journy to different love... - 30 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 30



(આગળ આપણે જોયું કે આલોક ઘરે આવે છે ત્યારે અભિજીત ભાઈ અને હેત્વીબહેન તેની સમક્ષ પોતાનો હંમેશ માટે ભારત રહેવાનો વિચાર રજુ કરે છે. જેમાં આલોક પણ પોતાની સંમતિ દર્શાવે છે. આલોક અને તેનો પરિવાર અમેરિકામાં બધી કાર્યવાહી પૂરી કરી હંમેશ માટે ભારત વસવાટ કરવા આવી જાય છે, જેને ઘણો સમય થઈ ગયો હોય છે. હવે આગળ...)
આમ, જેમ સમય વિતતો જતો હતો તેમા આલોક અને નીયા એક-બીજાથી દૂર થતા જતા હતા અને આ જ કારણથી આલોક અને પ્રિયંકા એક-બીજાની વધુ નજીક આવી ગયા હતા અને બંને જસ્ટ ફ્રેન્ડ માંથી ત્યારે બે પ્રેમી પંખીડા બની ગયા તેની તેઓને પણ ખબર ન પડી !

ડિસેમ્બરની કડકડતી ઠંડી હતી, આકાશ આછા ભુરા અને આછા ગુલાબી રંગે રંગાઈ ગયો હતો, તેમાં સફેદ રંગના તારા ચમકી રહ્યા હતા. આ સુંદર દ્રશ્ય રવિવારની સંધ્યાને વધુ મનમોહક બનાવી રહ્યું હતું. સંધ્યા ચારેબાજુથી ખીલી ઉઠી હતી. પાર્કમાં નાના ભૂલકાઓ રમી રહ્યા હતા, તેઓ ઝૂલા પર બેસવા માટે એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. કોઈ પોતાની જ ધૂનમાં મસ્ત રહી રમી રહ્યા હતા. બીજી બાજુ વૃદ્ધલોકો પોતાની સભા ભરીને બેઠા હતા, તેઓ બધા પોત પોતાના ભૂતકાળના કિસ્સાઓ એકબીજાને કહી રહ્યા હતા. ઘણા લોકો પોતાના સારા સ્વાસ્થ્ય માટે વોક કરી રહ્યા હતા. માતા-પિતા પોતાના બાળકોને રમાડી રહ્યા હતા. બધા ઠંડી હોવા છતાં રવિવારની સાંજને માણી રહ્યા હતા.

પાર્કમાં સાઇડ પર આવેલ એક બાંકડા પર લાઈટ બ્લ્યુ કલરનો શર્ટ અને બ્લેક ફોર્મલ પેન્ટ પહેરેલ આલોક બેઠો હતો, તેની બાજુમાં રેડ કલરનું ફ્રોક પહેરેલ પ્રિયંકા આલોકના ખભા પર પોતાનું માથું ટેકવીને તેના હાથમાં હાથ નાખીને બેસેલી હતી. શિયાળાનો ઠંડો પવન તેના વાળ લહેરાવી રહ્યો હતો. તે વારે ઘડીએ લટને પોતાના કાન પાછળ લઈ લેતી હતી અને આલોક આ દ્રશ્ય જોઈને મનમાં મલકાઈ રહ્યો હતો. તે પ્રિયંકાના ચહેરાને જોઈ રહ્યો હતો. રેડ લિપસ્ટિક કરેલા હોઠ, કાળુ કાજલ કરેલી સફેદ ચળકતી આંખો જેમાં સંધ્યાના રંગો સ્પષ્ટ છલકાઈ રહ્યા હતા. રેશમી વાળ, ઘઉંવર્ણ ચહેરા પર કરેલો સફેદ પાવડર......તેને મેક-અપનો બહુ શોખ હતો.

પ્રિયંકા આકાશની સામું જોઈને બોલી, "આલોક..."

આલોક પણ આકાશ સામું જોઈને બોલી, "હં..."
પ્રિયંકા સંધ્યાના રંગો નિહાળતી હોઠો પર આવેલ સ્મિત સાથે બોલી, "યાદ કર આપણી પહેલી મુલાકાત....તું જ્યારે નીયામે'મને લેવા ઓફિસે આવ્યો હતો. હું તને ચોર માની બેઠી હતી..."


" અને મને ઓલમોસ્ટ મારવાની તૈયારીમાં જ હતી." આલોક પ્રિયંકા સામું જોઈ હસતા-હસતા બોલ્યો.

" હા તો ત્યારે તું મારા માટે એક અજાણી વ્યક્તિ જ હતો ને." પ્રિયંકા આલોક સામું જોઈને બોલી.

