ડ્રીમ ગર્લ - 20 in Gujarati Novel Episodes by Pankaj Jani books and stories Free | ડ્રીમ ગર્લ - 20

ડ્રીમ ગર્લ - 20

                      ડ્રીમ ગર્લ 20

     " અમી, એ પહેલી યુવતી હતી જેને જોઈને મેં મારું ધૈર્ય ગુમાવ્યું હતું. હદય બેચેન હતું. હું એને ગુમાવવા માંગતો નહતો. એવું નથી કે એનાથી સુંદર યુવતીઓ મેં જોઈ નથી. પણ એનામાં કોઈ એક અલગ તત્વ હતું જે મારા સમગ્ર અસ્તિત્વને જકડી રાખતું હતું. એ એકવાર કહે કે એ મારી છે તો હું એના ઉપર આંધળો વિશ્વાસ મુકું, પણ એ બીજા કોઈની થાય તો ? અમી, કદાચ તું નહિ સમજે કે જેને ચાહિયે એને ગુમાવવાનો ડર શું હોય છે. "
     છેલ્લા પોણા કલાકથી અમી જિગરની નિલા ને જોયા પછીની વાતો સાંભળી રહી હતી. અમી વિચારતી હતી, ચાહેલી વ્યક્તિને ગુમાવવાનું દુઃખ હું ના સમજુ એમ કેમ બને ? જિગર મેં પણ તને ખૂબ ચાહ્યો છે. પણ દુઃખનો ઘૂંટડો તે નથી પીધો, મેં પીધો છે. મનના વિચારો ને મનમાં જ દફનાવી અમી સ્વસ્થ થઈ. અમી કંઈક બોલે એ પહેલાં રૂમમાં નિલા ધસી આવી. એના ચહેરા પર ગુસ્સાની સાથે કંઇક વ્યન્ગના ભાવ હતા. એક પળ જિગરને એવું લાગ્યું કે અમીની હાજરીનો નિલા કોઈ ખોટો અર્થ ના કાઢે.
     " જિગર મેં તારી વાત સાંભળી, જા આજે હું તને વચન આપું છું કે મારા જીવનમાં કોઈ પુરુષ નહી આવે, તું સલામત છે. ડરીશ નહિ.. પણ મારું હદય હજુ ખાલી છે. તાકાત હોય તો તારું સ્થાન કરી બતાવ.. અને જાહેરમાં ગરબા રમનાર પર શંકા કરનાર, પોતાની રૂમ પર કોઈ યુવતી સાથે શું કરી રહ્યો છે ? "
     અમી સમજી ગઈ કે નિલાનો ઈશારો એની તરફ હતો...
    " નિલા, તું મારા ઉપર શક કરે છે ? "
    " ના અમી, હું શક નથી કરતી. પણ જિગરને એ બતાવવા માગું છું કે વિશ્વાસ શું હોય છે. "
    એક વાવાઝોડું મૂકીને નિલા ચાલી ગઈ. અમી જિગર તરફ આગળ વધી...
    " સોરી જિગર. મારા કારણે તારે આટલું સાંભળવું પડ્યું. "
    " ના અમી, તારો તો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તારા કારણે આજે નિલા એ કહ્યું કે એના જીવન માં કોઈ નથી. હું એના પર વિશ્વાસ મૂકીને એની રાહ જોઇશ. થેન્ક્સ અમી.. થેન્ક્સ. "
    " જિગર એક વાત પૂછું ? "
    " એક નહિ દસ વાત પૂછ. "
    " દસ નહિ એક જ. કદાચ હું તારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકતી તો તું શું કરતો ? "
    જિગર અમી તરફ જોઈ રહ્યો.
    " અમી તને જોઈ ત્યારે આ દિલ કોઈને અપાઈ ગયું હતું. તું ખૂબ જ સુંદર છે. હું ઈચ્છીશ કે તું ખૂબ સુખી રહે. "
    " જિગર , નિલાની પહેલાં હું તને મળતી તો ? સાચો જવાબ આપજે. "
    " તો કદાચ નિલાની જગ્યા એ હું તારી પાછળ પાગલ હોત. "
    " થેન્ક્સ.... "
** ** ** ** ** ** ** ** ** ** ** **

    નિલાના શબ્દો જિગરના હદયમાં ઘુમરાતા હતા. એના જીવનમાં કોઈ નથી. હાશ... પણ હવે શું ? નીચે ગરબા ચાલુ થઈ ગયા હતા. જિગર ઉઠીને બાલ્કનીમાં ગયો..
    મોર કો ધ્યાન લગ્યો ઘનઘોર.....
    પનિહારી કો ધ્યાન લગ્યો મટકી ...
    મન જ્યાં લાગે એના સિવાય શું દેખાય ? નિલા, પછી અમી અને પછી નિશિધ ગરબા રમતા હતા. નિશિધે નિલાથી એક અંતર બનાવી લીધું હતું. એ નિલાના મનની વાત સમજી ગયો હતો. નિલાના હદયમાં પોતાનું કોઈ સ્થાન ન હતું. અને પરાણે એ સ્થાન બનાવી શકાવાનું ન હતું.  જિગર એની એક એક લયકારી, લચક, લ્હેકાને માણી રહ્યો. નિલાની આછી નજર જિગરની બાલ્કની પર જતી અને એ નજર ફેરવી લેતી. ક્યારે નાસ્તાનો બ્રેક પડ્યો એ જિગરને ખબર ના પડી. ગરબા અટક્યા અને જિગરનું ધ્યાનભંગ થયું...

