Sajan se juth mat bolo - 9 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 9

પ્રકરણ-નવમું/૯


બીજા દિવસની સવાર.. રવિવાર હતો એટલે સમયમર્યાદાની કોઈ પાબંદી નહતી. બેડની સામે આવેલી બારીમાંથી આવતાં ઉજાસ પરથી સમયનું અનુમાન લગાવતાં સપનાએ માંડ માંડ ઉઘડતી આંખે તકિયા પાસે પડેલા મોબાઈલ પર નજર કરી તો અંદાજ સાચો પડ્યો.. ઠીક દસ વાગ્યાં હતાં.
આટલી ઘોર નિદ્રાની મજા માણ્યાં પછી પણ હજુએ બિલ્લુનું પ્રતિભાશાળી પ્રતિબિંબ સપનાની નજર સામેથી ખસતું નહતું. સળંગ બે કલાકના ગહન અને સળંગ સાત્વિક સત્સંગ પછી પણ સપનાને બિલ્લુ કોઈ કાલ્પનિક પાત્ર છે, એવો ભાસ થતો હતો. વજનદાર વ્યક્તિત્વ સાથેના તેના વજનદાર અર્થસભર સંવાદો હજુએ સપનાના કાનમાં ગુંજતા હતાં.

એ પછી એક ઝાટકે વિચારો સાથે શાલને ખંખેરી અસ્ત-વ્યસ્ત ગાઉન સરખું કરી, બેડ પરથી ઊભી થઈને ગઈ વોશરૂમ તરફ મન સાથે તનને ફ્રેશ કરવાં.

થોડીવાર બાદ....

ચાનો પહેલો ઘૂંટ ભરે ત્યાં જ કોલ આવ્યો.. સમીરનો.
‘હેલ્લો...ગૂડ મોર્નિંગ.. કેવી રહી અમારા બીગ બોસ, બિલ્લુ બનારસી સાથેની મીટીંગ, મુલાકાત જેવી કે મુકાલાત જેવી ? બોલતાં સમીર હસવાં લાગ્યો..

‘વેરી ગૂડ મોર્નિંગ, અરે..યાર આ પુરુષ છે કે, કોઈ મહાપુરુષ, અથવા કોઈ કાલ્પનિક કથાનું કિરદાર ?
‘નરી આંખે દેખાતા વ્યક્તિ ચિત્ર કરતાં બિલકુલ વિરુધ્ધ ચરિત્ર. પહેલાં તો હું ડરી જ ગઈ. અને સાચું કહું, ખોટું ન લગાડીશ, પહેલાં તો મનોમન તને પણ બે-ચાર ગાળો ઠપકારી દીધી કે, સાલા સમીરે તેની સુફિયાણી વાતોમાં મને ફસાવી દીધી. સોરી હો. અને તારું નામ બિલ્લુભૈયાએ તેના મોબાઈલમાં ‘સમીર શાણા’ એવું શેવ કર્યું છે બોલ.’

‘એ તો તેમનો પ્રેમભાવ છે, બાકી તો આટલી ઉંચાઈએ પહોંચેલી હસ્તી આપણા સંપર્કમાં છે, આપણા માટે તો એ જ ગર્વ લેવા જેવી વાત છે.’ સમીર બોલ્યો.

‘પણ, સમીર સૌ પહેલાં તો બિલ્લુભૈયા જેવા કિરદારના કિસ્સામેં ફક્ત કહાનીમાં વાંચ્યા છે. યા રીલ લાઈફમાં જોયા છે, પણ રીયલ લાઈફમાં તો પહેલી વાર જોયું અને અનુભવ્યું. શેના વખાણ કરું ? ભારે ભરખમ અવાજ સાથે કંઇક અલગ લઢણની તેમની વાણી, વિચાર, વ્યક્તિત્વ કે તેની અનુપસ્થિતિમાં પણ પડતાં તેમના પ્રતિબિંબના ઓછાયાની. સચ એ પાવરફુલ પર્સનાલીટી વિથ એ ગ્રેટ હ્યુમન બીઈંગ.’

‘અચ્છા, પણ શું ચર્ચા થઇ તમારે વચ્ચે એ તો કહે ?’ સમીરે પૂછ્યું.
‘હમમમ.. એક શરત પર કહું.’
ચાઈનો ખાલી મગ બાજુ પર મૂકતાં સપના બોલી
‘મંજૂર, બોલો.’ સમીર બોલ્યો.
‘અરે.. પણ શરત સાંભળ્યા વગર જ ?’ સપનાએ પૂછ્યું..
‘એટલે માટે કે, આપણે બન્ને, હું તારી મર્યાદાથી અને તું મારી અમર્યાદાથી ખુબ સારી રીતે વાકેફ છીએ એટલે.’
‘હમ્મ્મ્મ.. ઇન્ટરેસ્ટીંગ...બિલ્લુભૈયાએ અમથું તારું નામ ‘સમીર શાણા ‘ નથી રાખ્યું.’
એ ‘શાણા’ તરીકે શેવ કરવાનો સંદર્ભ જૂદો છે. રૂબરૂમાં કહીશ. હવે તમારું ફરમાન ફરમાવો, શું છે તમારી શર્ત ?’
‘આજે ખાસ મૂડમાં છું તો, શહેરમાં ફરવાનું અરમાન પૂરું કરવાની ઈચ્છા છે, તારી જોડે. બસ, આટલી મામૂલી શર્ત છે મારી બોલ.’

