Wheels keep spinning - 16 books and stories free download online pdf in Gujarati

પૈડાં ફરતાં રહે - 16

16

'અને એમ ભોમિયો મને ચલાવતો ખંભાળિયાથી રાજકોટ પહોંચ્યો. એનું નવી નવાઈનું 'ફેમિલી' ધ્રોળ ઉતર્યું. એની પત્નીએ અને ધ્રોળ ઉતરી ભોમિયાએ મામલતદાર સાહેબને થોડામાં ઘણું કહી દીઘું. કેટલુંક તો તેઓ માનવા તૈયાર નહોતા. બસ જોખમભર્યા તોફાનમાંથી હેમખેમ લાવ્યો એ બદલ એને ચોક્કસ શાબાશી ઘટે પણ એની ઓથે એ કોઈ અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપર અંગત વેર વાળવા ખોટો આરોપ નહીં કરતો હોય એની શી ખાત્રી!

એ પછી મામલતદારે જામનગર કલેક્ટર અને ધ્રોળ પોલીસને કાને વાત નાખી દીધેલી. પોલીસ અધિકારીએ તો વાતને હસી કાઢી. કહ્યું કે ભોમિયાનો બાપ ગાંડો થઈ ગયો છે. કેઇસ કોર્ટમાં પેન્ડિંગ છે છતાં એના થાણે આવી અવારનવાર ફરિયાદો કર્યે જાય છે. એની જમીન છે જ નહીં, એણે પોતે વેંચી દીધી છે અને તોયે ઉપરથી પોતાની રહીસહી જમીનમાં વાવતાં લણતાં એ મહાનુભાવની જમીનમાં ઘુસી આવે છે.

કલેક્ટરે તો કોર્ટકેઇસની ફાઇલ માંગી.

એ ચાલ્યું આવે છે ને ચાલશે.

હું તો ત્યાંથી પડધરી થઈ રાજકોટ મોડી તો મોડી પહોંચી. રસ્તે સતત વરસાદ હતો. ક્યાંક ઓછો તો ક્યાંક વાદળાં નજીકથી પસાર થઈએ એટલે બારે મેઘ ખાંગા થયા હોય એવો. પણ હવે એ આંધી, તોફાન કે વાવાઝોડું ન નડયું. ભોમિયો મને આજે તો ખેડૂત બળદ ડચકારે એમ પુચકારતો સંભાળથી રાજકોટ લઈ આવ્યો. જ્યાં રસ્તો દેખાય નહીં ત્યાં આગળનાં વાહનની લાઈટને અનુસરતો, પાણી બહુ ઉડે નહીં એનું ધ્યાન રાખતો ને હું સ્કીડ કહે છે એમ લસરી ન જાઉં તેની કાળજી રાખતો હળવેથી લઈ આવ્યો. મને એની થઈને ચાલવું ગમ્યું. જે પ્રેમ એનાં 'ઠકરાણાં' ને આપતો હતો એ પ્રેમની એ સ્ટિયરિંગ પાછળ બેસે એટલે હું હક્કદાર.

અમે રાજકોટ પહોંચ્યાં. રાત મેં વર્કશોપનાં ગેરેજમાં કાઢી, એણે ડોરમીટરીમાં. એને મૂળ શિડયુલ મુજબ રાત્રે જ પાછા ફરવાનું હતું પણ અમે પહોંચ્યાં જ બે કલાક મોડાં. પહોંચ્યાં એ કહોને!

બીજે દિવસે પરોઢ થતાં તો એ બેસી ગયો પેસેન્જર તરીકે. મને હવે ચાર દિવસ ને બે રજા- છ દિવસનો વિરહ મારા ભોમિયાથી. એનું કામ પતે તો હું યે ખુશ ને ભગવાન પણ ખુશ.

એ 'સામે ગામ' ઉતર્યો ને બસસ્ટોપ પર જ મોઢું ધોઈ ચા પી પહોંચ્યો રેવન્યુની ઓફિસ જ્યાં જમીનના ઉતારા ને રેકોર્ડની સર્ચ મળે.

હું ગઈ આગળ જામનગર.

**

'એમ તો ન્યાં કોઈ જવાબ દેવા નવરૂં ન હોય. હું ઓફિસ પેલાં પુગી ગ્યો તો. મારી સાથે જમીનના કામના એક્સપર્ટ વકીલ પણ આવી ગયેલા.