     અમીની આંખો સમક્ષ ભૂતકાળ કોઈ ફિલ્મની જેમ દ્રશ્યમાન થતો હતો....

** ** ** ** ** ** ** ** ** **

     જિગર સાયકલ પરથી નીચે પડ્યો. જિગરને એટલું જરૂર સમજાયું હતું કે કોઈએ એની સાયકલને ધક્કો માર્યો હતો. જિગરને એક આઘાત લાગ્યો હતો. કોઈ આમ અચાનક એના ઉપર હુમલો કરે એ એના માન્યામાં આવતું  ન હતું. હજુ એ કંઈ સમજે એ પહેલાં બે માણસ ધસી આવ્યા, એક માણસે એને પકડ્યો અને બીજા માણસે એની જડતી લીધી. અને સેકન્ડોમાં એ લોકો ભાગી ગયા. જિગર કંઈ સમજે એ પહેલાં આખી ઘટના ખતમ થઈ ગઈ હતી. જિગરની શંકા સાચી પડી, પણ આવા હુમલાની એણે કલ્પના કરી ન હતી.
     જિગર પાસેથી એ  લોકોને કંઈ મળ્યું ન હતું. પણ જિગરને ભયંકર ગુસ્સો આવતો હતો. એનું પુરુષાતન એને લજવતું હતું. કોઈ આમ એના ઉપર હુમલો કરી જાય અને એ કાંઈ ના કરી શકે ? હવે એલર્ટ રહેવું પડશે ? જિગરે સાયકલ ઉભી કરી. કપડાં સરખા કર્યા અને સાયકલ ઘર તરફ રવાના કરી....
     આછું અજવાળું થવાની તૈયારી હતી.. સોસાયટીની સામે રોડની પેલી બાજુ એક માણસ બેઠો બેઠો બીડી પીતો હતો. બાજુમાં કોઈ ઢાંકેલી લારી હતી. કદાચ ફ્રુટ કે શાકભાજી કે રમકડાંની લારી હોઈ શકે. એક ફાટેલી પથારી પર એ બેઠો હતો. થોડે દુર બીજો માણસ ચાદર ઓઢી સૂતો હતો. એની બાજુમાં મોચી સામાન રાખવા રાખે એવી મોટી લાકડાની  પેટી પડેલી હતી. આમાં કોઈ ને કંઈ જ શંકાસ્પદ લાગે એમ ન હતું. પણ જિગર માટે આ શંકાસ્પદ જરૂર હતું...

** ** ** ** ** ** ** ** ** **

   જિગરની કોણી થોડી છોલાઈ હતી. અને ખભા પર બેઠો માર વાગ્યો હતો. જિગરને એક વાત જરૂર સમજમાં આવી હતી કે મામલો ઘણો જ ગંભીર લાગે છે અને એ વ્યક્તિ પર જે લોકો એ એટેક કર્યો, એ લોકો જિગર પર પણ કંઇક ડાઉટ કરી રહ્યા છે. જિગર સીધો ન્હાવા જતો રહ્યો. હજુ હોસ્પિટલમાં જવાનું હતું. ન્હાઈને જિગર બહાર આવ્યો. એની માતા પૂજા કરીને નાસ્તો ટેબલ પર મૂકીને બેઠા હતા. જિગરની મનપસંદ ચ્હા અને સેન્ડવીચ તૈયાર હતા. જિગરે સેન્ડવીચ અને ચ્હાનો કપ હાથમાં લીધો અને એની નજર માતા ઉપર પડી. માતા રેણુકાની આંખોમાં પ્રશ્નો હતા અને એ પ્રશ્નો પાછળ ચિંતાના ભાવ ડોકાતા હતા.
    " જિગર, તારા પપ્પાના ગયા પછી, મારા જીવનનો શ્વાસ કે આધાર તું જ હતો. તારા માટે જ આ ખોળિયું હજુ ટકી રહ્યું છે. એટલે કંઈ પણ કરતાં પહેલાં આ મા ને યાદ રાખજે. "
     " મા, હું કંઈ પણ એવું નહિ કરું કે તારી આશા કે અરમાનોને નુકસાન થાય. પણ મા મેં જે કંઇ કર્યું એ મારા  ધર્મનો એક ભાગ હતું. અને કોઈ નિર્દોષનો જીવ બચાવવો એ ગુન્હો છે. "
    " એક માને માટે આવું વિચારવું મુશ્કેલ હોય છે "
    " મા, તું ભગવદ ગીતાના પાઠ કરે છે અને આટલી ડરે છે. મારા પિતા મૃત્યુ પામ્યા. મને ખુબ દુઃખ થયું હતું. એ માણસ પણ કોઈનો પિતા છે. તું જ કહે મા, હું શું કરું ? "
     રેણુકાને એક પળ એવું લાગ્યું કે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછી રહ્યો છે. અને રેણુકા એ જવાબ આપ્યો.
     " જિગર, તારું કર્મ કર. મારા આશીર્વાદ તારી સાથે છે. "

** ** ** ** ** ** ** ** ** ** **

       હોસ્પિટલના પાર્કિંગમાં જીપ પાર્ક કરી જિગર બહાર નીકળ્યો. એના કાને એક મધુર અવાજ ગુંજતો હતો... આઈ એમ પ્રિયા... પ્રિયા રહાણે.....

                                     
                     (ક્રમશ:)

06 ફેબ્રુઆરી 2021
      


Rate & Review

SAV

SAV 2 weeks ago

Heena Suchak

Heena Suchak 4 weeks ago

Sukesha Gamit

Sukesha Gamit 1 month ago

Vishwa

Vishwa 1 month ago

jinal parekh

jinal parekh 2 months ago