Sajan Se Jut Mat Bolo - 4 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 4

પ્રકરણ- ચોથું/૪

હદ બહાર હવા ભરેલા ફુગ્ગાને સ્હેજ અમથી કોઈ અણીયાણી વસ્તુ અડતાં વ્હેત જે રીતે ઘડીકમાં ફુગ્ગો ફૂસ્સ થઇ જાય, એમ ચીમનલાલના મેલા મનોરથનો રથ ફસડાઈ પડ્યો. ખંધા ચીમનલાલના ખેલ ઉંધા પડતાં તેના છાતીના પાટિયા બેસી ગયાં. ધોતિયું ઢીલું થઇ ગયું. હડકાયા કૂતરા જેવી ઉપડેલી હવસને માંડમાંડ વશમાં કરતાં ખ્યાલ આવ્યો કે, સપના બૂમ બરડા કરીને ગામ ભેગું કરશે તો, જાતી જિંદગીએ ગરમી કાઢવા જતાં ચરબી ઉતરડાઈ જશે. એવા ભયથી ફફડતો ચીમનલાલ કપડાં સરખા કરી, રૂમાલથી મોઢું સંતાડી, ધીમેકથી ડેલી ઉઘાડી, ઊંધાં માથે દોટ મૂકી રાતના અંધારામાં ભાગ્યો ઊભી પુંછડીએ.

રૂમના બંધ બારણાંનો ટેકો લઈ, ટુંટિયું વાળીને થરથર કાંપતી સપના સ્હેજમાં લૂંટાઈ જતાં બચી ગયેલી લાજના દુ:સ્વપ્નની કલ્પના માત્રથી ભોળા પારેવાંની માફક ફફડતી હતી. મા વિના મોટી થયેલી અને પિતાની છત્રછાયા ગુમાવ્યાને હજુ માંડ પંદર દિવસ થયાં હતા ત્યાં...
નાદાન અને માસૂમ સપનાને તેની આટલી ઉંમરમાં પુરુષની નાગાઈની ચરમસીમા પાર કરતો અત્યંત ધૃણાસ્પદ અને કમકમાટી ઉપજાવે તેવો પ્રથમ અનુભવ થયો હતો. અને તે પણ તેના પિતા સમાન દેવતાના રૂપમાં દાનવ એવા કાકાની છત્રછાયામાં. અકલ્પનીય આઘાતથી સપનાના દિમાગની નસો ફાટતી હતી..

થોડીવાર પછી વહેતા અશ્રુ સાથે વિચાર આવ્યો.. ‘હવે શું ?’
વંટોળીયાં વેગે વિચાર વાયુ ફૂંકાયો...

‘કોને કહું ? કહું કે ન કહું ? કોણ માનશે મારી વાત ? લોકો પૂછશે કે, ચીમનલાલ રાત્રે તારા ઘરે શું કરતો’તો ? અને વાત કર્યા પછી બદનામી તો મારી જ થવાની ? હલકટ ચીમનલાલની તો કોઈ ઈજ્જત છે નહીં, આબરૂ જશે તો, મારી જશે. લોકો મને જ શંકાની નજરે જોશે. અને આમ પણ હવે મારી હાલત ધણીધોરી વગરના ખેતર જેવી છે. ગમે તે હરાયું ઢોર વંડી ઠેકીને આવી ચડે. તો હું ક્યાં જાઉં ? ઈશ્વરે સ્વરૂપ આપ્યું છે કે શ્રાપ ?
સતત રુદનથી આંખો સૂજી ગઈ.. ગળું સુકાઈ ગયું.. પણ નીચે જવાની હિમ્મત નહતી થતી. અંતે માથું ભારે થતાં, ડૂસકાં ભરતી ટુંટિયું વાળીને ઘેરાયેલી આંખે બારણાં પાસે જ સૂઈ ગઈ..

વ્હેલી પરોઢે પડોશમાં રહેતાં ગોદાવરીબેને જયારે સપનાની ડેલીનું બારણું ઉઘાડું જોયું, ત્યારે તેમણે બે થી ત્રણ વાર બૂમ પાડી ત્યારે સપનાની આંખ ઉઘડી.

હજુયે માથું ભારે હતું. કયાંય સુધી નીચે જમીન પર સૂતી રહી એટલે શરીર જકડાઈ ગયું હતું. કણસતા ઊભી થઇ.. નીચે આવી, આંખો મીંચીને ખુરશી પર બેસી ગઈ.
કંઈ જ સૂજતું નહતું. રાતનું નગ્નતાના નાચનું દ્રશ્ય હજુ નજર સામેથી ખસતું નહતું. થોડીવાર પછી આંખો ઉઘાડતા સામેની દીવાલ પર સુખડનો હાર ચડાવેલી સ્વ. મનહરલાલની નિર્દોષ સ્મિત સાથેની તસ્વીર જોઇને સપના રીતસર ભાંગી પડી.

દસેક મિનીટ ચુપચાપ રડ્યાં પછી.. એક ઊંડો શ્વાસ લઈને ફ્રેશ થવાં ગઈ...
ત્યારબાદ એક કલાકના ...ગહન આત્મમંથનના અંતે એક કઠોર નિર્ણયની ગાંઠ મારીને વળગી પડી તે નિર્ણયને અંતિમ રૂપ આપવાની દિશા તરફ...


