Wheels keep spinning - 20 books and stories free download online pdf in Gujarati

પૈડાં ફરતાં રહે - 20

20

પહેલાં આશ્રમની બહાર બોર્ડ લાગ્યું કે બાપજીના દર્શને વિદેશથી ભક્તો આવ્યા છે અને ક્વોરન્ટાઇનમાં છે એટલે આશ્રમ બંધ છે. ત્યાં દેવશીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો કે કોઈએ મોઢાં ઉપર બોથડ પદાર્થ મારી છૂંદીને હત્યા કરી છે. નજીકથી બાપજીની પછેડી મળી. લોહીવાળો પથરો એટલામાં જ હતો. એના ઉપર ફિંગરપ્રિન્ટ બાપજીનાં! કોઈ ભક્ત ઉપર આ કામ છોડેલું નહીં. વા વાત લઈ ગઈ. લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં. સહુ 'હોય નહીં' કહેતા બાપજી પર તિરસ્કાર વહાવી રહ્યા.

પોલીસે બાપજીની આખરે ધરપકડ કરી. ગામ વચ્ચેથી ખુલ્લી પોલીસ જીપમાં બાપજીને હાથકડી પહેરાવી લઈ ગયા. કહે છે બાપજી ખૂબ ગુસ્સામાં હતા. અમને, ખાસ તો મને રૌરવ નરકમાં જવાનો શ્રાપ આપતા ગયા. ભાઈ, તને જેલમાં રૌરવ નહીં તો ગૌરવ કરે એવું નરક મળવાનું જ છે. મારું તારે કીધે કાંઈ નહીં થાય. ઉપરવાળો બધું જુએ છે ને સમજે છે.

મારા ઘર ને ખેતર પાસેથી હાથકડી પહેરી પોલીસ જીપમાં પસાર થતાં બાપજી જોરથી થૂંકયા હશે? ખબર નહીં. ફિલમમાં તો એવું આવે.

મને પાછળથી આ બાપજીના 'વરઘોડા'નું વર્ણન કે'વામાં આવેલું.

પહેલાં તો મને સરપંચે પોલીસ રક્ષણ માંગવા કીધું પણ બસ ડ્રાઇવરની નોકરીમાં ઈ ક્યાંથી થાય? બાપા ને ઠકરાણાં ઉચક જીવે રહેતાં હતાં.

પોલીસ કેસ ચાલ્યો. આજુબાજુના ખેતરના દરેકે કીધું કે બાપજીએ ઈ લોકોની જમીન દાનમાં માગેલી. અમુક તો વેંચવા તૈયાર હતા પણ બજાર ભાવે. બધાનું કોઈ ને કોઈ ભગવાનને ઘેર જતું ર્યું તું, મોટે ભાગે ઘરનો જુવાન માણસ. પછી ઈ જમીન ઉપર બાપજીના આશ્રમનું બોર્ડ લાગી જતું. થોડા વખતમાં તો બીજા ટ્રસ્ટનું બોર્ડ આવી જતું. દલાલો આંટા મારતા ને મુંબઈ કે કચ્છ કોરના શેઠીયાઓએ ઈ જમીન લઈ લીધેલી.

કોર્ટમાં મેં, દેવશીના ભાઈએ, તખતે, જમીનના સોદા કરાવનાર દલાલોએ બધાએ જુબાની આપી. દલાલો કે' અમને જો ખબર હોત કે મૂળ વેચનારે જમીન વેંચી જ નથી તો લેત જ નહીં. બધાએ જુબાની આપી કે ગામની બીજી જમીન પણ એમ જ બાપજીએ આશ્રમને નામે કરાવી દીધેલી ને એના મૂળ માલિક જુદાંજુદાં કારણે ઉપર પહોંચી ગયેલા. તખતે એની ઉપર પછેડી ફેંકી બાપજીએ પાછળથી એનું મને, ભૂમિપાલ માની ગળું દબાવેલું ઈ કીધું. મેં એને કેવી રીતે બચાવેલો ને ઇલેક્ટ્રિક શોક કેવી રીતે લાગેલો ઈ કોરટને બતાવ્યું.