‘ઓ.કે, ડન હું સાડા અગિયાર વાગ્યાની આસપાસ તને પીક-અપ કરવાં આવું છું, તું રેડી રહેજે.’
‘ઓઓઓ...ઓ... અરે. યાર આટલી જલ્દી તો ઈશ્વર પણ વિશ પૂરી નથી કરતો. થેન્ક્સ સમીર. હું તારી રાહ જોઉં છું.’


ત્રણ વીકના ટૂંકા સમયગાળામાં સમીર અને સપના બંનેની સમરસ સંગતતાનું સંધાન એટલી સહજતાથી સજ્જડ રીતે સંધાઈ ગયું કે, કયારે સપના, સમીર સાથે ‘તમે’ પરથી ‘તું’ ના સંબોધન પર આવી ગઈ એ પણ ખ્યાલ ન રહ્યો. પરસ્પર નિસંદેહ, નિસ્વાર્થ, નિર્મળ મૈત્રીબંધનનું સબળ સબબએ હતું કે, બન્ને કોઇપણ હદની વિનોદવૃતિમાં પણ તેમની લક્ષ્મણરેખા ઓળંગતા નહતા.

આશરે ત્રણેક અઠવાડિયા પહેલાં શહેરમાં સપનાના આગમન સાથે સમીર જોડે થયેલી અણધારી મુલાકાત બાદ, સપનાના તરંગી દિમાગમાં રહેલી શહેરના રંગીન મિજાજની ધારણા, ધાર્યા કરતાં અનેક ઘણી વધુ રોમાંચક અને વાસ્તવિકતાથી જોજનો દૂર નીકળી.

દિમાગમાં શહેર ફરવાનું ફીતુર સવાર થવાનું કારણ હતું કે, આજે સપનાને તેના સપના શેર કરવાંનું એક ઝૂનૂન ચડ્યું હતું. સમીરના રૂપમાં સપનાને દર્પણ જેવો દોસ્ત મળ્યો હતો. જેની આંખોમાં સપના તેનું સાત્વિક અને સત્ય સવરૂપ જોઈ શકતી હતી.

અગિયાર ચાળીશ વાગ્યાના દસ મિનીટ પહેલાં સમીરનો ટેક્સ મેસેજ આવ્યો.
‘કમ ડાઉન’. એટલે તૈયાર થઈને પ્રતીક્ષારત સપના દસમા માળેથી લીફ્ટ મારફતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને સમીરની પાસે કારની ફ્રન્ટ સીટ પર બેસતાં સમીરને પૂછ્યું..

‘કેવી લાગું છું.. ?’
બ્લ્યુ લેડી પરફ્યુમની પમરાટ,લહેરાતાં ખુલ્લાં કેશ, લેટેસ્ટ ફેશનના ગોગલ્સ, ડાબા ખભા પર લટકતી લાઈટ પિંક કલરની સ્ટાઈલીસ ટ્રેન્ડી હેન્ડબેગ, પગની પાનીથી એક વ્હેત ઊંચાં, ડેનીમ બ્લ્યુ કલરના સ્કીન ટાઈટ જીન્સ પર વ્હાઈટ કલરના મલ્ટી પ્રિન્ટેડ સ્લીવલેશ ટોપમાં સજ્જ સપનાને જોતાં જ સમીરને ટીખળ કરવાનું સુજ્યું એટલે બોલ્યો..

‘હમમમ..ઘરની બહાર કાઢવા જેવી ?’

‘સમીર....સાચે જ તારી નજીકની નજર ખૂબ કમજોર છે, તું જલ્દી કોઈ આઈ સ્પેશીયાલીસ્ટનો કન્સલ્ટ કરીને તારા ઘૂવડના ડોળા જેવી આંખોનો ઈલાજ કરાવી લે સમજ્યો.’ મીઠો ગુસ્સો કરતાં સપના બોલી.

એટલે હસતાં હસતાં કાર સ્ટાર્ટ કરતાં સમીર બોલ્યો..

‘સાચું કહું....ધોળા દિવસે તારા નહીં પણ ઉઘાડી આંખે સપના નામનું સપનુ જોઈ રહ્યું છું, એવું લાગે છે.’

‘બસ બસ હવે... તું ટીચર ઓછો અને ચીટર વધુ છો. કોઈ ખૂબસૂરત સ્ત્રીની તારીફ કરવામાં પણ મસ્કાબાજી કરવાની એમ ? તેના વાળને સરખાં કરતાં સપના બોલી..

‘હવે હું તારા જેટલો રોમાન્ટિક નથી ને, એટલે જેવું સુજ્યું એવું બોલ્યો. બોલ હવે કઈ તરફ જવાની ઈચ્છા છે ?
સોસાયટીની બહાર આવી મેઈન રોડની દિશા તરફ કાર હંકારતા સમીરે પૂછ્યું.

‘ઈચ્છા તો વિશ્વભ્રમણ કરવાની છે, ફિલહાલ તો તારુ કોઈ ફેવરીટ સ્પોટ હોય ત્યાં જઈએ, પણ એ પહેલાં ચા પીવાની તલબ લાગી છે, એટલે કોઈ મસ્ત ટેસ્ટી ટી સેન્ટર પર કાર લઈ લે.’