ઠીક સવારના સાડા દસ વાગ્યે.. સપનાએ અંબાલાલના ઘરે આવીને ડોરબેલ વગાડી...
પાર્વતીબેને બારણું ઉઘાડ્યું. સપનાને જોતાં જ હરખાઈ જતાં બોલ્યાં..
‘અરે, સપના દીકરા, આવ આવ.’
એક સૂટકેસ અને એક બગલ થેલો ઊંચકીને સપના ઘરમાં દાખલ થઇ.. એ જોતા પાર્વતીબેને પૂછ્યું..

‘કેમ, દીકરા કશે બહારગામ જાય છે ?’
‘હા, કાકી. શહેર જાઉં છું. થોડું કામ છે, તો વિચાર્યું કે, પતાવી લઉં.’
‘જી, ઠીક છે, તું બેસ હું તારા માટે ચા-નાસ્તો લઇ આવું.’
કિચન તરફ જતાં પાર્વતીબેન બોલ્યાં..
‘પણ, કાકી તમે શા માટે તકલીફ લ્યો છો, આજે જરા ઉતાવળમાં છું, ફરી કયારેક. અને કાકા ઘરે નથી કે, શું ?
‘એ પૂજાઘરમાં પ્રભુની સેવાપૂજા કરે છે, તું બેસ, એ આવે ત્યાં સુધીમાં ચા પણ બની જશે.’ એમ કહી.. પાર્વતીબેન ગયાં કિચનમાં. ધીમા સ્વર સાથે સપનાનો ઉદાસ ચહેરો જોતાં પાર્વતીબેને થોડી નવાઈ લાગી.

ત્યાં.. દસ મીનીટ પછી કપાળે ચંદનનું તિલક, લાલ ધોતિયું અને ઓફ વ્હાઈટ ખાદીનો ઝબ્ભો પહેરેલાં અંબાલાલ બેઠકરૂમમાં દાખલ થયા અને પાર્વતીબેન કિચન તરફથી નાસ્તા સાથે ચા લઈને આવ્યાં..

‘કેમ છો, દીકરા ? અને આ સામાન સાથે, સવારી કઈ તરફ ઉપડી ?.
‘એ તો ઘણાં સમયથી શહેરના એક-બે બાકી રહે ગયેલાં કામ યાદ આવ્યાં તો થયું કે, જઈ આવું.’
ટીપોઈ પરથી ચાનો કપ ઉઠવાતા અંબાલાલ બોલ્યાં.
‘સારું.. સારું.. જઈ આવ, સ્થાનફેરના બહાને થોડું તારું મન પણ હળવું થશે,’
સપનાના હાથમાં ચાનો કપ આપતાં પાર્વતીબેને પૂછ્યું..
‘હા, હવે બોલ, અમને કેમ યાદ કર્યા ?’
એટલે ચાના કપમાંથી એક ચુસ્કી ભરી કપ ટીપોઈ પર મૂકતાં બાજુમાં પડેલો તેનો બગલ થેલો ઉઠાવી તેમાંથી થોડા છુટ્ટા કાગળિયાં અને એકાદ-બે ફાઈલ કાઢીને અંબાલાલ તરફ લંબાવતાં સપના બોલી..

‘કાકા, આ પપ્પાની જમીન અને ઘરના અસલી દસ્તાવેજ છે, હવે એ પણ તમે જ સંભાળો. જરૂર પડશે, ત્યારે લઇ જઈશ. મારા ભૂલકણા સ્વભાવના કારણે કયાંય આડાઅવળા મૂકાઈ જશે અથવા ગૂમ થઇ જશે તો ફરી નવી ઉપાધિ થશે.’

‘અચ્છા ઠીક છે, અને હા, તું ચીમનલાલને મળી કે નહીં ?
ચીમનલાલનું નામ સાંભળતા સપનાના શરીરમાં એક ઝીણી કંપારી છુટી ગઈ. ચહેરાનો રંગ ઉડી ગયો. છતાં જાતને સાંભળતા બોલી.

‘ના, પણ કાકા હવે જાણીને પણ શું કરું ? કુદરતનું કાળચક્ર તો ફરી ગયું. સનાતન સત્ય તો પપ્પાની ચિતા સાથે સળગીને રાખ થઇ ગયું. હવે કોઈની મનઘડત કહાની સાંભળીને કાળજા બાળવાનો શું મતલબ ?’

‘ઠીક છે, દીકરા જેવી તારી મરજી.’ પછી અંબાલાલ મનોમન બોલ્યાં.. ‘પણ હું તો કોઈપણ રીતે ચીમન પાસે સત્ય હકીકત જાણીને જ રહીશ.’

એ પછી બન્નેના ચરણ સ્પર્શ કરી, ભારે પગલે રેલ્વે સ્ટેશન તરફ જવાં માટે સપના ઓટો રીક્ષામાં ગોઠવાઈ.

‘નાદાન ઉંમરે આ છોકરી દુનિયાદારીની આંટીઘૂંટીમાં ક્યાંય અટવાઈ ન જાય મને તો એ વાતની ચિંતા છે.’ એવું અંબાલાલ બોલ્યાં.

