Cuban vaccine venture books and stories free download online pdf in Gujarati

ક્યૂબાનું વેક્સિન સાહસ

આજે વાત કરવી છે દક્ષિણ અમેરિકામાં આવેલા એક ટચૂકડા દેશ ક્યૂબાની. દુનિયાનો નકશો ખોલીને બેસો તો આ દેશને સરખી રીતે જોવા માટે બિલોરી કાચની મદદ લેવી પડે એવો આ ટચૂકડો દેશ આજે વેક્સિન બાબતમાં પોતાની આત્મનિર્ભરતા માટે ચર્ચામાં છે. તો છેલ્લા કેટલાય દાયકાઓથી એ જગત જમાદાર અમેરિકાની સામે બાંયો ચડાવીને એની જ પાડોસમાં અડીખમ ઊભો છે. આમ તો કેટલાય વિકસિત દેશોએ પોતાની વેક્સિન બનાવી જ છે પણ ગરીબ દેશો માટે પોતાની વેક્સિન બનાવવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર ગણાય! અહીં ક્યૂબા પર તો અમેરિકાએ કેટલાક વ્યાપારીક પ્રતિબંધો પણ મૂક્યા છે. એમાં દવાઓ, સ્વાસ્થ્ય સાધનો અને વેક્સિન સંબંધી સામાન કે કાચો માલ પણ આવી જાય છે. અમેરિકાના આવા આકરા પ્રતિબંધોથી માત્ર 20 ટકા પણ અમેરિકાની ભાગીદારી હોય એવી કંપનીઓ પણ ક્યૂબામાં નિકાસ નથી કરી શકતી તો 10 ટકા ભાગીદારીના કેસમાં પણ પરમિશન લેવી પડે! હવે આવા આકરા પ્રતિબંધોના લીધે ક્યૂબાને આ મહામારીમાં ના તો દવાઓ મળે કે ના વેક્સિન બનાવવા જરૂરી સામાન. તો અન્ય અમેરિકન કંપની સાથે જોડાઈને એની ફોર્મુલા લઈને ઉત્પાદન પણ ન કરી શકે! આવી પરિસ્થિતિમાં પણ ક્યૂબામાં આજે પાંચ જાતની કોરોના વેક્સિન બની રહી છે, જેમાંથી બે તો ટ્રાયલના અંતિમ ચરણમાંથી પણ પસાર થઈ ચૂકી છે અને દેશના મોટા શહેરોમાં તો વેક્સિનેશન શરૂ પણ થઈ ગયું છે. કોઈની પણ મદદ વગર આ ગરીબ દેશે કઈ રીતે આ ચમત્કાર કર્યો? એવો સવાલ ચોક્કસ જાગે. તો એક સવાલ એ પણ થાય કે આખરે એવું તો શું બન્યું કે અમેરિકાએ એના પર પ્રતિબંધો લગાવ્યા? તો ચાલો આજે નીકળી પડીએ ક્યૂબાના ઇતિહાસની સફરે...