‘અચ્છા.’
એમ કહી સમીર કાર લઇ આવ્યો, શહેરથી થોડે દૂર આશરે દસેક હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલી શહેરની ક્લાસ વન ‘ક્લબ ઓ સેવન’ પર. અમેરિકાના વ્હાઈટ હાઉસને પણ ટક્કર મારે એવી ભવ્યાતિભવ્ય ક્લબની ભવ્યતા જોઇને આશ્ચર્યચકિત થતાં સપના બોલી.

‘અરે.. યાર આ તું મને ક્યાં લઇ આવ્યો..?
અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં આશરે બે હજાર લક્ઝુરીયર્સ કાર્સ વચ્ચે તેની કાર પાર્ક કરતાં સમીર બોલ્યો. ‘વિશ્વભ્રમણની એક ઝલક બતાવવાં, ચલ આવ.’

અધતન લીફ્ટમાં એન્ટર થઈને બન્ને આવ્યાં ક્લબના ટોપ ફ્લોર પરની ટેરેસ રેસ્ટોરન્ટના એન્ટ્રન્સ ગેઇટ પર. ત્યાં ઉભેલાં સીકીયોરીટી ગાર્ડને સમીરે તેના વોલેટમાંથી એક કાર્ડ બતાવી કાઢી, થમ્બ ઇમ્પ્રેશન ડિવાઈસ પર અંગુઠો મૂક્યાં પછી સપનાની ઓળખ તેના ગેસ્ટ તરકે આપીને એન્ટર થતાં જ સપના બોલી.

‘સમીર.. આપણે કોઈ બીજી ભળતી દુનિયામાં ભૂલા પડી ગયાં હોય એવું મને લાગે છે.’
સ્હેજ હસતાં હસતાં સમીર બોલ્યો..’ ડોન્ટ વરી આપણે કોઈને માર્ગ પૂછી લઈશું.’
‘હવે બોલ.. ક્યાં બેસવું છે, અહીં બહાર છત્રી નીચે કે, અંદર એ.સી. હોલમાં ?
સમીરે પૂછ્યું..
‘અહીં જ બેસીએ.. મસ્ત પવન આવે છે.’ ગોગલ્સ ઉતારતાં સપના બોલી.
‘આવ બેસ, હવે બોલ કેવી લાગી આ જગ્યા ?

રોમાંચિત થયેલી સપના આસપાસ નજર ફેરવતાં બોલી..
‘સમીર આ અધતન જાજરમાન જાહોજલાલી સાથે અહીંનો માહોલ અને લોકાલીટી જોતાં આવું લાગે છે કે, આ પ્લેસ પર આવવું સામાન્ય વ્યક્તિના ગજા બહારની વાત છે.’

‘આવવું.. ? આવાં કોઈ સ્થાનનું ઈમેજીન કરવું એ પણ તેના સોચના સીમા બહારની વાત છે. આ ક્લબ ઇન્ડીયાના ટોપ તેન માનું એક ક્લબ છે. રૂપિયા પસાચ લાખ તો માત્ર અહીંની મેમ્બરશીપ ફી છે.’
આશ્ચર્ય ઉદ્દગાર સાથે ‘પચાસ લાખ...’ શબ્દ બોલતાં જ સપનાનું મોં અને આંખો બન્ને પહોળા થઇ ગયાં.
‘પણ, તો તું અહીં કઈ રીતે...તું ક્લબનો મેમ્બર છે.. ?’ સપનાએ
‘પચાસ લાખ કેશ મેં મારી લાઈફમાં નથી જોયા. આ માયાવી માહોલની મોજ માટે મહેરબાની માનો બિલ્લુભૈયાની.’
બે મસાલા ચાઈનો ઓર્ડર આપ્યાં પછી સમીરે આગળ બોલતાં પૂછ્યું..
‘સપના, તને મળ્યાં પછી આજે પહેલીવાર આટલી ખુશ અને તરોતાજા જોઈ રહ્યો છું. આજે તારી આંખોની ચમક કંઇક અલગ કહાની બયાન કરવા જઈ રહી છે, એવું હું ફીલ કરી રહ્યો છું.’

સમીરની સામું જોઈ સપના બોલી.
‘સમીર, કારમાં બેસતાં મેં તને એમ પૂછ્યું હતું કે, ‘કેવી લાગુ છું.’ આ વાક્ય મેં મારી લાઇફમાં પહેલીવાર કોઈ પુરુષને પૂછ્યું. શા માટે ? મારી ખુબસુરતી માટે નહીં, મારા મનની પ્રસન્નતા પીછાણવા માટે. અને મને ખુશી એ વાતની છે કે, તું મારા શરીર સોષ્ઠ્વના શ્રિતિજની પેલે પાર ઊગતાં ઉમંગના ઉષાની લાલીને નિહાળી શક્યો. એટલે જ આજે હું તારી સાથે આ શહેરની સફર માટેનો સંગાથ ઝંખતી હતી. ગઈકાલે રાત્રે સૂતા સૂતા એ જ વિચારતી હતી કે, ભાગ્યવશ તારો ભેટો ન થયો હોત તો... હું હજુએ આ શહેરમાં ભટકતી જ હોત.’