‘હા, મને પણ એ જ ચિંતા છે, એકલી શું કરશે ? ક્યાં જશે ? મા-બાપ વગરની જુવાનજોધ દીકરી કોઈ સંસ્કારી પરિવારમાં પરણીને ઠરીઠામ થઇ જાય તો સારું.’
નિસાસો નાખતાં પાર્વતીબેન બોલ્યાં.


સ્ટેશને આવ્યાં બાદ અડધો એક કલાકની પ્રતિક્ષા પછી એક લોકલ ટ્રેન આવતાં કોચમાં ચડી, સામાન ગોઠવી બારી પાસે બેઠી..

તેની સામેની સીટ પર બે અને બાજુની સીટ પર એક સહ-યાત્રી બેઠાં હતાં.

ટ્રેનની ગતિ ધીમી હતી. ભારે હૈયે ઘર છોડ્યાની ઘડી યાદ આવતાં તે દ્રશ્યાવલીનું એક એક દ્રશ્ય ચિત્રપટની માફક સપનાની નજર ચાલવા લાગ્યું.
હંમેશ માટે ઘર અને ગામ છોડી જવાનો આખરી નિર્ણયને ઓપ આપતાં...
સર-સામાન સાથે સ્મૃતિપટલમાં સંઘરતી ગઈ...
બચપણથી લઈને આજ સુધીની ઘરના ખૂણે ખૂણે પડેલી એક એક કિંમતી ક્ષણને વીણતી ગઈ અને રડતી ગઈ..
મા ના હાલરડાં, બાપનો વ્હાલ, હેતના હીંચકા, બાલ્યાવસ્થામાં બાલમિત્રો સાથેની તોફાન-મસ્તી, શાળાના પ્રારંભના દિવસોનો રોમાંચ, પૂનમની રાતે ફળિયામાં ઢાળેલા ખાટલામાં સૂતાં સૂતાં મોડે સુધી તારામંડળની ભૂલભુલૈયામાં ભૂલા પાડવાનો નિર્દોષ આનંદ...

અંતે.. દીવાલ પરથી મનહરલાલની છબી ઉતારી સાંચવીને સામાન સાથે ગોઠવતાં જયારે ઘરની બહાર નીકળીને છેલ્લી વાર ઘર પર નજર કરી ડેલીએ તાળું માર્યું ત્યાં....મોં પર તેની હથેળી દાબી આવેલાં ડૂસકાંને ડામી દીધું હતું.

સપનાને રડતાં જોઇને આસપાસના સહ-યાત્રીઓ તેમની તરફ જોઈ રહ્યાં છે, એવું સપનાને ભાન થતાં ચુપચાપ આંસુ લૂંછી નાખ્યાં પછી મનોમન બોલી..
હવે છત પણ નથી અને છત્રછાયા પણ, છતાં ઝંઝાવાતમાં અનાથ જેવી જિંદગીને અડીખમ રાખવા જજુમવું તો પડશે જ.

આશરે બપોરના બે વાગ્યાની આસપાસ સ્ટેશનની બહાર નીકળતાં વાહનોની ચીચ્યારી અને મહાનગરની માનવ કીડીયારાની માફક ઊભરાતી ચિક્કાર મેદનીમાં સામેલ થઈ સપના ઓટો રીક્ષાની રાહ જોઈ રહી હતી.. અંતે એક રીક્ષા મળી જતાં રવાના થઇ... બહેનપણી ઇન્દુના ઘર તરફ..


ત્રીસેક મિનીટ બાદ સાંઈધામ સોસાયટીમાં દાખલ થયાં બાદ..
લીફ્ટ મારફતે પાંચમાં માળે આવી પહોંચ્યા પછી, સપનાએ ઇન્દુના ફ્લેટની ડોરબેલ વગાડતાં થોડી પળોમાં ડોર ઉઘાડતાં સામે સપનાને જોતાં વ્હેત જ ઇન્દુ ભીની આંખોની કોરે સપનાને ભેટી પડી.

બંને અંદર આવતાં ઇન્દુ બોલી..
‘એકદમ અચનાક.. ? કોઈ કોલ કે, કોઈ મેસેજ નહીં ?
બન્ને સોફા પર બેસતાં સપના બોલી..
‘હવે લાઇફમાં બધું અચાનક જ થાય છે, ઇન્દુ. પણ તારે ત્યાં આવવાં માટે અગાઉથી જાણ કરવાની જરૂર ન લાગી એટલે આવી ગઈ. મેં કંઈ ખોટું કર્યું ?

સપનાને પાણીનો ગ્લાસ આપતાં સ્હેજ અચકાતાં સ્વરમાં ઇન્દુ બોલી..
‘અરે... ના,, ના,, એવી કોઈ વાત નથી.’
સપનાએ નોંધ લીધી કે, ઇન્દુના શબ્દો સાથે તેના ચહેરા અને આંખોના હાવભાવ વચ્ચે કોઈ તાલમેળ નહતો બેસતો. ટોપીક ચેન્જ કરતાં સપનાએ પૂછ્યું..
‘ક્યાં છે મારા જીજાજી ? જોબ પર ?
‘હા, અચ્છા તું ફ્રેશ થઇ જા, મારે પણ હજુ લેવાનું લંચ બાકી છે, તો સાથે બેસીએ.’
ઇન્દુએ જવાબ આપ્યો.