અમારી જમીન જે જે સર્વે નંબરની 'વેંચાઈ' હતી એના ઉતારાઓની કોપી કઢાવી. જમીન વેંચવાના કહેવાતા અમારા દસ્તાવેજની કોપી આપવા કહ્યું. એ ભાઈ એમ તો શાની આપે! અને અમે ખરેખર વેંચી જ ન હોય તો અમારી પાસે દસ્તાવેજ ક્યાંથી હોય?

હું કબુલ કરું છું, ઓફિસ શરૂ થઈ ન હતી, પીયૂન કચરા પોતાં કરતો હતો. ઈ વેળા સાથે આવેલ વકીલે જ એવડા ઈ ક્લાર્કની હથેળી મારી પાસે ગરમ કરાવી. સાથે આવેલ 'વકીલ' એટલે આવાં કામ કરાવનાર ભાઈ. એણે કોર્ટમાં જવાનું ન હોય. એની કોઈ ચેમ્બર પણ ન હોય. મોટે ભાગે એ રેવન્યુ ખાતાનો રાજીનામુ આપેલો ને કેટલાક કેસમાં તો ખાતામાંથી સસ્પેન્ડ થયેલો કર્મચારી પણ હોય. રેવન્યુના કોઠા વીંધવા હોય તઈં એવા વચેટીયા વિના આજેયે નો હાલે.

અમારે જોવા હાટુ અમારી જમીનના દસ્તાવેજની કોપી કઢાવી. મેં ફોટો પાડી લીધો. વેંચનારમાં બાપાનું નામ અને અંગૂઠો. ફોટો એમનો જ, જૂનો લગાવેલો! મેં તારીખ બરાબર જોઈ અને હું ચોંક્યો. એ તારીખે તો ધીંગાણું કરવા માટેના ગુનામાં બાપા જેલમાં હતા!

'વકીલે' આજની સ્થિતિ જોવા, આમ તો એ લેનારનું જ માલિક તરીકે નામ હોવું જોઈએ, નવું 6 અ અને 7/12 કઢાવ્યું. થોડી રાહ જોવી પડી કારણકે દસ વાગી ચૂકેલા અને મુલાકાતીઓ આવવા લાગેલા. અગાઉ હથેળી ગરમ હતી એટલે કે પછી વકીલને એ ઓળખતો હતો એટલે, ઊભાઊભ ઉતારા પ્રિન્ટ કરાવ્યા. એ પણ ચોંક્યો. એ સર્વેનો માલિક કોઈ બીજો જ હતો, કોઈ ટ્રસ્ટ. તો એને જમીન ક્યારે વેંચાઈ ગઈ? કોણે વેંચી?

સ્પષ્ટતા મેળવવા મેં કહેવાતા એ જમીન લેનાર 'બાપજી' પાસે જ જવું ઠીક માન્યું. બાપજી એ વિસ્તારમાં કથા વાર્તા અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતા હતા અને ધર્માત્મા ગણાતા. અહીંના લોકો તેને પૂજતા.

હું એમનો ગામને પાદર મોટો આશ્રમ હતો ત્યાં ગયો.

બાપજી એટલે મોટું માથું. આખો મલક એને નમે. ધરમ એટલે શું? બાપજી કયે એ.

બાપજીએ ઉપદેશો આપીને, ટીવીની લોકલ ધાર્મિક ચેનલો ઉપર આવીને સરખી એવી ધનદોલત મેળવેલી. બાપજી એને પ્રજાનો પ્રેમ અને ભગવાનની પ્રસાદી કહેતા. એ 'પ્રસાદી' નો થાળ કેટલા કરોડનો હશે એનો કોઈને અંદાજ નહોતો કે નહોતો લેવા દેવાયો. 'પ્રસાદી' ક્યાં ક્યાં વહેંચી, એટલે કે વેંચીને એમાંથી બીજા કેટલા ઉભા કર્યા ને એ ક્યાં વેંચ્યા એ કોઈની તાકાત હતી કે બાપજીને પૂછી શકે? દસે દિશામાં બાપજીનું નામ ગાજતું ને ભલભલા સરકારી અધિકારીઓ, રાજકારણીઓ અને વેપારીઓ એમના ચરણે માથું ઝુકાવવામાં ગૌરવ અનુભવતા.

મારે ઈ બાપજી સામે એને વિશે જ રાવ નાખવાની હતી.

