Pangea books and stories free download online pdf in Gujarati

પેન્જીઆ

આજે વાત કરવી છે, જેના ખોળામાં આળોટીને આપણે આપણું અસ્તિત્વ ટકાવી શક્યા છીએ એ ધરતી માતાની! એ ધરતી જે આજે અલગ અલગ દેશો અને ખંડોમાં વહેંચાયેલી છે, જે આ વહેચણીમાં વખતોવખત થયેલા એકથી એક ચડિયાતા યુદ્ધો અને માનવજાતના મહાસંહારની સાક્ષી રહી ચૂકી છે. એક કોષિય જીવથી શરૂ કરીને આદિથી આધુનિક માનવ સુધીની આખી વિકાસપ્રક્રિયાની સાક્ષી રહી ચૂકી છે! કેટલાય પરિવર્તનોમાંથી પસાર થયા પછી, કેટલાંય ટુકડાઓમાં તૂટ્યા પછી આજે વિશ્વની ધરતીનું આજનું આ સ્વરૂપ બન્યું છે! આજે સાત ખંડોમાં વહેચાયેલું આપણું આ વિશ્વ એક સમયે ધરતીના એક જ પોપડામાં બંધાયેલું હતું. એક સમયે સાતેય ખંડો એકબીજા સાથે જોડાયેલા હતા અને આ એક જ મહાખંડને પેન્જીઆ (pangia) નામ આપવામાં આવ્યું છે. તો ચાલો આજે ધરતીના ઇતિહાસને જાણવા માટે ભૂતકાળની ઊંડી ખાઈમાં ખાબકવા માટે તૈયાર થઈ જાઓ.

આજથી માત્ર 530 વર્ષ પહેલાં વિશ્વના બે મોટા હિસ્સાઓ એકબીજાના અસ્તિત્વથી બિલકુલ અજાણ હતા! જી હા, એશિયા, આફ્રિકા અને યુરોપ માટે જાણે દુનિયા આ ત્રણ ખંડોમાં જ પૂરી થઈ જતી. તો ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડના દેશોનું વિશ્વ આ બે ખંડોમાં જ સમાઈ જતું! અને બાકીના ભાગમાં સમુદ્ર હતો. આ તો ભલું થાય ઇટાલિના એ નાવિક કોલંબસભાઈનું કે તેઓ ભારતના જળમાર્ગની શોધમાં નિકળ્યા. ભલે ભારતની જગ્યાએ અમેરિકા પહોંચી ગયા પણ એક નવી દુનિયાની શોધ કરી નાખી! ઈ.સ. 1492 માં એમણે અમેરિકા પહોંચીને દુનિયાને એક નવી દુનિયાના દર્શન કરાવ્યા! કોલંબસની આ યાત્રા એ ભલે ભૂલથીતો ભૂલથી પણ ઇતિહાસ રચ્યો હતો. જેણે વિશ્વના નકશાઓ બદલી નાખ્યા. અત્યાર સુધી તો ત્રણ મહાદ્વીપમાં જ દુનિયાનો નકશો સમેટાઈ જતો. આ ઐતિહાસીક ઘટના પછી ડચ નાગરિક અબ્રાહમ ઓર્ટિલિસે (Abraham ortelius) ઈ.સ. 1564 માં વિશ્વનો પ્રથમ નકશો તૈયાર કર્યો કે જેમાં પાંચ મહાદ્વીપ સામેલ હતા. ઈ.સ. 1570 માં એમાં સુધારો કરીને થોડો વધારે સચોટ નકશો બનાવ્યો. જોકે, સો ટકા સચોટ તો એ પણ નહોતો. એમ છતાં પણ એને આધુનિક દુનિયાનો પ્રથમ નકશો માનવામાં આવ્યો. હવે મૂળ વાત પર પાછા ફરીએ તો એક સવાલ ચોક્કસથી પેદા થાય કે જે દુનિયા અડધી દુનિયાના અસ્તિત્વથી પણ અજાણ હતી એ દુનિયાને એવી સાબિતી ક્યાંથી મળી કે કરોડો વર્ષ પહેલાં આખા વિશ્વની સરજમીન એક જ મહાદ્વીપ સાથે જોડાયેલી હતી?