‘ઓ.કે.’
એટલું બોલી સપના તેનો સામાન એક તરફ મૂકી ફ્રેશ થવાં જતાં મનોમન વિચારવા લાગી કે, ઇન્દુની નજરમાં સાફ સાફ દેખાઈ આવતા મારા આગમનના અણગમાનું શું કારણ હશે ? શું ઇન્દુ અને ગજેન્દ્ર વચ્ચે કોઈ ઝઘડો થયો હશે ?

ગજેન્દ્ર.
ગજેન્દ્ર ચાવડા..ઇન્દુનો પતિ. શહેરના પોલીસ ડીપાર્ટમેન્ટના ગુપ્તચર વિભાગમાં જોબ કરતો હતો. તેની ફરજ નિભાવવા કરતાં લાંચ-રુશ્વતમાં ઉઘરાવવા તેણે સારી એવી કુશળતા હસ્તગત કરી હતી. રંગેરૂપે કે વાને દરેક દ્રષ્ટિએથી તે ઇન્દુની સરખામણીમાં ઉણો ઉતરતો પણ, ઇન્દુના પિતા અંબાલાલે સારું ખાનદાન અને સારી સરકારી નોકરીના આધારે એકની એક પુત્રી ઇન્દુના લગ્ન હોંશે હોંશે ગજેન્દ્ર સાથે કરી આપ્યાં હતાં પણ, થોડા જ સમયમાં ગજેન્દ્નું સાર્વજનિક જનજીવનમાં પહેરુલું સજ્જનતાનું મોહરું અંગત જિંદગીમાં ઇન્દુની સામે ઉતરી જતાં, ઇન્દુ ચુપચાપ સૌની સામે પ્લાસ્ટિક સ્માઈલ સાથે હંમેશા સબ સલામતના રાગ આલાપતી હતી. ઇન્દુને એ ડર હતો કે, સપના સામે પડદા પાછળ દોજખ જેવા જીવતાં દાંપત્યજીવનનો, રંગમંચ પર હસતાં મોઢે સંપૂર્ણપણે સુખી ગૃહિણીનું નિભાવતા કિરદારનો ભાંડો ન ફૂટી જાય.
પછી., સુર્યાસ્ત સમયે બન્ને બાલ્કનીમાં આવી, ચાઈની ચુસ્કીઓ લેતાં,સામે દેખાતા વિશાળ ખુલ્લાં હરિયાળા મેદાનના નજારાને નિહાળતાં ઇન્દુ બોલી..

‘સપના..અચાનક આવવાનું કોઈ કારણ ? અને તારો લગેજ જોતાં લાગે છે કે, ખાસ્સો સમય રોકાણ કરવાની ગણતરી કરીને આવી છો.’

ઇન્દુના શબ્દો સાંભળીને ચાના કપ સાથેનો સપનાનો હાથમાં થંભી ગયો. ચાનો ટેસ્ટ બેસ્વાદ થઇ ગયો. આડકતરી રીતે ઇન્દુના કહેવાનો આશય હતો કે, શક્ય હોય એટલાં જલ્દી તું અહીં થી જતી રહે તો સારું.
છતાં આઘાત જેવો ગમનો ઘૂંટડો ચાના અંતિમ ઘુંટડા સાથે ગળી જતાં કૃત્રિમ સ્મિત સાથે બોલી..

‘અરે... મને તો અહીં જોબ મળી ગઈ છે. બસ એક બે દિવસમાં ત્યાં શિફ્ટ થવાનું છે. એટલે એમ થયું કે, ચલ બે દિવસ તારી મહેમાન ગતિ માણી લઉં.. ફરી પાછા કયારે મળીશું શું ખબર ?
ઇન્દુના અકલ્પનીય શબ્દપ્રહારથી ઘવાયેલી સપનાએ ઇન્દુનું મન હળવું કરવા પળમાં મનઘડત કહાની ઘડી કાઢી.
સપનાનો ઉત્તર સાંભળીને ઇન્દુના ચહેરા પર બદલાયેલા હળવાશના ભાવ જોઈ સપના તેના ઘવાયેલા આત્મ સંતોષને પોષતા હસતાં હસતાં બોલી..
‘ચલ, હું આવી થોડીવારમાં, માર્કેટમાં એક ચક્કર લગાવીને આવું છું.’
એમ કહી તેની આંખે ફૂંટવા જઈ રહેલાં અશ્રુબંધને પાંપણની પાળે બાંધતા, ફટાફટ તેનું પર્સ લઈ ઘરની બહાર નીકળી, લીફ્ટમાં દાખલ થઇ ગઈ.

