FakeNews books and stories free download online pdf in Gujarati

ફેકન્યૂઝ

પેલું કહેવાય છે ને, "સત્ય જ્યાં સુધીમાં પોતાના ચપ્પલ પહેરે છે, ત્યાં સુધીમાં તો અસત્યએ અડધી દુનિયા ફરી લીધી હોય છે!" અને આ ઇન્ટરનેટ અને સૉશ્યલ મિડિયાના જમાનામાં તો એટલા સમયમાં તો આ અસત્ય દુનિયાના સાત ચક્કર લગાવી દે! એમ કહીએ તો પણ અતિશયોક્તિ ના ગણાય. આ અસત્યનો જ એક ધારદાર પ્રકાર એટલે ફેક ન્યૂઝ! તો ચાલો વિગતે જાણીએ કે આ ફેક ન્યૂઝ કોણ, કેવી રીતે અને શા માટે ફેલાવે છે? એને ઓળખવા કઈ રીતે? અને નૈતિકતાની (જો થોડી ઘણી બચી હોય તો!) દૃષ્ટીએ એક પ્રજા તરીકે એને કઈ રીતે અટકાવી શકીએ?

ફેક ન્યૂઝ કંઈ આજકાલથી જ અસ્તિત્વમાં આવ્યા છે એવું નથી. વર્ષો પહેલાં પણ પોતાના રાજકીય, આર્થિક, ધાર્મિક લાભો ખાટવા માટે અફવાઓ ફેલાવવામાં આવતી જ હતી. એ અફવાઓનો આધુનિક અવતાર એટલે ફેક ન્યૂઝ. કોઈ રાજકીય પાર્ટી કે નેતા પોતાની પાર્ટીને પવિત્ર બતાવવા કે સામેની પાર્ટીને હીન ચીતરવા માટે ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે. જેમ કે હમણાં થોડાં સમય પહેલાં જ પ્રધાનમંત્રી મોદીજીનો એક ફોટો ફરતો થયેલો, જેમાં મોદીજી અને મુકેશ અંબાણી એક હોસ્પિટલમાં ઊભેલા દેખાઈ રહ્યા છે. એ ફોટાની સાથે દાવો કરવામાં આવ્યો કે દેશના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને મોદીજી અંબાણીના પૌત્રને જોવા માટે હોસ્પિટલ પર પહોંચી ગયા! અસલમાં એ ફોટો મુકેશ અંબાણીની હોસ્પિટલના ઉદ્ઘાટનનો ઘણો જુનો ફોટો છે. તો સામે ખેડૂત આંદોલન વિશે પણ જાત જાતના ફેક ન્યૂઝ ફરી રહ્યા છે. કોઈ અન્ય દેશોના વિડિયો શૅર કરીને કહેવામાં આવી રહ્યું છે કે આ ખાલીસ્તાન સમર્થકો છે! ફેક ન્યૂઝની આ વહેતી ગંગામાં બધી પાર્ટીઓ હાથ ધોઈ લેતી હોય છે. અમુક ધંધાદારી પેઢીઓ પણ આનો બરાબરનો ઉપયોગ કરે છે. જેમ કે, થોડા સમય પહેલા લેઈઝ અને કૂરકેૂરેને સળગાવીને દાવો કરવામાં આવતો હતો કે એમાં પ્લાસ્ટીકનો ભાગ છે.

