કબીર અવાર-નવાર અહીં વૃધ્ધાશ્રમમાં આવતો તેને વયોવૃદ્ધ માણસો સાથે સમય પસાર કરવો ખૂબ ગમતો, તે તેમની સાથે બેસતો અને તેમના જીવનના અનુભવો વિશે સાંભળતો, તેમણે પોતાના જીવન દરમ્યાન કરેલા સંઘર્ષ વિશે સાંભળતો, કોઈને પણ કંઈપણ મદદની જરૂર હોય તો કબીર હાજર રહેતો અને ખુશ થઈને તેમનું તે કામ પૂરું કરી આપતો.હવે કબીર બધાનો સારો એવો મિત્ર બની ગયો હતો.
એક દિવસ તે અહીં વૃધ્ધાશ્રમમાં હાજર જ હતો અને એક ઉંમરલાયક સ્ત્રીને લઈને એક છોકરી વૃધ્ધાશ્રમમાં પ્રવેશી....
દેખાવમાં ખૂબજ સુંદર, શરીર એકવડુ, હસવાથી તેનાં બંને ગાલ ઉપર ખાડા પડતાં અને બોલવામાં એકદમ નમ્ર એવી સ્મૃતિ આ ઉંમરલાયક સ્ત્રીને અહીં વૃધ્ધાશ્રમમાં મૂકવા આવી હતી.
કબીર સ્વાભાવિકપણે જ તેમને જોઈને તેમને મળવા માટે આગળ વધ્યો અને પહેલાં પોતાની ઓળખાણ આપી અને ત્યારબાદ તે કઈરીતે તેમની મદદ કરી શકે છે તે પણ પૂછ્યું.
અને પછી વૃદ્ધાશ્રમની બધી જ પ્રોશેશ પૂર્ણ કરવામાં કબીરે સ્મૃતિની ખૂબ મદદ કરી.
આ હતી કબીર અને સ્મૃતિની પહેલી મુલાકાત, પછી તો સ્મૃતિ પોતાની મમ્મી રાજેશ્વરી બેનને મળવા માટે અવાર-નવાર અહીં વૃધ્ધાશ્રમમાં આવતી-જતી હતી અને કબીર સાથે અવાર-નવાર તેની મુલાકાતો થતી રહેતી હતી.
કબીર એન્જિનિયર થયેલો ખૂબ સારો અને વ્યવસ્થિત છોકરો હતો તેનાં મમ્મી-પપ્પા તેને નાનપણમાં જ મૂકીને મૃત્યુ પામ્યા હતા, દાદા-દાદીએ જ તેને ભણાવી ગણાવીને મોટો કર્યો હતો.
પોતાના દાદા સાથે કબીર દાદાના એક મિત્રને મળવા માટે એકવાર વૃધ્ધાશ્રમમાં આવેલો ત્યારબાદ દાદા તો ન રહ્યા પણ કબીરે વૃધ્ધાશ્રમમાં આવવાનું ચાલુ રાખ્યું હતું.
કબીરને પ્રેમાળ સ્મૃતિ ખૂબજ ગમવા લાગી. વૃધ્ધાશ્રમમાં કબીરના જે મિત્રો થઈ ગયા હતાં તે દરેકને આ વાતની ખબર પડી ગઈ હતી પરંતુ સ્મૃતિને કહેવું કઈરીતે તે કબીર માટે એક પ્રશ્ન હતો.
કબીર એ દિવસની રાહ જોઈ રહ્યો હતો કે સ્મૃતિ સાથે તેની એકાંતમાં ક્યાંક મુલાકાત થાય અને તે સ્મૃતિને પોતાનાં દિલની વાત જણાવી શકે..!!
એટલામાં એક દિવસ સ્મૃતિની મમ્મીની તબિયત અચાનક બગડી તેથી તેમને હોસ્પિટલાઈઝ્ડ કરવા પડ્યા તે સમયે કબીર ત્યાં વૃધ્ધાશ્રમમાં હાજર હતો તે સારવાર દરમ્યાન ખડેપગે ઉભો રહ્યો.
સ્મૃતિનો કોન્ટેક્ટ કરવાનો તેણે ખૂબજ પ્રયત્ન કર્યો પણ સ્મૃતિના કોઈ સમાચાર મળ્યાં નહિ. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર-પાંચ દિવસ પસાર થઈ ગયા પણ ન તો સ્મૃતિનો કોઈ ફોન આવ્યો કે ન તો સ્મૃતિ પોતાની મમ્મીની ખબર પૂછવા માટે વૃધ્ધાશ્રમમાં આવી..!!
કબીરે પોતાનાથી બનતી બધી જ સેવા સ્મૃતિની મમ્મીની કરી હતી. તેમને હવે સારું પણ થઈ ગયું હતું અને રજા આપીને પાછા વૃધ્ધાશ્રમમાં પણ લાવી દેવામાં આવ્યા હતાં.
પણ, સ્મૃતિ આટલી બધી બેજવાબદાર હોઈ શકે..?? તે વિચારે કબીરને સ્મૃતિ ઉપર ખૂબજ ગુસ્સો આવ્યો હતો વળી, તેના મમ્મી રાજેશ્વરી બેન પણ સ્મૃતિના નામની માળા જપ્યા કરતાં હતાં તેથી કબીર સ્મૃતિની ઉપર વધુ ગુસ્સે થતો હતો.
તે અવાર-નવાર સ્મૃતિને ફોન લગાવ્યા કરતો હતો અને એકવાર સ્મૃતિએ ફોન ઉઠાવી લીધો, તે સ્મૃતિને ગુસ્સામાં ઘણુંબધું બોલી ગયો અને પછી તેને આમ અચાનક ગાયબ થઈ જવાનું અને ફોન નહીં ઉપાડવાનું કારણ તેણે પૂછ્યું તો સ્મૃતિનો જવાબ સાંભળીને તેનાં પગ નીચેથી ધરતી ખસી ગઈ..!!
જ્યારે સ્મૃતિની મમ્મીને હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યા ત્યારે સ્મૃતિ પણ હોસ્પિટલમાં ઍડમિટ હતી..!! સ્મૃતિને બ્રેસ્ટ કેન્સર હતું અને તેનો આ છેલ્લો સમય હતો, તે પોતાની વાત જણાવીને કોઈને દુઃખી કરવા નહતી ઈચ્છતી કે પોતાની મમ્મીને પણ દુઃખ થાય તેવું તે ઈચ્છતી ન હતી માટે તેણે પોતાને કેન્સર થયેલું છે તે વાતની જાણ શુધ્ધા કોઈને થવા દીધી ન હતી.
કબીરે તેને સોગંદ આપીને તે કઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહી છે તે પૂછી લીધું અને તેને મળવા માટે ગયો, કબીરથી સ્મૃતિની હાલત જોઈ શકાય તેમ ન હતી. તેની આંખમાં આંસું આવી ગયા તે સ્મૃતિને ભેટીને ખૂબ રડી પડ્યો.
સ્મૃતિએ પોતાની મમ્મીની કાળજી રાખવાની જવાબદારી કબીરને સોંપી અને જાણે કબીરના આવવાની જ રાહ જોઈ રહી હોય તેમ તેનાં ખોળામાં માથું મૂકીને પોતાનાં જીવનનાં અંતિમ શ્વાસ તેણે લીધાં અને કબીરના મનમાં સદાયને માટે તેની સ્મૃતિ છોડીને સ્મૃતિએ વિદાય લીધી....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/3/2021