Rajkaran ni Rani - 62 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૬૨

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૨

જનાર્દનને હજુ વિશ્વાસ આવતો ન હતો કે સુજાતાબેન આવી પલટી મારી શકે છે. તે રાજેન્દ્રનાથના વિચારો અને કાર્યપધ્ધતિથી ખફા રહ્યા છે છતાં એવું કયું કારણ હોય શકે કે એમને મુખ્યમંત્રી બનવા માટેનો રસ્તો સરળ કરી આપ્યો હશે? સુજાતાબેન છેલ્લા કેટલાક દિવસથી કોઇ મોટું આયોજન કરી રહ્યા હોવાની શંકા જનાર્દન કરી જ રહ્યો હતો. સુજાતાબેન તો ઠીક પણ શંકરલાલજી તો ભ્રષ્ટાચારના વિરોધી રહ્યા છે. તેમણે પોતાના ખાસ ધારાસભ્યોને ખાનગીમાં કેમ સૂચના નહીં આપી હોય કે રાજેન્દ્રનાથને મત ના આપશો. આ પરથી તો એવું લાગે છે કે રાજેન્દ્રનાથ મુખ્યમંત્રી બને એમાં એમનો સ્વાર્થ હશે. મને તો પહેલાંથી જ શંકરલાલજી પર શંકા થતી રહે છે. એમણે કેન્દ્રમાં સરકાર ચલાવવા ભંડોળ જોઇતું જ હશે. અને રાજેન્દ્રનાથ જેવાથી જ એ શક્ય બની શકે. જનાર્દનને થયું કે તેના માટે રાજકારણને સમજવાનું અઘરું બની રહ્યું છે. જતિન જેવા જ આવા ક્ષેત્રમાં ખેલાડી બની શકે છે. જતિનને તેણે ઘણી વખત આવા દાવપેચ રમતા જોયો હતો. શું સુજાતાબેન પર જતિનની અસર આવી રહી છે કે શું? જનાર્દનનું મગજ ચકરાવે ચડી ગયું હતું. તેણે હોટલમાં ઓર્ડર કરી સ્પેશ્યલ ચા મંગાવી.

જનાર્દને જોયું કે ધારેશને સુજાતાબેનના આ વલણથી કોઇ નવાઇ લાગી નથી. તેનું વર્તન સહજ હતું. તો શું એને ખબર હશે કે સુજાતાબેન રાજેન્દ્રનાથને ટેકો આપવાના છે? તેણે કેટલી સાહજિકતાથી વાત કરી હતી કે સુજાતાબેને રાજેન્દ્રનાથને મત આપ્યો છે. તેની સાથે આ બાબતે સુજાતાબેનની ચર્ચા થઇ હોવી જોઇએ. આ પરથી બંને વચ્ચેના સંબંધ કેટલા અંતરંગ હશે એનો અંદાજ આવી શકે છે.

"ધારેશભાઇ, તમને નથી લાગતું કે રાજેન્દ્રનાથને બધાંના મત મળ્યા એમાં કોઇ ગણિત હશે?" જનાર્દને પોતાના મનની વાતનો ખુલાસો મેળવવા પૂછ્યું.

"ભાઇ, અત્યારે દરેક જણ પોતાનું ગણિત માંડી રહ્યું છે. આ એક એવો સમય છે જે નક્કી કરશે કે ધારાસભ્યનું આગામી પાંચ વર્ષનું ભવિષ્ય કેવું છે. સુજાતાબેન પર મને તો પૂરો ભરોસો છે. એ જે કંઇ કરતા હશે એ સમજી વિચારીને જ કરતા હશે..." ધારેશ પોતે સુજાતાબેનની બધી વાત જાણતો ના હોય એમ બોલ્યો.

"સુજાતાબેનને રાજેન્દ્રનાથમાં વિશ્વાસ હોવો જોઇએ. કદાચ રાજેન્દ્રનાથે બધા ધારાસભ્યોને ખાતરી આપી હશે કે એમના કામો કરવામાં સહયોગ આપશે..." જનાર્દન વાત કઢાવવા બોલ્યો.