લીફ્ટ ધીમી ગતિએ ગ્રાઉન્ડ ફ્લોર તરફ જતી હતી અને તેની બમણી ગતિએ સપનાને તેના ગૂંગળામણનો ગ્રાફ ગગન તરફ લઇ જતો રહ્યો.
સાંજનો સમય હતો. ઇન્દુની સોસાયટી કોમર્શિયલ વિસ્તારમાં આવેલી હતી, એટલે રોડ પર કાફી ભીડ હતી. અજાણ્યાં લોકો, અજાણ્યો એરિયા, ક્યા જાઉં ? કોને પૂછું ? મુંજાયેલી મતિ સાથે થોડીવાર સુધી સોસાયટીના ગેઇટ પાસે ઊભી રહી. અંતે તેની નજર રોડની સામેના ભાગે આવેલાં એક મેડીકલ સ્ટોર પર પડી. તેના કાઉન્ટર પર એક મોટી ઉંમરના સજ્જન જેવા દેખાતા વ્યક્તિને જોતા સપનાએ ત્યાં જઈને પૂછ્યું.

‘અંકલ, અહિયાં નજીકમાં કોઈ ટ્યુશન કલાસીસ સેન્ટર ખરું ?
થોડીવાર વિચાર્યા પછી પેલી વ્યક્તિએ કહ્યું..

‘લગભગ આટલા નજદીકમાં તો કોઈ નથી પણ, આગળની શેરીના ડાબા ખૂણાની બિલ્ડીંગમાં કોઈ ટ્યુશન ક્લાસીસ છે. એવો ખ્યાલ છે. તેમ છતાં કોઈ ઓટો રીક્ષા વાળા યા, કોઈ સ્ટેશનરી શોપમાં પૂછો તો પરફેક્ટ આઈડિયા મળી શકે.’

‘થેંક યુ અંકલ.’ એમ બોલી સપના સ્હેજ આગળ ચાલતાં વિચાર્યું કે, સ્ટેશનરી શોપ પર જઈ ઇન્ક્વાયરી કરવાથી કામ આસાનથી પાર પડશે. થોડા આંટા માર્યા પછી એક સ્ટેશનરી શોપ નજરે ચડી. ત્યાં જઈ એક લેડી સેલ્સ ગર્લને પૂછતા, તેણે આજુબાજુના ત્રણથી ચાર ક્લાસીસના લોકેશ્ન્સ આપ્યાં.


તેની નોધ કરી, સપના ઓટો રીક્ષામાં બેઠી.
સપના ટીચિંગ જોબ માટેની શોધમાં હતી. અડધો-એક કલાકમાં બેથી ત્રણ કોચિંગ ક્લાસમાં તપાસ કરી પણ, એક જ જવાબ મળ્યો. ‘નો વેકેન્સી, વેઇટ એન્ડ વોચ.’
અંતે થોડે દૂર આવેલા એક કોમ્પ્લેક્ષ પાસે ઓટોમાંથી ઉતરીને સપનાએ મેઈન ગેઇટ પર પુછપરછ કરતાં સિક્યોરીટી ગાર્ડેએ સાતમાં ફ્લોર પર જવાનું કહ્યું.

સમય થયો હતો રાત્રીના સાડા આઠ વાગ્યાનો.

કોમ્પ્લેક્ષની હાલત જોઇને સપનાને એમ થયું કે, અહીં ક્લાસીસ ચાલતાં હશે ? પચાસ ટકા શોપ્સ બંધ હાલતમાં હતી. સાફ સફાઈ પણ નહતી. કોમ્પ્લેક્ષની દીવાલો પાનની પીચકારીથી શુશોભિત હતી. ખખડધજ લીફ્ટ મારફતે સપના આવી સેવન્થ ફ્લોર પર. આજુ બાજુ નજર કરી પણ ક્લાસીસ જેવું કશું દેખાયું નહીં..એટલે ડાબી બાજુના એન્ડ તરફ ચાલતાં ચાલતાં એક બોર્ડ વાંચવામાં આવ્યું.
‘બ્રાઈટ ફ્યુચર ટ્યુશન ક્લાસીસ’ ઓફિસનું બારણું હડસેલીને સપના અંદર દાખલ થઇ. અંદર જઈને જોયું તો, સામે એક બંધ રૂમની ઉપર લખેલું હતું, ‘ઓફીસ’. સાવ શાંત વાતવરણ જોઈ સપનાને પણ નવાઈ લાગી. પછી જમણી તરફથી કોઈક હસી હસીને વાતચીત કરી રહ્યું હોય એવો ખ્યાલ આવતાં તે તરફ આવી. છેવાડે આવેલાં અધ્ધ ખુલ્લાં ડોરને સ્હેજ ધક્કો મારીને જોયું તો.... સપના ડઘાઈ ગઈ...

ખાલી ક્લાસરૂમના બોર્ડની પાસે ટેબલ નજીક એક ખુરશી પર એક આશરે ત્રીસેક વર્ષની ઉંમરનો એક યુવાન અને વીસથી બાવીસ વર્ષની શોર્ટ લાલ સ્કર્ટ પર વ્હાઈટ સ્લીવલેસ ટોપ પહેરેલી એક ખુબસુરત યુવતી કઢંગી હાલતમાં પેલા યુવકના ખોળામાં બેસી, બન્ને તેમની અંગત પળોને માંણી રહ્યાં.