સપનાની પ્રસન્નત્તા કરતાં સમીરને સપનાની માસૂમ પારદર્શિતા વધુ સ્પર્શી ગઈ.
સમીર કંઇક પૂછે એ પહેલાં વિનમ્રતા સાથે સ્મિત કરતો વેઈટર ટી-પોટ, અને સુગરના પાઉચ સાથેની ટ્રે ટેબલ પર મૂકીને જતો રહ્યો.

‘પણ હવે રાતોરાત આવેલાં આ પહેરવેશ સાથેના પરિવર્તન અને પ્રસન્નત્તાનું રાઝ શું છે ? એ તો કહે.’ ચાઈ બનાવતાં સમીર બોલ્યો..

સુગરના ત્રણ પાઉચ ચા માં ભેળવી, સ્પૂનથી મિક્સ કરતાં સપના બોલી.

‘મારી આંખોની ચમક અને રાજીપાનું રાઝ છે. મારી ભીતરના ભયનું થઇ ગયેલું બાષ્પીભવન. અજાણ્યાં અને છૂપાં ડરથી હૈયે ધબકતાં ભયના ભણકારાનું શમન થતાં મન શાંત થઇ ગયું. હવે હું માનસિક રીતે નખશિખ નીડર થઇ ગઈ છું.. ટૂંકમાં કહું તો, ડરી ડરીને જીવતી ડરપોક સપના દબંગ થઇ ગઈ.’

બોલતાં સપના હસવાં લાગી.
‘કારણ.. ?’ ટેસ્ટી ટીનો સ્વાદ માણતાં સમીરે પૂછ્યું..
સમીરની સામું જોઈ સપના બોલી..
‘કારણ,,, ટ્રમ્પ કાર્ડ અને હૂકમના પાના જેવા રોકડિયા હાથવગા હથિયાર જેવા બિલ્લુભૈયાના કારણે.’

‘મતલબ.. ક્યા અર્થમાં..? સમીરે પૂછ્યું

‘સમીર.. રતનપુરમાં અનાયસે હું કોઈ છેલબટાઉ યુવકોની તીરછી કે આંશિક છીછરી નજરનો ભોગ બની હોઈશ. મારી જન્મજાત પ્રકૃતિના ઈતિહાસથી પરિચિત થવાં કરતાં મારાં ભરાવદાર બદનની ભૂગોળનો તાગ મેળવવામાં રોડ સાઈડ રોમીઓને
વધુ રુચિ હતી. જે ટીનેજર્સમાં જોવા મળતી સર્વસામાન્ય બાબત છે. પણ..ચીમન અને ગજેન્દ્રએ નિર્લજ્જ અને નફ્ફટાઈની નીચતા પાર કરી, મારા પર વાસના ભૂખ્યાં વરુની માફક જે આઘાતજનક હૂમલો કર્યો, તેની માનસિક કળ મને ન વળી હોત જો... તું કે બિલ્લુભૈયા સાથે આકસ્મિક મુલાકાત ન થઇ હોત તો. કારણ કે માનસિક બળાત્કાર પછી ધોળા દિવસે જાહેરમાં પણ મને કોઈ પુરુષના પડછાયામાં તેના પંડમાં રચતા પ્રપંચના પ્રતિબિંબની પ્રતીતિ થતી હતી. પણ, ગઈકાલે રાત્રે દુનિયાની દ્રષ્ટિએ દાવન છતાં ઈશ્વરને ઈર્ષ્યા એવાં દેવ જેવાં બિલ્લુભૈયાની આંખોમાં જયારે મેં સ્ત્રી પ્રત્યેના પરમ આદરના પાવન અનુબંધની અનુભૂતિનો અહેસાસ કર્યો ત્યારે હાથ, હૈયું અને મસ્તક ગદ્દગદિત થઇ સહજતાથી ઝૂકી અને ઝૂમી ઉઠ્યાં.’
આટલું બોલતાં સપનાના નયનોની કોર સહર્ષ અશ્રુ સાથે ભીની થઇ ગઈ.


‘બિલ્લુભૈયા મણને મારે છે ને, કણને તારે છે. અન્યાય કર્તાને પીંખે છે અને ન્યાય કર્તાને પોંખે છે. રિશ્વતખોર કાળા બજારિયા, ખંધા રાજકારણીઓ, લાંચિયા અમલદારો પર તેના ધાકનું સામ્રાજ્ય જમાવીને બિલ્લુભૈયા મજબૂર મજલૂમોના મસીહા બન્યાં છે. કોઈ નબળા કે અબળા પરનો અકારણ અત્યાચાર બિલ્લુભૈયા સ્હેજ પણ ન સાંખી લે. પણ એવું તે શું જોયું બિલ્લુભૈયામાં કે, રાતોરાત તારા વિચારોમાં આટલું પરિવર્તન આવી ગયું ?
ચાઈનો આખરી ઘૂંટડો ભરતાં સપના બોલી..