ઈ.સ. 1959 પહેલાં દક્ષિણ અમેરિકા ખંડમાં અમેરિકાની બાજુમાં આવેલા 109888 વર્ગ કિલોમીટરના એક ટાપુમાં સમેટાઈને બેઠેલા આ નનકડા દેશ ક્યૂબા પર તાનાશાહી બતીસ્તાનું (fulgencio batista) રાજ હતું. બતીસ્તા સરકારને અમેરિકાનું સમર્થન પણ ખરું. ક્યૂબામાં બતીસ્તા સરકાર વિરૂદ્ધ ક્રાંતિની ચિનગારીઓ તો ક્યારની ચમકી ઊઠેલી પણ ઈ.સ.1959 માં એ ચિનગારી આગ બનીને ફેલાઈ ગઈ અને બસ્તીસ્તા સરકારને ખાક કરતી ગઈ! બે કમ્યુનિસ્ટ ક્રાંતિકારી નેતા ફીદેલ કાસ્ત્રો (Fidel castro) અને ચે ગ્વેરાએ (Che Guegara) ક્યૂબામાં તખ્તાપલટ કરી નાંખ્યો. સત્તાની કમાન ફિદેલ કાસ્ત્રોના હાથમાં આવી. ચે ગ્વેરા 1967 માં મૃત્યુ પામ્યો. આ ચે ગ્વારા એટલે આજે પણ કમ્યુનિસ્ટ વિચારધારા ધરાવતા લોકોનો હિરો, એમના ઝંડા પર કે અન્ય જગ્યાઓ પર મોઢામાં સીગારેટ ખોસેલો કે સ્ટારવાળી ટોપી પહેરેલો જે ચહેરો દેખાય છે એ પોતે! કમ્યુનિસ્ટ સોવિયેત સંઘનો આ બન્નેને પૂરો સપોર્ટ હતો. આખરે પશ્ચિમી દેશોમાં એ એકમાત્ર સામ્યવાદી દેશ બન્યો હતો ભાઈ! એ કૉલ્ડવૉરનો સમય હતો. પૂર્વ-પશ્ચિમ વચ્ચે વિચારધારાની લડાઈ ચાલતી હતી. વિશ્વની બે મહાસત્તા અમેરિકા અને સોવિયેત સંઘ (રશિયા) આમને સામને હતી. તો આ સ્થિતિમાં લોકશાહી અને મૂડીવાદના સમર્થક અમેરિકાના પોતાના જ પડખામાં આવેલા ટચૂકડા દેશ ક્યૂબામાં સામ્યવાદી સરકાર બને તો એના પેટમાં તેલ ન રેડાય તો જ નવાઈ! આ પહેલા પણ ક્યૂબાએ અમેરિકા પર પરમાણુ હથિયારથી હુમલો કરવા માટે સોવિયેત સંઘની મદદ કરેલી. ક્યૂબાની સામ્યવાદી સરકાર ઊથલાવવા માટે અમેરિકાના પ્રયત્નો શરૂ થયા પણ બધા પ્રયાસો નાકામ રહ્યા. કહેવાય છે કે ફીદેલ કાસ્ત્રોને મારવા માટે અમેરિકન એજન્સી CIA એ 638 નિષ્ફળ પ્રયાસો કરેલા!

આખરે સીધી આંગળીથી ઘી ન નીકળતા અમેરિકાએ આંગળી વાંકી કરવાનું શરૂ કર્યું. એણે ક્યૂબા સાથેના બધા વેપાર બંધ કરી દીધા અને નિકાસ પર પણ પ્રતિબંધ મૂકી દીધો. આથી ક્યૂબાની આર્થિક હાલત વધારે ખરાબ થવા લાગી. અમેરિકાની લાલ આંખ અને પોતાની આર્થિક સંકડામણને પણ ક્યૂબાની સામ્યવાદી સરકારે મચક ન આપી. અહીં મોટાભાગના ઉદ્યોગ સરકાર હસ્તક છે. અહીંની લગભગ 99 ટકા હોટલો પણ સરકાર જ ચલાવે છે. ક્યૂબા વિશ્વભરમાં અવનવી સિગારેટ માટે જાણીતો છે. ખાંડનું ઉત્પાદન આ દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધારસ્તંભ છે. તો અહીંની લગભગ અડધી વસ્તી મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલી છે. લોકોની માસિક સરેરાસ આવક માત્ર 20 ડૉલર જ છે. દરરોજની એક ડોલરથી પણ ઓછી! આ દેશના મોટાભાગના લોકો ઓછા પૈસામાં જ પોતાનું જીવન ગુજારે છે. એમ છતાં પણ ક્યૂબાની રંગીલી જનતાના ચહેરા પર ક્યારેય ગરીબીના ભાવ બિલકુલ નથી દેખાતા! પૈસાના અભાવમાં પણ આ પ્રજા એકંદરે ખુશહાલ અને આનંદમય જિંદગી જીવે છે! ખરેખર આ પ્રજા દુનિયાની સૌથી બિન્દાસ પ્રજા છે. ખેર, સામ્યવાદી સરકારમાં પણ બે મહત્ત્વની બાબતોમાં ક્યૂબા મેદાન મારી ગયું - શિક્ષણ અને આરોગ્ય. આ બન્ને સુવિધાઓ ત્યાંની જનતા માટે બિલકુલ મફત છે. અને એટલે જ આજે એનો સાક્ષરતા દર 99 ટકાથી પણ વધારે છે. તો બીજી તરફ એમની સવા કરોડની જનસંખ્યામાં લગભગ એક લાખ જેટલા ડૉક્ટર છે. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજો આખા આફ્રિકા ખંડના ડૉક્ટરર્સની સંખ્યા પરથી લગાવી શકાય છે - માત્ર પચાસ હજાર! એ હિસાબે ક્યૂબા પ્રતિ વ્યક્તિ ડૉક્ટરોની સંખ્યામાં વિશ્વમાં પ્રથમ સ્થાન ભોગવે છે. પણ હા, એવું પણ નથી કે ક્યૂબા બધી બાબતોમાં આગળ પડતો દેશ છે. આગળ કહ્યું એમ ત્યાં સામ્યવાદી સરકારમાં ગરીબી તો છે જ અને ઉપરથી ફ્રિડમ ઓફ સ્પીચ પણ નથી. હમણાં ઈ.સ. 2008 સુધી લોકોને મોબાઈલ ફોન વાપરવાની પણ મનાઈ હતી! આજે પણ ઇન્ટરનેટ પર સરકારની બાજ નજર હંમેશા મંડરાતી રહે છે! તો મિડિયા પર પણ સરકારી કંટ્રોલ છે અને ક્યૂબાની જનતાને વાઇફાઈ વાપરવાનું નસીબ તો છેક ઈ.સ. 2015 માં સાંપડ્યું! હવે મૂળ સવાલ પર આવીએ. આખરે અમેરિકાના આકરા પ્રતિબંધો અને વેક્સિન માટે જરૂરી સામાનના અભાવમાં પણ આ દેશમાં આજે પાંચ જાતની વેક્સિન તૈયાર થવા જઈ રહી છે, આ કઈ રીતે શક્ય બન્યું?

