Ascent Descent - 77 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 77

પ્રકરણ - ૭૭

કર્તવ્ય અને શ્લોકા લગભગ પંદર વીસ મિનિટ પછી બંને સાથે બહાર આવ્યાં એટલે બધાને મનમાં એ નક્કી થઈ ગયું કે એ લોકોની હા જ છે. પણ એમનાં આશ્ચર્ય વચ્ચે શ્લોકા અને કર્તવ્ય બંનેએ એમને સહજતાથી કહ્યું, " અમને આ સંબંધ પસંદ નથી." બંનેએ ના કહી એટલે વધારે કંઈ પૂછવા કે કરવાનો કોઈ સવાલ નહોતો. કદાચ કોઈ સંબંધ બગાડવાનો પણ એવો પ્રશ્ન નથી.

શિલ્પાબેન :" કોઈ ખાસ કારણ? મને એવું કંઈ લાગતું નથી બાહ્ય રીતે કે તમને પસંદ ન પડે. બાકી તમારી ના હોય તો કોઈ સવાલ જ નથી."

શ્લોકા જ બોલી, " અમે બંને સાથે રહી શકીએ એવું આન્ટી અમને નથી લાગતું. બસ એટલે જ..." પછી આગળ કોઈ કંઈ બોલ્યું નહીં. થોડી સામાન્ય વાતચીત પછી બધા છૂટા પડ્યાં.

દીપેનભાઈના કહેવાથી એ લોકોના ગયાં પછી પણ કોઈએ કર્તવ્યને એને કોઈ ના પાડવાનું કારણ ન પૂછ્યું. પણ બધાં સહજતાથી વાતોમાં લાગી ગયાં.

 

કર્તવ્ય : " મમ્મી હવે બીજી સરપ્રાઈઝ શું છે?"

" એ તો તું કદાચ ના નહીં કહે એવી આશા રાખું છું."

" કેમ ફરી કોઈ છોકરી આવવાની છે કે શું?".

"ના ના... એવું કંઈ નથી પણ તું ખુશ થઈશ એ ચોક્કસ છે." એટલામાં જ વર્ષાબેન ઘરે આવ્યાં એમને જોઈને કર્તવ્ય વિચારવા લાગ્યો કે ફોઈ અહીં?

 

આટલાં દિવસથી અંતરાના કારણે જ એ અહીં નહોતાં આવ્યાં. બધાં સાથે થોડી માથાકૂટ પણ કરેલી પણ આજે એકદમ સહજતાથી વાતચીત કરી રહ્યાં છે.

 

કર્તવ્ય કંઈ કહે એ પહેલાં જ વર્ષાબેન બોલ્યાં, " કર્તવ્ય હું આજે કંઈ લેવા આવી છું. તું ના નહીં કહે ને?"

કર્તવ્ય વિચારમાં પડી ગયાં કે મારી પાસે એવું શું છે કે ફોઈ આવી રીતે વાત કરી છે. એ બોલ્યો, " હા ફોઈ બોલોને. મેં કોઈ દિવસ ના પાડી છે તમને?"

 

વર્ષાબેન સીધું જ બોલ્યાં, " હું મારી દીકરી અંતરાને લેવા આવી છું."

 

" શું? તમે આ સાચું બોલી રહ્યાં છો?" નવાઈથી વર્ષાબેન સામે જોઈને બોલ્યો.

 

" હા બેટા. પહેલાં હું જ ના કહેતી હતી પણ મને મારી ભૂલ સમજાઈ. હું પરમ દિવસે જ આવેલી પણ તને પૂછયા વિના મને અંતરાને લઈ જવાની પરમિશન ન મળી."

 

કર્તવ્ય હસીને બોલ્યો, " ઓહ! કેમ અંતરાએ ના કહી?"

 

એટલામાં અંતરા આવીને બોલી, " હા ભાઈ પણ તમને કહ્યાં વિના કેમ જાઉં?"

 

"હા હવે ચોક્કસ તું જઈ શકે છે. ફોઈની ઈચ્છાથી જવામાં કોઈ જ વાંધો નથી. કદાચ હવે બધું જ સારું થશે."

 

વર્ષાબેન : " શું સારું થશે? કંઈ સમજાયું નહીં."

 

"એવું નહીં મતલબ અંતરાનું જીવન સુધરી જશે એટલે..." કહીને એણે વાત બદલી દીધી.