અબ્રાહમ ઓર્ટિલિસ કે જેણે આધુનિક દુનિયાનો પ્રથમ નકશો બનાવ્યો, તેઓ ઈ.સ. 1596 માં વિશ્વના નકશાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એક દિવસ આખો નકશો ધ્યાનથી જોતા એમના મગજમાં જાણે ટ્યુબલાઈટ થઈ! એમને ધ્યાનમાં આવ્યું કે, આફ્રિકા મહાદ્વીપનો પશ્વિમ કિનારો અને દક્ષિણ અમેરિકાનો પૂર્વ તરફનો ભાગ એકબીજા સાથે ફીટ બેસે એવા આકારના છે. જો એ બન્નેને જોડવામાં આવે તો એકબીજા સાથે બરાબર ફીટ બેસી જાય અને એક મોટો દ્વીપ બની જાય! આ પરથી એમણે અનુમાન લગાવ્યું કે વર્ષો પહેલાં જમીનના આ બન્ને ટુકડાઓ એક હશે. એની પહેલાં કે તેઓ આ વિષય પર વધારે રિસર્ચ કરે ઈ.સ. 1598 માં જ એમનું મૃત્યુ થઈ ગયું. એમના ગયા પછી ઘણા વિદ્વાનોએ એમની આ થિયરી પર આગળ અભ્યાસ કર્યો. કેટલાંક દ્વીપ એક જ મહાદ્વીપનો ભાગ હોવાના મતો પણ રજૂ થયા. પણ એમની આ થિયરી તેઓ સાબિત ન કરી શક્યા. આખરે ઈ.સ. 1911 માં મૂળ બર્લિનના પ્રો. આલ્ફ્રેડ વેગ્નરે (Alfred lothar wegener) એક રિસર્ચ પેપર રજૂ કર્યું. જે અબ્રાહમની થિયરી પર સહમતીની મોહર લગાવવાની સાથે એનાથી પણ આગળની અન્ય શક્યતાઓ રજૂ કરતું હતું. એમના મતે આખેઆખા ઉત્તર અને દક્ષિણ અમેરિકા બન્ને મહાદ્વીપ આફ્રિકા અને યુરોપ મહાદ્વીપમાં બરાબર ફીટ બેસે છે. તો અંટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને મેડાગાસ્કર આફ્રિકા મહાદ્વિપના બીજા છેડા પર બરાબર ફિટ બેસે છે. રિસર્ચમાં જમીનના આ બધા ટુકડાઓમાં (મહાદ્વીપ) ભૌગોલિક સમાનતાઓ પણ જોવા મળી. તો બીજી તરફ અહીંની જમીનમાંથી મળેલા જીવાશ્મિમાં પણ ગજબની સમાનતા જોવા મળી. હવે જો આફ્રિકામાં મળી આવેલા જીવો, દક્ષિણ અમેરિકામાં પણ મળી આવે તો એવું બનવા માટે એક જ શક્યતા બચે; ભૂતકાળમાં આ બન્નેની જમીન જોડાયેલી હોવી જોઈએ. નહીં તો દરિયા પાર એ જીવ સામે કિનારે કઈ રીતે પહોંચે? આ પરથી એમણે એક થિયરી આપી; કોન્ટિનેન્ટલ ડ્રીફ્ટ થિયરી. (Continental drift Theory) એ સમયે આ મહાદ્વીપના ટુકડા થઈને બધા ટુકડાનું એકબીજાથી દૂર ખસવા માટે પૃથ્વીના ધરીભ્રમણથી પેદા થતા બળને જવાબદાર માનવામાં આવ્યું. પણ હકીકત થોડી અલગ હતી.

ઈ.સ. 1915 માં વેગ્નરે એક બુક લખી; "The origin of continents and oceans." જેમાં એમણે વિસ્તારથી પોતાની આ થિયરી સમજાવી. આ બુકથી એમની થિયરી લોકોના ધ્યાનમાં તો આવી પણ હજુ સુધી એ વૈજ્ઞાનિક કસોટીની એરણ પર ખરી નહોતી ઉતરી. આખરે ઈ.સ. 1950 માં જઈને જ્યારે મેગમનેટિક સર્વેની નવી ટેક્નિક વિકસીત થઈ ત્યારે એના પર સચોટ વૈજ્ઞાનિક સંશોધન શક્ય બન્યું. જેનાથી જૂની થિયરીનો આધાર લઈને એમાં થોડા સુધારા કરીને એક નવી અને સચોટ થિયરી રજૂ થઈ; "Plate tectonics." જેને હાલમાં પણ બધા વિદ્વાનો સ્વીકારે છે. આ થિયરી મુજબ આખી પૃથ્વી પર જમીનતો છે જ; ક્યાંક ઊંચી તો ક્યાંક નીચી. નીચાણવાળા વિસ્તારમાં સમુદ્રનું પાણી ભરાયેલું છે. ઊચાણવાળા વિસ્તારમાં રહેલા આ સાત મહાદ્વીપો જાણે સમુદ્રના પાણીમાંથી બહાર ડોકિયા કરે છે. હવે જો આ પાણી સોંસરવું જોવામાં આવે તો અંદર જમીનની અલગ અલગ પ્લેટો નજરે ચડે, જેને ટેક્ટોનિક પ્લેટ કહેવામાં આવે છે. આ જ પ્લેટોની હલચલથી ભુકંપ આવે છે. આ જ પ્લેટોની નીચે રહેલા લાખો ડિગ્રી ગરમ લાવાની થઈ રહેલી ઊથલપાથલ જ આ પ્લેટોને ખસેડે છે.