એટલે આલોકે પ્રિયંકાને મસ્તી કરતા પૂછ્યું, "એ તો ત્યારે ને? અત્યારે તો હું તારા માટે અજાણ નથી ને?"
"અત્યારે તો તું મારું જીવન છો. મારો પ્રેમ છો..." પ્રિયંકાએ આલોકની આંખોમાં જોઈને કહ્યું.

" પણ મેડમજી તમે તો ખરેખર ચોર છો. બહુ મોટા ચોર." આલોક પ્રિયંકાની સામું મોટી સ્માઇલ કરતા બોલ્યો.

" હું બહુ મોટી ચોર ?" પ્રિયંકા આલોક સામું જોઈ પોતાના નેણ ઉંચા કરતા બોલી.

"હા, તે મારું દિલ નથી થયું ચોર્યું ?" આલોકે પ્રિયંકાના ગાલ પર પોતાનો હાથ રાખતાં કહ્યું.

પ્રિયંકા બોલી, "હા એ તો છે."

ત્યાં આલોકનો ફોન વાગ્યો તેણે જોયું તો તેના પપ્પા નો ફોન હતો. તેણે ફોન ઉપાડ્યો અને બોલ્યો, "હેલ્લો, પપ્પા બોલો ?"
"હા, આલોક બેટા, તું ઘરે ક્યારે આવે છે ? મને અને તારા મમ્મીને તારું કામ છે. એક જરૂરી વાત કરવી છે." અભિજીતભાઈ બોલ્યા.

આલોકને તેના પપ્પા ના અવાજથી લાગતું કે તે બહુ ખુશ છે એટલે તેણે પૂછયું, "કેમ પપ્પા, આજે બહુ ખુશ લાગો છો ? શું વાત છે ?"

"તું પહેલા ઘરે તો આવ પછી આપણે બધી વાત કરીએ." અભિજીતભાઈ ઉત્સુકતાથી બોલ્યા.

"ઓક્કે પપ્પા હું આવું છુ." આલોક બોલ્યો.

"ઓક્કે" કહીને અભિજીતભાઈએ કોલ કટ કરી નાખ્યો.

ફોન પર વાત પૂરી થતાં આલોક ફિલ્મી અંદાજમાં પ્રિયંકા સામું જોઇને બોલ્યો, "અચ્છા તો હમ ચલતે હે..."

પ્રિયંકા પણ તેની ભેગી શૂર પુરાવતા બોલી, "ફિર કબ મીલોગે ?"

" જબ તુમ કહો ગે...." આલોકે ગીત ગાવાનું ચાલુ રાખ્યું.

"છાનોમાનો કાલ આવા સમયે મને અહીંયા મળવા આવી જજે." પ્રિયંકા તેની સામે આંખો કાઢતા બોલી.

"શું યાર... સારું એવું ગીત ચાલતું હતું અને તે બગાડી નાખ્યું." આલોક મોં મચકોડતા બોલ્યો.

"ગીતને મુક પડતું અને એ કહે કે તું તારા ઘરમાં આપણા પ્રેમ વિશે ક્યારેય કહિશ?" પ્રિયંકા ગંભીરતાપૂર્વક બોલી.

"આજે પપ્પાનો મૂડ સારો લાગે છે. ફોન પર ખુશ લાગતા હતા. આજેજ વાત કરી લઈશ. પણ તે તારા પરિવારને આપણા વિશે કહ્યું કે નહીં ?"આલોકે પૂછ્યું.

પ્રિયંકાએ કહ્યું, "મેં મારા પરિવાર સાથે કાલ જ ફોન પર આ વિશે વાત-ચીત કરી લીધી છે અને તેમણે આપણા પ્રેમને પ્રેમથી સ્વીકારી પણ લીધો છે. તેઓને આપણા પ્રેમથી કોઈ વાંધો નથી. તે લોકો મને સમજે છે. આઈ એમ સો લકી !!"

"રાઈટ, યું આર સો લકી એટલે જ તો તને હું મળ્યો..." આલોક પોતાના શર્ટનો કોલર ઊંચો કરતા બોલ્યો.

એટલે પ્રિયંકા તે કોલરને નીચે કરી અને પછી પોતાના રેશમી વાળોને સરખા કરતા બોલી, "જાને હવે, યુ આર સો લકી કે તને હું મળી..."

આલોક પ્રિયંકા સામું પોતાના હથિયાર હેઠા મૂકતા બોલ્યો, "દેવી પ્રિયંકા, હું એક પામર મનુષ્ય ખરેખર નસીબદાર છું કે મને તમારા જેવી આદર્શ ગર્લફ્રેન્ડ મળી." આલોક પ્રિયંકા સામું હાથ જોડતા બોલ્યો.