‘સમીર..છેલ્લાં ત્રણ વીકના સમયગાળા દરમિયાન જિંદગી, અને ખાસ કરીને કોઈ એકલવાયી સ્ત્રીની જિંદગીના અસ્તિત્વના મૂળભૂત મૂલ્યોનું મનઘડત રીતે અવમુલ્યન કરવાની પુરુષોએ ઘડેલી ફોટોકોપી જેવી સગવડિયા પરિભાષાથી પરિચિત થયાં પછી એક વાત તો દિમાગમાં ટેટુની માફક અંકિત થઇ ગઈ કે, કયાંય પણ. કોઈપણ સ્ત્રી માટે તેની સલામતીથી કિંમતી બીજું કોઈ ઘરેણું નથી. સંપતિ કરતાં પણ અનમોલ સલામતીનું મુલ્ય મેં બિલ્લુભૈયાની આંખોમાં જોયું આ પરિવર્તન તેને આભારી છે, ગઈકાલ સુધી હું વાત વાતમાં,પરાણે વ્હાલાં થવાનો ડોળ કરી, મનમાં વલોવાતી વિકૃત વિકારની લાળને વાગોળતા પુરુષ પ્રજાતિથી ડરતી હતી, અને હવે..’


‘અને હવે શું...’ સમીરે પૂછ્યું..

‘અને હવે બિલ્લુભૈયાએ આપેલી ભારોભાર હૈયાધારણના હુંફની ગરમીથી એટલી હિંમત તો આવી જ ગઈ છે કે, કોઈ ચેનચાળો કરવાની ચેષ્ટા કરે એ પહેલાં ડોળા ખેંચીને હાથમાં આપી દઉં. પણ, સમીર બિલ્લુ ભૈયાએ જે હનીટ્રેપની વાત કરી તેના વિશે ડીટેઇલમાં જાણવું છે. એ શું છે ?

‘પુરુષોનો તેના જ હથિયારથી તેનો શિકાર કરવાનું એક રસપ્રદ અને રિસ્કી રેકેટ છે.’
ટૂંકમાં કહું તો જે પુરુષની મર્દાનગી ફક્ત છ ઈંચના મોબાઈલ સ્ક્રીન જેટલી જ માર્યાદિત હોય છતાં તેને સેવન્ટી એમ.એમ. સાઈઝની સ્ક્રીન પર ચપટી વગાડતાં ભ્રમિત વિશ્વભ્રમણ જેવી ચરમસીમાનો ચમત્કાર બતાવવાનો ખેલ એટલે હનીટ્રીપ.
એવો ગધેડા જેવો ઘોડો શોધવાનો કે, જેને લટકતાં ગાજર પાછળ દોડવાની ખુજલી હોય.’ હસતાં હસતાં સમીર બોલ્યો.

‘તને ઇન્ટરેસ્ટ પડ્યો આ મધલાળ જેવી સ્કીમમાં જોડાવાનો ? સમીરે પૂછ્યું.
‘‘રિસ્ક કેટલું ? સપનાએ પૂછ્યું.
‘બિલ્લુભાઈને વિશ્વાસમાં લઈને કામ કરો તો..ઝીરો પર્સન્ટ રિસ્ક.’ સમીર બોલ્યો
‘પણ બિલ્લુભાઈ ખુદ આવું કોઈ કામ નથી કરતાં એમ કહ્યું તેમણે.’ સપના બોલી.

‘જાણું છું, ઇકબાલ કરે છે, ઇકબાલ મિરચી. તેની પૂરી ગેંગ છે. પણ બિલ્લુભાઈના અન્ડરમાં.’ સમીર બોલ્યો..

‘ઇકબાલ મિરચી.. એ વળી કઈ બલાનું નામ છે ? સપનાએ પૂછ્યું..

‘હનીટ્રેપ રેકેટનો માસ્ટર છે, ઇકબાલે બિછાવેલી જાળમાં જે શિકાર ફંસાયો તેને ઇકબાલ તન,મન અને ધનથી કંગાળ કરી નાખે. આજીવન બ્રહ્મચર્ય પાલન કરવાનું વચન લઇ લે. ઘરવાળીને પણ બહેન કહીને જય શ્રી કૃષ્ણ બોલવા માંડે એ હદે પોલિયોની માફક નપુંસકતાના ટીપાં પીવડાવી દે.’
બોલતાં સમીર ખખડાટ હસવાં લાગ્યો..

‘સાચું કહું તો જરૂર છે એવા પુરુષોને, જે સામ, દામ, દંડ અને ભેદથી બંધબારણે તેની દૌલતથી ચડેલી ચરબીની ગરમી સ્ત્રી પર કાઢીને જાહેરમાં સજ્જન બની અને સંસ્કારીતાના સુભાષિતોનું ભાષણ ઠોકે છે.’

મહદ્દઅંશે વાસનાભરી પુરુષની એક ખાસ પ્રકારની બેશરમ કોમ પર તેનો આંતરિક ગુસ્સો ઠાલવતાં સપના બોલી..

‘સપના, ખોટું ન લાગે તો હનીટ્રેપનું એક જ વાક્યમાં સચોટ નિરૂપણ કરતાં એક નિવેદન કરું ? સમીર બોલ્યો.

‘આમ જોવાં જઈએ તો સમ્રગ વિશ્વમાં તનોરંજન માટે ભટકતા આવાં કામરસિક પુરુષોના સામ, દામ ,દંડ અને ભેદ ભર્યા મહાકાય ટાઈટેનીક જહાજ જેવા અભિમાનને ઢાંકણી જેટલાં પાણીમાં ડૂબાડવા માટે વિશિષ્ઠ વર્ગની સ્ત્રીનું છેદ જ કાફી છે.’ સમજી ગઈ ?