 

"અંતરાએ બધાનો આભાર માન્યો. અંતરા નવી જગ્યાએ જવામાં થોડી હતાશ પણ હોય એવું લાગી રહ્યું છે.

 

" અંતરા...ફોઈ છે, ઉત્સવ છે એટલે કોઈ ચિંતા નથી. થોડા દિવસમાં સેટ થઈ જઈશ. પણ આ ઘર પણ તારું છે તને ઈચ્છા થાય ત્યારે આવી શકે છે. કોઈ પણ દિવસ કંઈ પણ એવું લાગે કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને અડધી રાતે પણ મને ફોન કરી શકે છે." કર્તવ્ય એ અંતરા સાથે વાત કરીને એક આત્મીયતા સાથે કહ્યું.

 

દીપેનભાઈ, શિલ્પાબેન અને કોમલે પણ એને ભાવુક બનીને દીકરીની જેમ જ અંતરાને પોતાનાં ઘરમાંથી વર્ષાબેન સાથે મોકલી. અને અંતરાના એક નવા જીવનની સુખદ સફર શરૂ થઈ ગઈ...!

***********

દિવસો વીતવા લાગ્યાં. એક મહિનો થવા આવ્યો છે આધ્યાને અહીં આવ્યા પછી. શ્વેતા પણ ફાઈનલી પૂના છોડીને સલોની સાથે બે દિવસમાં આવવાની છે. આધ્યાને એનાં ડોક્યુમેન્ટ આખરે ઘણી મથામણ પછી એની સ્કુલમાંથી મળી ગયાં. એનું મિસ્ટર આર્યને કર્તવ્યને પૂછીને એક સારી કોલેજમાં એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે એડમિશન પણ કરાવી દીધું.

 

મિસ્ટર આર્યન અને આધ્યા એક હીંચકા પર બેઠા છે. પાયલ એમની પાસે આવીને બોલી, " તમારી બાપ દીકરીની વાત પૂરી જ નથી થતી... જમવાનું નથી હવે?"

 

"તમે પણ આવી જાવ ને મમ્મી." આધ્યાએ આજે પહેલીવાર પાયલને કોઈ સંબોધન કરતાં એ ખુશ થઈ ગઈ.

 

પાયલ ખુશીથી બોલી, " આજે હું પણ મા બની ગઈ. બેટા આ એક શબ્દ માટે વર્ષોથી તરસી છું. આજે હું ખરેખર બહું ખુશ છું."

 

"તમને એક વાત કહું? હું વર્ષોથી પરિવાર વિના હતી અને આજે મને એકસાથે બે બે મા મળી ગઈ છે એનાથી વધારે શું જોઈએ મને. બસ હવે મમ્મી આવી જાય એટલે આપણો પરિવાર સંપૂર્ણ બની જશે." વર્ષો બાદ આજે મિસ્ટર આર્યનના ચહેરા પર સંતોષ સાથે એક ખુશીની લહેર છવાઈ ગઈ.

**********

ઉત્સવ કર્તવ્યને મળવા અચાનક કંઈ કહ્યા વિના ઓફિસ આવ્યો એણે જોયું કે કર્તવ્યના લેપટોપમાં કોઈ છોકરીનો ફોટો દેખાઈ રહ્યો છે એને એ સ્માઈલ કરીને એકલો એકલો જોઈ રહ્યો છે. ઉત્સવે ધીમેથી જોયું તો એમાં આધ્યાનો ફોટો દેખાયો. એને નવાઈ લાગી. એક મહિના સુધી આધ્યાની વાત પણ ન કરનાર કર્તવ્ય હજુય આધ્યાને યાદ કરે છે એને નવાઈ લાગી. એને એમ જ હતું કે કર્તવ્ય એને ભૂલી જ ગયો છે.એ એનાં જીવનમાં આગળ વધી ગયો છે.

 

ઉત્સવને જોતાં જ કર્તવ્ય એ ફટાફટ લેપટોપ બંધ કર્યું. ઉત્સવ બોલ્યો, " ભાઈ તું આટલો છુપારૂસ્તમ ક્યારથી થઈ ગયો? મને તો એમ કે તું આધ્યાને ભૂલી ગયો છે પણ તું તો..."

