Love in Space - 14 books and stories free download online pdf in Gujarati

લવ ઇન સ્પેસ - 14

નોંધ: ઘણાં વાચકોએ મારી પાસે લવ ઈન સ્પેસ સ્ટોરીને પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ સાથેની ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપવાની ડીમાંડ કરી છે. જેથી તેઓ વાર્તાને પોતાનાં કલેક્શનમાં રાખી શકે. અગાઉના ઘણાં ચેપ્ટર્સ હું આ રીતે વાચકોને આપી ચુક્યો છું. જોકે હવે અન્ય નવલકથા લેખનનું કામ વધી ગયું હોવાથી હું આ નવલકથાને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી શકવાનો સમય નથી ફાળવી શક્યો. આ કામ એમ પણ ઘણું અઘરું અને સમય માંગી લે તેવું છે. આમ છતાં, જો વધુ વાચકોની ડિમાન્ડ હશે, તો હું આ સ્ટોરીને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપીશ. આથી વાચકોને વિનંતી છે કે જે વાચકોને આ ગ્રાફિક pdf સ્વરૂપે જોઇતી હોય તેઓ મને મારાં whatsapp નંબર કે પછી instagraamમાં મેસેજ કરીને જણાવે.

(ગ્રાફિક pdf ચાર્જેબલ રહેશે).

****

લવ ઇન સ્પેસ

પ્રકરણ -14

“SID”

J I G N E S H

Instagram: @sid_jignesh19

▪▪▪▪▪

“છ...છાયા..!? તું..તું..કેમની જાગી...! આઈ મીન..ક્યારે જાગી...!?” હતપ્રભ જોય મૂંઝાઈને માંડ બોલ્યો.

“અરે કેમ..!? બધાંની જોડેજ તો હું જાગી...! બે દિવસ પે’લ્લાં...!” છાયા સ્વાભાવિક સ્વરમાં બોલી પછી બ્રુનો સામે એક નજર જોયું અને પાછું જોય સામે જોયું “તું ક્યાં હતો પણ...!?”

“હું તારાં રૂમ ઉપર આવી તો તું ત્યાં નહતો...!”

લાંબી શીત નિદ્રામાં જાગ્યા પછી સલામતીને ખાતર તમામ યાત્રીઓને અલગ-અલગ રૂમ ફાળવવામાં આવતો. જો કોઈ બીમારી હોય તો બીજાને ઇન્ફેક્શન નાં લાગે કે એવાં અન્ય કારણોસર. કપલ્સને પણ આ રૂલ લાગુ પડતો. જોકે સ્વસ્થ થયાં પછી તેઓ એક રૂમમાં શિફ્ટ થઈ શકતાં.

“અમ્મ...અમ્મ...!”

“તમને મળીને ખુશી થઈ..!” જોય કશું બોલી નાં શકતાં બ્રુનો વચ્ચે બોલી પડ્યો અને નકલી સ્મિત કરીને છાયાની જોડે હાથ મિલાવા હાથ લંબાવ્યો.

“થેંક્સ..પણ...! મેં તમને નાં ઓળખ્યા...!” છાયા મૂંઝાઈને બોલી.

“હું બ્રુનો...! અ...જોયનો ફ્રેન્ડ...!” બ્રુનો જેમતેમ બોલ્યો.

“પણ...!” છાયાએ મૂંઝાઈને જોય સામે જોયું પછી બ્રુનો સામે જોયું “હું તો તમને કોઈ દિવસ નથી મળી...!”

“હાં તો 85 વર્ષ પે’લ્લાં તમે જાગ્યા હોત તો મળતને...!” બ્રુનો ફ્લો-ફ્લોમાં બોલી ગયો.

“85 વર્ષ...!?” છાયા વધુ મૂંઝાઈ.

“આઈ મીન...! 120 વર્ષ..! ભૂલથી 85 બોલાઈ ગયું...!” બ્રુનો પોતાની ભૂલ સુધારતો હોય એમ બોલ્યો “અમે અર્થ ઉપર મળ્યાં હતાં...! એરપોર્ટ ઉપર...!”

“ઓહ...! ઓકે...!” છાયાએ માંડ પોતાનું મન મનાવ્યું.

જોય હજીપણ મૂંઝાઈને ભીડ સામે જોઈ રહ્યો હતો.

“રિધિમા ક્યાં છે...!?” ભીડ સામે જોઈ રહીને જોયે પૂછ્યું.

“અરે એણે તો નવાં ફ્રેન્ડ્સ બનાવી પણ લીધાં અને અત્યારે એમની જોડે આખું સ્પેસશીપ રખડતી હશે..!” છાયા સ્મિત કરીને બોલી “અને તું હજી પણ આ શીત નિદ્રાવાળા કપડાંઓમાં શું કરે છે..!?”

જોયને ધમકાવતી હોય એમ છાયા તેને ઉપરથી લઈને નીચે સુધી જોઈને બોલી. જોયે (અને બ્રુનોએ પણ) સિન્થેટીક મટિરિયલથી બનેલાં શીત નિદ્રામાં સુવા માટેનાં કપડાં હજી પહેરી રાખ્યાં હતાં.

“જા જલદી...! કપડાં બદલને... આજે આખાં સ્પેસશીપની પાર્ટી છે...! સ્પેસશીપનાં બધાં પેસેન્જરો અને ક્રૂ મેમ્બર્સ પણ સામેલ થવાંનાં છે...!”