શરમાઈને નજર નીચે ઢાળીને સપના માત્ર એટલું જ બોલી,
‘યસ, આઈ એગ્રી વિથ યુ.’

‘સપના એક અંગત સવાલ પૂછું.. ‘તારા ભવિષ્યની વિચારધારા તને કંઈ તરફ લઇ જઈ રહી છે ? કોઈ લક્ષ્ય નિર્ધારિત કર્યું છે ? સમીરે પૂછ્યું

‘ગઈકાલ સુધી એવું લાગતું હતું કે, અંધાધૂન દિશાનિર્દેશ વગર કારકિર્દીની કાર અનિયંત્રિત ગતિમાં ઘુમરાતી હતી, પણ બિલ્લુભૈયાના ભારોભાર ભરોસાથી ભયમુક્ત અને બિન્દાસ થઈ, ખુદ ડ્રાઈવીંગ સીટ પર બેસીને ગમે તેવા કપરાં ચઢાણ પણ પાર કરીને ફતેહ હાંસિલ કરી લઈશ એવા દ્રઢ આત્મવિશ્વાસનું ઇજન બિલ્લુભૈયાની હૈયાધારણ સાથેની હરીઝંડીથી મળતા હવે કામદેવને કુળદેવતા સમજાતા કામાતુર મરદજાતને કઠપૂતળી બનાવી કઈ રીતે મારી એડી નીચે ક્રુરતાથી કચડી નાખવી એ વિચારું છું.’
અચનાક સપનાના આવાં અનપેક્ષિત ઉત્તરથી સમીરને સ્હેજ આશ્ચર્ય થતાં પુછ્યું..
‘તારો ભૂતકાળ જાણું છું, છતાં રાતોરાત બિલાડીના ટોપની માફક ફૂંટી નીકળેલી પુરુષજાત પ્રત્યે આટલી નિરંકુશ નફરતનું કારણ ?’

‘સમીર..દુનિયાની કોઈપણ સ્ત્રી, સબળા હોય કે અબળા, મજદૂર હોય કે મીનીસ્ટર, અભણ હોય કે શિક્ષિત, અંતરિયાળ ગામમાં હોય કે, ગગનચુંબી કોન્ક્રીટ જંગલ જેવા મહાનગરમાં, વિકૃતિને પણ ધૃણા ઉપજે એવા પુરુષના વાસના વિકારના વિશ્વવ્યાપી વાઈરસના ભયથી કોઈ અછૂત નથી. જ્વલનશીલ પદાર્થની માફક ક્ષણમાં સળગી ઉઠતી પુરુષની રગેરગમાં રેંગતા વાસનાના કીડાને ખત્મ કરવાં માટે હજુ વિશ્વમાં કોઈ રસીકરણની શોધ નથી થઇ. મને પુરુષના એ દંભી પુરુષત્વને પરાજિત કરીને તેની મિથ્યા મર્દાનગી પર જીત હાંસિલ કરવી છે.’

‘સપના, હું જે દિવસે ફર્સ્ટ ટાઈમ તને ફ્લેટ પર લઈને આવ્યો ત્યારે અપરિચિત બિલ્લુભૈયાનું નામ સાંભળીને અકળાઈ બાદ ગયાં તારા આકરાં અંદાજનો પરિચય આપતાં તું બોલી ત્યારે મેં શું પ્રત્યુતર આપ્યો હતો યાદ છે ?
ખુરશી પરથી ઊભાં થતાં સમીરે પૂછ્યું..

‘શું.. ? મને યાદ નથી.’ ઊભાં થતાં સપનાએ પૂછ્યું.
સમીર બોલ્યો, મારા શબ્દો હતાં કે,....
‘હું તમારાં આત્મવિશ્વાસમાં કિંગમેકર બનવાના ગુણ જોઈ રહ્યો છું એટલે. અને એક દિવસ બિલ્લુ તમને સલામ ન ભરે તો મને કહેજો.’
વેઈટરને પેમેન્ટ આપતાં સમીરે પૂછ્યું... ‘હવે યાદ આવ્યું ?’
‘હાં.. હાં... યાદ આવ્યું. પણ, ત્યારે મેં તારા આ સ્ટેટમેન્ટને સ્હેજ પણ ગંભીરતા લીધા વગર હસવામાં કાઢી નાખ્યું હતું. પણ હવે જિંદગીના એક નવા અધ્યાયનો આરંભ કરવાં માટે યોગ્ય સમય આવી ગયો હોય એવું લાગે છે.’

‘અચ્છા, ચલ પહેલાં ક્લબમાં એક ચક્કર લગાવીને પછી નીકળીએ.’
એવું સમીર બોલતાં બન્ને આવ્યાં લીફ્ટ તરફ.

શહેરના માલેતુંજારના સ્ટેટ્સ સિમ્બોલના સિરમોર જેવી ક્લબમાં અત્યાધુનિક સાધનોથી સજ્જ જીમ, સ્વીમીંગ પૂલ, લાઈબ્રેરી, ટેનીસ કોર્ટ, બિલ્યર્ડ રૂમ, ઇન્ડોર રેસ્ટોરન્ટ,સાઈકલ ટ્રેક,મીની થીયેટર, કોન્ફરન્સ હોલ જેવી અનેક કંઇક ભવ્ય સુવિધાઓની ભરમાળથી સપનાને અવગત કરાવી અને બન્ને આવ્યાં અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં. કારમાં બેસતાં જ સપનાએ પૂછ્યું.

