Ghar - 11 books and stories free download online pdf in Gujarati

ઘર - (ભાગ-૧૧)




“એને માનવું જ પડશે. હું નથી ઇચ્છતી કે મારાં લીધે એ પોતાનાં જીવનમાં આગળ ન વધે.”પ્રીતિએ પોતાનાં આંસુ લૂછયાં અને અનુભવને મેસેજ કર્યો, “આજે રોંઢે પાંચ વાગે મને ગ્રીન પાર્કમાં મળ.”


સાડા ચાર વાગ્યે પ્રીતિ અને નિધિ ગ્રીન પાર્કમાં પહોંચ્યા. ત્યાં જઇ નારીયેલીના સામેની બેંચે બેઠાં.પાર્કમાં ચારેય બાજુ હરિયાળી હતી,મોટાં- મોટાં વૃક્ષો પોતાની છાયા અને ઠંડક આપતાં અડીખમ ઉભા હતાં અને રંગબેરંગી ફુલો પોતાની સુગંધ ફેલાવી પાર્કને મહેકાવી રહ્યાં હતાં.પાર્કનું વાતાવરણ આટલું ખુશનુમાં હતું છતાં પણ આજે પ્રીતિને કંઇક અજીબ પ્રકારની ઘુંટનનો અહેસાસ થતો હતો.

પ્રીતિનું ધ્યાન પાર્કની સામેનાં ઘર ઉપર પડ્યું. ત્યાં પેલાં દંપતી તે દિવસની જેમ જ હીંચકે બેઠાં હતાં. તેણે વિચાર્યું, “હજી હમણાં તો મેં અને અનુભવે અમારાં ઘરનાં સપનાં જોવાનું ચાલું કર્યું હતું અને આટલી જલ્દી મારે જ એ સપનાઓને હંમેશા માટે સમજોતાનાં પિટારામાં બંધ કરી દેવાં પડશે.”

“પ્રીતિ, શું તું સાચે જ આ કરવાં માંગે છે?”નિધીએ પૂછ્યું.

“મારી પાસે બીજો કોઇ જ ઉપાય નથી.”

“તું વાત તો કરી જો.કદાચ કંઇ રસ્તો નીકળે.”

“હું અનુભવને સારી રીતે ઓળખું છું. જો હું એને સાચી વાત જણાવી દઇશ તો એ મને ક્યારેય ભુલી પણ નહીં શકે ન ક્યારેય ભુલવાનો પ્રયત્ન કરે.”

“ઠીક છે.” નિધીએ કહ્યું.

અનુભવ પોણા પાંચની આસપાસ ગ્રીન પાર્કમાં પહોંચ્યો. તેણે પોતાની જગ્યા પર પ્રીતિની સાથે નિધીને જોઇ.

“અરે, આ નિધિ શું કરે છે અહીં?નક્કી કંઇક વાત હશે.મને લાગે છે કે મારી સાથે કોઇ પ્રાન્ક કરવાનો પ્લાન હશે. કઇં વાંધો નહીં ભલે કરી લે. આપણે પણ ક્યાં કાચા ખેલાડી છીએ.”અનુભવે વિચાર્યું.

પ્રીતિનું ધ્યાન અનુભવ ઉપર પડ્યું. તેણે નિધીને ઇશારો કરી પોતાને પ્રશ્ન પુછવાં કહ્યું.

“પ્રીતિ, શું તું સાચે જ અનુભવને છોડવા માંગે છે?”નિધીએ પુછ્યું.

“હા, આ મારો છેલ્લો નિર્ણય છે.”પ્રીતિએ કહ્યું.

તેઓને સાંભળી રહેલ અનુભવનાં કાને પ્રીતિનાં આ શબ્દો પડતાં એ સ્તબ્ધ બની ગયો.

“તો શું તું એને બધું સાચું કહી દઇશ?”નિધીએ પૂછ્યું.

“અરે, શું તે મને પાગલ સમજી છે કે હું એને બધું સાચેસાચુ કહી દવ?”

“તો શું કહીશ?”

“હું એને કહીશ કે મારી પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી.જો વધારે કંઇ પુછશે તો કહી દઇશ કે સુમિત અંકલે મારાં પપ્પાને ચોખ્ખું કહ્યું છે કે જો હું કિરણ સાથે લગ્ન નહીં કરું તો તેઓ મારાં પપ્પાને નોકરીમાંથી કાઢી મુકશે અને અમારું ઘર પણ પોતાનાં કબજામાં લઇ લેશે.”પ્રીતિએ બેફિકરાઈથી કહ્યું.

“એ માનશે?”

“શા માટે ન માને?બે-ચાર આંસુ પાડીશ,થોડો ઘણો ઈમોશનલ ડ્રામાં કરીશ એટલે જરૂર માનશે.”

“પણ તું અનુભવને શા માટે છોડસ?”

“જો તને કિરણની આવક વિશે ખબર હોત ને તો તું આ સવાલ જ ન પુછત.”

“ એટલે?”

“નિધિ, કિરણનાં પપ્પા આપણાં શહેરનાં ટોપ બિઝનેસમેનમાનાં એક છે. કિરણ પણ એ ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે.જો મારાં લગ્ન કિરણ સાથે થઇ ગયા તો મારાં બધાં જ સપનાં થોડાં સમયમાં જ પુરાં થઇ જશે,જે કદાચ અનુભવ ક્યારેય પણ ન કરી શકત.”

આ બધું સાંભળી અનુભવ ત્યાં આવ્યો. અનુભવને જોઇને પ્રીતિ અને નિધિ બંનેએ ચોંકી જવાનો દેખાવ કર્યો.

