Rajkaran ni Rani - 59 in Gujarati Social Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૫૯

રાજકારણની રાણી - ૫૯

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૯

સુજાતાબેન શું આયોજન કરી રહ્યા છે એનો અંદાજ જનાર્દનને આવી રહ્યો હતો. પરંતુ સુજાતાબેનનું મન કળી શકાતું ન હતું. એમનો વાંક પણ ન હતો. રાજકારણના બદલાતા રંગ એમને આયોજન બદલવા મજબૂર કરી રહ્યા હતા. રાજકીય પક્ષોની ગણતરી સમજવાનું કોઇપણ માટે મુશ્કેલ હોય છે. થોડા દિવસ પહેલાં જ પડોશી રાજ્યની ચૂંટણી એકાએક જાહેર થઇ ગઇ હતી. વિધાનસભાની મુદત પૂરી થવામાં હજુ સાત મહિના બાકી હતા અને તેને ભંગ કરી ચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારે એમ થયું હતું કે પાંચ વર્ષ માટે ચૂંટાતા ધારાસભ્યો પણ હવે એમ માનીને ચાલી શકે એમ નથી કે એમને પૂરો સમય મળશે. આવી સ્થિતિમાં જ્યાંથી લાભ મળે ત્યાંથી મેળવી લેવાની વૃત્તિ ઊભી થાય એ સ્વાભાવિક ગણાવા લાગ્યું હતું. વહેલી ચૂંટણી માટે જુદા જુદા કારણો આપવામાં આવી રહ્યા હતા. કોઇ કહેતું હતું કે રાજ્યમાં એક નવા પક્ષનો ઉદય થઇ રહ્યો હતો અને એ તેમની બેઠકો છીનવી શકે એમ હતો. કોઇનો એવો મત હતો કે હાલના મુખ્યમંત્રી કોરોનાની પરિસ્થિતિને સંભાળી શકયા નથી. અને એમના સ્થાને બીજાને ટૂંકા સમય માટે મૂકવાથી પક્ષને જોખમ ઊભું થાય એમ છે. તો કેટલાકનું માનવું હતું કે બીજા એક રાજયમાં ચૂંટણી આવતી હતી અને ત્યાં પક્ષની લોકપ્રિયતા વધારે હોવાથી વહેલી ચૂંટણી જાહેર કરી દીધી હતી. પરંતુ આ પ્રકારે વહેલી ચૂંટણી પ્રજાના માથા પર અને રાજયની તિજોરી પર બોજો વધારનારી જ બની રહે એમ હતી. રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે નિયમોમાં બાકોરા પાડતા હતા. ચૂંટણીને પ્રજાનું પર્વ કહી શકાય કે કેમ એવો પ્રશ્ન થઇ રહ્યો છે એ સાચું જ છે.

અહીં પણ ચૂંટણી પછી રાજકારણીઓ સત્તા મેળવવા માટે કેવા કેવા ખેલ કરી રહ્યા છે. એમાં સુજાતાબેન જેવા એક મહિલા અને તે પણ નવા નવા આવ્યા હોવાથી એમનું કેટલું ગજું કહી શકાય.

જનાર્દન વિચારી રહ્યો હતો ત્યારે ઇન્ટરકોમ પર ફોન આવી ગયો અને સુજાતાબેન સાથે શંકરલાલની બેઠકમાં હાજરી આપવા હિમાની નીકળી ગઇ. તેની એક વાત જનાર્દનને નવાઇ પમાડી રહી હતી. અહીં છેલ્લી વખત આવ્યા હોવાની વાતનું શું રહસ્ય હશે. શું સુજાતાબેન ખરેખર રાજીનામું આપીને ઘરભેગા થઇ જવાનું વિચારતા હશે? તો પછી આટલી દોડધામ કેમ કરી રહ્યા છે. ઘણા બધા ધારાસભ્યોને બોલાવ્યા અને તેમની સાથે વાતચીત કરી સાથ આપવાની ખાતરી મેળવી લીધી હતી.

બે કલાક પછી સુજાતાબેન અને હિમાની પાછા ફર્યા ત્યારે જનાર્દનને એ જાણવાની ઉત્સુક્તા હતી કે શંકરલાલજીની વ્યુહરચના કેવી છે. તેમણે પક્ષની સરકાર બનાવવા શું સૂચન કર્યા હતા. અને ખાસ તો રાજેન્દ્રનાથનું વલણ કેવું રહ્યું હતું.

હિમાની આવીને રૂમમાં આડી પડી ગઇ. તે થાકી ગઇ હતી. સૂતી રહીને જ બોલી:"જનાર્દન, આ રાજકારણી બનવાનું કામ તો તન અને મન બંનેથી થકવી દેનારું છે. મને તો એમ થાય છે કે લોકો શા માટે આવા રાજકારણમાં પડતા હશે? પૈસો અને પ્રતિષ્ઠા તો બીજા ઘણા કામમાં મળી રહે છે. રાજકારણની ઘેલછા જબરી છે. કેટલાય લોકો એક હોદ્દો મેળવવા પક્ષમાં દાયકાઓ સુધી નિષ્ઠાથી કામ કરતા રહે છે...."

"...અને પછી એ હોદ્દો કોઇ નવો આવ્યો હોય એ લઇ જાય છે. ક્યારેક તો વિરોધી પક્ષમાંથી આવેલો પણ એ હોદ્દો લઇ જાય છે ત્યારે કેટલું દુ:ખ થાય નહીં...પણ એ બધી વાતો પછી થતી રહેશે. પહેલાં એ કહે કે શંકરલાલજીની બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યો?" જનાર્દને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી.