‘મને ઇકબાલ મિરચી વિષે જાણવું અને મળવું હોય તો ?’
સમીર કાર સ્ટાર્ટ કરતાં કરતાં અટકી ગયાં પછી, સપનાની સામું જોઇને પૂછ્યું..
‘સપના..રીઅલી આર યુ સીરીયસ ?
‘કેમ, ઇકબાલ મિરચી કોઈ મોટો તોપચી છે ? સપનાએ પૂછ્યું.
‘ના, એવી કોઈ વાત નથી સપના પણ...’
આગળ બોલતાં સમીર થંભી ગયો એટલે સપનાએ પૂછ્યું..
સમીર તારા શબ્દકોશમાં પણ ‘પણ’ શબ્દ.. ?’
‘એ એટલાં માટે કે, જો તું ખરેખર એ દિશા તરફ જવા ઇચ્છતી હોય તો મને કોઈ જ તકલીફ નથી.. પણ એક વાત જરૂર કહીશ કે, તું જે કરવાં કે, વિચારી રહી છે તે, સિંહની સવારી કરવાં જેવું આકરું કામ છે, તે માર્ગ પર એક હદ સુધી આગળ વધ્યાં પછી પરત ફરવાનો કોઈ પર્યાય નથી, તે વાત તારા દિમાગમાં ફીટ કરી લે જે.’

‘પણ, સમીર જો બિલ્લુભૈયાના ચાર હાથ મારી પર હોય તો, મને શું થાય કે, મારું શું જાય ? સપનાએ પૂછ્યું.

‘રતનપુરની એક નિર્દોષ અને માસૂમ સપના, ખુદ માટે એક સપનું થઇ જશે.
તને કશું જ નથી થવાનું કે. તારું કશું જ નથી જવાનું પણ જો તું તારી અંતરાત્માને ઉત્તર આપી શકતી હોય તો, તું કંઈ પણ કરી શકે છે. છતાં મારી એક સલાહ છે કે, તું એકવાર બિલ્લુભૈયાને જાણ કરી દે.’

‘એ રતનપુરની સપના તો હવે ક્યાંય પાછળ છુટી ગઈ. હવે પાછુ વળીને જોવાનો વખત નથી સમીર, ખુદની ખુમારી ભરી ખતાથી અંતરાત્મા દુઃખશે કે ડંખશે તો એ મને ગમશે, સવારી સિંહની હોય કે, અશ્વની લગામ મારા હાથમાં હશે તો ભૂલા પડ્યા પછી પણ કોઈના ગુલામ તો નહીં બનવું પડે ને ? ’

‘હવે આપ નંબર.. બિલ્લુભૈયાનો.. એટલે કરીએ ચટ મંગની પટ બ્યાહ અને એક ઘા ને બે કટકા.’ એક અલગ ખુમારીથી સપના બોલી,
સમીરે નંબર આપતાં ડાયલ કરતાં પહેલાં સપનાએ પૂછ્યું..

‘આજે સન્ડે છે, બીગ બોસ આરામના મૂડમાં તો નહીં હોય ને ? કદાચને ડીસ્ટર્બ થતાં ડગરી ચસ્કી ગઈ તો..? રામ નામ સત્ય, થઇ જાય.’
હસતાં હસતાં સપનાએ પૂછ્યું.

‘તું રહેવા દે, હું મારા મોબાઈલ માંથી ડાયલ કરું છું.’ એમ કહી સમીરે તેના સેલમાંથી બિલ્લુને નંબર ડાયલ કરી કોલ આપ્યો સપનાના હાથમાં.

આશરે બપોરના દોઢેક વાગ્યાનો સમય થયો હશે. ગઈકાલ મોડી રાતનો ઉજાગરો હોવા છતાં નિયમિત લંચ ટાઈમના સમયે ડાઈનીંગ ટેબલ પર બેસેલો બિલ્લુ કોલ રીસીવ કરતાં બોલ્યો..

‘બોલ સમીર.’

‘સમીર નહીં, આપકી શિષ્યા બોલ રહી હૂં, ગુરુજી’
સ્હેજ મલકાતાં સપના બોલી.
‘ઓહ.. વો રાત વાલી છોરી.. તેરો નામ ભૂલ ગયો .... હમ્મ્મ્મ...હા.. હા.. યાદ આવ્યો સપના, બોલ કૈસે યાદ કિયા ?
‘અરે, મેં આ સમીરને એમ કીધું કે, મારે બદમાશ બિલ્લી બનવું છે, તો કહે કે, બકાયદા બિલ્લુભૈયાના ગ્રીન સિગ્નલ વગર હું કોઈ હેલ્પ ન કરી શકું, હવે તમે જ મને બદમાશ બિલ્લીનું બિરુદ આપ્યું છે, એ સમજાવો સમીરને. બિરુદ મતલબ સમજી ગયાં ને ?

‘મતબલ હમારી જબાન મેં ઉસકો ઠપ્પા બોલતે હૈ, ઔર તું બદમાશ બિલ્લી બણને કા સપના દેખ રહી હૈ યા, સચ મેં બણના હૈ ?
જ્યુસનો ગ્લાસ ઉઠાવતાં બિલ્લુએ પૂછ્યું..