ફિંગરપ્રિન્ટ તો ઠેઠ ગાંધીનગરથી પોલીસે કઢાવ્યાં. ઈ જોઈને ટોપ પોલીસવાળા સાહેબો ચમકી ગયા. બાપજી તો કોઈ મોટો, અગાઉ જમીનના જ ગુનામાં અંદર થયેલો ગુનેગાર હતો. એને કચ્છ બાજુની જેલમાં રાખેલો. ભૂકંપમાં જેલ તૂટી. કેટલાક સાચે દટાઈ ગયા, કેટલાક કાળમાં દટાઈ ગયા. ભાગીને બીજું કાંક બની ગ્યા. બાપજી એમાંના એક. બાપજીએ સાત આઠ વરસથી આંય આશ્રમ ખોલેલો.

બાપજીને તો જેલ થઈ પણ અમારી જમીનનું શું? અમે તો ઈ વેંચી જ નો'તી. વળી હું ચાલુ નોકરીએ એક દી' જામનગર ગયો. કલેક્ટર ઓફિસમાં ફરી અરજી આપી. ધ્રોળ મામલતદાર સાહેબને મળીને બે હાથ જોડીને કીધું, 'સાહેબ, બસના ઉતારુઓ અમારા મેમાન કે'વાય. અમારો જીવ આપીને પણ એને બચાવવા જોઈએ. એટલે તે દી' તમને બચાવીને ઉપકાર નથી કર્યો. પણ તમે કીધેલું કે કામ પડે તો કેવું. આજ પડ્યું છે. બાપજીએ મારા બાપાની જમીન ખોટા અંગુઠા કરી પોતાને નામે કરી દીધી છે ને પછી વેંચી દીધી છે. ઈ પાછી જોઈએ છીએ.'

મેં દસ્તાવેજના ફોટા, બાપા જેલમાં હતા ઈ તારીખનું જેલનું સર્ટિફિકેટ ને બધું બતાવ્યું.

સાહેબે કેઇસ હાથમાં લીધો. નોટિસ નીકળી- 25 ઓગસ્ટ સવારે 11 વાગે.

સાંજે તો જીવણ મા'રાજના કેસ માટે રાજકોટ હાજર રેવાનું હતું!

થઈ રે'શે. બાર હાથ વાળો બેઠો છે ને આ 'બાર બાર' ના ડ્રાઇવરની રક્ષા કરવા!

**

તો 25 ઓગસ્ટની સવાર પડી. આગલી રાતે હું મારો અમદાવાદ રાજકોટનો ફેરો પતાવી ત્યાંથી મોડી રાતે ધ્રોળ ને ત્યાંથી હાલતો મારે ગામ આવેલો. વે'લી સવારે નીકળી જામનગર પહોંચીને જમીનના કેસ હાલતા ઈ જગ્યાએ કલેક્ટર ઓફિસનાં કમ્પાઉન્ડમાં આવી ગયો.

મારા 'વકીલ' અને બાપા પણ આવેલા.

મેં કીધું કે અમે કથા માટે પંદર દિવસ પૂરતી જમીન આપેલી. કોર્ટને છાપાંનું કટિંગ બતાવ્યું. એમાં ચોખ્ખું લખેલું કે આ જમીન કથા માટે આપવા બદલ ગામ બાપાનો આભાર માને છે.

હવે બાપાએ કીધું કે કથા પછી તો બાપજીએ જમીન ખાલી જ ન કરી. અમે નોટિસ આપેલી એનો યે કોઈ જવાબ નહોતો. જમીન લેવા અમે ગયા. બાપજીના માણસોએ અમને લાઠીઓ મારી તગડી મુક્યા. બાપાએ વાગ્યાનું કાયમ રહી ગયેલું નિશાન બતાવ્યું પણ અહીં તો લેંડ રેકોર્ડની જ વાત કરવાની હતી.

બાપજી હારે લડવા તે દી' હું ય મારા બીજે ગામ રે'તા કાકા ને ગામના બે જણ હારે ગયેલો. ત્યારે હું નાનો હતો. જુવાની હજી નહોતી ફુટી.