આમ તો ઈ.સ. 1980 થી જ ક્યૂબા વેક્સિન ટેક્નોલોજી અને દવાઓ પર કામ કરી રહ્યું છે. આ પહેલાં પણ એણે કેટલીયે આસાધ્ય બિમારી માટે વેક્સિન બનાવી છે. આગળ કહ્યું એમ ક્યૂબાનું આરોગ્ય તંત્ર વિશ્વમાં સૌથી બેસ્ટ તો છે જ. તો ખરાબ આર્થિક હાલત અને વિદેશી ફંડિંગના અભાવમાં પણ આ દેશે વેક્સિન ટૅક્નોલોજી વિકસિત કરવામાં હરણફાળ ભરી. ઈ.સ. 2017 માં અમેરિકાની સત્તાની દોરી જ્યારે ડૉનાલ્ડ ટ્રંપના હાથમાં આવી ત્યારે એણે પણ ક્યૂબા પર પહેલેથી લાગેલા પ્રતિબંધોમાં અન્ય સેક્ટર પણ જોડ્યા. તો ઈ.સ. 2020 માં કોરોના મહામારી આવતાં ક્યૂબાનો પ્રવાસન ઉદ્યોગ પડી ભાંગ્યો અને એને પડ્યા પર પાટું વાગ્યું. દેશની આર્થિક પરિસ્થિતિ વધારે ખરાબ થવા લાગી. તો બીજી તરફ કાળમુખા કોરોનાએ આખા દેશને ભરડામાં લીધો. દવાઓની સાથે જીવનજરૂરી વસ્તુઓની પણ તંગી સર્જાવા લાગી. આખરે મદદની કોઈ આશા ન દેખાતા ક્યૂબાએ કોરોના સામેની આ લડાઈ જાતમહેનતથી લડવાનું નક્કી કર્યું. જૂન 2020 માં રાષ્ટ્રપતિએ એલાન કર્યું કે, દેશની જે કોઈપણ સંસ્થા વેક્સિન બનાવી શકે છે એ આગળ આવે અને શક્ય એટલી ઝડપથી આ કામ શરૂ કરે. મહિનાઓની મહેનત પછી આજે ક્યૂબામાં પાંચ જાતની વેક્સિન બની રહી છે. એમાંથી એક અબ્દાલા (Abdala) નામની વેક્સિન તો ટ્રાયલના બધા સ્ટેપ પાર કરીને દેશની મહામારી દૂર કરવા કામે પણ લાગી ગઈ છે અને ટૂંક સમયમાં જ બીજી વેક્સિન સોબેરાના-2 (Soberana-2) પણ ટ્રાયલની પ્રક્રિયા પૂરી કરીને લોકોની જિંદગી બચાવવા કામે લાગી જશે. હમણાં થોડા દિવસ પહેલાં જ અબ્દાલા વેક્સિનની છેલ્લી ટ્રાયલ પણ પૂરી થઈ અને એમાં એની એફિસીયન્સી 92% હોવાનું તારણ નીકળ્યું છે! લગભગ દસ લાખ લોકોને તો અબ્દાલા વેક્સિન અપાઈ પણ ચૂકી છે અને ધીમેધીમે કોરોનાના કેસ ઘટવા પણ લાગ્યા છે. આજે જ્યારે ક્યૂબામાં કોરોનાના કુલ કેસ 169000 ને પાર તો મૃત્યુનો આંકડો પણ 1100 સુધી પહોંચી ગયો છે ત્યારે આ બન્ને વેક્સિન ક્યૂબાની જતના માટે આશીર્વાદ બનીને આવી છે.