સપનાને પરસેવો છુટી ગયો.. ગભરાઈ ગઈ.
અતરંગ મસ્તીની રંગમાં ભંગ પડ્યો છતાં તેમના કપડાં વ્યવસ્થિત કરતાં જાણે કશું બન્યું જ નથી એમ વર્તન કરતાં સપનાની નજીક આવી પેલા કપલે પૂછ્યું,
‘જી, બોલો કોનું કામ છે ?’
સપના સાથે શબ્દો પણ સુકાયેલા ગાળામાં થીજી ગયાં હતાં. સપનાની હાલત જોઇને પેલા કપલને મનોમન હસવું આવતું હતું. માંડ માંડ નીચી નજર ઢાળીને સપના બોલી..

‘જી, અહીં ક્લાસીસમાં કોઈ જોબ વેકેન્સી છે, ?
અલગ અંદાજથી પગથી માથા સુધી સપના પર એક નજર ફેરવ્યાં પછી પેલો યુવકે પૂછ્યું..
‘કોને , તમને જોબ જોઈએ છે ?”
‘હા.’ સપના બોલી

‘પ્લીઝ, કમ.’ એમ કહી પેલા યુવકે સપનાને ઓફીસ તરફ આવવાનું કહ્યું..
અને સપનાની જાણ બહાર યુવકે કામુક ઈશારો કરી પેલી યુવતીને આંખ મારી.

ત્રણેય ઓફિસમાં આવીને બેસતાં. વ્હેત સપના બોલી..
‘હમણા ક્લાસ બંધ છે ?’
‘ના, ક્લાસનો ટાઇમ મોર્નિંગ આઠથી ઇવનિંગ સાત વાગ્યાં સુધીનો હોય છે.’

એ પછી પેલા યુવકે પાંચથી સાત મિનીટ ઔપચારિકતા ખાતર સપનાને બે-ચાર આડા અવળાં સવાલો પૂછ્યા. અને સપનાએ જોબની તાત્કાલિક જરૂર છે, એવું રીક્વેસ્ટના ટોનમાં કહેતાં પેલો યુવક બોલ્યો..
‘જુઓ મેડમ, હાલમાં તો કોઈ જોબ વેકેન્સી છે નહીં, તેમ છતાં હું તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં આવતીકાલે પરફેક્ટ જવાબ આપી શકું. કારણ કે, હું પણ અહીં જોબ કરું છું. એટલે મારા બોસ સાથે ડિસ્કશન કર્યા પછી, હું કોઈ ફાઈનલ ડીસીસન લઇ શકું.’

‘હું કેટલા ટકા આપના પોઝીટીવ રીપ્લાયની આશા રાખી શકું ? સપનાએ પૂછ્યું.
થોડીવાર સપના સામું જોઈને યુવક બોલ્યો..
‘હમમમ... નવ્વાણું ટકા.’
આંખોમાં ઉમ્મીદની કિરણ સાથે સપનાએ પૂછ્યું.
‘બાકીના એક ટકાની કેમ કમી રહે છે ?
‘એ કમી તમારે પૂરી કરવાની છે એટલે. ‘હસતાં હસતાં યુવક બોલ્યો..
‘અચ્છા, તો હું આવતીકાલે કેટલા વાગ્યે આપને મળવા માટે આવી શકું.. મિ..?
‘સમીર, સમીર પંચાલ. સપના તરફ હાથ લંબાવતાં સમીર બોલ્યો..
‘જી, માય સેલ્ફ સપના. સપના ચૌધરી.’ હાથ મીલાવતાં સપના બોલી
‘અને આ છે મારી કલીગ એન્ડ બેસ્ટ ફ્રેન્ડ રોશની.’ પેલી યુવતીની ઓળખ આપ્યાં પછી સમીર તેનું વીઝીટીંગ કાર્ડ આપતાં બોલ્યો,
‘આપ મોર્નિંગમાં અગિયારેક વાગ્યે આવી શકો છો. અગર હું અહીં ન હોઉં તો મને કોલ કરજો.’
સસ્મિત રોશની સાથે હાથ મિલાવતા સપના બોલી. ‘હાઈ’
‘હેલ્લો’ કહી રોશનીએ સ્માઈલ સાથે અભિવાદન કર્યું
‘થેંક યુ.’ કહી સપના ઊભી થઈ, ડોર ઉઘાડીને બહાર જતાં ફરી અટકી જતાં, સમીરને પૂછ્યું..
‘વન મોર રીક્વેસ્ટ.. રહેવા માટેની કોઈ વ્યવસ્થા થઇ શકે એમ હોય તો...’
બે પાંચ સેકંડ રોશની સામે જોઈ, હસ્યાં પછી સમીર બોલ્યો..
‘એ તો થઇ જશે પણ, તમને અનુકુળ નહીં આવે.’
‘કેમ ? આશ્ચર્ય સાથે સપનાએ પૂછ્યું.
‘કેમ કે. તમે આ નગરમાં નવા અને અજનબી છો, અને આ શહેરની તાસીરથી અજાણ પણ છો. એટલે.’ સમીરે સચોટ જવાબ આપ્યો.
‘ઓહ્હ.. એ કઈ રીતે જાણ્યું આપે ? સ્હેજ આંખો પોહળી કરતાં સપનાએ પૂછ્યું.
‘એ આવતીકાલે કહીશ.’ ચેર પરથી ઊભા થતાં સમીરે જવાબ આપ્યો..
‘જી, ઠીક છે.’ એમ કહી સપના લીફ્ટ તરફ ચાલવાં લાગી.
લીફ્ટમાં દાખલ થતાં વિચાર્યું કે,
‘હું આટલી પારદર્શક કેમ છું ? સમીર પંચાલના જવાબમાં તેનું આંકલન સચોટ અને સાચું છે, પણ મારી અભિવ્યક્તિ અને હું ગલત છું. દરેક રિશ્તા અને રસ્મ માટે ચહેરા પર મોહરા લઈને ફરતાં શહેરના શિરસ્તાથી પરિચિત થવા હજુ લાઇફમાં કંઇક ક્લાસીસના તળિયા ઘસવાં પડશે.