આમ જ મસ્તી કરતા બંને ગાર્ડનમાંથી નીકળ્યા.

આલોક ઘરે પહોંચ્યો અને તેણે ડોરબેલ વગાડી કે એક જ સેકન્ડમાં અભિજીતભાઈએ દરવાજો ખોલ્યો. આલોકને આશ્ચર્ય થયું એટલે તે પોતાના શૂઝ ઉતારતા-ઉતારતા બોલ્યો, "રોજ તો ડોરબેલ વગાડી-વગાડીને થાકી જાવ ત્યારે તમે દરવાજો ખોલો છો ને આજે આ ચમત્કાર કઈ રીતે થયો ?"

અભિજીતભાઈએ કાંઈ જવાબ ના આપ્યો તેઓ હેત્વીબહેનને સાદ પાડતા બોલ્યા, "એ સાંભળે છે ? આલોક ઘરે આવી ગયો છે. એના માટે પાણી લઈને આવ."
"એ આવી..." હેત્વીબહેને રસોડામાંથી જવાબ આપ્યો.

આલોકને આ વાત જરાય ના પચી. તે વિચારવા લાગ્યો, "પપ્પા મને હંમેશા મારું બધું કામ જાતે કરવાનું કહે અને આજે સામેથી મમ્મી પાસે મારા માટે પાણી મંગાવ્યું અને એ પણ આટલા પ્રેમથી ?"

ત્યાંજ હેત્વીબહેન પાણી લઈને આવ્યા અને આલોકે પાણી પીધું અને પછી અભિજીતભાઈ અને હેત્વીબહેન આલોકની બાજુમાં બેઠા. તે બન્ને એક- બીજાને કંઈક ઈશારો કરી રહ્યા હતા, આલોક આ જોઇ ગયો એટલે બોલ્યો, "આ એક-બીજા વચ્ચે ઈશારાબાજી શાની ચાલે છે ?"

"ના... એ ...કાંઈ નહિ ...બસ ...એમનમજ" અભિજીતભાઈ અચકાતા બોલ્યા.

"અને હા પપ્પા તમે મને ફોન પર કહેતા હતા ને કે હું ઘરે આવું ત્યારે કહેશો કે ખુશ-ખબરી શું છે ? લો આવી ગયો ઘરે, હવે કહો." આલોક અભિજીત ભાઈ સામું જોઇને બોલ્યો.

"હા, એ તારા મમ્મી કહેશે." અભિજીતભાઈએ આખો ગાળીયો હેત્વીબહેનના માથે નાખતા કહ્યું.

"બેટા આલોક આપણે અહિંયા આવ્યા તેને ઘણા મહિના થઈ ગયા છે અને આટલા મહિનાઓમાં તો ઘણીવાર નીયા સાથે સમય પસાર કરી ચૂકયો છે તો તને તેનો સ્વભાવ કેવો લાગ્યો છે?" હેત્વીબહેન બોલ્યાં.

" તેનો સ્વભાવ તો બહુ સરસ છે પણ મમ્મી તું કેમ આવું પૂછે છે ? તેના માટે કોઈ છોકરો શોધવાનો છે કે શું ?" આલોકે હેત્વીબહેનને સહજતાથી સામો સવાલ પૂછ્યો.

"ના...ના..., છોકરો તો મેં ને તારા પપ્પાએ જોઈ લીધો છે અને તેના પરિવારે પણ જોઈ લીધો છે બસ નીયાના અને તે છોકરાના જવાબની રાહ જોઈએ છીએ." અભિજીતભાઈ બોલ્યા.

"હં...કોણ છે તે ખુશનસીબ છોકરો ?" આલોકે તે લોકો સમક્ષ ફરી એક સવાલ મુક્યો.

"તું....બીજું કોણ ?" હેત્વીબહેન હિંમત કરી અને ફટાફટ બોલી ગયા.