આપણા દેશમાં ફેક ન્યૂઝ ફેલાવવામાં ઉપર કહ્યા એ બે વર્ગના લોકો મોખરે છે નેતાઓ અને બિઝનેશમેન. સાથે સાથે એક ત્રીજો વર્ગ પણ છે, સ્કેમર્સ. કોઈ લિંક પૉસ્ટ કરીને, તમને ફલાણું મળશે ને ઢીકણું મળશે એવી લોભામણી જાહેરાતો કરીને તમારું બૅંક બેલેન્સ ખાઈ જનારા લોકો પણ ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે. ચોથો પ્રકાર છે નિજાનંદ વાળો.(હીહીહી) ફેક ન્યૂઝ ફેલાવવાથી એમને કોઈ જ રાજકીય કે આર્થિક ફાયદો નથી મળતો, એમ છતાં પણ એ આવા મેસેઝ બનાવીને વાયરલ કરીને વિકૃત આનંદ લે છે. જેમ કે, થોડા વર્ષો પહેલા છોકરા ઊઠાવી જનારી ગેંગના (અમુક તો ફોટા સહિત) મેસેઝ આખા દેશમાં વાયરલ થયા હતા. એનાથી ઘણી બધી જગ્યાઓ પર મોબ લિંચીંગની ઘટનાઓ પણ બની અને કેટલાય નિર્દોષ લોકોને ઢોરમાર સહન કરવો પડ્યો તો કેટલાક મૃત્યુ પણ પામ્યા! કેટલું ભયંકર પરિણામ!? તમારા એક વ્હોટ્સએપ ફોરવર્ડથી કોઈ નિર્દોષનો જીવ પણ જઈ શકે છે!

હવે સવાલ એ ઊભો થાય કે આ બધી અફવાઓ આટલી બધી વાયરલ કેમ થાય છે? આપણે પોતે પણ શા માટે ફેલાવીએ છીએ? એના કેટલાક મનોવૈજ્ઞાનિક કારણો છે. ઘણી વખત ફેક ન્યૂઝ કે કોઈ વાઈરલ મેસેઝ સીધો આપણી લાગણીઓ પર ઍટેક કરતા હોય છે. ગુસ્સો, ડર, 'મને આ માહિતી ખબર છે' નો દંભ, કોઈને તરત જ ફોરવર્ડ કરવાનો ઉત્સાહ વગેરે જેવી લાગણીઓનું ટ્રીગર દબાય એટલે આપણે ફટાક દઈને ફોરવર્ડ કરી દેતા હોઈએ છીએ. મુખ્ય ચાર કારણોના લીધે આવા મેસેઝને આપણે ફોરવર્ડ કરવાથી આપણી જાતને રોકી નથી શકતા હોતા.
(1) નજીકની વ્યક્તિ દ્વારા મળેલ મેસેઝ (Close Relative)
જ્યારે આપણને આપણા કોઈ કાકા, મામા, લવર કે ખાસ દોસ્ત પાસેથી આવો મેસેઝ મળે છે ત્યારે આપણને એ સાચો હોવાની શક્યતા વધારે લાગતી હોય છે. મતલબ, સંબંધોમાં શંકાને કોઈ સ્થાન નહીં!
(2) સરળતા (Simplicity)
આપણા મગજને હંમેશા સરળતા પસંદ પડતી હોય છે. દરેક બાબતમાં એ સરળતા શોધતું હોય છે. જેમ કે, કોરોના વાઈરસ ક્યાંથી, કઈ રીતે ફેલાયો? એનો સાયન્સની આંટીધૂંટીઓમાં પડીને અઘરો જવાબ આપવા કરતા 'એ ચીનની સાજિશ છે.' એવો રોકડો જવાબ આપવાનું અને સ્વીકારવાનું વધારે પસંદ કરે છે. તો સમજવામાં અઘરા વિષયો પરના ફેક ન્યૂઝ આ રીતે ફેલાતા હોય છે.
(3) સત્યતાનો ભ્રમ. (illusion of truth)
જ્યારે કોઈ ફેક ન્યૂઝ એકથી વધુ વખત આપણી સામે આવે છે, મોટાભાગના લોકો આપણને એ જ માહિતી મોકલી રહ્યા હોય છે ત્યારે આપણને પણ ભ્રમ થવા લાગે કે કદાચ આ વાત સાચી જ હશે! વિજ્ઞાપન આપનારી કંપનીઓ આ પ્રકારના ભ્રમનો ખૂબ જ સરસ રીતે ફાયદો ઊઠાવતી હોય છે.

