Punjanm - 37 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 37

પુનર્જન્મ 37

સવારે અનિકેત નવ વાગ્યાની આસપાસ તૈયાર થઈ બહાર નીકળ્યો. એણે ખડકી બંધ કરી. એણે જોયું રમણકાકા અને સામેના ચાર ઘરના લોકો જીપમાં બેસીને ક્યાંક જતા હતા. અનિકેત એમને જતા જોઈ રહ્યો. એના મનમાં એક શંકા પેદા થતી હતી. એ કાકાના ઘરે ગયો. માસી રસોડામાં કામ કરતા હતા. મગન બહાર ગયો હતો.
' આવ, બેટા... બેસ, હું ચ્હા બનાવું. '
' માસી, આ કાકા અત્યારે બધાને લઈને ક્યાં જાય છે? '
' સાચું કહું બેટા, મને પણ કશું કહેતા નથી. '
' બધા, મારાથી છુપાવે છે.'
' જો બેટા, સમય આવશે એટલે ખબર પડશે. ધીરજ રાખ. '
અનિકેત ચ્હા પીને બહાર નીકળ્યો. જીપ લઈને એ ચોકમાં ગયો. બધું બરાબર હતું. અનિકેતે અજયસિંહને રિપોર્ટ આપ્યો. અજયસિંહ ખુશ થઈ ગયા. એ આજે જ ગામમાં પ્રચાર કરવા આવવા તૈયાર થયા.
અનિકેત એની તૈયારીમાં લાગી ગયો. અનિકેતે ગુમાનસિંહ જોડે કેટલીક વાતો જાણી લીધી હતી. ગુમાનસિંહના કેટલાક મળતીયાઓને પણ બોલાવી લીધા....

***************************

મોનિકા આજે ઓફીસ પહોંચી ન હતી. મોનિકા આજે એના વકીલને લઈને સરકારી કચેરીમાં ગઈ હતી. સુધીર અને સચદેવા આ વાતથી તદ્દન અજાણ હતા. સુધીરને આશ્ચર્ય હતું કે એ ક્યાં ગઈ હશે. મોનિકા ની ગાડી પાર્કિંગમાં ન હતી. એના ડ્રાયવર અને બોડીગાર્ડને ફોન કર્યો. ત્યારે જાણવા મળ્યું કે એ સરકારી કચેરીમાં ગઈ હતી..
સુધીરે મોનિકાને ફોન કર્યો. પણ એણે રિસીવ ના કર્યો. સુધીરને મોનિકા પર ગુસ્સો આવતો હતો. પોતે એનો પતિ હતો. પણ મોનિકા છેલ્લા કેટલાય દિવસોથી એનાથી દૂર રહેતી હતી. અને એવું પણ નહોતું કે સુધીરને મોનિકા ગમતી ન હતી. ખૂબ ગમતી હતી. પણ સુધીર ભમરો હતો. એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસવાની એની આદત હતી. અને એ કારણે જ સુધીર મોનિકાથી ડરતો હતો. જ્યારે મોનિકા આટલી સુંદર, પૈસાદાર અને કલાકાર હોવા છતાં, એના કેટલાય ચાહકો હોવા છતાં પણ નિષ્કલંક હતી. અને આ જ એનું બળ હતું. જે સુધીરને મહાત કરતું હતું.
સુધીરે નક્કી કર્યું, મોનિકા ફોરેન ટુર પર જાય એ પહેલાં એકવાર એને મનાવવી પડશે. કેમકે એ પાછી આવશે, એ પછીનો મહિનો મોનિકા માટે છેલ્લો મહિનો હશે....