ધારેશ હસવા લાગ્યો. જનાર્દનને થયું કે એને ખબર પડી ગઇ છે કે હું એની પાસેથી સાચી વાત કઢાવવા માગું છું?

ધારેશ હસવાનું રોકીને બોલ્યો:"ભાઇ, પ્રજાને તો બધામાં વિશ્વાસ હશે ત્યારે જ એમને ચૂંટીને મોકલ્યા છે ને? હવે ધારાસભ્યોની પાસે મતની તાકાત છે. એ ઇચ્છે તેમને મુખ્યમંત્રી બનાવી શકે છે. સામાન્ય રીતે હાઇકમાન્ડની ભૂમિકા આવી બાબતોમાં મહત્વની રહે છે. અને શંકરલાલજી એમની પ્રક્રિયા પૂરી કરી રહ્યા છે..."

ચા આવી ગઇ એટલે ધારેશ અટક્યો. ચા પીતાં પીતાં જનાર્દનને થયું કે એ રાજકીય બાબતે વધુ પડતો પેનિક થઇ રહ્યો છે. પોતાની એમાં કોઇ ભૂમિકા નથી. તેણે વધારે વિચાર કરવાનું માંડી વાળવું જોઇએ. તે સુજાતાબેન સાથે હિમાનીને કારણે આવ્યો છે. સુજાતાબેનને એક ઓળખીતી સ્ત્રીનો સાથ જરૂરી હતો એટલે હિમાનીને લઇને આવ્યા છે. પોતે નાહકનો રાજકારણની રામાયણમાં મગજ ખરાબ કરી રહ્યો છે. તેને એકદમ યાદ આવ્યું કે ધારેશ વિશેની વાત જાણવાની જ રહી ગઇ છે. ચા પીને તેણે વાતની દિશા જ બદલી નાખી.

"ધારેશભાઇ, તમે તમારા વિશે કંઇક કહો! વર્ષોથી રાજકારણમાં જ છો?"

"સાચું કહું તો મને રાજકારણમાં જરા પણ રસ નથી. આ તો સુજાતાબેન સાથે થોડા દિવસથી સંપર્ક થયો અને મને પાટનગર જઇ બે-ચાર કામ કરવાનું કહ્યું એટલે આવ્યો છું..." ધારેશ હજુ સ્પષ્ટતા કરતો ન હતો.

"સુજાતાબેન સાથે ઓળખાણ જૂની હશે..." જનાર્દને આગળ માહિતી કઢાવવા પૂછ્યું.

"હા... ઘણી જૂની. અમે કોલેજમાં સાથે જ હતા. સુજાતા ભણવામાં હોંશિયાર હતી. પરંતુ અચાનક તેના લગ્ન થઇ ગયા અને હું પણ ભણવા બહાર જતો રહ્યો. અમારો સંપર્ક તૂટી ગયો. થોડા દિવસો પહેલાં એક મિત્રના માધ્યમથી ફરી સંપર્ક થયો અને કોલેજ કાળની મૈત્રીને માન આપીને હું અહીં આવ્યો છું. મને કહ્યું કે જતિનથી અલગ થઇ ગઇ છું. ત્યારે મને નવાઇ લાગી હતી. સુજાતાને હું વધારે કંઇ પૂછી શક્યો નહીં. એ પોતે બધી રીતે હોંશિયાર છે. પોતાના જીવનના નિર્ણયો લઇ શકે છે. તેણે જ્યારે જીવનમાં કંઇક બનવાને બદલે ગૃહિણી બનવાનું નક્કી કર્યું ત્યારે મેં માન્યું હતું કે એણે સમજી વિચારીને નિર્ણય લીધો હશે. પછી જ્યારે તે રાજકારણમાં આવી અને ધારાસભ્યની ચૂંટણી લડી રહી હોવાના સમાચાર જાણ્યા ત્યારે મને થયું કે આ અમારી કોલેજકાળની સાચી સુજાતા છે. એ ફરી પોતાના અસલ મિજાજમાં આવી ગઇ છે! કોલેજમાં એ દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહથી ભાગ લેતી હતી." ધારેશ હવે ખૂલીને બોલી રહ્યો હતો.