“પાર્ટી કેટલાં વાગ્યે છે...!?” બ્રુનોએ છાયાનું ધ્યાન ખેંચવાં પૂછ્યું જેથી જોયને વિચારવાનો સમય મળી રહે.

“સાંજે...! 8 વાગ્યે...!” છાયા બોલી.

“એટ્લે હજીતો...! એકાદ કલ્લાક બાકી છે...!” જોય મનમાં બબડ્યો પછી છાયા સામે જોઈને નકલી સ્મિત કરીને બોલ્યો “હું તૈયાર થઈને આવું...!”

“હું પણ..!” બ્રુનો પણ બોલ્યો.

બંને ઉતાવળા પગલે પાછાં લિફ્ટ તરફ જવાં લાગ્યાં.

“હું ટેમ્પરરી ક્રેમેશન (અંતિમસંસ્કાર) સેન્ટરમાં જઈને પહેલાં એવલીનની ડેડબોડીનો હવાલો લઈ લઉં છું....તું ક્રિસ્ટીનાને મળ...અને એને બધી વાત કર...! તમે બેય ત્યાંજ રે’જો..! હું કામ પતાવીને ત્યાંજ આવું છું...! મેડિકલ રૂમમાં...!” જોય બોલ્યો.

બ્રુનોએ હકારમાં માથું ધૂણાવ્યું અને લિફ્ટ બાજુ ચાલ્યો ગયો. જોય ઝડપથી લિફ્ટની બાજુમાં કોરિડોરમાં જતાં દરવાજા તરફ વળી ગયો. જતાં-જતાં જોયે એક નજર પાછું ફરીને છાયા તરફ જોયું. ભીડમાંથી કોઈ અન્ય બે-ત્રણ સ્ત્રીઓ સાથે તે વાત કરી રહી હતી.

ગ્રાઉંડ ફ્લોર ઉપર સ્પેસશીપના સૌથી છેલ્લાં છેડાં તરફ આવેલાં ટેમ્પરરી ક્રેમેશન સેન્ટર તરફ જતાં કોરિડોરમાં ક્યાંય સુધી અંધારું પથરાયેલું હતું. સ્પેસશીપ ઉપર ભાગેજ કોઈ યાત્રી મૃત્યુ પામતું હોવાથી ટેમ્પરરી ક્રેમેશન સેન્ટર તરફ જતાં કોરિડોરમાં મોટેભાગે અંધારુંજ રહેતું. છાયા વિષે અને શું ચાલી રહ્યું છે એ વિષે વિચારતાં-વિચારતાં જોય એ અંધારિયાં કોરિડોરમાં ઉતાવળા પગલે ચાલવા લાગ્યો.

***

“ક્રિસ્ટીના ગરબડ થઈ ગઈ...!” મેડિકલ રૂમમાં પ્રવેશતાંજ બ્રુનો ઉતાવળા સ્વરમાં બોલ્યો.

“હાં...! મને પણ લાગેજ છે..!” મેડિકલ કેપ્સ્યુલની જોડે ઊભી રહીને કશુંક ચેક કરી રહેલી ક્રિસ્ટીના શાંત સ્વરમાં બોલી.

“હેં...!? પ..પણ તને ક્યાંથી ખબર....!?” બ્રુનોને નવાઈ લાગી.

“શું મને ક્યાંથી ખબર...!?” હવે ક્રિસ્ટીનાને નવાઈ લાગી.

“બા’ર શું ચાલી રહ્યું છે એ....!?” બ્રુનોએ હાથથી ઈશારો કરીને કહ્યું.

“હું તો કેપ્સ્યુલોની વાત કરતી’તી...!” ક્રિસ્ટીના બોલી.

“એટ્લે...!?” બ્રુનો હવે વધુ મૂંઝાયો.

“તું એમ કે’...જોય ક્યાં છે...!?”

“ક્રિસ્ટીના....!” ત્યાંજ જોય મેડિકલ રૂમમાં પ્રવેશ્યો.

તેનાં માથે પરસેવો બાઝેલો હતો અને તે ગભરાયેલો હતો.

“જોય....! એક ગડબડ છે....!” ક્રિસ્ટીના તરત બોલી.

“બવ મોટી ગરબડ છે...” જોય એવાજ ગભરાયેલાં સ્વરમાં બોલ્યો “એવલીન નથી....!”

“હાં....! એ તો સ્વાભાવિક વાત છે...! આટલાં વર્ષો સુધી એ ના જીવતી હોય ને...!” ક્રિસ્ટીના બોલી.

“મને અફસોસ છે જોય...!” જોયના ખભા ઉપર હાથ મૂકી બ્રુનો સાંત્વના આપતો હોય એમ બોલ્યો.

“અરે યાર....હું એમ કવ છું કે એવલીન ક્રેમેશન સેન્ટરમાં નથી....!”જોય સહેજ ચિડાઈને બોલ્યો “એની બોડી નથી ત્યાં....!”

“what…..!?” બ્રુનો અને ક્રિસ્ટીના બંને એક સાથે ચોંકી પડ્યાં.

“પણ એવું કેવીરીતે શક્ય છે...!?” બ્રુનોએ પૂછ્યું.

જોયે ખભાં ઉછાળ્યા.