તો હું ભૂમિપાલસિંહ મારી પોતાની ભૂમિ ન પાળી શકેલો, ઈ જ ભૂમિના કટકા માટે બાપજી સામે ગયેલો.

હું આશ્રમમાં ગ્યો. પહેલાં તો સુંદર નકશીદાર કાળા લોઢાના, ઉપર સોનેરી ટોપ વાળા ગેઇટ ઉપર મને રોઇકો. મેં બાપજીને અંગત કામે મળવું છે ઈમ કીધું. ચોકીદાર ચેલો અંદર કહેવા ગ્યો. પછી મને અંદર જવા દીધો. અંદર મોટાં કમ્પાઉન્ડમાં જતાંવેંત આરોગ્યલક્ષી ઝાડપાનનો મોટો બગીચો ને જવાના રસ્તે ગુલમહોર અને એવાં ઝાડ, ક્યારામાં અનેક ફૂલોની હારની હાર વાળો રસ્તો હતો. બે સુંદર જુવાન સોડીઓએ મને નમસ્તે કરી હાથ જોડ્યા. બાપજી કથા કરતા હતા. 'નિર્મોહી રહેવું, મહેનતનું જ ખાવું, કમાણીનો ચોક્કસ ભાગ દાનમાં આપવો' (એ સાથે બાપજીએ પોતાના કેટલાક આશ્રમો દાન સ્વીકારી સારે માર્ગે ઉપયોગ કરે છે એ ભારપૂર્વક કહ્યું.) એવું ઉપદેશમાં કહેતા હતા.

હું બહાર બેઠો રહ્યો. મેં એક સેવિકા સાથે બાપજીને ચિઠ્ઠી મોકલાવી. એ જોઈ ન જોઈ કરી બાપજીએ કથા આગળ વધારી. હવે તો ટાઈમપાસ કરવા, કયો કે સમય લંબાવવા બાપજીએ કથાની સ્પીડ ધીમી કરી નાખી. ઉપરથી વચ્ચેવચ્ચે સેવિકાઓ પાસે ભજનો ગવરાવી ભક્તો પાસે ઝીલાવવાં શરૂ કર્યાં.

હું એક કે સવા કલાક બેઠો. પછી હિંમત કરી અંદર મોટા હોલમાં કથા ચાલતી હતી ત્યાં ગયો. બાપજીએ મને જોયો. હું નજીક ગયો. બાજુમાં ઉભેલા એક અનુચરે મને બાપજીને માથું નમાવવા કહ્યું. મેં ધરાર નમાવ્યું નહીં. હું વધુ નજીક ગયો. અનુચરે બાપજીને કાનમાં કઈંક કહ્યું. બાપજીએ એક ક્ષણ ચોંકીને મારી સામે જોયું. આશીર્વાદ આપતા હોય એમ હાથ ઊંચા કર્યા અને મને સામે પહેલી હારમાં બેસવા ઈશારો કઈરો.

હું ન્યાં કણે બેહવા થોડો આવેલો? મેં ન્યાં ઊભાંઊભાં જ બધા સાંભળે ઈમ મોટેથી કહ્યું, 'બે મીનટ ભજન બંધ કરો. હું બે કલાકથી બેઠો છું. સર્વે નં. … માં તમે દબાણ કરી અમારી જમીન બીજાને વેંચી મારી છે એની વાત કરવી છે.'

ભકતોમાં સોપો પડી ગયો. બેચાર લોકો 'તારી તો.. ***ના?' કહેતા બાંય ચડાવતા ઉભા થયા. મેં સામી બાંય ચડાવતાં કહ્યું, 'મારામારી કરવી હોય તો કરો. હું સરકારમાં જઈને આઇવો સું. પોલીસમાં પણ.'

