ડ્રીમ ગર્લ - 15 in Gujarati Novel Episodes by Pankaj Jani books and stories Free | ડ્રીમ ગર્લ - 15

ડ્રીમ ગર્લ - 15

                        ડ્રીમ ગર્લ 15

   માનવજીવન અમૂલ્ય છે. વ્યક્તિ બોલી શકે છે,  પ્રેમ કરી શકે છે, સંવેદના વ્યક્ત કરી શકે છે અને નવા નવા આવિષ્કાર કરી શકે છે. એ કોઈની રાહ જોઈ શકે છે અને કોઈક તો એની રાહ જરૂર જોતું હશે. કોઈકના જીવનનો એ જરૂર આધાર હશે. તો પછી કોઈ આત્યંતિક પગલું શા માટે ? સુખ અને દુઃખ જીવનના બે કિનારા છે. ક્યારેક નદીના પાણી સુખના કિનારા તરફ હોય, ક્યારેક દુઃખના કિનારા તરફ હોય. ક્યારેક બન્ને કાંઠે ઘૂઘવતા હોય. છતાં જીવન યાત્રાને આગળ ધપાવતા જ રહેવું પડે છે. છતાં કેમ કોઈ પળે માણસ હતાશ થઈ જાય છે ? નિરાશ થઈ જાય છે ? વ્યક્તિ પરનો, સમાજ પરનો, ઈશ્વર પરનો વિશ્વાસ ખતમ થઈ જાય છે. શું ધીરજ રાખવા થી, થોડો સમય પસાર થવા દેવાથી, થોડો પ્રયત્ન કરવાથી પરિસ્થિતિ બદલાશે નહિ ? જરૂર બદલાય.. કોઈ કર્મ કરીને આપણે જ કોઈ વિપરીત પરિસ્થિતિ ઉભી કરીએ છીએ. અને જ્યારે એ પરિસ્થિતિ આપણા કાબુ બહાર લાગે એટલે નાસીપાસ થઈ કોઈ આડુંઅવળું પગલું ભરી  લેવું ?
     આવા સમયે ખરેખર તો ધીરજની જરૂર હોય છે. જિગર આગળ વધ્યો અને એનો મોબાઈલ વાઈબ્રેટ થયો. જિગરે મોબાઈલ હાથમાં લીધો. મોબાઈલના સ્ક્રીન પર નોટિફિકેશનની પાછળ બા બાપુનો હસતો ફોટો હતો. જિગરને એવું લાગ્યું કે બાપુ કહી રહ્યા છે કે હું ગયો તો શું થઈ ગયું, મારો જિગર તો છે ને એની બાને સાચવવા વાળો.. હા બાની જવાબદારી હજુ એના માથા પર હતી. રેલ ગાડી ધડબડાટ કરતી આગળ વધી રહી હતી. એના ધડબડાટથી જિગરના આખા શરીરમાં એક કંપન થઈ રહ્યું હતું. વિચારોની શૃંખલા છીન્નભીન્ન થઈ ગઈ હતી. રેલ ગાડી આગળ નીકળી ગઈ હતી. ધીરે ધીરે એના અવાજની સાથે એનું કંપન પણ દૂર જઈ રહ્યું હતું.
     જિગર પાછો વળ્યો. જીપ માં બેઠો. હવે શું કરવું ? મનમાં અસંખ્ય ઓપ્શન પરથી એક ઓપ્શન પર એનું મન અટક્યું. એણે જીપ સ્ટાર્ટ કરી અને રવાના કરી ..

