્યના પડદા ખુલી ગયાં હોવાથી શ્વેતા સામેથી બોલી, "આધ્યા, બેટા મમ્મીને મળવા આવીશ ને હવે?"

 

આધ્યા તો કદાચ આ વાક્યની રાહ જોતી હોય એમ ફટાક કરતી ઉભી થઈ ગઈ. સલોની જોઈ રહી. શ્વેતા અને આધ્યા પણ એ જ રૂમમાં ગયાં જ્યાં એ આર્યનને મળી હતી.

 

આધ્યા તો અંદર જતાં જ જાણે આ એકાંતની રાહ જોતી હોય એમ શ્વેતાને ભેટી પડી. એણે એને કેટલી બધી વાર ગાલ પર ચુંબન કરી દીધું. પછી જાણે એક નિરાત મેળવતી બોલી, " મમ્મી મને વિશ્વાસ નથી આવતો કે મારે પણ મમ્મી પપ્પા છે, મારો પણ એક પરિવાર છે" કહેતાં જ એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. ક્યાય સુધી એ શ્વેતાનો હાથ પકડીને ઉભી રહી. પણ કંઈક વિચાર આવતાં જ એ એકદમ ખસીને દૂર થઈ ગઈ.

 

હજુ સુધી શ્વેતા કંઈ જ બોલી નહોતી પણ એ આધ્યાને આમ કરતી જોઈને બોલી, "શું થયું આધ્યા? કેમ મમ્મીથી દૂર જતી રહી? કેમ મમ્મી તને ન ગમી? કે પછી નારાજ છે?"

 

"ના, મમ્મી. નારાજ તો કોનાથી થાઉં? એવું કોઈ દિવસ શીખ્યું જ નથી. પોતાનાં લોકો સાથે રિસામણા મનામણાં હોય પણ પારકા સાથે શું? પણ મને એમ થાય છે કે મેં આટલાં વર્ષો કેવું કામ કર્યું છે કેવી જગ્યાએ રહી છું. આવી છોકરીઓને તો આપણા શાહુકાર લોકો અને સમાજ બહું ખરાબ અને કલંકિત માને છે ને? તું આટલો સમય આવી રીતે પોતાની જાતને સાચવીને રહી અને હું? હું સમજી શકું છું તું આટલી સુંદર છે, તો તારે પણ પોતાની જાતને સાચવવા એકલા રહીને સાચવવા ઝઝૂમવું તો પડ્યું છે હશે ને? કદાચ હું તમારી સાથે હવે કોઈ સંબંધ રાખીશ તો તમારાં લોકોની બદનામી થશે."

 

શ્વેતાએ આધ્યાને એકદમ નજીક લાવીને ચુમતા બોલી, " થાય જ દરેક સ્રીનાં જીવનમાં આવું બને જ. ફુલો હોય ત્યાં ભમરાં તો હોવાનાં જ! એવું નથી બેટા જરૂરિયાત બંનેને હોય છે પણ દરેક વસ્તુ એક જગ્યા, પરિસ્થિતિ, સંજોગો મુજબ હોય છે. પણ આવું કેમ વિચારે છે દીકરી? આતો બધાં નસીબના કે આપણા જ કર્મોનાં લેખાંજોખાં હોય છે જ્યાં આપણે આપણી કર્મોની ઉધારી હોય જેની સાથે જેટલો સાથ લખાયો હોય એટલું આપણને બધું મળે છે. તારી સાથે છે થયું બધું સંજોગોવશાત છે. તે એક ચાબૂકની બીક હેઠળ કામ કર્યું છે. એમાં તારી પાસે ના પાડવાનો કોઈ વિકલ્પ જ નહોતો.

 

તારી આ સ્થિતિ માટે ભૂલ આર્યનની છે તો, બીજી એક ગંભીર ભૂલ મારી પણ છે. મને તને વિશ્વાસથી ભલે તારાં ભલા માટે જ તને એને સોંપી દીધી પણ એ હું કેમ વિચારવાનું ભૂલી ગઈ કે જે આર્યન પોતાની પણ પ્રગતિ માટે પોતાને દિલોજાન પ્રેમ કરનાર પ્રેમિકા સાથે પણ લગ્ન નામનાં બંધનમાં બંધાવા નથી ઈચ્છતો એ શું નાનકડી બાળકીને એકલે હાથે ઉછેરી શકશે? એમાં પણ છે મહિનાની બાળકીને? કદાચ એ ના કરી શક્યો તો? આખરે એક પુરુષ , એનાં સપનાં અને શક્તિ સ્ત્રીની દિશામાં કામ ન કરી શકે. અલબત્ત, બધાં ન જ કરી શકે એ જરૂરી નથી છતાં પણ કુદરતે કદાચ સ્ત્રીમાં જ અમૂક શક્તિઓ આપી છે એ પુરૂષને નથી આપી એ પણ હકીકત છે.

 

ભલે મને વિશ્વાસ હતો પણ મારે એકવાર પ્રેકિટકલી વિચારવું જોઈતું હતું કારણ કે હું એક દીકરીની માતા પણ હતી. મેં એકવાર પણ આડકતરી રીતે કદાચ તપાસ કરી હોત મારી દીકરી સલામત છે કે નહીં તો પણ કદાચ... આ બધું ન થાત! પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું. પણ હવે તારું ભવિષ્ય ઉજળું બનાવવાનું છે."

આધ્યા : " ભવિષ્ય હવે તો ઉજળું કેવી રીતે બને? પાકા ઘડે કાઠા કેમ ચડે મમ્મી?"

" હઓ મારી દીકરી ,બધું જ શક્ય છે. બસ મનોબળ મજબૂત જોઈએ..."

"એ બરાબર પણ મમ્મી મેં ફક્ત બાર ધોરણ પાસ કર્યું છે. અત્યારે સુધીનાં મહાપરાણે છુપાવીને રાખેલા બે ચાર કાગળો સિવાય કંઈ જ મારી પાસે નથી. એ બધું જ એક દિવસ ગુસ્સામાં શકીરાએ સળગાવી દીધું હતું. તો કોઈ ઉચ્ચ ભણતર વિના નોકરી કોણ આપે? અને સાથે જ આ કલંક સાથે મારી સાથે લગ્ન કોણ કરશે? તો પછી શેનું ભવિષ્ય?"

"બસ તું અમારી સાથે નથી રહી એ જ તો આ તારામાં આ ઉણપ રહી છે. જે નથી એનું વિચારવાનું નથી પણ હવે જે છે એમાં શ્રેષ્ઠ કરવાનું છે." આધ્યા તો શ્વેતાના મનોબળને એક બાળકની માફક તાકીને જોઈ રહી..!

શું કરશે હવે શ્વેતા? એ ફરી મુબઈ પરત ફરશે? આધ્યા અને કર્તવ્યના સંબંધનું શું થશે? મિસ્ટર આર્યન અને શ્વેતાનો સંબંધ કેવો રહેશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૭૩

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 months ago

Reena

Reena 10 months ago

GLAD

GLAD 11 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago

Hemal nisar

Hemal nisar 11 months ago