(4) પૂર્વગ્રહ (Bias)
સૌથી વધારે જેના લીધે વ્હોટ્સઍપ ફોરવર્ડ થતા હોય તો એ છે - પૂર્વગ્રહો. જે બાબત માટે આપણા મનમાં પહેલાંથી જ એક ચોક્કસ સારો કે નરસો પૂર્વગ્રહ બંધાયેલો હોય અને એમાં બંધબેસતો કોઈ મેસેઝ પ્રાપ્ત થાય એટલે એ મેસેઝને ફોરવર્ડ કરવાની આપણને રીતસરની તાલાવેલી થતી હોય છે. આપણે જે વિચારીએ છીએ, માનીએ છીએ, એનાથી પણ આગળ જઈએ તો જિંદગી આખી જે વાતનું સમર્થન કર્યું છે, એ જ વાત જો કોઈ મેસેઝમાં કહેવામાં આવે એટલે બંદાનો અંગૂઠો ઝાલ્યો ના ઝલાય! આપણી માન્યતા પર કોઈની મોહર લાગે એટલે મન મોર બની થનગાટ કરવા લાગે! આ આપણો માનવસહજ સ્વભાવ છે.

તમને પ્રાપ્ત થયેલ કોઈપણ વ્હોટ્સઍપ ફોરવર્ડ જો ફેક ન્યૂઝ હશે તો એમાં મુખ્ય બે બાબત ઊડીને આંખે વળગે એવી હશે, કાં તો એમાં કોઈના અતિશય વખાણ હશે અથવા કાન ફાડી નાંખે એવી સખત નિંદા. ફેક ન્યૂઝને ઓળવાનો આ એક સૌથી સહેલો અને હાથવગો ઉપાય છે. અતિશય નિંદા કે પ્રશંસા દેખાય તો તમને શંકા થવી જોઈએ કે આ ફેક ન્યૂઝ હોઈ શકે છે. પછી એ કોઈ લેખ હોઈ, ફોટો હોઈ કે વિડિયો પણ હોઈ શકે છે. અતિશય નિંદા કે પ્રશંસા પરથી કોઈપણ માહિતી ફેક ન્યૂઝ હોવાની શક્યતા વધી જાય છે. હવે એ કોઈ લેખ હોય તો એની હેડલાઈન કે મુખ્ય શબ્દોને ગુગલમાં સર્ચ કરો. એમાં જો અલગ અલગ વિશ્વસનીય બેવસાઈટો એની પુષ્ટી કરે તો જ એ માહિતી સાચી હોય શકે. આ કામમાં ગુગલ ફેક્ટ ચેકની સુવિધા પણ આપણી મદદ કરે છે. જો એ કોઈ ફેક ન્યૂઝ હશે તો સર્ચ રિઝલ્ટની નીચે લખેલું આવી જશે કે, 'fact check by.....' હવે, જો એ ફેક ન્યૂઝ કોઈ ફોટા સ્વરૂપે હોય તો www.images.google.com અથવા www.ctrlq.org પર એ ફોટો અપલોડ કરીને ફોટો સર્ચનો ઉપયોગ કરીને પણ સત્યતાની ખરાઈ કરી શકો છો. તો કેટલીક એવી ભંગાર ન્યૂઝ વેબસાઈટ પણ હોય છે જે છાસવારે ફેક ન્યૂઝ ઓંકતી રહે છે. જેના હેડિંગ ક્યારેક તમને ચોંકાવી દે છે, ક્યારેક ગલગલીયા કરાવે છે તો ક્યારેક આંચકો આપે છે! એવી વેબસાઈટથી બચવું. વિશ્વાસપાત્ર ન્યૂઝ વેબસાઈટ જોઈએ તો, indian express, times of india, hindustan times, economic times જેવી વેબસાઈટ પરના લેખો નવ્વાણુ ટકા સાચા જ હોય છે. તો બાકી બચેલા એક ટકાનું શું? એ પણ આગળ જોઈશું. તો ઘણી વખત ઉપર જણાવેલ વેબસાઈટ જેવા જ સરખા નામો વાળી વેબસાઈટો પણ આપણને ગુમરાહ કરતી હોય છે.