“તે નોવાંને પૂછ્યું...!?” ક્રિસ્ટીના બોલી.

“ના...!” જોય બોલ્યો પછી તેણે બ્રુનોને કહ્યું “તે ક્રિસ્ટીનાને કહ્યું...!?”

“ના...! એની જોડે કઈંક છે...! કહેવાં માટે....!” બ્રુનોએ ખભાં ઉછાળ્યા.

“શું...!? “જોયે ક્રિસ્ટીના સામે જોયું.

“આપડી કેપ્સ્યુલો જોડે છેડછાડ થઈ છે....!?” ક્રિસ્ટીના બોલી અને કેસપ્યુલ પાસે આવી.

જોય અને બ્રુનો પણ તેણીની પાછળ-પાછળ આવ્યાં.

“જો....! મેં જે ટાઈમર સેટ કર્યું હતું....! એ મુજબ આપડે ત્રણેયે ચારેક દિવસ પહેલાં જાગી જવાનું હતું...!” ક્રિસ્ટીના કેપ્સ્યુલની બાજુમાંજ લાગેલી નાની પેનલમાં બનેલાં એલઇડી સ્ક્રીનના બટનો દબાવીને બોલી “પણ કોઈકે ટાઈમર બદલીને આજના દિવસનું કર્યું હતું....! એટ્લે આપડે આજે જાગ્યા...! એટ્લે કે એ દિવસે જ્યારે બીજાં બધાં ઓલરેડી બે-દિવસ પહેલાં જાગી ગયાં હશે...!”

“હાં એજ તો હું કહું છું..!” બ્રુનો બોલ્યો “આખું સ્પેસશીપ જાગી ગયું છે..! બધાંતો પાર્ટી માટે તૈયાર થઈ રહ્યા છે...!”

“ઓહ ગોડ....!” ક્રિસ્ટીના હતપ્રભ થઈ ગઈ.

“એવલીને ટાઈમર બદલ્યું હોય શકે....!?” જોયે અંદાજો લગાઈને કહ્યું.

“કદાચ...!” ક્રિસ્ટીના બોલી અને પછી મેડિકલ રૂમના દરવાજા તરફ જવા લાગી.

જોય અને બ્રુનો પણ તેણે ફોલો કરવા લાગ્યા.

“જો..!” દરવાજાની બાજુમાં લાગેલી પેનલના બટનો દવાવીને ક્રિસ્ટીના બોલી “મેડિકલ રૂમમાં જ્યારે-જ્યારે કોઈ આવ્યું હોય એનો રેકોર્ડ..!”

પેનલની LED સ્ક્રીનમાં એક પછી એક ડેટ્સ અને ટાઈમ દેખાઈ રહ્યાં હતાં.

“આ જો....” ક્રિસ્ટીનાએ પેનલમાં છેલ્લે દેખાતી ડેટ અને ટાઈમ બતાવીને કહ્યું “આપડે શીત નિદ્રામાં ઊંઘ્યા એ પછી એવલીન કદાચ છેલ્લે આજ દિવસે આ રૂમમાં આવી હતી....! એ પછી આ રૂમ બંધજ રહ્યો હતો...! અને છેક આજે ખૂલ્યો...! તમે બેય બા’ર ગયાં ત્યારે...!”

“ઓહ..પ...પણ આતો એંશી વર્ષ પહેલાંની ડેટ છે...!” જોય અચરજથી પેનલમાં દેખાતી ડેટ સામે જોઈ રહીને બોલ્યો.

“હાં....!” ક્રિસ્ટીના પરેશાન નજરે જોય સામે જોઈ રહી.

“એનો અર્થ એ થયો કે....!”

“આપડે શીત નિદ્રામાં ઊંઘ્યા....!” હતપ્રભ બ્રુનો પણ વાત સમજી જતાં જોયને અટકાવીને વચ્ચે બોલ્યો “એ પછી એવલીન ખાલી પાંચજ વર્ષ જીવી હતી....!”

“હાં...! એટ્લેજ એ પછી આ રૂમમાં એંશી વર્ષ સુધી કોઈજ નહોતું આવ્યું....!” ક્રિસ્ટીના ગમગીન સ્વરમાં બોલી.

“પ...પણ....એ તો વધારે લાંબુ જીવે એમ હતી....!” જોયની આંખ ભીની થઈ ગઈ “આઈ મીન...એ સ્વસ્થ હતી....! એકદમ ફિટ...!”

“મને લાગે છે કે...અ...!” ક્રિસ્ટીના બોલતા-બોલતા અટકી ગઈ પછી બંને સામે જોઈ રહી.

તેણીની વાત પામી ગયેલાં બ્રુનો અને જોયનું મોઢું ઉતરી ગયું.

“કદાચ .....આપડે ઊંઘ્યા...એના પાંચ વર્ષ પછી એવલીને સૂસાઈડ કરી હશે....!” ક્રિસ્ટીના ઢીલા સ્વરમાં બોલી.

બ્રુનો અને જોયનું મોઢું સાવ ઉતરી ગયું અને બંને ઢીલો ચેહરો બનાવીને ઊભાં રહ્યાં.

“એ આટલી કમજોર પડી જશે....! એ ખબર ન’તી....!” જોય ઢીલા સ્વરમાં બોલ્યો.

“પાંચ વર્ષ જોય...! પાંચ વર્ષ...!” ક્રિસ્ટીના બોલી “બવ અઘરું રહ્યું હશે...! એની માટે એ રીતે એકલાં જીવવાનું....!”

