Niluno prem in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | નીલુનો પ્રેમ

Featured Books
Categories
Share

નીલુનો પ્રેમ

ઉત્તમ પોતાના માતા-પિતાની સાથે દરિયાકિનારે જ રહેતો હતો. દરિયામાંથી માછલીઓ પકડવી અને બીજે ગામ લઈ જઈ વેચવી તે જ તેનો ધંધો હતો.

બાજુના ગામમાં નીલુ નામની એક સુંદર બોલકણી છોકરી રહેતી હતી તેની માછલી વેચવાની દુકાન હતી. પોતાના પિતાની સાથે તે પણ દુકાને બેસતી. ઉત્તમ તેના ત્યાં અવાર-નવાર માછલીઓ વેચવા માટે આવતો. તેને આ મીઠું બોલતી નીલુ ખૂબજ ગમતી હતી. એક દિવસ વાત વાતમાં તેણે, પોતાની નીલુ સાથે લગ્ન કરવાની ઈચ્છા છે તે વાત તેણે નીલુને જણાવી દીધી.

નીલુએ ઉત્તમની વાતનો કંઈ જવાબ ન આપ્યો પરંતુ તે શરમાઈ ગઈ તેથી ઉત્તમ સમજી ગયો કે નીલુની પણ "હા" જ છે. ધીમે ધીમે બંને વચ્ચેની વાતચીત વધતી ગઈ અને બંને વચ્ચે ગાઢ પ્રેમ થયો.

ઉત્તમે નીલુના પિતા પાસે નીલુનો હાથ માંગ્યો. ઉત્તમ પૈસેટકે ખૂબજ સુખી ઘરનો દિકરો હતો તેથી નીલુના પિતાએ આ લગ્ન માટે "હા" પાડી.
બંનેના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા.

એક દિવસ અચાનક દરિયો ગાંડોતૂર બન્યો હતો. દરિયાના મોજાં ઉંચે ઉંચે ઉછળી રહ્યા હતાં. આજે આ દરિયો શાંત પડવાનું બિલકુલ નામ પણ લેતો ન હતો. સવારથી જ તોફાને ચડેલો હતો.

નીલુએ ઉત્તમને પ્રેમથી ઘણો સમજાવ્યો પણ તે નીલુની એક પણ વાત માનવા તૈયાર ન હતો. બસ જીદ પકડીને જ બેઠો હતો કે હું આ 🎏 માછલીઓને સામે કિનારે વેચીને આવું તો જ હું ખરો માછીમાર અને નીલુ તેને સમજાવી રહી હતી કે, " બીક લાગે તેવા ઉંચે ઉંચે દરિયાનાં
મોજા ઉછળી રહ્યા છે.આજે આ દરિયો શાંત પડવાનું બિલકુલ નામ પણ લેતો નથી. સવારથી જ તોફાને ચડ્યો છે. આજનો દિવસ તું ખમી જા. એક દિવસ માછલીઓ નહિ વેચાય તો આપણે ભૂખ્યા નહિ મરી જઈએ આજે તારે દરિયામાં જવાનું
નથી."

પણ ઉત્તમનો દરરોજનો ક્રમ હતો તે ક્રમ તે તોડવા માંગતો ન હતો. દરિયામાંથી માછલીઓ પકડીને ભેગી કરીને બીજે ગામ તેની કિંમત વધારે ઉપજતી હતી તેથી તે બીજે ગામ જઈ વેચી આવતો હતો. નાનો હતો ત્યારથી જ પોતાના પિતાની સાથે તે આવા તોફાની દરિયામાં અવાર-નવાર ગયેલો હતો એટલે ગમે તેવું તોફાન આવે તો પણ તેને જરાપણ ડર લાગતો ન હતો. તે માછલીઓ પકડવામાં પણ હોંશિયાર હતો અને તેને વેચવામાં પણ પાવરધો બની ગયો હતો.

સાંજ પડી ચૂકી હતી, અંધારુ થઈ ગયું હતું. દરરોજ લગભગ ઉત્તમ સમયસર જ ઘરે પાછો આવી જતો હતો પણ આજે ન આવ્યો.

ક્યારેક બે-ત્રણ દિવસે દરિયામાંથી પાછા વળવાનું હોય તો ઉત્તમ ઘરે કહીને જ જતો હતો. પણ આજે તો તે સાંજ પડતાં જ પાછા વળવાનું કહીને જ ગયો હતો.

નીલુને ખૂબજ ચિંતા થવા લાગી, તેનો જીવ મૂંઝાવા લાગ્યો, હવે શું કરવું..?? ક્યાં જવું..?? તેની તેને કંઈજ ખબર પડતી ન હતી. તે બે-ત્રણ વખત તો દોડીને દરિયાકિનારે પણ જઈ આવી હતી પરંતુ દૂર દૂર સુધી તેને કોઈ જ વહાણ દેખાતું ન હતું. બસ, દરિયાનાં ઉંચા ઉછળતાં મોજાં જ નજરે ચઢતાં હતાં. જે જોઈને જ તેનાં છક્કા છૂટી જતાં હતાં.

તે ઘરે પાછી આવી અને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી કે, " હે ભગવાન, દરિયાનું તોફાન સમી જાય અને મારો ઉત્તમ હેમખેમ ઘરે પાછો આવી જાય. તેને કંઈજ ઈજા ન પહોંચે, મારા ઉત્તમને હેમખેમ રાખજે પ્રભુ.."

અને તે ઉત્તમની વાટ જોતી, પ્રભુનાં ગોખમાં અખંડ દિવો રાખી બેસી રહી, ન તે ખાતી, ન તો પાણી પીતી કે ન કોઈની સાથે કંઈ વાતચીત કરતી. બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, ચાર દિવસ થયા પણ ઉત્તમના કોઈ સમાચાર ન હતાં.

ચોથે દિવસે પરોઢિયે અચાનક બારણું ખખડ્યુ, નીલુએ બારણું ખોલ્યું તો સામે ઉત્તમ ઉભો હતો. નીલુ તેને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી... પ્રભુએ નીલુની પ્રાર્થના સાંભળી અને ઉત્તમ હેમખેમ ઘરે પાછો વળ્યો....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
10/3/2021