ડ્રીમ ગર્લ - 24 in Gujarati Novel Episodes by Pankaj Jani books and stories Free | ડ્રીમ ગર્લ - 24

ડ્રીમ ગર્લ - 24

                     ડ્રીમ ગર્લ 24

   અમીને એ પળ હજુ પણ યાદ આવતી હતી જ્યારે જિગરના ચાલ્યા જવાથી નિલા કંઈક અવઢવમાં અટવાઈ હતી. સવારે સોસાયટીના લેડીઝ ગ્રુપમાં  ગરબાના વિડીયો નિલાએ જોયા. નિશિધ, નિલાની સાથે ગરબા ગાતો હતો. અને નિલાને જિગરના જતા રહેવાનું કારણ સમજાયું હતું. એના ચહેરા પર કોઈ અજબ ભાવ હતા. ગુસ્સો હતો, પ્રશ્ચ્યાતાપ હતો, પ્રશ્નો હતા. બીજા દિવસે નિલા ગરબા રમવા તૈયાર ના થઇ. ઉદાસીનતાના ભાવ પર હાસ્યનું મહોરું ચઢાવી એ કમ્પાઉન્ડમાં બેઠી. નિશિધની વાત અમીને હજુ યાદ હતી...
    " મારા કારણે મારું પ્રિયજન ઉદાસ થાય? તો તો મારો પ્રેમ લજવાય. અમી, મને ખબર નહતી કે જિગર અને નિલા આમ એકબીજાની નજીક છે. પણ અમી હજુ કંઈ મોડું થયું નથી. તું સમજાવ જિગર ને. નિલા નિર્દોષ છે. નિલાને હિંમત આપ... પ્રેમ પરાણે થતો નથી. અને મારે એવું કંઈ કરવું પણ નથી. નિલા સુખી હોય એ જ મારી ખુશી છે. "
     અમી વિચારતી હતી. કેટલું સામ્ય છે એનામાં અને નિશિધમાં. પોતે જિગરને ખુશ જોવા માગતી હતી અને નિશિધ નિલાને ખુશ જોવા માગતો હતો. 
     પણ ભાવિના ગર્ભમાં શું છુપાયેલ છે એ કોને ખબર છે.  કોઈનું સારું જરૂર ઇચ્છવું જોઈએ. પણ સારું થવું એ ઇશ્વરેચ્છાને આધીન છે....

** ** ** ** ** ** ** ** ** ** **

    વિશિતાના ધ્યાનમાં આવ્યું હતું કે રાત્રે ગયેલો હેમંત કોઈ ટેંશનમાં પાછો આવ્યો હતો. હેમંત સામે અભિજિત રહાણે કેસ ની તમામ વિગતો રમતી હતી. વીસત પેટ્રોલ પમ્પ પહેલાં જ્યાં જિગર વરસાદમાં રોકાયો હતો ત્યારથી જિગર કોમર્સ કોલેજની સામેની પાળી પર બેઠો ત્યાં સુધીના શક્ય એ તમામ વિડીયો મોજુદ હતા. મતલબ સ્પષ્ટ હતો કે જિગર સાચું બોલતો હતો. પણ હેમંતને એ હજુ સમજાતું ન હતું કે જિગર કોમર્સ કોલેજ સામે રોકાયો કેમ ? જિગરનું કહેવું એમ હતું કે મૌસમ સરસ હતું એટલે ત્યાં બેસવાની એની ઈચ્છા થઈ. ક્યારેક માણસ એવી રીતે બેસતો હોય છે, એમાં કશું ખોટું ન હતું. પણ હેમંતને એ એક જ વાત થોડી ખૂંચતી હતી. 
     એના પછી, અભિજિતની ગાડીના સી.સી.ટી.વી. ફૂટેજ હતા. એ ગાડી અકસ્માતના સ્થળે આવી ત્યાંથી પાછળના સી.સી.ટી.વી.. ફૂટેજ ભેગા કરવામાં આવ્યા હતા. બન્ને ગાડીઓ એસ.જી. હાઇવે પરથી સોલા વિદ્યાપીઠથી શહેરમાં ઘુસી હતી. અભિજિતની ગાડી એના પોતાના જ નામની હતી. અને બીજી ગાડી ચોરીની હતી, જે નંદાસણ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. એની નમ્બરપ્લેટ ખોટી હતી અને ચેસિસ નમ્બર અને બીજા બધા નમ્બર ડિલીટ કરેલ હતા. સામેની પાર્ટીને શોધવી મુશ્કેલ હતી. છ દિવસમાં રિપોર્ટ હોમ મિનિસ્ટરી માંગવાની હતી. હેમંત ને સમજાતું ન હતું કે કેસમાં તપાસ આગળ વધારવી કેવી રીતે ? 
     હેમંત પાસે બે રસ્તા હતા.અભિજિત ખુદ બતાવે કે કોણે તેના પર એટેક કર્યો હતો. પણ હાલ અભિજિત એ કન્ડિશનમાં ન હતો કે એને કંઈ પૂછી શકાય. 
     બીજો રસ્તો હતો જિગર. યસ જિગર. કદાચ એ કાંઈ જાણતો હોય. કદાચ અભિજીતે એને કંઇક કહ્યું હોય. જિગર પર વોચ રાખવી જોઈએ. પણ ઓફિશિયલી કે અનઓફિશિયલી ? હેમંતને પ્રિયાનો ગુસ્સો યાદ આવ્યો. એ છોકરી પી.એ. ટુ હોમ મિનિસ્ટરની લાડકી છે. કોઈ ખોટો બખેડો ઉભો કરવો નથી. યસ, અનઓફિશિયલી જ ઠીક રહેશે.  હેમતે બહુ વિચાર કર્યો અને આખરે એ ગાડી લઈ જિગરના ઘર તરફ ગયો. જિગરના ઘરથી દોઢ કિલોમીટર દૂર ઉભા રહેતા ફેરિયાઓથી થોડે દુર એણે ગાડી ઉભી રાખી.