“હમ્મ...!” બ્રુનો પણ તાકી રહીને ગમગીન ચેહરે બોલ્યો “એમાંય એ જ્યારે તારી જોડે આટલી ક્લોઝ થઈ ગઈ હતી...! પછી તો ભારે અઘરું થઈ ગયું હશે....!”

બધાં થોડીવાર મૌન રહ્યાં અને એવલીનને યાદ કરી રહ્યાં.

“જસ્ટ ઈમેજિન...!” થોડીવાર પછી બ્રુનો બોલ્યો “પાંચ વર્ષ સુધી....! એ રોજે આવતી હશે...! જોયને જોવા....!”

બ્રુનોએએ જોય સામે જોતાં જોયનું મોઢું ફરીવાર ઢીલું થઈ ગયું.

“પાંચ વર્ષ....! એણે મહામુસીબતે તને જોઈ-જોઈને કાઢ્યાં હશે...!” બ્રુનો આગળ બોલ્યો “અને છેવટે....! અ..!”

બ્રુનો બોલતાં-બોલતાં અટકી ગયો. બધાં થોડીવાર સુધી મૌન થઈ ગયાં.

“પાંચ વર્ષ....! એણે મહામુસીબતે તને જોઈ-જોઈને કાઢ્યાં હશે...! કાઢ્યાં હશે...!” બ્રુનોના એ શબ્દો જોયના કાનમાં ગુંજવાં લાગ્યા અને તેણે નજર ફેરવીને પોતાની મેડિકલ કેપ્સ્યુલ સામે જોયું.

જોયની આંખ સામે હવે એ ખાલી કેપ્સ્યુલમાં પોતે સૂતો હોય અને એવલીન કેપ્સ્યુલ જોડે ઊભાં-ઊભાં તેને જોઈ રહી હોય એવું દ્રશ્ય તરવરી ઉઠ્યું.

“પ...પણ એની ડેડબોડી....!?” જોયે મૂંઝાઇને પૂછ્યું.

“મને લાગે છે કદાચ એણે અ....! સ્પેસજમ્પ કરીને સૂસાઈડ કરી હશે...!” ક્રિસ્ટીના અંદાજો લગાવીને બોલી “જેથી ડેડબોડી કોઈને મળવાની શક્યતા ના રહે....!”

જોયની આંખ ભીંજાઈ ગઈ.

“જોય...! દોસ્ત...!” બ્રુનોએ સહાનુભૂતિપૂર્વક જોયના ખભે હાથ મૂક્યો “મને ખરેખર અફસોસ છે...!”

“મને પણ....!” ક્રિસ્ટીના ઢીલા સ્વરમાં બોલી.

થોડીવાર સુધી બધાં મૌન ઊભાં રહ્યાં. ક્રિસ્ટીના અને બ્રુનોએ જોયને સ્વસ્થ થવાનો સમય આપ્યો.

“આઈ થિંક આપડે હવે જવું જોઈએ...!” ક્રિસ્ટીના થોડીવાર પછી બોલી “સ્પેસશીપના બધાં લોકોની ગેટ ટુ ગેધર પાર્ટી છે...!”

“હમ્મ...અને જોય...!” બ્રુનોએ હકારો ભરી જોયને કહ્યું “હવે તું છાયા અને રિધિમા ઉપર ફોકસ કર...! હમ્મ...!”

“આપડે બધાં તૈયાર થઈને હૉલમાં મળીએ....!” ક્રિસ્ટીના બોલી “પછી સાથેજ જાઈશું...! નોવાંને મળવા અને વ્હીસ્કી પીવા...!”

“હાં...એ તો છે..! વ્હીસ્કી તો પીવીજ પડશે...!” બ્રુનો સ્મિત કરીને બોલ્યો “કદાચ એને એવલીન વિષે ખબર પણ હોય...!”

“હાં...! કદાચ નોવાને ખબર હશે...!” જોયે પણ સૂર પુરાવ્યો અને મેડિકલ રૂમમાંથી બહાર જતાં-જતાં બોલ્યો “ચાલો....જલ્દી...! નોવાને મલીએ...!”

“અ...જોય...!” ક્રિસ્ટીના ઉતાવળા પગલે જોયની જોડે થતાં-થતાં બોલી “આઈ થિંક આપડે પે’લ્લાં સરખું તૈયાર થવું જોઈએ...!”

“નોવાને મળવામાં તૈયાર શું થવાનું...!?” ઉતાવળે ચાલતાં-ચાલતાં જોય બોલ્યો.

“અરે આપડને આ શીત નિદ્રાવાળા કપડાંઓમા બધાં જોશે....!” ક્રિસ્ટીના બોલી “તો બધાં કેટલાંય પ્રશ્નો પૂછશે....!”

“ક્રિસ્ટી સાચું કે’છે જોય...!” પાછળ આવી રહેલો બ્રુનો પણ બોલ્યો “છાયાં પણ એજ પૂછતી’તીને...!”

જોય કોરિડોરમાં અટક્યો અને એક ઊંડો શ્વાસ ભરી વિચારવા લાગ્યો. તેને ક્રિસ્ટીનાની વાત સાચી લાગી.