આ નવી થિયરીના સચોટ સર્વે મુજબ, આજથી લગભગ 17 થી 20 કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વી પર એક જ વિશાળ મહાદ્વીપનું અસ્તિત્વ હતું. જેની સાથે હાલના બધા મહાદ્વીપો જોડાયેલા હતા. જેને આપણે પેન્જીઆ (Pangea) તરીકે ઓળખીએ છીએ. આ પેન્જીઆ નામનો પૃથ્વી પરનો એક માત્ર મહાદ્વીપ આજથી લગભગ 33 કરોડ વર્ષ પહેલા બન્યો હતો. એની ચારેય તરફ સમુદ્ર હતો. જેને પેંથાલાસા (Panthalasa or huge ocean) તરીકે ઓળવામાં આવે છે. હવે આપણે બધા જણીએ છીએ કે પૃથ્વી વર્ષો પહેલાં એક ગરમ ગોળો હતો જે ધીમેધીમે ઠંડો થતો ગયો. ઉપરનું પડ ઠંડું થતું ગયું પણ અંદરનો લાવા આગ ઓંકતો રહ્યો. એક સમયે હિમયુગ આવ્યો એટલે જમીનના ઉપરના પડ પર સખત ઠંડી અને નીચે ધગધગતા લાવાના લીધે પૃથ્વીના ઉપલા પડ પર તિરાડો પડવાની શરૂ થઈ. આ તિરાડોના લીધે લગભગ 17 થી 20 કરોડ વર્ષ પહેલાં આ પેન્જીઆ મહાદ્વીપના બે કટકા થઈ ગયા. જેમાં ઉત્તર તરફનો ભાગ લ્યૂરેશિયા (Laurasia) અને દક્ષિણ તરફનો ટુકડો ગોંડવાના લેન્ડ (Gondwana land) કે જમ્બૂદ્વીપ તરીકે ઓળખાય છે. આ બન્ને વચ્ચે જગ્યા થતાં એક નવો સમુદ્ર બની ગયો; ટેથિસ સાગર. (Tethys sea)

હવે સમય જતાં આ પેન્જીઆનો ઉત્તર તરફનો ટુકડો એવો લ્યૂરેશિયા (Laurasia) પણ તૂટી ગયો. એમાંથી ઉતર અમેરિકા, યુરોપ અને હાલના એશિયાનો થોડો હિસ્સો અલગ પડ્યો. એ સમયે આપણો દેશ ભારત એશિયાનો નહીં પણ જમ્બૂદ્વીપનો (Gondwana land) એક ભાગ હતો. આ જમ્બૂદ્વીપ તૂટતા દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને આપણી ભારતીય ટેક્ટોનિક પ્લેટ અલગ થઈ. આ બધા ટુકડાઓ અલગ થઈને ધીમી ગતિથી દૂર ખસવા લાગ્યા. આફ્રિકા ખંડ સાથે જોડાયેલી આપણા દેશની જમીન કે જેમાં આસપાસના પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશો પણ આવી જાય. એ પણ અલગ થઈને ધીમેધીમે ખસવા લાગી. મેડાગાસ્કરની જમીનનો ટુકડો તો ત્યાં જ આફ્રિકાની બાજુમાં જ અટકી ગયો પણ ભારતની જમીન ઉત્તરમાં એશિયા તરફ આગળ સરકતી રહી. આખરે લગભગ 5 કરોડ વર્ષ પહેલા યુરેશીયન પ્લેટ સાથે ચીનના લદ્દાખ તરફના ભાગમાં આપણી ભારતીય પ્લેટ ટકરાઈ. અને આપણો દેશ એશિયાનો એક ભાગ બની ગયો. આ ટકરાવ પછી પણ આ પ્લેટ યુરેશીયન પ્લેટમાં ઘૂસતી રહી અને ધીમેધીમે વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયનો જન્મ થયો! આ પહેલા કાશ્મીર અને લદ્દાખ બન્ને મેદાની વિસ્તારો હતા. આજે પણ ભારતીય પ્લેટ યુરેશીયન પ્લેટની અંદર હિમાલયની નીચે ઘૂસતી જાય છે અને એના લીધે દર વર્ષે હિમાલયની ઊંચાઈ બેથી અઢી ઇંચ જેટલી વધતી જાય છે! પણ આવું થવાનું કારણ શું? એના માટે એક અછડતી નજર ભુગોળના વૈજ્ઞાનિક તારણો પર પણ કરી લઈએ!