બાપજી એકદમ ઉભા થયા. ભક્તોની હામે જ મોટેથી ગાળ બોલતાં હામે પડેલા માઈકના દંડાને ઉપાડી મારી તરફ ઉગામ્યો. મેં પુરી.. ઓલું હું કે' છ? સતર્કતા રાખી 'તી. ભગત પૂરો ગુંડો હશે ને મને મારશે એની મને એંધાણી તો હતી જ. હું ચુકી ગયો. વેગથી ઉગામેલો દંડો એક અનુચર બોડીગાર્ડ સુંદરીની કમર પર વાઈગો. ઈ હારે બાપજીનાં સ્પીકર્સમાં ટું.. બોલ્યું. એ માઈકના સ્ટેન્ડને જોડેલો વાયર ખેંચાયો. બાપજી સ્ટેજ કે વ્યાસપીઠ પરથી મને લાત મારવા ગયા તો એમના પગમાં ઈવડો ઈ વાયર ભરાયો. બાપજી ગડથોલું ખાય ન્યાં મેં એના પાછળ ઝૂલતા વાળ પકડી લીધા અને એમને નીચે ઢસડયા. વાયર સાથે વીંટાયેલા એક પગે બાપજી ખેંચાયા. બીજે પગે મારા બે પગની જગ્યા વચ્ચે જોરદાર લાત મારવા ગયા ત્યાં મારાથી ઈ પગ પકડાઈ ગ્યો. મારાથી બાપજીના વાળ આપોઆપ છૂટી ગ્યા. ઈ લાત વાગી હોત તો મને પેશાબમાં મોટી તકલીફ થઈ જાત ને કદાચ કાયમ માટે હું નપુંસક બની જાત. એ પગ મારા હાથમાં હોઈ બાપજીએ એમના છુટા હાથે મારું ગળું પકડ્યું. સેવકો અને ભક્તો મને મારવા ધસી ગયા.

એ કથાના ઓડિયન્સમાં, મને તો ખ્યાલ જ નહીં, સુરતથી જતાં મારે ઘેર દ્વારકા ટ્રીપનો મેસેજ આપવા ગયેલા ઓલા કંડકટર હતા, જેણે મને નાથગીરી બાવા બસ બચાવતાં દાઝી ગયા એની ખબર આપેલી. ઈ આંય ક્યાંથી? ઈમણે આ ઘટનાનું ચુપચાપ મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધેલું.

બાપજીએ કોઈક રીતે પાછળથી મારી ગળચી પકડી અને આગળ આવી મને પેટમાં ઠોસો માર્યો. મને અમુક ભક્તો ટીંગાટોળી કરી અંદર તરફ લઈ જવા માંડ્યા ત્યાં વકીલ મારા બાપાને લઈને આવી પહોંચ્યો. કોઈ બીજો ભક્ત ઓચિંતો અમારે પક્ષે જોડાયો.

બાપાએ આ ઉંમરે દીકરાને બચવવા બાપજીની પીઠે એમનો ચાલવાનો, બહાદુરના 'દાદાનો ડંગોરો' ઝીંક્યો. બીજો જોરદાર ઘા બાપજીના કાંડા ઉપર કઇરો. ના. કર્યો. હું સુટી ગ્યો. ના. છૂટી ગયો. આંય કણે પણ મારા બાપે મને બસાઈવો. બચાવ્યો. સાલી ગામઠી બોલવાની ટેવ છૂટતી નથી!

બાપજી કણસતા રહયા અને હું, દૂરથી તમાશો જોતો વકીલ, બાપા અને પેલો અજાણ્યો મદદગાર કંડકટર ત્યાંથી ભાગ્યા..

સેવિકાઓ અમારી પાછળ 'ચોર, ચોર, પકડો' બુમો પાડતી દોડી. અમે તો બહાર ચોકીદારોની પરમિશન લઈને અંદર ગયેલા. હું જાણી જોઈ સામાન્ય ચાલે ચાલવા લાગ્યો. એ બે ચોકીદાર જણ, અમે તો ચિઠ્ઠી આપી આશ્રમમાં ગ્યા તા એટલે અમે ચોર ન જ હોઈએ એની ખાતરી હોઈ એ લોકો બીજી કોર ચોર ગોતવા દોડ્યા. એટલી વારમાં હવે હડી કાઢી (દોડી) અમે બહાર નીકળી ગ્યા તા. અમે ન્યાંથી પસાર થતા એક હકડેઠાઠ ભરેલા છકડાને હાથ કર્યો. પહેલાં એણે હાથથી ના પાડી. પછી બાપાએ ડંગોરો ઊંચો કર્યો એટલે કદાચ ધોળાં પળીયાં (સફેદ વાળ) ની દયા ખાઈને છકડો ઉભો રાખ્યો. અમે બેઠા ભેગો હાલ્યો. ઈવડો ઈ છકડાવાળો કયે હું ધ્રોળ જાઉં છું. અમારે પણ ન્યાં જ જવું તું. આશ્રમની પાછળની બારી નીચેથી પસાર થયા ત્યાં બાપજી બોલતા સંભળાયા, 'ઘેલસાગરીનાવ, પકડો એ લોકોને. ને પીએસઆઇ સાહેબને બરકો. ચુ.. મારીનાઓ!' અને ધરમ સમજાવતા બાપજી ભૂંડી ગાળો બોલતા બાર્યે દોડ્યા.