બાપાએ કીધું કે એ લોકોએ અમારી જમીન પરથી અમને તગડી તો મુક્યા પણ પોલીસમાં બાપજીએ એમના ઉપર માર મારવાનો ને ધીંગાણું કરવાનો આરોપ મૂક્યો. ઈ વખતના અંધશ્રદ્ધાવાળા જમાદાર સાહેબને કોઈક રીતે પૈસા આપીને નહીં પણ બાપજી જેવા ધર્માત્મા સામે કોઈ કાંઈ પણ કરશે તો એનું ધનોતપનોત નીકળી જશે એમ બીક બતાવી. થવા કાળ તે ઈ સાહેબને ઉપરથી કાંક ઠપકો આવ્યો. એણે માની લીધું કે બાપજીને નારાજ કર્યા એટલે આવું થયું. એણે બાપજીનું માની લીધું અને બાપાને જેલ થઈ. હું આઠમા ધોરણમાં હતો. જેમતેમ એસએસસી પાસ કરી મારા મામાના સગાએ મને ટ્રક શીખવી, પછી બસ હાંકી મારે એસટીની નોકરી લેવી પડી.

પણ મૂળ વાત ઈ કે જ્યારે બાપા જેલમાં હોય ત્યારે જમીનનો સોદો કરી દસ્તાવેજ માટે કેવી રીતે આવે? બાપાનો કોઈ પેરોલ આપ્યાનો પણ રેકોર્ડ ન હતો. જેલના સર્ટીફિકેટમાં બાપા છૂટ્યા એ તારીખ લખેલી ઈ ખાસ્સી પાછળની હતી.

બાપાએ કીધું કે ઈ ભણેલા છે. લખી વાંચી શકે છે. બાપજીના વકીલે આ વાત ખોટી કહી. કયે સ્કૂલલિવિંગ છે? એણે પાક્કું કરેલું કે અમારા ગામની સ્કૂલ કોઈ કાગળ ન આપે. બાપાએ જજ સાહેબને કીધું કે એમને કાંઈ પણ વંચાવવામાં આવે. એને 'જનમટીપ' નવલકથાનાં બે પાનાં વાંચવા કીધું. બાપાએ વાંચી બતાવ્યાં. કીધું હું જમીનના ને ઘરના હિસાબ પણ રાખું છું. એણે કોઈ કાગળ કાઢી હમણાંનો કોઈ હિસાબ બતાવ્યો. ત્યાં મને યાદ આવ્યું. ઠકરાણાંએ આપેલી એક થેલી ખોલી. એમાં ગામની સ્કૂલનું બાપાનું પ્રગતિપત્રક હતું. ધોરણ સાત માં ચોથો નંબર.

જો ભણ્યા ન હોય તો ગામની સ્કૂલે એ ક્યાંથી આપ્યું?

હવે દસ્તાવેજની વાત થઈ. એક તો બાપા જેલમાં હતા ત્યારે એને વેંચનાર બતાવી ઈ કરેલો એમાં બાપાનો અંગૂઠો હતો. બાપા તો સહી કરે છે. સરકારનાં બીજાં કોક કાગળિયાંમાં જ બાપાની સહી નીકળી.

તો અંગૂઠો કોનો હતો?

પુરુષનો ડાબા હાથનો હોય. બાપાએ હાથ ઊંચો કર્યો. ધીંગાણા પહેલાં ખેતરમાં ઇલેક્ટ્રિક શોક આપી એને બાપજીએ ખોટો કરી દીધેલો. એને કાપી નાખવો પડેલો. કોઈ સર્જનનું સર્ટિફિકેટ નહોતું પણ જેલના કેદીની ઓળખમાં લખેલું કે ડાબો અંગૂઠો નથી!

જજે પૂછ્યું કે લેનાર અને વેંચનાર બેયને ઘેર રેવન્યુ ખાતાની નોટિસ જાય કે તમે આ લે વેંચ કરી છે. એ નોટિસ ક્યાં છે? ન બાપજીના વકીલ એવી નોટિસ બતાવી શક્યા ન અમે. પૈસા ધરાવીને કામ કરાવી લેવામાં કાચું કપાઈ ગ્યું તું. નોટિસ નીકળી જ નહોતી!

આખો દસ્તાવેજ બોગસ હતો.

જે જમીન ખરેખર વેંચાઈ જ ન હોય એને બીજો ખરીદી કઈ રીતે શકે ને એનો માલિક બની શકે?

કોર્ટે અમને અમારી જમીન ફરી અમારે નામે ચડાવવા રેવન્યુ ખાતાને તાકીદ કરી.

બાપાએ આકાશમાં હાથ જોડ્યા. તેઓ ભાંગી પડ્યા. જજ સાહેબના પગને અડકી હાથ માથે અડાડયો.

હું બહાર નીકળ્યો. ઘડિયાળ જોઈ. ત્રણ વાગતા હતા.

ક્રમશઃ