ક્યૂબા પોતાની જનતાને એકદમ મફત સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. વેક્સિન બનાવનાર સંસ્થાઓ પણ વેક્સિન ઉત્પાદનમાંથી કોઈ જ નફો નથી કમાવાની તો આ સંસ્થાઓ પરનો જનતાનો ભરોસો પણ વધી જાય છે. જેથી લોકો વેક્સિનના ટ્રાયલમાં પણ હોંશે હોંશે ભાગ લે છે. આથી વેક્સિનની ટ્રાયલની પ્રક્રિયા પણ ઝડપી અને આસાન બને છે. ક્યૂબાની આ વર્ષના અંત સુધીમાં વેક્સિનના દસ કરોડ ડોઝ બનાવવાની તૈયારી છે. એનાથી દેશની જનતા મહામારીને માત આપશે તો દેશની પડી ભાંગેલી અર્થવ્યવસ્થા પણ ફરીથી ધબકતી થશે. સાથે સાથે આસપાસના અલ્પવિકસિત અને વિકાસશીલ દેશોને પણ ફાયદો થશે. એ દેશો પાસે અમેરિકા કે રશિયા જેવા દેશો પાસેથી વેક્સિન ખરીવાના પૈસા પણ નથી અને પોતે વેક્સિન બનાવી શકે એવા સક્ષમ પણ નથી. તો બીજી તરફ કોવેક્સ સુવિધા અંતર્ગત એમને ક્યારે વેક્સિન સાંપડે એ પણ નક્કી નથી. તો આવા સંજોગોમાં એમના માટે ક્યૂબાની વેક્સિન આશાની નવી કિરણ લઈને આવશે. વેનેઝુએલાએ તો અબ્દાલા વેક્સિન માટે ક્યૂબા સાથે કરાર પણ કરી લીધા છે.

પોતાનું આરોગ્ય તંત્ર વિશ્વમાં મોખરે હોવાના લીધે ક્યૂબા અવારનવાર આસપાસના અન્ય દેશોમાં પણ પોતાની આરોગ્ય સેવાઓની સપ્લાય કરતું રહે છે. હાલમાં જ્યારે મેક્સિકો કોરોનાથી થતા મૃત્યુમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે ત્યારે મહામારીના કપરા કાળમાં થોડા સમય પહેલાં જ ક્યૂબાએ મેક્સિકોને નર્સ અને દવાઓની સપ્લાય પૂરી પાડી. ક્યૂબાએ એ સાબિત કરી બતાવ્યુ કે આરોગ્ય અને શિક્ષણ કોઈપણ દેશની પ્રગતી માટે કેટલા મહત્ત્વના મુદ્દાઓ છે. ક્યૂબાએ આ બન્નેમાં મહારત હાસિલ કરી હોવાથી જ આજે એ લેટિન અમેરિકાનો પોતાની વેક્સિન બનાવનાર પ્રથમ અને એકમાત્ર દેશ બન્યો છે.



- ભગીરથ ચાવડા
bhagirath1bd1@gmail.com