બાપજી સુંદર સ્વસ્તિવચન બોલતા, એના ભગતો હારે લાકડીયું લઈ વાંહે હડી કાઢતા આઈવા. પણ અમે તો હાથમાં આવીએ ઈમ નો'તા.

ધ્રોળ હાઈવે પાહે છકડો ઉભો એટલે મેં પૈસા આપી દીધા.

સાથેના અજાણ્યા કંડક્ટરે સામેથી જામનગર જતી બસને હાથ કર્યો. અમને ત્રણેયને ચડી જવા કહ્યું. અત્યારે તો અમે ચડી ગ્યા ને બસ ઉપડી. મેં ને ઈ કંડક્ટરે સ્ટાફનું કાર્ડ બતાઈવું. મારે તો ડ્રેસ ઉપર નામની પટ્ટી સોત હતી.

બાપા માટે મેં સ્ટાફ કહ્યું. વકીલની ટિકિટ લીધી. હવે બેસતાં જ ઓલા હારે આવેલા કંડકટર કયે, 'તમે નો ઓળખો. હું તમારો ગામ સાળો.'

ઠીક. ક્યારેક મળ્યો હોઈશ પણ દ્વારકા માટે ઘેર કેવરાવ્યું ત્યારે ઠકરાણાં હારે ઈને ઓળખાણ થઈ 'તી. ઠકરાણાંનાં ગામનો હતો. એના પિયર નજીક રહેતો હતો.

એની સાથે બાપા અને 'એણે' મારા રજા લેવાના કારણની વાત કરેલી. એનું નામ તખતસિંહ.

જામનગર ઉતરીએ ત્યાં મેં રિક્ષાને કીધું, 'કલેક્ટર ઓફિસ'.

બાપાને હું આવવાનો છું એ ખબર હતી. જમીન દસ્તાવેજ માટે રોકેલા એ 'વકીલે' હું ઉતરીને તરત લેન્ડ રેકોર્ડ માટે જવાનો છું ઈ કીધેલું. બાપા ઓફિસ પોંચ્યા ત્યાં કોઈએ ઈને કીધું કે હું બાપજીના આશ્રમ કેડે ગ્યો. એને થ્યું જ કે કાંઈક ન ગમે એવું થઈ શકે છે.

તખતસિંહને પણ ઠકરાણાં હારે વાત થયેલી. પણ આટલી હદે આશ્રમમાં બધા વચ્ચે મારામારી થશે એવું કોઈને ક્યાંથી ખબર હોય?

કલેક્ટર ઓફિસે જઈ અમે એપોઇન્ટમેન્ટ માંગી. કારણ 'ખૂબ અંગત, જિંદગી ઉપર ભય' લખ્યું. સાહેબ કોઈ મિટિંગમાં હતા. પછી અગાઉથી એપોઇન્ટમેન્ટ વાળા મુલાકાતીઓ. છેક સાંજે સાત પહેલાં થોડી વારે સાહેબે બોલાવ્યા તો ખરા.

હવે હું સાવ ગામઠી નહોતો બોલતો ઈ કામ આવ્યું. સાહેબ તો હિન્દી બોલે પણ ગુજરાતી પણ સમજે ખરા. સરખું બોલો તો.

મેં મારો કેઇસ ટૂંકમાં સમજાવ્યો. ખોટી રીતે, અમને એક પૈસો આપ્યા વગર જમીન હડપ કરીને બીજાને વેંચી દીધેલી ઈ કીધું.

તખતસિંહે મોબાઈલ વીડિયો બતાવ્યો તો તેઓ ખુરસીમાંથી ઉભા થઇ ગયા.

બાપજીને તો તેમણે પણ ક્યારેક હારતોરા કરેલા!

