Pati Patni ane pret - 46 books and stories free download online pdf in Gujarati

પતિ પત્ની અને પ્રેત - ૪૬

પતિ પત્ની અને પ્રેત ૪૬

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૬

રેતાના આગ્રહને વશ થઇને રિલોકને નાગદાના ઘરમાં આવવું પડ્યું હતું. નાગદા અને જાગતીબેન નાગદાના ઘરમાં ગયા પછી રેતાથી રહેવાયું નહીં. તેને ગળા સુધી ખાતરી હતી કે વિરેન નાગદાના ઘરમાં જ હોવો જોઇએ. તેણે અગાઉ પણ ઘરમાં જતાં અટકાવી હતી. હવે આરપારની લડાઇ લડી લેવી છે. તેણે નક્કી કરે લીધું કે પતિને બચાવવા પોતાનું બલિદાન આપતાં ખચકાશે નહીં. જયનાના પ્રેતને એમની વચ્ચેથી દૂર કરીને જ રહેશે. માતાજીને પ્રાર્થના કરી કે અમારો પતિ-પત્નીનો જન્મોજનમનો નાતો હોય તો અમારી જોડીને ઉની આંચ આવવા દેશો નહીં.

રિલોક ખચકાતો હતો. તેને જાગતીબેનમાં વિશ્વાસ હતો. જ્યારે રેતાએ એકલા જવાની વાત કરી ત્યારે નાછૂટકે સાથે જવું પડ્યું. બંને અંદર પ્રવેશ્યા ત્યારે નાગદાનો ઉગ્ર અવાજ સાંભળીને ગભરાયા. તેમને થયું કે નાગદાના ઘરમાં પગ મૂક્યો છે એનો મતલબ વાઘની બોડમાં જ પ્રવેશ્યા છે. તેણે પ્રેત તરીકે અત્યાર સુધીમાં ઘણા ઝાટકા આપ્યા હતા. સારું છે કે હજુ સુધી જીવ લેવાનો પ્રયત્ન કર્યો નથી. તેની શક્તિઓને ઓછી આંકી શકાય નહીં.

જાગતીબેન નાગદાનો સવાલ સાંભળવા સાથે રેતા અને રિલોક તરફ પણ જોતા હતા. તેમને થયું કે આ બંને આવ્યા એનો વાંધો નથી પણ ચિલ્વા ભગત મારી સૂચનાને માન આપીને ના આવ્યા એ સારું થયું. તે શક્તિઓનો ઉપયોગ કરી શકે એમ વિચારીને જયનાનું પ્રેત ગુસ્સે થઇ શકે એમ હતું. અને બાજી બગડે એમ હતી. તેમણે એક નિર્ણય લઇ લીધો. હવે બધી વાત આમને-સામને કરી જ દેવી છે. નાગદા ભલે જયનાનું પ્રેત હોય પણ એનું શરીર તો મારી દીકરીનું છે. હું એનું ભલું જ ચાહતી હોય એ મારે સાબિત કરવાની જરૂર નથી.

વિરેનને આ બધું શું ચાલી રહ્યું છે એનો કોઇ અંદાજ આવતો ન હતો. તેને પોતાને શું થઇ ગયું હતું? તે કેટલા દિવસથી અહીં છે? આ સ્ત્રી કોણ છે? જેવા સવાલોના જવાબ શોધવાનો વિચાર એણે રેતા અને રિલોકને જોઇ પડતો મૂક્યો. એ બંને અહીં કેવી રીતે આવી ગયા હશે એવા વિચાર સાથે તેના દિલમાં ખુશીની લાગણી છલકાઇ. રેતાને જોઇને એના રોમેરોમમાં પ્રેમનો અભિષેક થયો. વિરેનને જોઇને રેતાનું મન પણ અનહદ ખુશીથી નાચી ઉઠ્યું. ત્યાં નાગદાનો વિચાર આવતાં તેની બધી ખુશી કપૂરની જેમ ક્ષણવારમાં ઉડી ગઇ. તેણે જાગતીબેન તરફ જોયું.

જાગતીબેન બાજી સંભાળતા બોલ્યા:"દીકરી, તારી સાથે કોઇ રમત રમવામાં આવી રહી નથી. આ તો કુદરતની રમત હતી. તને અન્યાય થયો હતો. તને પણ એક સ્ત્રી તરીકે જીવન જીવવાનો અધિકાર છે. જયના મારા માટે સ્વાલા જેવી બીજી દીકરી જ છે. બધા એકસાથે હાજર થઇ ગયા છે. હવે સાથે મળીને તારી ઇચ્છા પૂરી કરીશું..."

જાગતીબેનની વાત સાંભળીને નાગદાના ચહેરા પર આશાનો સંચાર થયો. તે બોલી:"તમે સરખી વાત કરો તો મને સમજાય કે મારે તમારી સાથે કેવી રીતે કામ લેવાનું છે."

નાગદાના સ્વરમાં વિનંતી સાથે એક ગર્ભિત ચેતવણી હતી એનો બધાને ખ્યાલ આવી રહ્યો હતો. આખરે તો એ એક પ્રેત જ હતું. જાગતીબેન જો કોઇ ઉપાય નહીં કરી શકે તો કોઇ જીવતું પાછું ના ફરે એમ પણ બની શકે. પ્રેતનો ભરોસો કરી શકાય નહીં. તેનો સામનો કરવાની શક્તિ કોઇ માનવી પાસે નથી એ બધા જાણતા હતા. ગુરૂ દીનાનાથે પોતાની મર્યાદાઓ જણાવી એ બાબતનું ભાન કરાવી જ દીધું હતું. બધાંએ અત્યારે ચૂપ રહેવામાં જ સલામતિ સમજી હતી.