હિમાની નિરાશાભર્યા સૂરમાં બોલી:"કોઇ નિર્ણય જાહેર થયો નથી..."

જનાર્દન આશ્ચર્ય પામ્યો:"શું વાત કરે છે? આટલી મોટી બેઠક યોજી અને આગામી મંત્રીમંડળ કે મુખ્યમંત્રી માટે કોઇ નિર્ણય ના લેવાયો? આ સંઘ ક્યાંય પહોંચવાનો નથી કે શું?"

હિમાની માહિતી આપતા બોલી:"નિર્ણય લેવાયો નથી પરંતુ ચર્ચા જરૂર થઇ છે. હું તો અંદર ગઇ ન હતી. પરતુ સુજાતાબેને મને જે વાત કરી એના પરથી ખબર પડી કે શંકરલાલજીએ બધાંને આવકારી અભિનંદન આપ્યા હતા અને પક્ષની પ્રતિષ્ઠાને બનાવી રાખવાની તાકીદ કરી હતી. કદાચ તેમને શંકા છે કે પક્ષમાં કંઇક ઉપર-નીચે થઇ શકે છે. પક્ષને બહુમતિ મળી ગઇ છે પરંતુ બધાનો મત એક સરખો નથી. દરેકનો પોતાના નેતા માટેનો મત અલગ છે. અંદરોઅંદર ઘણું તોફાન ચાલી રહ્યું છે. તેમણે બધાંને વિશ્વાસમાં લઇને ચાલવું પડે એમ છે. આ કારણે તેમણે મીટીંગમાં મતદાન યોજ્યું હતું અને આગામી મુખ્યમંત્રી તરીકે રાજેન્દ્રનાથને રીપીટ કરવા બાબતે બધાનો ખાનગી મત મેળવ્યો છે. એમાં રાજેન્દ્રનાથને મતદાન કરવાનું ન હતું. બધાને એક-એક કાપલી આપવામાં આવી હતી. એમાં 'હા અને 'ના' લખવામાં આવ્યું હતું. દરેક જણે રાજેન્દ્રનાથ માટે એમનો મત ટીક કરીને એક પેટીમાં નાખવાનો હતો. કોણે કેવો મત આપ્યો એનો ખ્યાલ ના આવે એટલે એમાં નામ લખવાનું ન હતું. પરંતુ રાજેન્દ્રનાથને કદાચ આ વાતની ગંધ આવી ગઇ હતી એટલે તેમણે બાધાંને ફોન કરાવીને પોતાના તરફ ખેંચવાનો પૂરો પ્રયત્ન કરી લીધો હતો. સુજાતાબેનને તેણે મંત્રી બનાવવાની ઓફર પણ આપી દીધી હતી. રાજકારણીઓ ચૂંટાવા માટે પૈસા આપીને મત ખરીદે છે. અને એ પછી પોતાનો મત વેચતા રહે છે. સુજાતાબેનને લાગે છે કે તેમણે બહુ પૈસા વેર્યા છે અને તે ફરી મુખ્યમંત્રી બની શકે છે. સુજાતાબેન બહુ નિરાશ હતા...."

"ઓહ! તો બધો પૈસાનો ખેલ છે. સુજાતાબેન પૈસા લઇને પોતાનો મત વેંચે એવા નથી. તેમણે શું મત આપ્યો એની વાત ના કરી?" જનાર્દનને સુજાતાબેન પર વિશ્વાસ હતો.

"ના, એ મત ખાનગી હતો. જોકે, આજે બપોરે ફરી શંકરલાલજીએ મીંટીંગ બોલાવી છે. એમાં બધો ઘટસ્ફોટ થઇ જશે. સુજાતાબેનનું માનવું છે કે આ મતદાન પછી જે હશે તે નિર્ણય જાહેર કરી દેવામાં આવશે..." હિમાનીએ પોતાની વાત પૂરી કરી અને બેઠી થઇ ચાનો ઓર્ડર આપ્યો.

"સુજાતાબેન શંકરલાલજીને એકલા મળ્યા નહીં?" જનાર્દનને હતું કે શંકરલાલજીને તે એકલા અવશ્ય મળશે.

હિમાની કહે:"ના, એવી કોઇ તક જ મળે એમ ન હતી...હા, મીટીંગમાં જતા પહેલાં એક ભાઇને મળ્યા હતા. એમને પૂછ્યું કે બધું બરાબર છે ને? અને એ ભાઇએ સુજાતાબેનની એકદમ નજીક આવીને કહ્યું હતું કે હું હોઉં પછી તમારે ચિંતા કરવાનું કોઇ કારણ ના હોય."

જનાર્દન નવાઇથી બોલ્યો:"અચ્છા! તું એને ઓળખતી હતી? કે સુજાતાબેને એનો પરિચય આપ્યો?"

"ના. પણ મેં સામે ચાલીને પૂછી લીધું હતું...એ ધારેશભાઇ હતા..."

"ઓહ!" કહી જનાર્દનને ખ્યાલ આવવા લાગ્યો કે ધારેશ કંઇક ગોઠવી રહ્યો છે.

ક્રમશ:

Rate & Review

Usha Patel

Usha Patel 3 weeks ago

Dilip Thakker

Dilip Thakker 9 months ago

Mital Thakkar

Mital Thakkar Matrubharti Verified 10 months ago

Kinnari

Kinnari 12 months ago

Parash Dhulia

Parash Dhulia 12 months ago