મારા બાપાએ અધિકમાસની કથા કરવા માટે પોતાનું ખેતર આપેલું ને બાપજીએ ખાલી કરવાને બદલે પોતાની વાડ કરી દઈ અમને જ કાઢી મૂકેલા, ખોટા સાક્ષીઓ બોલાવી એમને જેલમાં મોકલેલા એ કહ્યું. મેં તરત દસ્તાવેજમાં બાપાની સહીને બદલે કોઈ બીજાનો અંગૂઠો છે એ કહ્યું. બાપાએ સાહેબ સામે સહી કરી અને કોઈ લખાણની થોડી લીટી વંચાવી ઈ વાંચી. તેઓ ભણેલા છે ને અંગૂઠો નથી કરતા એની ખાતરી કરાવી.

ત્યાંના પીએસઆઈ બાપજી કહે એમ જ કરે છે એ કહ્યું જે સાહેબ માનવા તૈયાર નહોતા. છતાં વીડિયો જોઈ અને વાત સાંભળી એમણે તરત ડીએસપી સાહેબને ફોન લગાડી કેઇસની તપાસ કરવા કહ્યું.

સામે મહીને અમારા કેસની તારીખ હતી એ કહ્યું.

સાહેબે બાપાને જો જોઈએ તો પોલીસ રક્ષણ આપશે એ કહયું. અમે ઉઠ્યા.

અમે લોબીમાં જ હતા ત્યાં સાહેબે મામલતદાર ધ્રોળને ફોન લગાવ્યો. એ સાહેબે બસમાં કરેલી એ વાત કરી. સાહેબે અમને પાછા બોલાવ્યા અને આજુબાજુનાં ખેતરોમાં કોઈ વેંચાણ થયું છે ને એમ હોય તો કોને ઈ ચૂપચાપ પૂછવા મને કીધું. વકીલને કીધું કે બાપજીએ જેને આ જમીન વેંચી દીધી એ ટ્રસ્ટ કોનું છે ને ઈ જમીન પર અટાણે શું છે ઈ તપાસ કરી એમને જણાવે.

મોડી રાત થઈ ગઇ 'તી. અમે બસ પકડવા ગ્યા. લે, રાજકોટ કૉર્ય મારી PO 1212 , આવી! આજે હું પેસેન્જર હતો!

**

મારી સવારીમાં જેની સીટ વ્હીલ ઉપર હતી એને મેં તોફાની મૂડમાં આવી ઉલાળ્યા કર્યો. બસ ને અલ્યા! મારા વિના ન હાલ્યું ને! મેં એને મનમાં કહ્યું પણ મને જ 'તારા વિના શ્યામ મને એકલડું લાગે, મને હાંકવા વેલો આવજે' ગાવું પડે એવું હતું. ભોમિયો બાપા ને 'સાળા' સાથે હતો પણ આજે ગંભીર હતો. એનામાં જ ખોવાયેલો હતો. બારીમાં કોણી રાખી બેઠેલો પણ મારી ઉપર એક હાથેય ન ફેરવ્યો! આવવા દે ચાર દિવસ પછી.

**

મારો જીવ નો'તો ઠકરાણાં ભેળાં થયાં એમાં કે નો'તો મારી 1212 ઓચિંતી મળી એમાં. ખાવામાં પણ જીવ નો'તો. હું રાતે પાણી વાળવું છે કહી ખેતરે જવા નીકળ્યો. બાપા કયે ડાંગ હારે રાખ. કૂતરાં કે ઢોર ભેલાણ કરે તો કામ આવે.

હું ખેતરમાં પમ્પ ચાલુ કરી ન્યાં બનાવેલી

ઓરડીમાં ખાટલે બેસું ત્યાં લપાતોછુપાતો બાજુનાં ખેતર વાળો દેવશી આવ્યો. એણે કીધું ઈ તો આંખ ઉઘાડી દે એવું હતું.

બાપજીને કથાઓને નામે ખૂબ પૈસા આવતા. નામ થયું એમ બાપજી કથાના મોં ફાડ પૈસા લેતા 'તા. ઈ નાખે ક્યાં?

જામનગર, રાજકોટ ને મુંબઈના શેરદલાલો પકડેલા. ઈ લોકો એના બનાવટી નામો ઉપર શેરમાં રોકતા. પાછી એમાંથી ને કથાની આવકમાંથી બાપજી જમીનું લેતા. ઈ જમીનો સસ્તી કે મફતમાં પડાવી ઊંચા ભાવે આવા દલાલો કે શેઠિયાઓને વેંચી દેતા ને ઈ આવક ખેતીની બતાવી ટેક્સમાંથી છટકતા.