"જુઓ..." બધાંને સંબોધન કરતાં જાગતીબેન બોલ્યા:"આ મારી છોકરી છે... એ અત્યાર સુધી આપણાને નાગદા તરીકે ઓળખાવતી આવી છે. અસલમાં એ સ્વાલા છે. અને સ્વાલા પર જયનાના પ્રેતનો કબ્જો છે. જયનાની લગ્ન કરવાની ઇચ્છા હતી એ આપ સૌ જાણો છો. સંજોગો એવા સર્જાયા અને કુદરતને કદાચ બીજું જ કંઇ માન્ય હતું એટલે જયનાનું મોત થયું અને એ પ્રેત બની ગઇ. કમનસીબે એને સ્વાલા નજરે આવી. તેનું પ્રેત સ્વાલામાં આવી ગયું છે. હવે જયનાને ફરી માનવરૂપમાં આવવું છે. એને લગ્નજીવન ભોગવવું છે. આપણે તેને મદદ કરવાની છે. એણે કોઇ પરિણીત પુરુષ સાથે લગ્ન કરીને એના બાળકની માતા બનવું પડે એમ છે. એ માટે એ કોઇ પરિણીત પુરુષની શોધમાં હતી અને વિરેનને ઉપાડી લાવી છે. તે વિરેન સાથે લગ્ન કરીને આગળનું જીવન જીવવા માગે છે. હવે હું મારી આગળની વાત કરું એ પહેલાં નાગદાએ વિરેન વિશે વાત કરવી પડશે..."

જાગતીબેનને એ જાણી લેવું હતું કે વિરેન સાથે તેણે કેવો વ્યવહાર કર્યો છે? લગ્ન તો કરી લીધા નથી ને?

જાગતીબેનની વાતનું અનુસંધાન કરતી હોય એમ નાગદા બોલી:"હા, હું વિરેનને ઉપાડી લાવી હતી. પરંતુ તે મારી સાથે લગ્ન કરવા તૈયાર થઇ રહ્યો ન હતો. કોઇને કોઇ વિધ્ન આવી રહ્યા હતા. તેની કારનો અકસ્માત કરાવીને હું ઉપાડી લાવી એ પછી તેની યાદદાસ્ત જતી રહી હતી. હવે જ્યારે એની યાદદાસ્ત પાછી આવી છે ત્યારે તમે બધાં અહીં આવી ગયા છો. જો મારા લગ્ન વિરેન સાથે ના થયા તો હું કોઇને છોડીશ નહીં. મેં બહુ તપસ્યા કરી છે. હવે મારી ઇચ્છા પૂરી કરીને જ રહીશ. આ સ્ત્રી મને એની મા તરીકે ઓળખાવી રહી છે એટલે મને એના માટે માન થયું છે. મને વિશ્વાસ છે કે એક મા તેની દીકરી માટે બૂરું ઇચ્છતી નહીં હોય..."

"ના બેટા, હું તારું ભલું જ ઇચ્છું છું. એટલે જ કહું છું કે તું સ્વાલાને છોડી દે..." જાગતીબેન પ્રેમથી વિનંતી કરતાં બોલ્યા.

"જો વળી પાછી એ જ જીદ? હું સ્વાલાને છોડીશ નહીં. જો એને છોડી દઉં અને તમે મને દગો આપો તો?" નાગદાને મનમાં વિશ્વાસ સાથે આશંકા પણ હતી.

"તારે સ્વાલામાંથી નીકળીને રેતામાં જવાનું છે..." જાગતીબેન એના જવાબમાં બોલ્યા એ સાથે જ બધાં ચમકી ગયા.

રેતાને થયું કે જાગતીબેન પોતાની દીકરીને જયનાના પ્રેતની ચુંગાલમાંથી બચાવવા માટે પોતાને હથિયાર બનાવી રહ્યા છે. મારું જે થવાનું હોય એ થાય પણ એમની દીકરી બચી જવી જોઇએ. તે મારા પતિને બચાવવાના નથી? માત્ર પોતાની દીકરીને પાછી મેળવવાનું આયોજન કરીને આવ્યા છે કે શું? એમની કોઇ મેલી મુરાદ છે?

રિલોકને જાગતીબેનની આ વાત સાંભળીને મનોમન ગુસ્સો આવી રહ્યો હતો. જાગતીબેન એટલે જ કોઇની મદદ લેવાની ના પાડતા હતા. અમે બધાં એમને આશરો આપીને એમની દીકરીને પણ બચાવવાનું વિચારતા હતા. ચિલ્વા ભગત અને ગુરૂ દીનાનાથ વિરેનને છોડાવવા સાથે સ્વાલાને બચાવવાનું મુશ્કેલ લાગતું હોવાથી ખસી ગયા હતા. રિલોકથી રહેવાયું નહીં. તે બોલી ઉઠ્યો:"જાગતીબેન, તમે આ શું કહી રહ્યા છો? તમારી પુત્રીને બચાવવા જયનાના પ્રેતને રેતામાં જવાની સલાહ આપી રહ્યા છો?"

વધુ સુડતાલીસમા પ્રકરણમાં...