ઇન્દુના ઘરે પરત ફરતાં માર્કેટમાંથી ખપ પુરતી બે-ચાર વસ્તુની ખરીદી કરીને સપનાને ઘરે પહોંચતા દસ વાગી ગયાં..

‘અરે.. અચનાક ક્યાં જતી રહી’તી ? ફ્લેટમાં દાખલ થતાં ઇન્દુએ પૂછ્યું.
‘બસ મન થયું કે, એટલે જરા બહારના ખુલ્લાં વાતવરણમાં જઈને ચક્કર લગાવી આવી.’ સપના બોલી..
‘અચ્છા ચલ, તું ફ્રેશ થઇ જા, એટલે ડીનર લઈએ.’ ઇન્દુ બોલી
‘જીજાજી હજુ નથી આવ્યાં કે શું ? સપનાએ પૂછ્યું.
‘એમને યાદ આવે કે, મારે ઘર સાથે ઘરવાળી પણ છે, તો આવી જાય.’
હસતાં હસતાં ઇન્દુ બોલી..
ડાયનીંગ ટેબલ પર બેસતાં સપનાએ પૂછ્યું..
‘કેમ, આવું બોલે છે ?
સપના તરફ ડીશ મૂકતાં ઇન્દુ બોલી..
‘એમનું કંઇક ઠેકાણું ન હોય. એમની જોબ જ આવી છે. અને હવે તો હું પણ ટેવાઈ ગઈ છું.’

ડીનર પછી મોડે સુધી બન્ને કોલેજના દિવસો યાદ કરતાં કરતાં વાતોએ વળગતાં રાત્રીના બાર વાગી ગયાં, ગજેન્દ્ર હજુ નહતો આવ્યો. ઇન્દુ તેના બેડરૂમમાં ગઈ અને સપના આવી ગેસ્ટરૂમમાં. ઊંઘ આવતાં સુધી... સમીરના સંવાદની સાથે સાથે સમીર અને રોશની, બન્નેને ઉઘડા છોગે માણતાં તેમની અતરંગ પળોને યાદ કરતાં એક મીઠી કંપારી સાથે મનોમન હસતાં સપના ઊંઘી ગઈ.

વ્હેલી સવારે સાડા છ વાગ્યમાં ઇન્દુ આવી સપનાના રૂમમાં, સપનાને ઊંઘમાંથી ઉઠાડતાં કહ્યું,
‘સાંભળ, બાજુની સોસાયટીમાં મારા દૂરના કાકી ગુજરી ગયાં છે. જસ્ટ કોલ આવ્યો હમણાં કલાકમાં સ્મશાન યાત્રા નીકળે એ પહેલાં અંતિમ દર્શન કરીને આવું છું. ગજેન્દ્ર મોડી રાત્રે બે વાગ્યાં પછી આવ્યો, એટલે ઘસઘસાટ ઊંઘે છે. તેને ઉઠાડીશ તો ગુસ્સે થશે.’
‘એટલે, હું આવું ત્યાં સુધીમાં જો એ ઉઠી જાય તો ચા-કોફીનું જરા સાંચવી લે જે પ્લીઝ. હું શક્ય એટલી જલ્દી પછી આવી જઈશ.’

‘અચ્છા ઠીક છે.’
એમ બોલતાં સપના બેડ પરથી ઊભી થઇ અને ઇન્દુ રવાના થઇ.
સપના બાથ લઇ ફ્રેશ થઇ, ચાનો કપ લઈને બેઠી બેઠકરૂમમાં. ચા પીતા પીતા ન્યુઝ પેપર પર નજર ફેરવતી રહી. રાજકારણ, લાંચ-રુશ્વત, લૂંટ,ધાડ, છેતરપીંડી, દંગા-ફસાદ, મર્ડર, લગ્નેત્તર સંબધોના લફરાં, સેક્સ સ્કેન્ડલ. અપહરણ, બળાત્કાર, ખંડણી, કૌભાંડ અને ખુરશી માટે સત્તાની સાઠમારી આવાં અસંખ્ય રાષ્ટ્રીય રોગના રંગોથી ખરડાયેલું સમાચાર પત્ર વાંચતાં સપનાનું દિમાગ ફરી જતાં મનોમન બોલી..
‘એક સૂકૂનની જિંદગી જીવવા માટે રોજ કેટલું મરે છે, આ શહેરના લોકો ?

અડધો કલાક પછી ઇન્દુના બેડરૂમમાંથી ગજેન્દ્રએ બૂમ પાડી..
‘એ.. મારી બેડ ટી લઇ આવ જલ્દી.’