“ઠીક છે...!” આખરે જોય બોલ્યો “આપડે તૈયાર થઈને નીચે હૉલમાં મલીએ...પછી નોવાને મળવા જઈએ....!”

ક્રિસ્ટીના અને બ્રુનોએ હકારમાં માથું ધૂણાવ્યું અને જોયની જોડે ચાલવા લાગ્યાં. અલગ-અલગ ફ્લોર ઉપર આવેલાં પોત-પોતાના રૂમ તરફ જવા માટે છેવટે તેઓ જવાં છૂટાં પડ્યાં.

***

“જોય....! ઓહ ગોડ તું આ બ્લેક સૂટમાં કેટલો હેન્ડસમ લાગે છે ….!” ગ્રાઉંડ ફ્લોર ઉપર ચાલી રહેલી પાર્ટીમાં આવી પહોંચેલાં જોયને જોઈને તેની પત્ની છાયાં બોલી.

જોયનો હાથ પકડીને છાયાં તેને ખેંચી જવાં લાગી.

ત્રણ કિલોમીટર લાંબા વિશાળ સ્પેસશીપના વિશાળ હૉલમાં સ્પેસશીપના બધાંજ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સની પાર્ટી ચાલી રહી હતી. હોપ ગ્રહ પહોંચવાંમાં હવે માત્ર ચારજ મહિનાનો સમય બચ્યો હતો. અને આ ચાર મહિના દરમિયાન સ્પેસ ટ્રાવેલની મજા માણી શકાય એ માટે યાત્રીઓને જાગી જવાનું હતું. આ પહેલેથીજ નક્કી હતું.

ગ્રાઉંડ ફ્લોરના વિશાળ હૉલમાં મોટાંભાગના યાત્રીઓ સામેલ થઈ ગયાં હતાં. સ્પેસશીપના કેપ્ટન દ્વારાં પાર્ટી શરૂ થયાની ઔપચારિક જાહેરાત અને વેલકમ સેરેમની પછી બધાંજ યાત્રીઓ પાર્ટીની અને સ્પેસશીપની અન્ય મનોરંજનની સુવિધાઓની મજા માણી રહ્યાં હતાં. ઘણા સ્વિમિંગ કરી રહ્યાં હતાં તો ઘણા મૂવી જોઈ રહ્યાં હતાં. ઘણા બારમાં દારુ ઢીંચી રહ્યાં હતાં તો ઘણા સ્પેસ જમ્પ રૂમમાં સ્પેસશીપના સ્ટાફની આગેવાની હેઠળ સ્પેસ જમ્પની મજા માણી રહ્યાં હતાં. ગેમ ઝોનમાં તો બાળકોએ ધમાલ મચાવી દિધી હતી.

હૉલમાં ઘણા યાત્રીઓ એકબીજા જોડે પરિચય કેળવી નવાં મિત્રો બનાવી રહ્યાં હતાં.

“યુ નો જોય..! અહિયાં બનેલાં ફ્રેન્ડ્સ...આપડને હોપ ગ્રહ ઉપર પણ કામ લાગશે...!” જોયનો હાથ પકડીને ચાલી રહેલી છાયાં બોલી.

“હેં...! અ હાં...!” વિચારોમાં ખોવાયેલો જોય માંડ બોલ્યો.

“મેં એક નવી ફ્રેન્ડ બનાવી છે...!” છાયાં ઉત્સાહથી બોલી “હોપ ગ્રહ ઉપર એ પોતાની સ્કૂલ ખોલવાની છે...! મેં રિદ્ધિમાંનું એમાં એડમિશન પણ કરાવી લીધું છે...!”

“અચ્છા...! સરસ...!” જોય નીરસ સ્વરમાં બોલ્યો “પણ રિદ્ધિમાં ક્યાં છે...!?”

“અરે બધાં બાળકો ગેમ ઝોનમાં છે...!” છાયાં બોલી “સ્પેસશીપ ઉપર જેટલાં ગેમ ઝોન છે...! બધાંજ ફૂલ છે....!”

“ઓહ...!” જોય બોલ્યો અને પછી હૉલમાં હાજર ભીડ તરફ જોઈ રહ્યો.

ચિકાર ભરેલાં હૉલમાં હાજર ભીડમાંથી જોય પોતાની પત્ની છાયાં સિવાય કોઈનેય નહોતો ઓળખતો.

પોતે એ ભીડમાં ખોવાઈ જશે એવી બીક જોયને લાગવાં લાગી. તેણે છાયાંના હાથ ઉપર પોતાની પકડ સહેજ સખત કરી.

“જોય.... શું થયું...!?” જોયે પકડ સખત કરતાં છાયાંએ નવાઈ પામીને પૂછ્યું.

“અમ્મ...ક...કઈં નઇ..!” જોય માંડ સ્મિત કરીને બોલ્યો પછી ફરીવાર ભીડ સામે જોવાં લાગ્યો.

છાયાં જોડે-જોડે ભીડમાં જગ્યા કરતો-કરતો તે ધીમે-ધીમે ચાલી રહ્યો હતો. પોતે ખોવાઈ જશે એવો ડર તે અગાઉ પણ અનુભવી ચૂક્યો હતો. લગભગ 85 વર્ષ પહેલાં, જ્યારે તે સ્પેસવૉક કરવાં માટે બહાર ગયો હતો.

સ્પેસનું એ બિહામણું દ્રશ્ય યાદ આવી જતાં જોય ધ્રુજી ઉઠ્યો.