કોઈ જમીન ન વેંચે તો બાપજી કોઈ ચાન્સ ન લે. જાતે ઈ ખેતરમાં ઓલો એકલો હોય ત્યારે જાય ને પોતાની કાયમ ખભે રહેતી પછેડી ઓલાને માથે ફેંકી એનું ગળું દાબી ગૂંગળાવી દે. દેવશીની બાજુના ખેતરમાં એક ખેડૂતને એમ જ ગૂંગળાવી, એને ઈ જ પછેડી ઓઢાડી લાશને સગેવગે કરી દીધી હતી. કોક કે છે આમ મારી નાખેલાઓની ખોપરી મેલી વિદ્યા કરવા કપાળ ફોડીને કાઢી લેતા. 'કાળોતર કરડી ગયો' કે 'ઇલેક્ટ્રિકનો શોક લાગ્યો' એમ ગામમાં વાત ફેલાય. ઓલો મરી ગયો હોય એટલે એની જમીન દસ્તાવેજ કરી પોતાની અને થોડા દી' થાય એટલે એના જ કોઈ ટ્રસ્ટની કરી દેતા. પછી એ ટ્રસ્ટ પણ બીજાને વેંચી પૈસા ફેરવવા માંડે. બાપજી પાસે કેટલા કરોડ હતા- કોઈ તો અબજ પણ કે' છે ઈ કોઈને ખબર નહોતી પાડવા દેવાતી. દેવશીનો ભાઈ એમ જ ગુમ થ્યો તો.

હું ઘેરથી ખેતરે જવા નીકળ્યો ત્યારે સાવધ હતો. મને કોઈ મારો પીછો કરતું હોય એવું લાગ્યું.

આજુબાજુનાં બધાં જ ખેતર બાપજીની ખેતીની જમીન હતી. નજીકનાં એક માઈલ સુધીનાં ખેતર તો બાપજીનાં જ હતાં. કથા કરવામાં એટલો પૈસો આવે?

મને મારાં ખેતરની જ ચિંતા હતી પણ આ તો ઊંડું નીકળ્યું. આવવા દે કેસની તારીખ.

બીજે ને ત્રીજે દિવસે હું અમારી પણ રેકોર્ડ પર બીજાને નામે બોલતી જમીન જૉવા ગ્યો. ત્યાં ટ્રસ્ટનું ખાલી બોર્ડ હતું. કોઈ જગ્યાએ કપાસ લોઢવાનું જિન તો ક્યાંક ઓઇલ મિલ થઈ ગઈ 'તી. ક્યાંક તો બીજું બાંધકામ થતું તું ને અમારી જમીન ઉપર તો શહેરના કોઈ વેપારીનું ગોડાઉન હતું.

હું અંદર જઈ એક શેઠિયાને મળ્યો. ઈ તો માને જ નહીં કે બાપજી આવું કરે. મેં જમીનનો દસ્તાવેજ બતાવી વાત કહી.એ કહે એણે તો જમીન કોઈ દલાલ થ્રુ લીધેલી. બાપજી વેંચે છે ઈ જાણી ઈ એટલો ગદગદ થઈ ગ્યોતો કે બાપજીએ ઈ જમીનનો એક કટકો એને ન આપ્યો તો એણે જવા દીધેલો. એણે દલાલને ફોન કર્યો. દલાલ ક્યે એણે તો બાપજીના નામે આગલી ફેરબદલીઓ જોઈ જ નથી. જોવા માંગી પણ એને ધમકાવી કાઢેલો કે આવા ધર્માત્મા માટે એ શંકા કેમ કરે છે.

મેં આ બધું સમજીને ઈ જ બપોરે મામલતદાર સાહેબને અને સાંજે જ જામનગર જઈ કલેક્ટર સાહેબને એની વાત કરી.

અમારો જમીનનો રેવન્યુ કેસ ચાલતો હતો ત્યાં ડીએસપી સાહેબે છુપી રીતે ગામમાં તપાસ કરવા માણસો મોકલ્યા. ક્રિમિનલ કેઇસ પણ બાપજી ઉપર દાખલ કરી દીધો.

મારા ચાર દિવસ આ દોડધામમાં પુરા. હું પાંચમે દિવસે રાજકોટ ડીપો ઉપર ડ્યુટીએ હાજર!

ક્રમશઃ