‘બિલ્લુભૈયા ખુલ્લી આંખે જોયેલાં સપનાથી સવાયા એવા સત્યને અંજામ આપવાં જઈ રહી છું, જે હકીકતમાં પણ સપનું જ લાગે. જે લોકો સપનાને સેવવાના સપના જુવે છે, તેમને સપના શબ્દથી નફરત થઇ જાય એવું કંઇક હટકે કરવાનું ફીતુર ચડ્યું છે દિમાગમાં.’

‘ક્યા કરના હૈ બોલ ?’ બિલ્લુએ પૂછ્યું.
‘ઇકબાલ મિરચીને મળવું છે.’ સપના બોલી.
‘અચ્છા, સમીર કો ફોન દે.’ એવું બિલ્લુ બોલ્યો એટલે સપનાએ સેલ સમીર તરફ લંબાવતા કયું, ‘લે વાત કર.’

‘સમીર, લગતા ઇસ છોરી કે દિમાગ કા કોઈ પેચ ઢીલાં હો ગયાં હૈ. ઔર ઇકબાલ કો દેખેગી તો ઇસકા અગલા, પીછવાડા સબ ગીલા હો જાયેગા, અચ્છા ઠીક હૈ, પગલી કો ઇકબાલ કા નંબર ઔર પત્તા બતા દે. ઔર શર્ત યે રખ્ખ કે ઉસકો એકલે જાના પડેગા ઇકબાલ કો મિલને કે વાસ્તે ફિર દેખાતા હૂં કિસકા કલેજા હૈ ગાંવ કી છોરી મેં, શેરની કા યા લોમડી કા. ઉસકા નંબર ભેજ મુજે.’

‘જી, ભૈયા.’ એમ કહી સમીરે બિલ્લુભૈયાને સપનાનો નંબર સેન્ડ કર્યો અને ફૂલ સ્પીડમાં કાર દોડાવી હાઇવે તરફ. પછી મનોમન બોલ્યો.. ‘હવે બિલ્લુભૈયા ધોળા દિવસે સપના જોતી સપનાને આંખે અંધારા આવી જશે એવા તારા બતાવશે, ત્યારે રાતોરાત બિલ્લુની ખુશામતથી ફૂલાઈને ફૂલેકે ચડેલી ચકલી ઊંધાં માથે પડશે ત્યારે ભાન થશે કે, બિલ્લુના પેગડામાં પગ ઘાલવો એ ધાર્યા જેટલું આસાન નથી.’

સ્વાદ રસિકોની દાઢે, હૈયે અને હોઠે ચડેલું ખુબ પ્રખ્યાત, પ્રશંસનીય અને વિશ્વસનીય નામ એવા હાઇવે પરના ‘જસ્સી દે પરાઠે’ ઢાબાના પાર્કિંગમાં કાર પાર્ક કરતાં સમીર બોલ્યો..
‘ચાલ, બિલાડી હવે મારા પેટમાં બિલાડા બોલે છે.’

હજુ લંચ માટે ટેબલ પર બેસીને સમીર કંઇક બોલવા જાય એ પહેલાં સપનાનો મોબાઈલ રણક્યો...

‘સપના ચૌધરી.’ સામા છેડેથી કડક છતાં મધુર સ્વરમાં કોઈ પુરુષ બોલ્યો.
‘જી, આપ કૌન ? સપનાએ પૂછ્યું.
‘નામ પે મત જઈઓ, જબાન મીઠી હૈ, સિર્ફ નામ મેં મિરચી લગી હૈ, ઇસ નાચીઝ કો દોસ્ત ઇકબાલ ઔર દુશ્મન મિર્ચી કે નામ સે જાનતે હૈ.’

સ્હેજ પણ વિચલિત થયાં વગર ભરપુર આત્મવિશ્વાસ અને નર્યા નીડરતાથી ઉત્તર આપતાં સપના બોલી

‘મેં તો ઇતના જાનુ કી, અપની જિંદગીકા ફલસફા ઔર ફિતરત કા જાયકા મિર્ચી જૈસા હોના ચાહિયે. જો પ્યાર કરેંગે વો મિર્ચીકી જલન કા લુફ્ત ઉઠાયેંગે ઔર જો નફરત કરેગે વો દૂર સે દેખકે જલન કે મારે જલ મરેંગે.’

તાસના તીન પત્તીની રમતમાં ગંજીપો ચીપ્યા પછી પ્રારબ્ધના પ્રતાપે તમારા ભાગમાં આવેલાં ત્રણ બાદશાહથી પોરસાઈને તમે છપ્પનની છાતી ખોલીને ખેલતાં હોવ ત્યારે, તમારી સામે તેની હરકત પરથી શરીફ લાગતો હરીફ જયારે તેની ખોરા ટોપરા જેવી ખંધાઈ સાથે તાસના ત્રણ એક્કા તેની અનોખી અદા સાથે તમારી તરફ ફેંકીને ઉઘાડા કરે...પછી જે જોયાં જેવી થાય... એવી હાલત અત્યારે સપનાનો જવાબ સાંભળીને ઇકબાલ મિર્ચીની થઇ ગઈ.

-વધુ આવતાં અંકે..