“એવલીન....! હું ખોવાઈ જઈશ તો...!?” એ સમયે એવલીન સાથે થયેલી વાતચિતના અંશો જોયને યાદ આવી ગયાં.

“તો હું તને શોધી લઇશ જોય...! શોધી લઇશ...!”

“જો....! ઓલ્લો ‘ર્યો હોપ ગ્રહ...!” છાયાં જોયને હૉલની ગ્લાસની એક વિશાળ વિન્ડો પાસે લઈ આવી હતી જ્યાંથી ચારેક મહિના દૂર હોપ ગ્રહ દેખાઈ રહ્યો હતો.

“અર્થ જેવોજ દેખાય છે ને...!?” હોપ ગ્રહ તરફ જોઈ રહીને છાયાંએ ઉત્સાહપૂર્વક જોયનું બાવડું પકડી રાખીને પૂછ્યું.

જોય કાંચની બારીમાંથી દેખાતાં હોપ ગ્રહના એ દ્રશ્યને જોઈ રહ્યો. જેમ ચંદ્ર ઉપરથી પૃથ્વીના ગોળાનું અડધું દ્રશ્ય દેખાતું હોય છે, એવુંજ દ્રશ્ય હોપ ગ્રહનું દેખાઈ રહ્યું હતું. હોપ ગ્રહની ભ્રમણ કક્ષામાં દાખલ થઈને વિશાળ સ્પેસશીપને લાંબો ચકરાવો મારવો જરૂરી હતો. આથી ચાર મહિનાની બાકીની આ સફર દરમિયાન સ્પેસશીપની ઝડપમાં અમુક ઘટાડો કરવામાં આવ્યો હતો.

“હાં...! બિલકુલ અર્થ જેવુંજ....!” જોય હોપ ગ્રહ તરફ જોઈ રહીને બોલ્યો.

“હોપ ગ્રહ જઈને....! તું નવી લાઈફ શરૂ કરજે....!” 85 વર્ષ પહેલાં શીત નિદ્રામાં સૂતાં પહેલાં એવલીને બોલેલાં એ શબ્દો જોયને યાદ આવી ગયાં.

“જોય....!” ત્યાંજ પાછળથી બ્રુનોનો અવાજ સંભળાયો.

જોયે પાછું ફરીને જોયું. છાયાં પણ પાછી ફરી.

“હેલ્લો...! છાયાં...! ગૂડ ઈવનિંગ..!” જોયની જેમજ સૂટબૂટમાં સજ્જ બ્રુનોએ છાયાંનું અભિવાદન કર્યું “તમે ખરેખર સુંદર લાગો છો...!”

લાલ કલરના લાંબા પાર્ટી ગાઉનમાં છાયાંને જોઈને બ્રુનોએ કહ્યું પછી જોય સામે સૂચક નજરે જોયું.

“ઓહ થેન્ક યુ..!” છાયાંએ ઔપચારિક જવાબ આપ્યો.

“અમ્મ...! તમને વાંધો ના હોય તો...હું જોયને લઈ જાવ...! મારી જોડે...! બારમાં...! વ્હીસ્કી પીવા...!” બ્રુનોએ છાયાં સામે જોઈને માફીસૂચક સ્વરમાં પૂછ્યું.

“જોય...!? તું વ્હીસ્કી ક્યારથી પીતો થઈ ગયો...!?” છાયાંએ નવાઈપામીને પૂછ્યું.

“અ...એ નઈ પીવે...!” જોય કઈં બોલે એ પહેલાંજ બ્રુનો બોલી પડ્યો “ખાલી મને કંપની આપવા માટે...!”

“ઓહ...અચ્છા...! પણ જલ્દી પાછાં આવજો...!” છાયા બોલી “મને ભૂખ લાગી છે...! અને જમવાનું શરું થઈ ગયું છે...! “

“હાં ...સારું...!” જોય બોલ્યો અને બ્રુનો જોડે ચાલવા લાગ્યો.

ભીડમાંથી જગ્યા કરતાં-કરતાં બંને થોડું આગળ જવાં લાગ્યાં.

“ક્રિસ્ટીના ક્યાં છે...!?” થોડા આગળ જઈને જોયે પૂછ્યું.

“એ રહી...!” બ્રુનોએ મોઢેથીજ ઈશારો કરીને સામે હૉલના એન્ટ્રન્સ પાસે ઊભેલી ક્રિસ્ટીનાને બતાવી.

ક્રિસ્ટીનાએ પણ ડાર્ક ગ્રીન કલરનું સુંદર પાર્ટી ગાઉન પહેર્યું હતું. લાલ ચટ્ટાક હોંઠ, છૂટાં વાળ, એવલીનની જેમજ તે પણ સાક્ષાત અપ્સરા લાગી રહી હતી.

ક્રિસ્ટીનાને જોઈને જોયને એવલીનની યાદ આવી ગઈ.

“ચાલો જલ્દી....!” ક્રિસ્ટીનાની નજીક પહોંચીને જોય પોતાનાં વિચારોને ઝાટકીને બોલ્યો અને આગળ નીકળી ચાલવા લાગ્યો.