“અનુભવ, તું ક..ક્યારે આવ્યો?”પ્રીતિએ પુછ્યું.

“તમે બંને મારી સાથે મજાક કરો છો ને?”અનુભવે હસવાનો પ્રયત્ન કરતાં કહ્યું.

“આઇ થિંક મારે હવે જવું જોઇએ.”એટલું કહી નિધિ ત્યાંથી ચાલી ગઇ.

“હેય, તું મારી સાથે પ્રાન્ક કરે છે ને?આ બધું જે હમણાં તું બોલી એ તમારાં મજાકનો જ એક ભાગ હતો ને?”અનુભવે લાગણીભીનાં સ્વરે પુછ્યું.

પ્રીતિએ અનુભવનો હાથ પકડ્યો અને જાણે પોતાનો બચાવ કરતી હોય તેમ કહ્યું. “હા, અનુભવ.આ એક મઝાક જ હતો. હું થોડી તને છોડવાં માંગુ છું.એ તો કિરણનાં પપ્પાએ મારાં પપ્પાને અમારું ઘર લઇ લેવાની ધમકી આપી એટલે મારે મજબૂરીમાં કિરણ જોડે લગ્ન કરવાની હા પાડવી પડી.”

અનુભવે પ્રીતિની આંખોમાં જોયું અને કહ્યું, “પ્રીતિ,હવે તો જૂઠું ના બોલ. મેં તમારી બધી વાતો સાંભળી લીધી છે.”

“અનુભવ, તું વિચારે છે એવું કંઇ જ નથી. હું તો …”

અનુભવે પ્રીતિની વાત વચ્ચેથી જ કાપી નાખી અને હતાશ થઇને કહ્યું, “આઇ ટ્રસ્ટેડ યુ.આપણે અહીં જ,આ જ બેંચે બેસીને આપણાં ઘરનાં સપનાં જોયાં હતાં. શું તું ભુલી ગઇ એ?”

પ્રીતિ કઇ બોલી નહીં તેથી અનુભવે ફરીથી પુછ્યું, “તું ચુપ કેમ છો? તારાં મૌનને હું શું સમજુ?”

અનુભવનો અવાજ સહેજ ઉંચો થઇ ગયો. “તારી પાસે મારાં સવાલોનો જવાબ નથી કે પછી સવાલ-જવાબ કરવાનો હક તે બીજા કોઇને આપી દીધો?”

“જો અનુભવ, હવે તને ખબર પડી જ ગઇ છે તો સાંભળી લે, મેં મારી મરજીથી જ આ લગ્ન માટે હા પાડી છે.”

“પ્રીતિ,તને હા પાડતાં પહેલાં એક વાર પણ મારો વિચાર ન આવ્યો?”

“અનુભવ, તું જ વિચાર. કિરણને ના પાડવાનું કોઇ કારણ હતું મારી પાસે?અને રહી વાત મારાં સપનાની તો એ સપનું કિરણ પુરું કરી દેશે.પણ તું ચિંતા ન કરતો. તારા ઘરનું સપનું પુરું કરવાં માટે તને પણ મારાં કરતાં સારી છોકરી મળી જશે.”પ્રીતિએ કહ્યું.

“અરે, જે ઘરમાં મારો સાથ દેવાં તું જ ના હોય એવું સપનાનું ઘર મેળવીને હું શું કરીશ?”અનુભવે પુછ્યું.

“અનુભવ, આપણે આટલો સમય સાથે રહ્યાં એટલે હું તો ફક્ત તને છેલ્લી વાર મળવાં આવી હતી. હું હવે તારાં સવાલનાં જવાબ દેવાં બંધાયેલી નથી.બાય.”એટલું કહી પ્રીતિ ત્યાંથી જવા લાગી પણ અનુભવે તેનો હાથ પાછળથી પકડી લીધો અને રડમસ અવાજે પુછ્યું,

“વાય?”

પ્રીતિએ પોતાની આંખો બંધ કરી અને કહ્યું “કારણકે હું તારાં કરતાં વધારે સારો છોકરો ડિસર્વ કરું છું.”

પ્રીતિની આ વાત સાંભળી દુઃખી થયેલ અનુભવ બોલી ઉઠ્યો,“પ્રીતિ, તું તારી આ લાલચને લીધે ઘણું બધું ગુમાવી બેસીશ.”

પ્રીતિએ પોતાનો હાથ છોડાવતાં કહ્યું, “મને જવા દે.”

અનુભવે પોતાની પકડ વધારે મજબુત કરી અને રડમસ અવજે કહ્યું, “પ્લીઝ યાર, ન જા. આઇ નિડ યુ.”

પ્રીતિએ પોતાનો હાથ છોડાવ્યો અને કંઇ પણ બોલ્યાં વગર ત્યાંથી ચાલી ગઇ,કારણકે પોતાની આંખોમાં આવી ગયેલાં આંસુ રોકવાં હવે તેના હાથમાં ન હતાં.

અનુભવ દર વખતની જેમ નારીયેલીની સામે રહેલ બેંચે બેસી ગયો પણ આજે તે એકલો હતો,મનથી ભાંગી ગયેલો હતો, કારણકે તેને પોતાનાં સપનાનાં ઘરમાં જે ચહેરો દેખાતો હતો એ ચહેરો તેને તરછોડીને ચાલ્યો ગયો હતો.


( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)

અન્ય રચનાઓ : ૧) અભય (a bereavement story) (પૂર્ણ)