વિશ્વાસપાત્ર વેબસાઈટો પર પણ ફેક ન્યૂઝ હોવાની જે એક ટકાની સંભાવના છે એના માટે આપણે કેટલીક ફેક્ટ ચેકિંગ વેબસાઈટના આશરે જઈ શકીએ છીએ. જેમાં સૌથી મોખરે છે પ્રતિક સિંન્હાજીની વેબસાઈટ Alt news. કેટલીક અન્ય વિશ્વાસપાત્ર ફેક્ટ ચેકિંગ સાઈટો પણ છે, જેમ કે boom live, sm hoax slayer, Faqtly, The quint.com. કોઈપણ વાઈરલ મેસેઝ, ફોટાઓ કે વિડિયો માટે પણ જો ગુગલ સર્ચ અને ઈમેજ સર્ચની માથાકૂટમાં ન પડવું હોય તો આ વેબસાઈટો પર સીધો જ એ મેસેજ અપલોડ કરીને પણ સચ્ચાઈ જાણી શકાય છે. મારા હિસાબે ફેક ન્યૂઝ ઓળખવા માટે આ એક સૌથી સરળ અને કારગત રસ્તો છે. આમાંથી અમુક સાઈટો તો સીધી જ વ્હોટ્સઍપ પર પણ ઉપલબ્ધ છે. એમના વ્હોટ્સઍપ નંબર પર વાઈરલ મેસેઝ મોકલીને પણ સરળતાથી સત્યતાની ચકાસણી કરી શકાય છે. કેટલાક સમયથી આ ફેક્ટ ચેકિંગ વેબસાઈટો પણ જે પ્રમાણે વધી રહી છે એ જોતાં 'ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા' એ કહેવત મુજબ બની શકે છે આવનારા સમયમાં આ ફેક ન્યૂઝ ફેલાવનારા લોકો પણ ફેક ફેક્ટ ચેકિંગ વેબસાઈટો પણ બનાવવા લાગે! ખેર, એ તો ભવિષ્યનો પ્રશ્ન છે. અત્યારે તો આ વેબસાઈટો જ ફેક ન્યૂઝનો રામબાણ ઈલાજ છે.

મિત્રો, હવે ક્યારેય પણ ફોરવર્ડ મેસેજ મળે તો તમારા અંગૂઠાને હૉલ્ડ કરો. પૂર્વગ્રહોને થોડો સમય બાજુંમાં મૂકો અને પહેલાં ફેક્ટ ચેક કરો અને પછી જ એ મેસેઝને ફોરવર્ડ થવા માટે લીલી ઝંડી આપો. ભલે ગમે તેવા દૂધે ધોયેલા વ્યક્તિએ ફોરવર્ડ કર્યો હોય, પહેલા ડબલ ચેક જરૂર કરો. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ, નેતા કે સરકારી અધિકારીથી પણ આ બાબતમાં ભૂલ થઈ શકે છે. આપણને એમ થતું હોય છે કે આ તો આભાસી દુનિયાયા છે, ફક્ત એક ફોરવર્ડ મેસેજ છે એમાં શું ફરક પડે!? પણ આ આભાસી દુનિયાની વાસ્તવિક દુનિયા પર ગંભિર અસરો થતી હોય છે. ધારો કે તમે સવારે ઊઠો અને તમારા જ ફોટો સહિતનો કોઈ મેસેજ તમને પ્રાપ્ત થાય અને નીચે લખ્યું હોય કે આ માણસ બળાત્કારી છે કે છોકરા ઊઠાવી જનાર ગેંગનો સભ્ય છે તો! બહાર નિકળવું પણ દુષ્કર બની જાય ને? એક ફેક ન્યૂઝનો ફોરવર્ડ મેસેઝ કોઈ નિર્દોષ માણસ માટે જીવનું જોખમ બની શકે છે, કોઈને આત્મહત્યા માટે પ્રેરિત પણ કરી શકે છે. હવે જો તમને આ ફેક્ટ ચેકિંગ અને ગુગલ સર્ચ એ બધું માથાકૂટનું કામ લાગતું હોય, એ બધું કરવાનો સમય ના હોય તો એ મેસેજને આગળ ફોરવર્ડ કરવાની કોઈ જરૂર નથી, અને હક પણ નથી. So please share with care.




- ભગીરથ ચાવડા
bhagirath1bd1@gmail.com