ભુગોળના સંશોધન મુજબ ટેક્ટોનિક પ્લેટની ત્રણ પ્રકારની ગતિ હોય છે. એક ટ્રાન્સફોર્મ ગતિ. જેમાં બે પ્લેટ એકબીજી સાથે ઘસાઈને નજીકથી પસાર થઈ જાય. પ્લેટોના આ ઘસારાના લીધે આસપાસની જમીન પર ભુકંપ આવતા હોય છે. જાપાનવાળી પ્લેટને આનું ઉદાહરણ ગણી શકાય. બીજી ગતિ છે; ડાયવર્જન્ટ ગતિ. આમાં નીચે રહેલા લાવાનું સર્ક્યુલેશન બે પ્લેટને એકબીજીથી દૂર ખસેડે. આના લીધે જ્વાળામુખીનું નિર્માણ થાય તો ક્યારેક બન્ને પ્લેટ વચ્ચે થયેલી જગ્યામાંથી બહાર આવેલો મેગ્મા નવી જમીનનું નિર્માણ પણ કરી દે. હવે જે આપણી ભારતીય પ્લેટ પર થઈ રહી છે એ ત્રીજા પ્રકારની ગતિ એટલે કન્વર્ઝન્ટ ગતિ. આમાં બે પ્લેટ એકબીજી સાથે ટકરાય. આ ટકરાવના લીધે ટકરાવવાળી જગ્યા પર પર્વતોનું નિર્માણ થાય. અહીં જે પ્લેટ ભારે હોય એ સામેની પાતળી પ્લેટની નીચે ઘૂસતી જાય. પૃથ્વીના પેટાળમાં રહેલા લાવાની ઊથલપાથલ મુજબ બધી પ્લેટો અલગ અલગ પ્રકારે ગતિમાન થતી હોય છે. આજે પણ બધી પ્લેટો કોઈને કોઈ દિશામાં ગતિ કરી રહી છે. કોઈની ગતિ ધીમી છે તો કોઈની ઝડપી. હાલમાં એન્ટાર્કટિકાની આસપાસની પ્લેટ સૌથી ધીમી ગતિએ સફર કરે છે. જે દર વર્ષે લગભગ બેથી અઢી સેન્ટીમીટરની ઝડપે આગળ વધે છે. જ્યારે દક્ષિણ અમેરિકા પાસે આવેલી નાસ્કા પ્લેટ સૌથી ઝડપી ગતિએ સરકતી પ્લેટ છે. જે દર વર્ષે લગભગ 15 સેન્ટીમીટરની ઝડપથી ખસી રહી છે.

હવે જો પેન્જીઆ (Pangea) મહાદ્વીપ તૂટ્યો જ ન હોત અને બધી પ્લેટ જેમ હતી એમ જ રહી હોત તો? આપણા દેશના ભૌગોલિક, રાજકીય અને આર્થિક સમીકરણો કંઈક અલગ જ હોત! ચીન સાથે તો દૂરદૂર સુધી કોઈ સીમા વિવાદ થવાની કોઈ શક્યતા જ ન હોત. તો આપણને મળેલો આ વિશાળ દરિયાકિનારો પણ ના હોત! દરિયાકિનારાના નામે આપણી પાસે માત્ર કાશ્મીર એક જ હોત. કારણ કે હાલના આ દરિયાકિનારાની જગ્યાએ તો પશ્ચિમ તરફ મેડાગાસ્કર અને પૂર્વ તરફ ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા હોત. પશ્વિમ બંગાળ અને ઓરિસ્સામાં કદાચ ઓસ્ટ્રેલિયાના કાંગારૂઓ જોવા મળતા હોત! તો ગુજરાતની સરહદો પર સોમાલિયાના આતંકવાદીઓનો ખતરો પણ ઊભો થાત. દક્ષિણ-પૂર્વ તરફના કેટલાક રાજ્યોની સરહદ એન્ટાર્કટિકા સાથે જોડાયેલી હોત એના લીધે એ બધા રાજ્યોમાં બરફનો વરસાદ પણ પડતો હોત! હવે જ્યારે હિમાલયનું અસ્તિત્વ જ નહોતું તો પછી એમાંથી ઉદ્ભવેલી નદીઓનું પણ અસ્તિત્વ ન હોત. પણ એક મિનિટ! કલ્પનાના ઘોડાઓને છૂટા મૂકતા પહેલાં એક સવાલ એ પણ પૂછવો રહ્યો કે પેન્જીઆ તૂટ્યો ન હોત તો શું આ બધું જોવા માટે માનવજાતનું અસ્તિત્વ સાબૂત હોત ખરું?- ભગીરથ ચાવડા
bhagirath1bd1@gmail.com