ફટાફટ સપના કિચન તરફ દોડી.. ચા- સુગર શોધતાં થોડી વાર લાગી.. એટલે ગજેન્દ્ર નાઈટમાં ફક્ત સ્લીવલેસ બનિયાન અને હાલ્ફ પેન્ટ પહેરેલી દશામાં આંખો ચોળતો ચોળતો કિચનમાં આવી, તેના બન્ને હાથના મજબૂત બાહુબલી જેવા બાવળાથી સપનાને પાછળથી બાથ ભીંસીને તેની ગરદન પર એક તસતસતું ચુંબન ભરતા બોલ્યો..
‘ઓ.. માય હોટ સેક્સી ડાર્લિંગ એક કપ ચા લાવતાં આટલી વાર..’
અને જાણે વીજળીના હાઈ વોલ્ટેજનો કરંટ લાગ્યો હોય એમ..રીતસર સપના ઉછળી...

સપનાને જોતાં... ગજેન્દ્ર બોલ્યો... ‘અરે... સપના તું ? કયારે આવી.’
ગજેન્દ્રના ચહેરા કે તેના શબ્દોમાં આવડી મોટી કઢંગી ભૂલનો લેશમાત્ર અંશ નહતો, એ જાણીને સપના દંગ રહી ગઈ. ગજેન્દ્ર રાત્રે મોડો, થાકેલો અને નાશમાં આવ્યો હોવાથી ઇન્દુએ સપનાની કોઈ વાત નહતી કરી.

સપના, ગજેન્દ્ર સામે આંખો નહતી મેળવી શક્તી. એટલે ચુપચાપ ગજેન્દ્રને ચાનો મગ આપીને બેઠકરૂમમાં જતા બોલી..
‘જી, ગઈકાલે બપોરે આવી.’

કાચી કુંવારી સપનાના અંગે અંગમાં ફૂંટતી કામુકતાની કુંપણ સાથે, અજાણતાંમાં માણેલાં બે કામુક ક્ષણના સત્સંગથી ગજેન્દ્રના બદનમાં રતિવિલાસના વમળો વિસ્તરવા લાગ્યાં.

સપનાની પાછળ પાછળ આવી બેઠકરૂમમાં સપનાની સામે પગ પર ચડાવતાં સોફા પર બેસીને પૂછ્યું,

‘ઇન્દુ ક્યાં છે ?
એટલે સપનાએ હકીકત જણાવી.
ઝીણી આંખ કરી, ચાનો ઘૂંટડો ભરી સપના સામું જોતાં ગજેન્દ્ર બોલ્યો..

‘સાચું કહું, સપના લાસ્ટ ટાઈમ તું આવીને ગઈ પછી તને ખુબ મીસ કરી. મેં બે ત્રણ વાર ઇન્દુ પાસે તારો કોન્ટેક્ટ નંબર માંગ્યો પણ તેણે કોઈને કોઈ બહાનું બતાવી, વાતને ટાળી દીધી.’

‘કેમ, ઇન્દુએ એવું કર્યું.’ સ્હેજ સ્વસ્થ થતાં સપનાએ પૂછ્યું.
‘તેને ડર હશે.. આપણી વચ્ચે ફ્રેન્ડશીપ થઇ જવાનો.’ બોલીને ગજેન્દ્ર ખડખડાટ હસવાં લાગ્યો.. એટલે સપનાને ગઈકાલ સાંજના ઇન્દુના ઇન્ક્વાયરીના સંદર્ભમાં પૂછાયેલા સવાલ યાદ આવવા લાગ્યાં..

‘જીજુ, મારું એક કામ કરશો..’ ધીમેકથી
‘અરે..તારે તો હુકમ કરવાનો હોય યાર.. તું ઇન્દુની બહેન જેવી એટલે મારી સાળી. અને સાળી એટલે અડધી ઘરવાળી.’ ફરી એ જ અદામાં ગજેન્દ્ર હસવાં લાગ્યો..
શરમાઈ જતાં સપના બોલી..
‘મહીને દસ-બાર હજાર જેવી રકમ મળે એવી કોઈ જોબ શોધી આપો ને.’
ચાનો છેલ્લો ઘૂંટડો ભરી, મગ ટીપોઈ પર મૂકી, ઊભો થઇ સાવ સપનાની બાજુમાં આવીને બેસતા તેની સામું જોઇને ગજેન્દ્ર બોલ્યો...
‘જોબ તો છે, પણ એ જોબ વિષે તારે ઇન્દુને જાણ નહીં કરવાની, બોલ મંજૂર છે ?.’
સ્હેજ અનકમ્ફર્ટેબલ ફીલ કરતાં સપનાએ પૂછ્યું,

‘હા, નહીં કહું. પણ ક્યાં અને શું જોબ છે ?
એટલે ગજેન્દ્ર તેના બન્ને પગ પોહળા કરીને બોલ્યો..

‘આખો મહિનો નહીં... ફક્ત દસથી પંદર મિનીટ મારા ખોળામાં બેસવાના હું તને દસ હજાર રૂપિયા રોકડા આપીશ બોલ.. કરવી છે જોબ, વિથ ફૂલ ઓફ એન્જોય. ઈચ્છા હોય તો હમણાં જ આવીજા ચલ.’


-વધુ આવતાં અંકે.