** ** ** ** ** ** ** ** ** ** **

   રામસિંગ યાદવનો ફ્રુટનો ધંધો હતો. હેમંતના કોઈ અહેસાન નીચે એ હતો. અને એ જાણતો હતો કે હેમંત એક ઈમાનદાર પોલીસ ઓફિસર છે. એટલે હેમંતે ચીંધેલા કામને પૂરું કરવામાં એ ગર્વ અનુભવી રહ્યો હતો. હેમંતે આપેલા જિગરના ફોટાને ગજવામાં મૂકી એ કામે લાગી ગયો. કોઈ વ્યક્તિ માટે આમ અચાનક માહિતી મેળવવી આસાન ન હતી. પણ જે ઉપરછલ્લી માહિતી મળી એ લઈને એ હેમંત સામે હાજર થઈ ગયો.
    " સર, જિગર શેલતની સોસાયટીમાં હું ઘણી વાર ફ્રુટની લારી લઈને ગયો છું. મેં કોઈ દિવસ એના વિશે ટંટોફસાદ જોયા નથી. પણ એક વાત મારા સમજમાં ના આવી ? "
     " કઈ ? "
     " જિગરના ઘરની સામે એક મોચી અને એક પ્લાસ્ટીકની વસ્તુની લારી વાળો છે. એ બન્નેને આજ પહેલા મેં ક્યારેય આ એરિયામાં જોયા નથી. અને જિગરની સોસાયટી એટલી અંદર છે કે  આખો દિવસ ત્યાં ઉભા રહેવાનો કોઈ અર્થ નથી. છતાં એ બન્નેએ એ જગ્યા કેમ પસંદ કરી હશે ? "
     રામસિંહની આ વાતે હેમંતને વિચારમાં મૂકી દીધો. રામસિંહને આ વાત ભલે સમજમાં ના આવી હોય પરંતુ હેમંતને કંઇક કંઈક સમજમાં આવી રહ્યું હતું.
     " થેન્ક્સ રામસિંહ. તારે એક કામ કરવાનું છે. તારું ફ્રુટ વેચાય કે ના વેચાય, તારે જિગરની સોસાયટીમાં બે થી ત્રણ આંટા જરૂર મારવાના. અને કંઈ એવું લાગે તો મને રિપોર્ટ જરૂર કરજે. "
     " ચોક્કસ સાહેબ. "

** ** ** ** ** ** ** ** ** ** **

     પ્રિયા ન્હાઈને , ફ્રેશ થઈને બહાર આવી. પ્રિયા ખરેખર ખૂબ જ સુંદર દેખાતી હતી.  જિગર કોફી અને સેન્ડવીચ લઈને બહાર આવ્યો. કોફી અને સેન્ડવીચ એણે ટીપોઈ પર મુકયા. પ્રિયાના ભીના વાળમાંથી મોતીઓ જેવી પાણીની બુંદો એને વધુ મોહક બનાવતી હતી. જિગરે એક સેન્ડવીચ અને કોફીનો કપ હાથમાં લીધો અને સ્હેજ આડું કરેલું બારણું ખોલી નિલા અંદર આવી.
    " ઓહ, તમને ડિસ્ટર્બ કરવા બદલ સોરી. "

                                         (ક્રમશ:)

13 ફેબ્રુઆરી 2021

     
     


Rate & Review

Heena Suchak

Heena Suchak 4 weeks ago

Arvind Bhai

Arvind Bhai 1 month ago

Naresh Shah

Naresh Shah 2 months ago

Chitra

Chitra 2 months ago

Vijay

Vijay 2 months ago