બ્રુનોએ સ્મિત કરીને ક્રિસ્ટીના સામે જોયું અને આંખ મીંચકારી. બોલ્યાં વગર કરેલાં એ વખાણથી ક્રિસ્ટીના મલકાઈ અને જોયની પાછળ બ્રુનો જોડે ચાલવા લાગી. ત્રણેય જણા નોવાને મળવા બાર તરફ જવાં લાગ્યાં.

***

“ઓહ માય ગોડ....!” જોયથી બોલાઈ ગયું.

ત્રણેય જણા બારમાં આવી પહોંચ્યા હતાં. બારના એન્ટ્રન્સમાંથી એન્ટર થતાંજ ત્રણેય હતપ્રભ થઈ ગયાં હતાં. અને તેમના પગ ત્યાંજ થંભી ગયાં હતાં.

વ્હીસ્કી, વોડ્કા વગેરે અલગ-અલગ જાતની દારુ કે વાઈન પીવા માટે બારમાં સારી એવી ભીડ જામેલી હતી. બાર કાઉન્ટરની આગળ મૂકેલાં ઊંચા સ્ટૂલોમાંથી એકેય સ્ટૂલ ખાલી નહોતું. જોકે કાઉન્ટરની આ બાજુની ભીડ જોઈને ત્રણેય જણાં હતપ્રભ નહોતાં થયાં. હતપ્રભ થવાનું કારણ તો બાર કાઉન્ટરની બીજી બાજુનું દ્રશ્ય હતું.

અનેક ગ્રાહકોની ભીડને વ્હીસ્કી સર્વ કરવાં માટે ત્યાં સ્પેસશીપના સ્ટાફના ઘણાં કર્મચારીઓ હાજર હતાં, પણ નોવા નહોતો.

ત્રણેય જણાં નોવાની ગેરહાજરીથી હતપ્રભ થઈ મૌન બનીને ઊભાં રહ્યાં અને દારૂથી છોળો ઉછાળીને એન્જોય કરી રહેલી ભીડને જોઈ રહ્યાં.

“આ લોકોએ નોવાને ભંગારવાડે નાંખી દીધો કે શું...!?” ક્રિસ્ટીના છેવટે ભયથી આશંકિત સ્વરમાં બોલી.

“હાં કદાચ....!” જોય પણ એવાજ સ્વરમાં બોલ્યો પછી બંને સામે જોઈને વાત કરવા લાગ્યો “નોવાં કે’તોતો...! કે સ્પેસશીપ હોપ ગ્રહ પહોંચવાં આવશે...! પછી એને ભંગારવાડે નાંખી દેવાશે...! કદાચ...! સ્પેસશીપના સ્ટાફે...અ...”

“મને તો વિશ્વાસ નથી થતો...!” બ્રુનો માથું ધૂણાવીને બોલ્યો “એ લોકોને આટલી બધી ઉતાવળ શું હતી...!? હજી ક્યાં હોપગ્રહ પહોંચ્યા છે....!”

“હાં....કદાચ...!” જોયને પણ હવે ડાઉટ થયો “ના પણ નાંખ્યો હોય...!”

“એટ્લે...!?” ક્રિસ્ટીના મૂંઝાઇ.

“સ્પેસશીપ ઉપર આ એકજ બાર નથી...!” જોય બોલ્યો “આટલી બધી પબ્લિક માટે આ એક બાર કાફી પણ નથી...! એટ્લે ઘણાં બાર છે...! એવું બની શકેને ...! કે બીજાં કોઈ બારમાં કે પછી અન્ય કોઈ જગ્યાએ હેલ્પ કરવામાં નોવાંને મોકલી દેવાયો હોય...!?”

બ્રુનો અને ક્રિસ્ટીના વિચારી રહ્યાં.

“એમ પણ....વ્હીસ્કી સ્વર કરવા સિવાય...નોવાં બીજાં પણ અનેક કામ કરી જાણતો હતો ને..!” જોય યાદ અપાવીને બોલ્યો.

“હવે શું કરીએ...!?” બ્રુનોએ પુછ્યું.

“ત્રણેય અલગ અલગ થઈ જઈએ...!” જોય બોલ્યો “હું આખો ગ્રાઉંડ ફ્લોર....બ્રુનો... તું સેકંડ અને ક્રિસ્ટીના... તું.... થર્ડ...! આપણે આખે આખા ફ્લોર ઉપર ફરી વળીએ...! અને નોવાંને શોધીએ...! જરૂર પડે તો સ્પેસશીપના સ્ટાફ જોડે ચાલાકી કરીને પૂછી જોવાનું... ક્યાંકથી નોવાં વિષે કોઈક ઇન્ફોર્મેશન તો મલીજ જશે...!”

“ગ્રેટ...! ચાલો શરું કરીએ...” ક્રિસ્ટીના બોલી.

“હાં....! વ્હીસ્કી તો હું નોવાંના હાથેજ પીશ..!” બ્રુનો બોલ્યો.

જોય પરાણે હળવું હસ્યો પછી બોલ્યો “એવલીનની અંતિમ ઈચ્છા હતી...કે આપડે નોવાંને આપડી જોડે રાખીએ....ભંગારવાડે ના જવાં દઈએ.!”

ત્રણેય થોડીવાર મૌન થઈને એવલીન વિષે વિચારી રહ્યાં.

“કામ પતાવીને પાછાં હૉલના એન્ટ્રન્સ પાસે મલીએ...!” જોય છેવટે બોલ્યો અને માથું ધૂણાવીને જવાં લાગ્યો.