** ** ** ** ** ** ** ** ** **

   જિગર સવાર થવાની રાહ જોતો લોન્ગ ડ્રાઈવ પર જઈ આવ્યો અને લગભગ છ વાગ્યાની આસપાસ ગામમાં પ્રવેશ્યો. ગામમાં પણ હવે શહેરની થોડી અસર આવી ગઈ હતી. છતાં ખેતી કરનારા અને પશુપાલન કરનારા લોકોએ તો વહેલું ઉઠવું પડતું જ હતું. જિગર માસીના ઘરે પહોંચ્યો. માસા , જટાશંકર નાગર ચુસ્ત બ્રાહ્મણ હતા. શાસ્ત્રોનો અભ્યાસ કરી કર્મકાંડ અને પૂજાપાઠ એ એમનો વ્યવસાય હતો. સવારે સાડા ચાર વાગે ઉઠી, કોઈ પણ મોસમમાં ઠંડા પાણીએ ન્હાઈ, મંત્રોચ્ચાર સાથે એમનો નિત્યક્રમ ચાલુ થતો. જિગરને ઘણી વાર વિચાર આવતો કે શિયાળાની ઠંડી માં પણ કોઈ ઠંડા પાણી એ કેવી રીતે ન્હાઈ શકે ? 
      જિગરે ઘરની બાજુમાં જીપ પાર્ક કરી. ગામડામાં આ એક વાત જિગરને ખૂબ ગમતી. વિશાળ આંગણા. બહાર સરસ લીમડો. એક બાજુ  ચાર ભેંસો અને બે ગાય. માસી, જયા નાગર. સ્હેજ નીચા, ભરાવદાર પરંતુ એકદમ ઉજળા. ક્યારેક એ ખૂબ રૂપાળા હશે. જીપનો અવાજ સાંભળી એ સ્હેજ આગળ આવ્યા. એમના હાથ છાણ વાળા હતા. જિગરને જોઈને એમનો ચહેરો ખીલી ઉઠ્યો. એમનો પ્રેમ જોઈને ક્યારેક જિગરને વિચાર આવતો કે પોતે એમનો દીકરો તો નથી ને ? પણ સત્ય એ છે કે પ્રેમ કરવા સંબધોની જરૂર નથી હોતી. 
    નવરાત્રિના કારણે વિષ્ણુ અને રીના હજુ સુતા હતા. વિષ્ણુ, 17 વર્ષનો માસીનો દીકરો , હજુ અભ્યાસ કરતો હતો. રીના , એ 22 વર્ષની માસીની મીઠડી છોકરી, બન્ને હજુ સુતા હતા. રીના, માસીની જેમ જ સ્હેજ નીચી પણ ખૂબ ઉજળી હતી. એકદમ રૂપાળી. અને એટલે જ 12 મા પછી એને કોલેજમાં મોકલવાની માસી એ ના પાડી હતી. પણ જિગરે એને એક્સ્ટર્નલ ફોર્મ ભરાવ્યાં હતા. અને પરીક્ષા સમયે પોતે જોડે જશે એવું માસી ને પ્રોમિસ આપ્યું હતું.
     " કેમ બેટા, આજે અચાનક, એ પણ સવાર સવાર માં ? "
     જિગરે હસતું મ્હો રાખી જવાબ આપ્યો.
     " અરે માસી, દોસ્તો જોડે રાત્રે ગરબા જોવા ગયો હતો. ત્યાંથી સીધો અહીં આવ્યો. ક્યાં છે રિનુડી. "
     " એ હજુ ઊંઘે છે. ભગવાન જાણે સાસરીમાં જઇ શું કરશે. "
    " માસી ચિંતા ના કરશો. બધું થઈ રહેશે. "
    " તું બેસ, હું તારા માટે કંઈક લાવું. "
    માસી ફટાફટ હાથ ધોઈ. ગરમ ગરમ દૂધ અને બાજરીના રોટલા પર માખણ મૂકી લઈ આવ્યા. જિગર શહેરની બ્રેડ સાથે રોટલાને સરખાવી રહ્યો.
     રાતનો ઉજાગરો હતો એટલે જિગરને પણ ઉંઘ આવતી હતી. જિગર નાસ્તો કરી, અંદરના ઓરડામાં જઇ સુઈ ગયો. જિગરના મનમાં વિચાર આવ્યો કે હદયભગ્ન જરૂર થયું છે. પણ સામે આટલા પ્રેમ કરનારા લોકો પણ તો છે.
    જિગરને ઉંઘ આવતી હતી. નિલુ પગમાં ઝાંઝર પહેરી રુમઝુમ કરતી આવતી હતી. નિલુ પાસે આવી. એની મદહોશ સુગંધ જિગરને મદહોશ કરતી હતી. ત્યાં જ નિશિધ આવ્યો અને નિલુને ઉઠાવીને ચાલ્યો ગયો. પોતે એની પાછળ દોડતો હતો. પણ નિશિધની સ્પીડ વધતી જતી હતી. નિશિધ એનાથી દૂર દૂર થતો જતો હતો. આખરે નિશિધ નિલુને લઈ આંખોથી ઓઝલ થઈ ગયો.....

** ** ** ** ** ** ** ** ** ** **

    જિગરની આંખ ખુલી ત્યારે અગિયાર વાગી ગયા હતા. મનમાં ઉચાટ હતો. એ જ દુનિયામાં પાછા  જવાનું હતું. અને એ જ દુનિયામાં જીવવાનું પણ હતું. પણ કેવી રીતે ? કંઈ સમજાતું ન હતું. 
    રીના.... રીના ચ્હા લઈ ને આવી. જિગર રીનાને જોઈ રહ્યો.
   જિગર એના મનોભાવ છુપાવવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ એમ બધા ભાવ છુપાવવા શક્ય ન હતા. રીના ને થોડો અંદાજ આવી ગયો હતો.
    " શું થયું જિગર ? "
    " કંઈ નહીં. "
    " હું તારા ચહેરા ને વાંચી શકું છું. "
    " ક્યાંક નિરાંતે એકલામાં વાત કરીશ. "
              
                                           ( ક્રમશ : )

27 જાન્યુઆરી 2021

   


Rate & Review

Vilas Dosi

Vilas Dosi 19 hours ago

Anish Padhiyar

Anish Padhiyar 2 weeks ago

Kismis

Kismis 3 weeks ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 4 weeks ago

Virat Sales

Virat Sales 4 weeks ago