પોતાનું નામ સાંભળતાં આલોક સ્તબ્ધ થઇ ગયો, તેના હાથમાં રહેલો ફોન જમીન પર પડી ગયો.. અભિજીતભાઈએ ફોન ઉપાડ્યો અને હેત્વીબહેનને ઈશારો કર્યો એટલે હેત્વીબહેન આલોકના ખભા પર પોતાનો હાથ મુકતા બોલ્યા, "બેટા, અમને ખબર છે કે તું આ વાતને તરત જ નહીં સ્વીકારી શકે પણ મને, તારા પપ્પાને અને નીયાના પરિવારને પણ એવું જ લાગે છે કે ભગવાન ઉપરથી તમારી જોડી બનાવીને મોકલી છે તું અને નીયા બાળપણના મિત્રો છો. તમે નાનપણમાં આખો દિવસ એક-બીજા સાથે રહેતા, ક્યારેય અલગ ના પડતા, તું ભલે એક એક્સિડન્ટને કારણે તારો ભૂતકાળ ભૂલી ગયો હોય પણ નીયા.... તે તો પોતાનો ભૂતકાળ ભૂલી નથી ને ? બેટા, તું એકવાર એ તો વિચાર કર કે જ્યારે તેને એ વાતની ખબર પડી હશે કે તે જે વ્યક્તિ દિલથી પ્રેમ કરે છે તે વ્યક્તિના જીવનમાં પોતાનું અસ્તિત્વ હંમેશ માટે ભૂંસાઈ ચૂક્યું છે તો તેના દિલ પર શી વીતી હશે ? જ્યારે તું તેના જીવનમાં પાછો આવ્યો ત્યારે તે પહેલા કરતા કેટલી ખુશ રહેવા લાગી છે. હવે જો તું તેની સાથે લગ્ન કરવાની ના પાડે તો તે કેવી રીતે જીવી શકશે?"

અભિજીતભાઈ આલોકના બીજાના ખભા પર હાથ મૂકી અને બોલ્યા, "હા આલોક, તારા મમ્મી સાચું કહે છે. તું અને નીયા નાનપણમાં પાકા મિત્રો હતા, આખો દિવસ તમે ભેગા જ હોય. જ્યારે આપણે રશિયા ગયા અને ત્યાં એકસીડન્ટ થવાના લીધે તારી યાદશક્તિ ચાલી ગઈ ત્યારે તે બિચારીને કેટલું દુઃખ થયું હતું. તે સાવ ઉદાસ રહેવા લાગી હતી અને જ્યારે અત્યારે તેને આટલાં વર્ષો બાદ તેનો આલોક મળ્યો છે તો કેટલી ખુશ રહે છે. ભલે એક નવા સ્વરૂપમાં પણ એને તું મળ્યો તો છે ને ? હવે તું જો તેની સાથે લગ્ન કરવાની ના પાડે તો બિચારીના દિલ પર શી વિતે ?"

આ બધું સાંભળી આલોક ભાવુક થઈ ગયો. પણ તેના મગજમાં અચાનક એક સવાલ ઉત્પન્ન થયો એટલે તે બોલ્યો, "જો નીયાએ જ મારી સાથે લગ્ન કરવાની ના પાડી તો ?"

"બેટા, નીયાને તો પોતાનો આલુ જોઈએ જ છે. તે તો તને પહેલેથી પ્રેમ કરે છે. બસ તું હા કર તેટલી વાર." હેત્વીબહેન આલોકના માથા પર હાથ ફેરવતા બોલી.

"મમ્મી મને વિચારવા માટે થોડો સમય આપો, હું વિચારીને કહું છું." આટલું કહી આલોક અભિજીત ભાઈના હાથમાંથી ફોન લઈ, શૂઝ પહેરીને ઘરની બહાર નીકળી પડ્યો. તે ફરીથી પહેલા ગાર્ડને આવ્યો જ્યાં થોડા સમય પહેલા તે પ્રિયંકા સાથે બેઠો હતો તે તેજ બાંકડા પર ઢળી પડયો. તેના મગજમાં અસંખ્ય વિચારો દોડી રહ્યા હતા.

" શું કરવું ? શું ન કરવું ? તેને કંઈ સમજાતું નહતું. એક બાજુ પ્રિયંકા હતી કે જેને તે પોતે અઢળક પ્રેમ કરતો હતો.. જેને તે પોતાના લાઈફ પાર્ટનર તરીકે જોતો હતો. તો બીજી બાજુ નીયા હતી જ તેને અઢળક પ્રેમ કરતી હતી અને પોતે તો તેને પોતાની બેસ્ટ ફ્રેન્ડ જ માનતો હતો.

શું કરશે આલોક ? બન્નેમાંથી ક્યાં પ્રેમની સફરને તે પસંદ કરશે ? જાણવા માટે વાંચતા રહો. સફર-એક અનોખા પ્રેમની.

આપ સહુ વાંચકમિત્રોના પ્રતિભાવથી મને સારો પ્રોત્સાહન મળે છે તે બદલ આપનો આભાર. આમ જ પ્રોત્સાહન પૂરો પાડતા રહેશો.