 

કર્તવ્ય : " એ ભુલાઈ એવી છે ખરી?"

 

"તો પછી... એ દિવસે તો...શેની રાહ જોવે છે? હું તો એવું વિચારું છું કે મમ્મી હવે અંતરાને પણ દીદી જેવું જ સરસ રાખે છે. અંતરા પણ અમારાં ઘરમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે. મમ્મીએ એકવાર સુદ્ધાં એને પપ્પા વિશે કે બીજું કંઈ પણ કહ્યું નથી સાથે જ એણે અંતરાને એણે કમ્પ્યુટર ક્લાસ, ડાન્સ ક્લાસ કુકિંગ બધું જ જે એને પસંદ આવે એ બધું શરૂ કરાવી દીધું છે એટલે હવે આ યોગ્ય સમય આવી ગયો છે હું સોના માટે ઘરે વાત કરવાનું વિચારું છું. કદાચ ના નહીં કહે. "

" ઓહ તો તો સરસ. બધું સારું જ થશે. ચાલો પાર્ટી થઈ જાય. હમણાં તો મારા ડ્રીમ પ્રોજેક્ટ માટે તૈયારી ચાલી રહી છે. મળ્યો છે પૂરો કરવો પડશે ને હવે બે જ દિવસ બાકી રહ્યાં છે. વળી મિશનનું લગભગ નેવુ ટકા કામ થઈ ગયું છે. અમૂક કોલસેન્ટરોને અમૂક કારણોસર જે લોકો ખરેખર આ ધંધો જ કરવા ઈચ્છે છે એમનાં માટે એ સેન્ટરો બંધ નથી કરી શકાયા. બસ હવે આ બધું શરું રહે એનું ધ્યાન રાખવાનું છે. મને આશા નહોતી કે આટલું જલ્દી આ બધું થશે પણ મિસ્ટર આર્યનને કારણે ખાસ તો બધું જ શક્ય બની શક્યું છે. આ બધાં સેન્ટરો પર ઉદ્યોગ તો કેટલીક જાતજાતની ધંધાકીય પ્રવૃત્તિ શરું કરાઈ છે જેથી એ લોકોને રોજીરોટી પણ મળે વળી એ આવક કમાનાર વ્યક્તિને જ મળે એની સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે. "

"બહું સરસ. પણ ભાઈ તું કંઈ હેલ્પ કર ને. મને થોડી બીક લાગે છે મમ્મીથી ક્યાંક એ સીધી ના કહી દેશે તો..? અને તું આધ્યાને મળ્યો કે નહીં એક મહિનાથી? એનું શું ચાલે છે."

" તું વાત કર. મને લાગે છે ત્યાં સુધી હવે કોઈ વાંધો નહીં આવે. આજે જ આર્યન અંકલનો ફોન આવેલો કે તું કેમ આવ્યો નથી હમણાથી તું ઘરે આવજે એવું કહ્યું છે. હવે જોઉં આજકાલમાં જઈશ."

" તું ખરેખર આધ્યાને તારી જીવનસાથી તરીકે ઈચ્છે છે? મને જે હોય એ સાચું કહેજે."

"એ તો ખબર નથી. ...શું તને એમ લાગ્યું હતું કે હું એટલો સ્વાર્થી છું? મેં આધ્યાને પ્રેમ કર્યો હતો ત્યારે પણ મને એનો ભૂતકાળ ખબર જ હતી. પણ હું કંઈ નિર્ણય કરી શકતો નથી. એક દિવસ એવો નથી ગયો કે મને આધ્યા યાદ ન આવી હોય. પણ એને જીવનસાથી બનાવવાનું? બહુ અઘરું છે. "

" તો પછી કેમ આમ શાંત બેઠો છે? કંઈ નિર્ણય તો કર."

" બસ જે થશે તે... મને કંઈ ખબર પડતી નથી."

ઉત્સવ : " ભગવાન કરે બધું સારું જ થાય."

" હમમમ... ચાલ ભાઈ. આજે ઝંપલાવી જ દે." કહીને બેય જણા ઘરે જવા માટે નીકળી ગયાં....!

આધ્યા માટે મિસ્ટર આર્યન હા પાડશે? ઉત્સવ અને સોનાના સંબંધને મંજુરીની મહોર મળશે? કર્તવ્ય હવે શું કરશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૭૮