જનાર્દન તેની વાતો રસથી સાંભળી રહ્યો હતો.

ધારેશના મોબાઇલમાં રીંગ વાગી. કોઇ ઓળખીતાનો ફોન હતો. તેણે સામાન્ય વાતચીત કરી. એક અઠવાડિયા પછી મળીશું એવો વાયદો કર્યો અને ફોન કાપ્યા પછી મોબાઇલની ન્યૂઝ એપના એક નોટીફિકેશન પર તેની નજર ગઇ:"લો, મીડિયાને પણ ખબર પડી ગઇ છે... કે પછી રાજેન્દ્રનાથે પોતાની જીતનો ઢંઢેરો પીટી દીધો છે..."

"શું સમાચાર છે?" ધારેશે ઉત્સુક્તાથી પૂછ્યું.

"લખે છે કે રાજેન્દ્રનાથની તાજપોશીની તૈયારી શરૂ થઇ ગઇ..." ધારેશ સમાચાર વાંચતા આગળ બોલ્યો:"અમારા પ્રતિનિધિએ જણાવ્યું છે કે સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે મુખ્યમંત્રી પદ માટે રાજેન્દ્રનાથના નામ પર સર્વસંમતિ સધાઇ ગઇ છે. મોટાભાગના ધારાસભ્યો ઇચ્છે છે કે તે જ ફરી મુખ્યમંત્રી બને. ફરીથી જનાધાર મળ્યો એ રાજેન્દ્રનાથને કારણે જ છે. આ વખતે કેબિનેટમાં વધુ મંત્રીઓનો સમાવેશ થઇ શકે છે. મંત્રીપદની રેસમાં સુજાતાબેન, દિનેશભાઇ, ગીતાબેન વિગેરેના નામ સૌથી આગળ છે...રાજેન્દ્રનાથમાં બધાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે."

રાજેન્દ્રનાથની કેબિનેટમાં સુજાતાબેનનું નામ ચર્ચાવા લાગ્યું એ પરથી જનાર્દનને હવે એ વાતની શંકા ના રહી કે તેમનું મંત્રીપદ પાકું છે. એક તરફ ખુશી થતી હતી અને બીજી તરફ વિચિત્ર લાગણી અનુભવાતી હતી. સુજાતાબેન રાજેન્દ્રનાથના મુખ્યમંત્રીપણા હેઠળની સરકારમાં મંત્રીપદ માટે ખરેખર તૈયાર થશે? શું એમની પાસે બીજો કોઇ માર્ગ નહીં હોય?

ધારેશ પણ વિચારમાં ડૂબી ગયો હતો. એ જોઇ જનાર્દને કહ્યું:"ચાલો સરસ! સુજાતાબેનની મંત્રી બનવાની શક્યતાઓ વધી ગઇ છે..."

"હં...હજુ તો રાજેન્દ્રનાથનું મતદાનનું પરિણામ જાહેર થયું છે એટલીવારમાં આ બધી વાતો બહાર કેવી રીતે પહોંચી ગઇ હશે? રાજેન્દ્રનાથ જ આમ કરી શકે ને?" ધારેશ પ્રશ્નો કરતાં બોલ્યો.

"એમ જ હશે. એ પોતાનું નામ વહેતું મૂકીને પક્ષમાં પોતાનું વર્ચસ્વ મુખ્યમંત્રી બનતા પહેલાં જ બતાવવા માગતા હશે...." જનાર્દન પોતાનો વિચાર વ્યક્ત કરતાં બોલ્યો.

ત્યાં ધારેશના ફોનની રીંગ વાગી. તે બોલ્યો:"સુજાતાબેનનો જ ફોન છે..."

જનાર્દન એ જાણવા ઉત્સુક થઇ ગયો કે સુજાતાબેનનો પ્રતિભાવ શું હશે? પરંતુ ધારેશ 'એક્સક્યુઝ મી' કહીને બીજા રૂમમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો. જનાર્દનને થયું કે સુજાતાબેન રહસ્યમય વર્તન કરી રહ્યા છે.

ક્રમશ: