Sajan se juth mat bolo - 7 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 7

પ્રકરણ- સાતમું-૭

‘જય હો ગંગામૈયા કી.’ બિલ્લુ બોલ્યો..
‘જય હો.’ સમીર બોલ્યો
‘સમીર બાબૂ, કયસન ચલ રહા હૈ ? સબ ઠીક ઠાક હૈ ના ? બિલ્લુ બોલ્યો..
‘સબ કુશલ મંગલ ઔર બઢિયા હૈ ભાઈસાબ. વો આપસે બાત કી થી સુબહ મેં, વો એક લડકી કે બારે મેં, ઉનકો લેકે આયા હૂં, ફ્લેટ પે.’
‘ઠીક સે સબ સમજા દીજીયો છોરી કો, બાદ મેં કોઈ બવાલ ખડા ન કરે. મેં અભી બમ્બઈ મેં હૂં, કલ આ જાઉંગા. તુજે યહાં સે કુછ ચાહિયે તો બોલ.’
બિલ્લુ બોલ્યો.

‘જી, બસ ભાઈસાબ આપકી દુઆ, ઔર કુછ નહીં.’
‘અચ્છા ઠીક હે. ફોર રખ્ખુ છું, રામ-રામ.’

સમીરે ફોન મૂકતાં તરત જ સપનાએ પૂછ્યું.
‘મારા વિશે કશું પૂછ્યું ?

‘ના, તમારું નામ પણ નથી પૂછ્યું. અને પૂછશે પણ નહીં. બિલ્લુ સાવજ જેવો છે, તેને છંછેડો નહીં ત્યાં સુધી એ કોઈની સામું જૂવે પણ નહીં. પણ જો વીફર્યો તો ઘડીકમાં કોઈના ચામડા ઉતરડી નાખતા પણ વાર ન લાગે.’

‘પણ તમે તેમના કોન્ટેક્ટમાં કઈ રીતે આવ્યાં.. અને આ તમારા બોસ સુબોધ બેનરજી પણ ગઝબ કેરેક્ટર છે હો બાકી ? ટુ મચ ફની. તેની ગુગલી બોલ જેવી લેન્ગવેજ સાંભળીને તો એકવાર મડદું પણ ઉભું થઇ જાય હો.’
‘એ અમારા બોસને અમે ‘દેઢ ફૂટકી ડ્રીમગર્લ’ કહીએ છીએ, ખાનગીમાં.’
સમીર બોલ્યો
‘કેમ ?’ સ્હેજ હસતાં સપનાએ પૂછ્યું

‘એક તો સાયકલના પંપ જેટલી તેની ઊંચાઈ, અને લેન્ગ્વેજમાં એવું છે કે. એ સુબોધ બેનરજી બંગાલથી અહીં આવ્યાંને પાંચ વર્ષ થયાં છતાં તેની ભાષા પર હેમામાલીનીનું પ્રભુત્વ વધારે છે. એ ડ્રીમગર્લે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પાંચ દાયકામાં સેંકડો હિન્દી ફિલ્મો કર્યા પછી હજુ પણ રીઅલ લાઈફમાં તે પાંચ સાત શબ્દોનું એક હિન્દી વાક્ય બોલે તો આપણાથી બોલાઈ જવાય... ‘હે.. મા.. માતાજી. હવે સમજ્યા લીટલ ડ્રીમગર્લનો મતલબ ?

આટલું સાંભળતા સપના ખડખડાટ હસવાં લાગી. સપનાને હસતાં જોઈ સમીર બોલ્યો..
‘એ જાણીને નવાઈ લાગી કે, તમે હસો છો, અને એ પણ આટલાં મુક્ત મને. તમને જોઇને ટ્રેજડી ક્વીન મીનાકુમારી યાદ આવી જાય.’
‘એટલે ? હું એવી છું, રોતલ ?’ સ્હેજ ભ્રમર ઊંચાં કરતાં સપનાએ પૂછ્યું.
‘ના, મેં સુંદરતાના સંદર્ભમાં કહ્યું, તમે તેનાથી પણ વધુ ખુબસુરત છો. અચ્છા હવે પહેલાં આપનો પૂરો અને પારદર્શક પરિચય આપો. સમીર બોલ્યો.
‘બેસો.’ એમ કહી સપનાએ તેની સમજણની ઉંમરથી લઈને છેક આજ બપોર સુધીનો ઘટનાક્રમ ટૂંકમાં સમીરને કહી સંભળાવ્યો.

એટલે સપના સામું જોઈએ સમીર બોલ્યો..

‘આટલી નાની ઉંમરમાં આવડાં મોટા શહેરમાં એકલાં રહેવાની હિંમત અને જિદ્દ માટે તમને દાદ આપવી પડે. તમારી વાતો પરથી એવું લાગે છે કે, તમારી મરજી વિરુધ્ધ કોઈ કશું તમારી પાસે કરાવડાવી ન શકે એ વાત તો ચોક્કસ છે. પણ તમે ધારો તો, સામે વાળાની મરજી વિરુધ્ધ તમારું ધાર્યું કામ કરાવી શકો એ વાત તો નક્કી છે.’

‘સમીરભાઈ, બીજી એક અંગત વાતનો જવાબ આપો, તેમ મેરીડ છો ?
‘ના.’
‘રોશની તમારી ગર્લફ્રેન્ડ છે કે, પ્રિયતમા ? સવાલ ઓપ્શનલ છે.’ સપનાએ પૂછ્યું.
‘મારી કોઈ નથી. એ કોઈની પત્ની છે,ઓન પેપર. હું તેની નીડ પૂરી કરું છું. પ્રમાણિકતાથી બસ.’ ગર્ભિત શબ્દોમાં સમીરે જવાબ આપતાં સપનાએ પૂછ્યું.

‘હું કંઈ સમજી નહીં.’ જરા ખુલીને વાત કરશો.
બે-પાંચ સેકંડ ચુપ રહ્યાં પછી સમીર બોલ્યો

‘તમે અમને બન્નેને ગઈકાલે જે સ્થિતિમાં જોયા એ નગ્ન સત્ય છે. એ જ અમારો સંબંધ છે. જેનું કોઈ નામ નથી અને પ્રમાણ પણ નથી. એ ચર્ચા ખુબ લાંબી છે. ફરી કોઈક વાર ફુરસદના સમયમાં તેના વિષે વાર્તાલાપ કરીશું. અચ્છા, હવે હું રજા લઉં. મારે અગત્યના ઘણાં કામ પેન્ડીંગ છે. આવતીકાલે સવારે આઠ વાગ્યે ક્લાસ પર આવી જજો. આ ચાર છોકરીઓ કંઈ પૂછે તો મારું નામ આપજો. આ ફ્લેટ પર જેનો જેનો હક છે, તે દરેકની પાસે આ ફ્લેટની એક એક ચાવી છે. અને એક અગત્યની વાત આ શહેરમા કારણ વગર કોઈનું નામ કે તેના કામ વિષે ન પૂછવું, એ ખાસ યાદ રાખજો.’

‘એક મિનીટ.’ એમ બોલતાં સોફા પરથી ઊભા થઇ ભાવાવેશ સાથે સપના બોલી.

‘વાયુ, વાયરો, પવન, ચક્રવાત, અનિલ, વંટોળ અને લહેરખી આટઆટલા રૂપ મેં તમારામાં જોયાં સમીરભાઈ.

સપનાના માનવ સહજ સંવેદનાની સરાહનાનો આદર સાથે ઉત્તર આપતાં સમીર બોલ્યો..

‘અને હું એમ કહું કે, તમારાં ઝંઝાવાતી સંઘર્ષ સફર સાથે મેં તમારા ખ્વાબ, શમણાં, દિવાસ્વપ્ન સાથેની સ્વપ્નસૃષ્ટિ જોઈ છે તો શું કહેશો ?

એક અનેરી ખુશી સાથે સમીર સાથે હાથ મિલાવતા સપના ભાવવિભોર થઇ ગઈ.

‘ખુબ જમેગા રંગ જબ મિલેંગે...સમીર, સપના ઔર સુબોધ..’
એમ કહી હસતાં હસતાં સમીર રવાના થયો .

એ પછી ક્યાંય સુધી સપના હસતાં રહ્યાં પછી અચનાક ગંભીર થઇ ગઈ. જેમની જોડે લોહીના સંબંધથી’યે વિશેષ સગપણથી જોડાયેલી, એ માસૂમ ઇન્દુ પર થયેલા અમાનુષી અત્યાચારનું સ્મરણ થતાં સપના વ્યથિત થઇ ગઈ. જેની ખાતર પળમાં જીવ આપતાં પણ ન ખચકાઈએ તેવા જીવથી વ્હાલા સ્વજન માટે કશું જ ન કરી શકવાની લાચારીની દશા સપનાને મોતથી પણ વધુ બદ્દતર લાગવા લાગી. થોડીવાર પછી નરી નિરાસા ખંખેર્યા પછી લગેજ લઈને આવી છેવાડાના બેડરૂમમાં.

એકાંતમાં સૌ પહેલાં વાત્સલ્યનો ખૂંચતો ખાલીપો સાંભરતા, સૂટકેસમાંથી સંભાળીને પિતા મનહરલાલની તસ્વીર કાઢી, એક કોર્નરમાં વ્યવસ્થિત રીતે ગોઠવી, પ્રણામ કરી, પછી બાકીનો સામાન ગોઠવતાં ગોઠવતાં બેડ પર સ્હેજ આડી પડતાં વિચારવા લાગી.

કોન હશે બિલ્લુ બનારસી ? કેવો હશે ? કેવી ધાક હશે ? જાન ન પહેચાન મેં તેરા મહેમાન જેવી મહેરબાનીની મીઠી મૂંઝવણ પાછળ ક્યુ પરિબળ કામ કરતું હશે ? ક્યાંય મારી પાસે કોઈ અનૈતિક માંગણીની અપેક્ષા તો નહીં હોય ને ? પણ સમીરના શબ્દો કે તેમની આંખોમાં એવી કોઈ અણધારી આફતનો અણસાર નજર નહતો આવતો. તો પછી ? આ અંધારપટ જેવા પથ પર આંધળાપાટા જેવી રમાતી રમતના અંતે અંતિમ મંઝીલ સુધી પહોંચીશ કે,પછી અધ્ધવચ્ચે જ સરફનો અંત આવશે ? આવી કંઇક અટકળોમાં અટવાઈ ગયાં પછી માથું સ્હેજ ભારે થયું એટલે ભૂખ્યાં પેટે પણ તેની આંખો મીંચાઈ ગઈ.

બિલ્લુ બનારસી. ઉર્ફે બલવંતરાય જોરાવરસિંગ યાદવ.

મૂળે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરનો વતની. માત્ર નવ વર્ષની માસૂમ કુમળી વયના બિલ્લુની નજર સામે તેના નિર્દોષ માતા પિતાને જ્ઞાતિવાદના દંગામાં ઘાતકી રીતે રહેંસીને મારી નાખવામાં આવ્યાં હતા. એ કાળજું કંપાવતું લોહિયાળ દ્રશ્ય બિલ્લુની રગેરગમાં નાસૂર બની રક્તકણ સાથે વણાઈ ગયું હતું. એ પછી બિલ્લુએ નીડરતાથી કોઇપણ અન્યાય સામે લડી લેવાનો ભેખ લઇ લીધો. નાની મોટી ગુનાહિત પ્રવૃત્તિ કરતી ટોળકીનો સાથીદાર બની ગયો. એકવાર એક જવેલર્સને ત્યાં ધાડ પાડતાં આશરે પચાસેક લાખનો માતબર મુદ્દા માલ હાથ લાગ્યો. મિલકતની સરખેભાગે વહેંચણીની બાબતમાં તેના ગેંગ લીડર મુસ્તાક અહેમદ સાથે ઉગ્ર બોલાચાલી થતાં બિલ્લુની કમાન છટકતાની બીજી જ સેકન્ડે ગરમ ખૂનમાં આવેલાં ઉભરાથી ઉશ્કેરાઈને સાત ઇંચના રામપુરી ચપ્પુના બેરહેમીથી ઘા મારીને ઘડીકમાં બાહુબલી જેવા મુસ્તાકના શરીરને ચારણીની માફક વીંધીને લોહીલોહાણ કરી નાખ્યું, ધૂળમાં તરફડીયા મારતાં મુસ્તાકના દેહને જોતાં બાકીના બે સાગરીતો તો થરથર કાંપતા જીવ બચાવવા ઊભી પૂછડીએ ભાગી છુટ્યા અને એ પછી બિલ્લુ કાયમ માટે મિર્ઝાપુર છોડીને ભાગી છુટ્યો.. શહેર તરફ.
ત્યારે તેની ઉંમર હતી માત્ર સત્તર વર્ષ. મૂંછનો દોરો ફૂંટે એ પહેલાં મર્ડર કરવાની માસ્ટરી મેળવી લીધી.

બે-પાંચ વર્ષ શહેરમાં કંઇક ઠોકરો સાથેની રખ્ખ્ડપટ્ટી બાદ બિલ્લુનો ભેટો થયો શહેરની ભાગોળે આવેલાં પછાત વિસ્તારના સફેદ ખાદીધારી વસ્ત્રોની આડમાં તે વિસ્તારના તમામ ક્રિમીનલ ગતિવિધિ પર એક હત્થું સત્તા ધરાવતા નગરપાલિકાના કોર્પોરેટર બબ્બનરાવ કદમ સાથે... અને તે પછી બિલ્લુની તકદીરના પાસા એવા પોબારા પડ્યા કે બિલ્લુ ખુદ આજે એમ.એલ.એ. બની ગયાંની સાથે સાથે શહેરમાં તેના નામના ડર અને ભય માત્રથી અંધારી આલમમાં કરોડો રૂપિયાના સોદાની ઉથલપાથલ થઇ હતી, અને તેની ધાકના દહાડના પડઘા છેક દિલ્હીની રાજકારણીઓના કાન સુધી પડતાં. પણ બિલ્લુનો એક જ સિદ્ધાંત હતો તેની અપરાધિક દુનિયામાં ક્યારેય અજાણતાં પણ, કોઈ મજબુર કે લાચારને અન્યાય ન થવો જોઈએ.

સત્તર વર્ષની ઉંમરે ઘવાયેલા આત્મસન્માન માટે કરેલા પ્રથમ ઘાતકી ગુન્હાને અંજામ આપ્યાં પછી આજે જીવ હથેળીમાં લઈને શાખ, સત્તા અને અઢળક સંપતિ સાથે ભયના સામ્રાજ્ય પર બિરાજતા બિલ્લુએ વીસ વર્ષ પસાર કરી નાખ્યાં હતાં.


આ તરફ....
જીવનસાથી કરતાં’યે જીવથી વધુ વ્હાલી સપના સાથેના બે ખોળિયા અને એક પ્રાણ જેવા પુણ્યાનુબંધ પૂર્વાપર સંબંધ પર ગજેન્દ્રએ તેની આંધળી કામુકતાથી કરેલા નિર્લજ્જ પ્રયાસના કુઠારાઘાતના આઘાતની કળ હજુએ ઇન્દુને નહતી વળતી.
સંઘરેલા સિક્કા જેવી તેના સુખદુઃખની એક જ સાથી હતી, તેની નજર સામે પણ ઇન્દુની આબરૂ બે કોડીની થઇ ગઈ, તેના કરતાં પણ વધુ દુઃખ ઇન્દુને એ વાતનું હતું કે, આશરાની આશા લઈને આવેલી સખીની જાકારો જેવી વિદાય વેળાએ સાંત્વના અને આશ્વાસનના ઠાલા બે બોલ પણ ન બોલી શકી.

સાંજના પાંચેક વાગ્યાની આસપાસ ગજેન્દ્રનો કોલ આવ્યો એ જાણવા માટે કે, સપનાએ ઇન્દુ જોડે તેના કારસ્તાનની કોઈ કથા કરી છે, કે નહીં.

‘હેલ્લો ઇન્દુ.. આજે રાત્રે ડીનર માટે બહાર જઈશુ તું, હું અને સપના, તમે બન્ને તૈયાર રહેજો આઠ વાગ્યે.’

‘હલકટ, તું આવ તો તારી ગળચી દબોચી નાખું.’ મનમાં દાબેલી દાઝ સાથે મનોમન બોલ્યાં પછી ઇન્દુ બોલી..
‘મારું માથું સખ્ત દુઃખે છે, અને સપના તેની કોઈ ફ્રેન્ડને ત્યાં ગઈ છે, ક્યારે આવશે તે ખબર નથી.’
‘અચ્છા ઠીક છે.’
એમ કહી કોલ કટ કરતાં ઇન્દુના શાંત ટોન પરથી ગજેન્દ્રએ એવો તાગ લાગાવ્યો કે, સિચ્યુએશન અન્ડર કંટ્રોલ છે. પણ ઉઘાડી આંખે સપના સંગ સમાગમના શમણાં જોતા ગજેન્દ્ર મનોમન એવું બોલ્યો કે, સપનાને તેની વિશેષ વિકાર, ઉત્તેજક, કામુક દેહલાલિત્યનાનો અસલી પરિચય આપવા એકવાર તો હોટ સીટ બેસાડીને કામક્રીડાનો કરોડપતિ બનવું જ છે.

ઠીક સાજે સાતેક વાગ્યાં પછી ફેશ થઈને સપના આવી સોસાયટીની બહાર..
કકડીને ભૂખ લાગી હતી. રોડની સામેની તરફ તેના ફેવરીટ મેકડોનાલ્ડ ફૂડ સ્ટોર નજરે પડતાં ધીમે ધીમે બંન્ને સાઈડ જોતાં રોડ ક્રોસ કરીને આવતાં એન્ટર થઇ, મેકડોનાલ્ડના કાઉન્ટર સામે લાગેલી કતારમાં ઊભી રહી ગઈ. સપનાનું ધ્યાન આસપાસ રહેલી યંગ ગર્લ્સના ડ્રેસીસ પર હતું. હવે સપનાના દિમાગમાં જૈસા દેશ વૈસા વેશનો કોન્સેપ્ટ ઘુમરાઈ રહ્યો હતો. કેશ કાઉન્ટર પર મનગમતી વાનગીના ઓર્ડર સાથે પેમેન્ટ આપી, ટોકન લઈને ફરી ઊભી રહી બાજુની કતારમાં. જે રીતે લોકોનું ધ્યાન તેના તરફ જતું હતું એ જોતાં સપનાને ખ્યાલ આવી ગયો કે, શહેરમાં કોઈ નવું પ્રાણી આવ્યું છે. છેવટે મનોમન હસતાં ટ્રેમાં એક બીગ બર્ગર, ફ્રેંચ ફ્રાય સાથે ફૂલ સાઈઝ ચિલ્ડ કોક લઈ, ઉપરના ફ્લોર પર આવી કોર્નર તરફ ગ્લાસની વોલને અડીને આવેલાં ટેબલ પર પાસે બેસી બહારનું દ્રશ્ય જોતાં જોતાં ફ્રેંચ ફ્રાયનો ટેસ્ટ કરતાં જાતને પૂછ્યું..

‘કઈ દિશા તરફ જઈ રહી છે, સપના ?
અડાબીડ જંગલની માફક દિનરાત ચોતરફ વિસ્તરતાં કોન્ક્રીટ જંગલ જેવા મહાનગરમાં ટાઈમ મશીનના ટકોરે યંત્રવત થઈને જોતરાઈ, વિશાળ માનવ મેદનીનો એક હિસ્સો બની જવું કે, પછી મનમરજી મુજબ ઘેટાં ચાલ જેવી મુખ્યધારાથી ફંટાઈને કોઈ નવીનતમ લક્ષ્યવેધને આકાર આપવા, ખુદના ચરિત્ર, ચિત્ત અને ચતુરાઈની મર્યાદામાં રહીને અલગ ચીલો ચાતરી, નવો સિલસિલો શરુ કરી એક અનેરા કીર્તિમાનના કોઈ યાદગાર કિસ્સાને અંજામ આપવો છે ? આ મહત્વના મુદ્દા પર સપનાના દિલ અને દિમાગ વચ્ચે તર્ક-વિતર્કનું દ્વંદ યુદ્ધ ચાલતું રહ્યું. અંતે કલાક પછી મેકડોનાલ્ડની બહાર નીકળીને ફ્લેટ સુધી પહોચતાં એવું નક્કી કર્યું કે, સૌ પહેલાં આ શહેરની તાસીર અને તૌર તરીકાથી વાકેફ થઇ જાઉં પછી કોઈ ઠોસ નિર્ણય પર આવીશ.

ફ્લેટ પર આવી, ચાવીથી ડોર ઓપન કરીને જેવી રૂમમાં એન્ટર થઇ ત્યાં, બેઠકરૂમના સોફા પર શોર્ટ હેયર, કમરથી એક વ્હેત ઊંચું પિંક કલરનું સ્લીવલેસ ટોપ અને બ્લેક કલરના છ ઈંચનું શોર્ટ પહેરીને અત્યંત કામુક અંગમરોડથી ભરપુર દેહલાલિત્ય સાથેની એક પચ્ચીસેક વર્ષની યુવતી સામેની વોલ પરના પચાસ ઇંચના ટીવી સ્ક્રીન પર કોઈ ઈંગ્લીશ વેબ સીરીઝ જોતાં જોતાં ચિલ્ડ બીયરના ઘૂંટડા સાથે ડ્રાયફ્રૂટના બાઈટીંગનો લુફ્ત ઉઠાવતાં સપના સામું જોઇને બોલી...

‘હેલ્લો..સપના ડાર્લિંગ...વેલકમ.’
‘હાઈ.. મીસ... ?
‘જયોતિ, જયોતિ શર્મા. આવ બેસ, તને નવાઈ લાગી હશે કે, હું તારા નામથી કઈ રીતે વાકેફ છું.’
જયોતિની સામે બેસતાં સપના બોલી..
‘ના..જરા પણ નહીં. કેમ કે, સમીરના કોન્ટેક્ટમાં આવ્યાં પછી એક વાત સિરિયસલી નોટ કરી કે, આ મહાનગરના મિજાજ અને માણસ સાથે મેચ થવું હોય તો, સૌ પહેલાં કોઈ અપરિચિતને મળતાં તેને મળ્યાંની મજાનો મર્મ સમજવો પડે.’
તેના બાંધેલા કેશને છુટ્ટા કરી એક ઝટકા સાથે જમણી તરફના ખભા પર લાવતાં સપના બોલી.

બાજુમાં પડેલા ડનહીલ સિગરેટના પેકેટમાંથી એક સિગરેટ સળગાવી, તેના રસીલા અને રંગીન હોઠ વચ્ચે દબાવી, ઊંડો કસ ખેંચ્યા પછી જ્યોતિ બોલી

‘ઇન્ટરેસ્ટીંગ, અહીં કારણ વગર કોઈ મરતાંની પણ ખબર નથી પૂછતું અને કોઈ કારણ વગર ખૂન પણ કરી નાખે. જિંદગી તમારી મજા લ્યે એ પહેલા જિંદગીની મજા લઇ લેવી જોઈએ.’

ટી.વી. નું વોલ્યુમ ધીમું કરી ટીપોઈ પર પર પર પગ ચડાવતાં જ્યોતિ બોલી..
‘તું બીયર લઈશ ?’ બીયરનો ગ્લાસ સપના તરફ જોતાં જ્યોતિ બોલી.
‘નો થેન્ક્સ.’ સપના બોલી..

‘મારા સિવાય, ડોલી, શબનમ અને રૂબીના અમે ચાર આ ફ્લેટ શેર કરીએ છીએ. નામ સૌના અલગ છે, પણ કિસ્મત અને કહાની એક સરખી છે. કોઈને તેની અંગત લાઈફથી કોઈ શિકાયત નથી. અહીં કોઈના પર કોઈનું કંઇક બંધન કે રોક ટોક નથી.
હું અને શબનમ બન્ને એક જ બેડરૂમ શેર કરીએ છીએ. ડોલી અને રૂબીનાના રૂમ્સ અલગ અલગ છે. તને જે બેડરૂમ આપ્યો છે, તે બિલ્લુની ગર્લફ્રેન્ડનો છે. પણ બિલ્લુના બેડલક, બેડ છે, પણ હજુ કોઈ ગર્લ ફ્રેન્ડ મળી નથી.’

ખડખડાટ હસતાં જ્યોતિ આગળ બોલી..
‘કિચન છે, પણ ભાગ્યેજ કોઈ ચાઈ, કોફી માટે યુઝ કરે છે, ઈચ્છા થાય તો.
બે-ચાર નાના મોટા એક્સપેન્સ સરખાં ભાગે શેર કરી લઈએ છે. અને ક્યારેક કોઈનો મૂડ ન હોય તો, તૂ.. તૂ.. મેં.. મેં.. થી શરુ થયલો ઝઘડો હાથાપાઈ સુધી પણ પહોંચી જાય. અમારાં ચારેય વચ્ચે તારું કે મારું એવું કશું નથી. કોઇપણ એક બીજાનું બધું જ શેર કરી શકે છે, અન્ડરગારમેન્ટથી લઈને બોય ફ્રેન્ડ સુધી.’

આટલું બોલી સિગરેટનો આખરી સુટ્ટો મારી સિગારેટના ઠૂંઠાને એશ ટ્રેમાં મસળી ખડખડાટ હસવાં લાગી.

‘બોલ, હવે નવાઈ લાગે છે ને ? આ છે આ શહેરની ધોળા દીવસે પણ આંખોને ચકાચોંધ કરતી રોશની પાછળની દિલ દહેલાવે તેવી કાળી અંધારી રાત જેવી કહાનીની અસલિયત.’ જ્યોતિએ પૂછ્યું..
‘પણ, હું એવું માનું છું જ્યોતિ, કે શહેરમાં પળે પળે ઘટતી કંઇક ઘટમાળની માળાનો આ એક તણખલાં જેવો મણકો છે. મુક્ત વિચાર સરણી અને રોજ નીતનવા આધુનિકતાના આવિષ્કાર સાથે સ્વતંત્રતા અને સ્વછંદતા જેવા મૌલિક અબાધિત અધિકારો સાથેની જીવનશૈલી જીવતાં મહાનગરના લોકો સામે જો અચરજ, આઘાત, આશ્ચર્ય લાગે તો એ વાત તમારી સંકુચિત માનસિકતાનો પરિચય આપે છે એવું હું માનું છું.’

‘તને કેટલા વર્ષ થયાં આ શહેરમાં આવ્યાં ?’ જ્યોતિએ પૂછ્યું.
‘વર્ષ નહીં, હજુ અડતાળીસ કલાક પણ નથી થયાં ? ઊભા થતાં સપના બોલી..

‘ઓહ્હ..પણ તારી સોચ અને વાત પરથી એવું લાગે છે કે, આ શહેરની તાસીરનો તાગ લાગવવા માટે તારું દિમાગ તેજ છે.’ જ્યોતિ બોલી ત્યાં જ બારણું ઓપન કરીને
શબનમ અને ડોલી ફ્લેટમાં એન્ટર થયાં.

શબનમે એક કોર્નરમાં તેની હેન્ડબેગનો કર્યો ઘા અને ફસડાઈને પડી સોફામાં અને ડોલી પણ તેની બાજુમાં બેઠી એટલે પરસ્પર એક્બીજાનો પરિચય આપતાં કહ્યું..

‘આ છે સપના ચૌધરી, બિલ્લુ બાદશાહના દરબારનુ એક નવું રત્ન. અને આ છે જેના પ્યારમાં ડોલી ઉઠવાના અરમાનમાં કંઇકની અર્થી ઉઠી ગઈ એવી મારી ડીલોજાન ડોલી ડાર્લિંગ અને આ છે શબનમ, જેના પાછળ અમારી સોસાયટીના સિક્યોરીટી ગાર્ડ થઇ લઈને બિલ્ડર સુધી સૌ શબનમના શબાબને માણવાના ખ્વાબમાં કંઇક વાર તેની સાફ સુથરી ઈમેજ ભૂલી પથારી ભીની કરી ચૂક્યાં છે.’

આટલું બોલતાં સૌ ખડખડાટ હસવાં લાગ્યાં. સપના શરમાઈ ગઈ, એ જોઇને શબનમ બોલી..

‘આ તો કંઈ નથી અમે જો એકવાર કોઈની મજાક ઉતારીએ તો, સામેવાળો કપડાં વગરનો જ ભાગી જાય.’

‘પણ, પેલીનું શું નામ ? હા, રુબીના કેમ નથી દેખાઈ હજુ ? સપનાએ પૂછ્યું.

‘ઓહ.. એ રુબીનાનો રૂઆબ તો કોઈ દુબઈના શેખની રાણી કરતાં ઓછો નથી. તેનું કંઈ જ નક્કી ન હોય. એ તો અહીંની બેન્ડિટ ક્વીન છે. કયારેય રાત્રે બે વાગ્યે, તો ક્યારેક વ્હેલી સવારે પાંચ વાગ્યે આવે અને તો કયારેક તો પંદરથી મહિનાઓ સુધી તેનો કોઈ પત્તો ન હોય. એ અમારી વિચિત્ર અને અલગારી અને ભટકતી આત્મા છે.’
એવું ડોલી બોલી.

શબનમ સામું જોઈ આંખ મારતાં જ્યોતિ બોલી..
‘પણ, શબનમ મને તો સપનાની સ્પીચ અને પીચ પરથી એવું લાગે છે કે, આ પીચ પર હજુ કોઈએ નેટ પ્રેકટીશ પણ નથી કરી લાગતી.’

ત્રણેય બેહદ મજાક કરી શાબ્દિક અને સાંકેતિક બિભત્સતાની બાઉન્ડ્રી વટાવે એ પહેલાં સપના તેના બેડરૂમમાં જતી રહી.

નિદ્રામાં સરતા સુધીમાં મીઠી મુંઝવણ સાથે મનોમંથન કરતાં સપના સોચતી રહી કે, કાલ્પનિક નહીં પણ વાસ્તવિક જીવનમાં વિશ્વની વસ્તી જેટલી સાત અબજ વાર્તા અથવા તેટલી જ સંખ્યાના જીવંત કિરદાર છે. કોણ, ક્યાં, કઈ રીતે, કઈ સ્થિતિ કે સંજોગનો શિકાર થઈ, મને કમને જીવનના રંગમંચ પર તેના ભાગે આવેલું પાત્ર કેમ ભજવતું હશે કોણ જાણે ? સામ સામા છેડે ઊભા રહેલા બે વ્યક્તિ જેમ 6 અને 9 ના આંકનો ભેદ પારખવામાં ભૂલ કરે છે, બસ એવું જ કંઇક છે, માનવજીવનના પરસ્પર એકબીજાની સુખ દુઃખની વ્યથાની વ્યાખ્યાનું.
કથા,વાર્તા, કહાનીઓ લખાતી નથી પણ કોઈકના જીવનનો સારાંશ છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ શબ્દ શણગારથી લખાયેલી કોઈ મહાગ્રંથ જેવી નવલકથાના કરુણરસનો ચિતાર, વાસ્તવિક જિંદગીમાં જીવાતી કરુણતા આગળ તો વામણો જ પડે.

બાવીસ વર્ષની ઉંમરમાં કંઇક કહાની વાંચી, કૈક પાત્રોનો પરિચય થયો પણ, છેલ્લાં ત્રણ અઠવાડિયામાં ચીમનલાલ, ગજેન્દ્ર, ઇન્દુ, સમીર અને આ ચાર યુવતીનો નજીકથી પરિચય થતાં જે જોયું, જાણ્યું અને સમજાયું એ તેની સામે બાવીસ વર્ષમાં વાંચેલી વાર્તાઓ પોકળ અને હાસ્યાસ્પદ લાગવાં લાગી.


સવારે... સાડા છ વાગ્યે ઉઠ્યાં પછી..કોઈને ખલેલ ન પડે તેમ ફટાફટ તૈયાર થઈને સાત અને પંચાવન મીનીટે સપના આવી પહોંચી ક્લાસીસ પર. સપના ફ્લેટ પરથી નીકળી ત્યારે જ્યોતિ બેઠકરૂમના સોફા પર જ સૂતી હતી અને ડોલી અને શબનમ તેમના રૂમમાં.

પાંચથી સાત મિનીટમાં મોર્નિંગ સેશનના સ્ટુડન્ટસ અને સ્ટાફ આવતાં તેમાંથી એક પચ્ચીસેક વર્ષની યંગ બ્યુટીફૂલ લેડીએ સ્માઈલ સાથે સપના તરફ હાથ લંબાવતા કહ્યું..
‘ગૂડ મોર્નિંગ, આર યુ મીસ સપના ?
‘વેરી ગૂડ મોર્નિંગ, યસ, આઈ એમ સપના, સપના ચૌધરી.’
હેન્ડશેક કરતાં સસ્મિત સપના બોલી
‘માય સેલ્ફ.. મોના. મોના ડી’સિલ્વા. પ્લીઝ કમ વિથ મી.
એમ કહેતાં સપના મોનાની સાથે ચાલવા લાગી.દસથી પંદર મીનીટમાં મોનાએ સપનાને તેનું કામ સમજાવીને તેના કામે વળગી. મોના ડી’સિલ્વા તમામ ક્લાસીસના સ્ટડીનું મોનીટરીંગ અને સ્ટાફ મેનેજમેન્ટનું કામ સંભળાતી હતી.

એક..બે..પાંચ..દસ..બાર એમ કરતાં કરતાં આજે સપનાને જોબ જોઈન કર્યાને પંદર દિવસ જેવો સમય પસાર થઇ ગયો. એ દિવસો દરમિયાન કયારેક ક્લાસીસ પર સરપ્રાઈઝ વિઝીટ જેવી ઉડતી મુલાકાત લેવાં આવતી સુબોધ બેનરજીની પત્ની, ચંદ્રપ્રભા સાથે પણ એકાદ-બે વાર ઔપચારિક પરિચય થયેલો. ઉંમરની ચાલીસી પાર કર્યા પછી પણ ચંદ્રપ્રભાની આભા અને પ્રતિભાનો ઓજસ સોળે કળાએ ખીલેલો હતો. અસ્સ્લમાં ચંદ્રપ્રભાનું મૂળ મનગમતું કાર્યક્ષેત્ર હતું, રાજકારણ. મહાવીર નગરની કોર્પોરેટર હતી. મહિલામંડળની પ્રમુખ, જાયન્ટ્સ ક્લબની પ્રેસિડેન્ટની સાથે સાથે નેશનલ લેવલનું એક એન.જી.ઓ.ની હેડ પણ હતી.

કો-ઓપરેટીવ સ્ટાફ અને ફેમીલીયર એટ્મોશ્ફીયરના કારણે સપના જોબને એન્જોય કરતી હતી. પણ કામ પ્રત્યેની પુરતી નિષ્ઠા સાથેની પ્રમાણિકતાના પ્રમાણમાં મળતું સાત હજાર જેવું નજીવું વળતર સપનાને ખૂંચતું હતું. કયારેક આર્થિક સંકડામણ વધતાં વિવિધ વિકલ્પના વિચારે ચડી જતી પણ અંતે વિચારવિમર્શના વર્તુળનું અંતિમબિંદુ, હતી ત્યાનું ત્યાં આવીને ઉભું રહી જતું. કારણ કે સવાલ આમદની સાથે સાથે આબરૂ પણ જાળવવાનો હતો. ‘એકલી છે ’ એ જાણીને એક રાતની જોબ આપવાં માટે બદનના કદરદાનની તો આ શહેરમાં કોઈ કમી જ નહતી.


ત્રણ દિવસ બાદ સેટરડે નાઈટ.. સપના ફ્લેટ પર એકલી જ હતી. સૌ રૂમ પાર્ટનર વીક એન્ડની મસ્તીને ભરી પીવા તેના ગ્રુપ સાથે નીકળી ગઈ હતી શહેરની બહારના રિસોર્ટ પર. મન્ડે મોર્નિંગ સુધી આવડાં મોટા ફ્લેટમાં સપનાએ જાત સાથે વાતો કરીને જાત સાથે જ અથડાવવાનું હતું.

એકલતાથી કંટાળતા, થોડીવાર રીડીંગ કર્યું, રીમોટ મચડી મચડીને ટી.વી.ની ચેનલ્સ ફેંદી મારી, મોબાઈલનું તો સપનાને સ્હેજે વળગણ હતું જ નહીં. અંતે શાવર લઇને ફ્રેશ થયાં પછી લાઈટ પિંક કલરનો સ્લીવલેસ ગાઉન પહેરી કિચનમાં જઈ તેના ટેસ્ટની મુજબની મસ્ત મસાલેદાર સ્હેજ મીઠી ચાનો ફૂલ સાઈઝનો મગ લઈને આવી બાલ્કનીમાં..ત્યારે સમય થયો હતો રાત્રીના અગિયાર વાગ્યાંને પિસ્તાળીસ મિનીટનો.

ટોવેલમાં બાંધેલા વાળને છુટ્ટા કર્યા પછી ટીપાં ટપકતાં ભીનાં કેશમાં હળવેથી હથેળી ફેરવતાં ચા ચુસ્કી ભરી ત્યાં.. સપનાને ભાસ થયો કે, કોઈ ફ્લેટનું બારણું ઉઘાડી રહ્યું છે. સ્હેજ ડર સાથે ઊભી થઇ મેઈન ડોર તરફ જોયું તો.. સપનાના ચિત્ત અને ચરણ સ્થિર થઈને ચોંટી ગયાં.

સાડા છ ફૂટની હાઈટ, ગોરો વાન, રેસલર જેવું કદાવર શરીર, મજબુત બાવળા, મોહિત કરતી માંજરી આંખો, તબલા વાદક ઝાકીર હુસેન જેવા કર્લી હેયર સ્ટાઈલ, કપાળમાં કેસરી તિલક, ગળામાં અંગૂઠાની જાડાઈ જેવડો ડાયમંડ જડિત ચેઈન, ડાબા હાથના કાંડામાં એથી’યે જાડાઈ વાળું સુવર્ણનું કડું, અને જમણા હાથના કાંડા પર સોનામાં મઢેલા રુદ્રાક્ષના મણકાની માળા વીંટળાયેલી હતી. સાઉથની ફિલ્મોના ભાઈલોગ જેવી ભરાવદાર મૂંછો અને કાળા કલરના પઠાણી ડ્રેસની વેશભૂષામાં તે પડછંદ કાયા ધરાવતાં વ્યક્તિને જોતાં જ સપનાના મોતિયા મરી ગયાં. માંડ માંડ એટલું જ બોલી શકી...

‘જી.. આઆ...આપ કોણ ?

એક તરફ મોજડી ઉતારી, સોફા પર બેસી, ડાબી તરફના ગજવામાંથી ઈમ્પોર્ટેડ રિવોલ્વર અને મોબાઈલ ટીપોઈ પર મૂકી, બન્ને હાથ સોફા પર ફેલાવી.પગથી માથા સુધી સપના પર એક નજર ફેરવીને તેના વિરલ વ્યક્તિત્વ કરતાં વજનદાર ઘુંટાયેલા દમદાર અવાજમાં બોલ્યો...

‘બલવંતરાય જોરાવરસિંગ યાદવ. પ્યાર સે લોગ ઇસ બંદે કો બિલ્લુ બનારસી બોલતે હૈ.’

‘મેરા એક કામ કરોગી ?

-વધુ આવતાં અંકે..