બ્રુનો અને ક્રિસ્ટીના પણ છૂટાં પડ્યાં.

***

“કોઈ ન્યૂઝ...!?” હૉલના એન્ટ્રન્સ પાસે આવી પહોંચેલાં બ્રુનોએ તેની પહેલાં આવીને રાહ જોઈ રહેલાં જોયને પૂછ્યું.

નિરાશ ચેહરે જોયે એક ઊંડો નિ:શ્વાસ નાંખ્યો.

“મારે પણ ....સેમ...!” બ્રુનોએ પણ એવાંજ ઢીલા સ્વરમાં બોલ્યો “હવે ક્રિસ્ટીના બાકી છે...!”

જોય કઈંપણ બોલ્યાં વગર હૉલમાં ચાલી રહેલી પાર્ટીની ભીડ સામે તાકી રહ્યો.

“જો નોવાં ના મળ્યો ‘તો...!?” થોડીવાર પછી બ્રુનોએ પૂછ્યું.

જવાબમાં જોયે મૌન જાળવ્યું અને પરેશાન ચેહરે સામે તાકી રહ્યો.

“હેય...! એની લક....!?” પાછળથી ક્રિસ્ટીનાએ આવીને પૂછ્યું.

જવાબમાં જોય અને બ્રુનો ક્રિસ્ટીના સામે વિલા મોઢે તાકી રહ્યાં.

“ઓહ....!” બંનેના ચેહરા જોઈને ક્રિસ્ટીના સમજી ગઈ “મને પણ ક્યાંય ના મળ્યો...!”

“લેડિઝ એન્ડ જેંટલમેન....!” ત્યાંજ હૉલમાં વચ્ચોવચ બનેલાં એક ઊંચાં સ્ટેજ ઉપરથી સ્પેસશીપના સ્ટાફમાંથી કોઈએ એનાઉન્સમેન્ટ કરવાં માંડી.

માઇકમાં અવાજ સાંભળીને હૉલમાં હાજર ભીડ એ તરફ જોવા લાગી. જોય, બ્રુનો અને ક્રિસ્ટીના પણ એ તરફ જોઈ રહ્યાં.

“આજે આપડે સૌ આ સ્પેસશીપ ઉપર....! હોપ ગ્રહ તરફની એકસો વીસ વર્ષ લાંબી સ્પેસયાત્રાના અંતિમ પડાવમાં એક અનોખી ઘટનાનાં સાક્ષી બનવા જઈ રહ્યાં છે.....!”

ઘણા લોકો હવે ધીમા પગલે સ્ટેજ નજીક જવા લાગ્યાં. જોય, બ્રુનો અને ક્રિસ્ટીના કુતૂહલથી એ તરફ જોઈ રહ્યાં.

“સ્પેસમાં બનવા જઈ રહેલી કદાચ....આ પહેલી એવી ઘટના હશે.... જે અગાઉ કદી નઇ બની હોય...!” એનાઉન્સમેન્ટ કરી રહેલો માણસ આગળ બોલ્યો “કદાચ એક ઐતિહાસિક ઘટના....!”

એનાઉન્સર થોડું અટકીને સામે ઊભેલી ભીડ સામે જોઈ રહ્યો પછી આગળ બોલ્યો-

“જી હાં..! આપ એક એવી ઐતિહાસિક ઘટનાનાં સાક્ષી બનવા જઈ રહ્યાં છો....! એક એવાં લગ્ન સ્પેસમાં....! જે પે’લ્લાં કદી નથી થયા....! એક ખૂબસૂરત મનુષ્ય સ્ત્રી....અને એક સુપર ઇન્ટેલીજેન્ટ રોબોટનાં લગ્ન...!”

જોય, બ્રુનો અને ક્રિસ્ટીના એકબીજાનાં મોઢા તાકી રહ્યાં પછી સ્ટેજ તરફ જોવા લાગ્યાં.

“તો સ્વાગત કરો...! સ્પેસમાં આવા અનોખાં લગ્ન કરવાં જઈ રહેલી જોડીનાં....!” એનાઉન્સરે એટલું કહેતાંજ સ્ટેજ સહિત આખા હૉલમાં અંધારું છવાઈ ગયું. સ્ટેજમાં એન્ટર થવાં માટે પડદાંની વચ્ચે બનેલાં દરવાજા ઉપર ગોળ સ્પોટ લાઇટનું અજવાળું પડ્યું અને પડદો ઉઠી ગયો.

સફેદ કલરનાં વેડિંગ ગાઉનમાં એક સુંદર સ્ત્રી ઊભી હતી અને બ્લેક કલરનાં ટક્ષીડો સૂટમાં એક જોડે એક રોબોટ ઊભો હતો.

જોય, બ્રુનો અને ક્રિસ્ટીના ફાટી આંખે એ અનોખી જોઈ રહ્યાં.

કેમકે વ્હાઇટ કલરનાં સુંદર ગાઉનમાં જે સુંદર સ્ત્રી પબ્લિકની ચિચિયારીઓનું અભિવાદન ઝીલી રહી હતી તે બીજું કોઈ નહીં પણ એવલીન હતી અને તેની જોડે બ્લેક વેડિંગ સૂટમાં ઉભેલો રોબોટ બીજું કોઈ નઈ પણ નોવાં હતો.

***

“Sid”

instagram@sid_jignesh19