******************************

સાંજે ચાર વાગે અનિકેત, ગુમાનસિંહ, બીજા દસેક માણસો ગામના પાદરે હાજર રહ્યા. ચાર અને દસે અજયસિંહનો કાફલો આવ્યો. પંદર જેટલી ગાડીઓ, બે ટ્રક, બેનરો, સાઉન્ડ સિસ્ટમ સાથે અજયસિંહ પાદરે આવ્યા. અનિકેતે એમનું સ્વાગત કર્યું. ગામના કેટલાક એરિયાને છોડીને બાકીના તમામ એરિયામાં અજયસિંહ ગામના લોકોને ઘરે ઘરે જઈ મળ્યા. લોકો શરૂઆતમાં ખચકાટ સાથે, પણ પછી પ્રેમથી મળ્યા. બધાના પ્રશ્નો એમણે સાંભળ્યા. કેટલાક વચનો એમણે આપ્યા...
બળવંતરાયને આ માહિતી મળી ગઈ હતી. પણ એમને અનિકેતનો છૂપો ડર લાગતો હતો. એ જેલમાં જઈ ને આવ્યો હતો, છતાં મોનિકાનો એને સ્પોર્ટ હતો. અને હવે એ ફરી જેલ જવાની ધમકી પણ ઇનડાયરેક્ટ આપી ગયો છે. બળવંતરાયે શાંતિથી કામ લેવાનું નક્કી કર્યું.

લગભગ સાડા છ વાગે પ્રચાર પત્યો. અજયસિંહને શરૂઆત ખૂબ ગમી. અજયસિંહે અનિકેત સાથે મિટિગ કરી. બીજા દસ ગામનો પ્રચાર અનિકેતને સોંપ્યો. અજયસિંહે સેક્રેટરીને સૂચના આપી કે અનિકેત જે માંગે એ મદદ પહોંચાડવી. અડધી રાત્રે પણ... અજયસિંહને પૂછવાની કોઈ જરૂર નથી.

ગામ છોડતી વખતે અજયસિંહે ગુમાનસિંહને ગળે લગાડ્યો. ગુમાનસિંહ ગદગદ થઈ ગયો. ગુમાનસિંહે આજુબાજુના ગામની પોતાની ઓળખાણો અજયસિંહ માટે વાપરવાનું નક્કી કર્યું.

***************************

સાંજે સાત વાગે રમણકાકા અને બીજા માણસો પાછા આવ્યા. અનિકેત જમવાનું પતાવી આંગણામાં ખાટલો ઢાળી આડો પડ્યો હતો. બહાર કંઇક અવાજ આવતો હતો. અનિકેત બહાર નીકળ્યો. બહાર તો મેળા જેવું વાતાવરણ હતું. લગભગ સો માણસો, સાત આઠ ટ્રક ઉભી હતી. સામેના ચાર ઘરોનો સામાન ભરાતો હતો. રમણકાકા બધાને જરૂરી સૂચનાઓ આપતા હતા. ઘણા બધા માણસો કામે લાગ્યા હતા.
અનિકેત રમણકાકા પાસે ગયો. અને સહજ પૃચ્છા કરી. પણ એમણે ઉડાઉ જવાબ આપ્યો. અનિકેત ખડકી બંધ કરી અંદર ગયો. બહાર અવાજ ખૂબ આવતો હતો. એ કાનમાં રૂ નાંખી આડો પડ્યો. એના મોબાઈલમાં રીંગ વાગી... મોનિકાનો કોલ હતો.
' હાય, અનિકેત. સુઈ ગયો હતો? '
' ના, બસ આડો પડ્યો હતો. બોલ.. બધું બરાબર? '
' હા, બરાબર. કાલે ક્યાં છે ? '
' આમ તો અહીં જ છું. કદાચ ઇલેક્શનના પ્રચારમાં જાઉં. કામ હતું કાંઈ ? '
' હા, સાંજે ચાર વાગે ઘરે રહેજે. '
' કામ છે ? '
' હા, હું આવીશ. '
' ઓ.કે. '
બહાર અવાજ ચાલુ જ હતો. બહુ મોડે અનિકેતને ઉંઘ આવી...

*****************************

રાતના દસ વાગ્યા હતા. પણ મોનિકાને સમય ન હતો. સવારથી એ કામે વળગી હતી. આજના જેટલી એ ક્યારેય બિઝી રહી ન હતી. પણ હવે ટુર પર જવાનું નજીક હતું. અને એ પહેલાં ઘણા કામ કરવાના હતા. એક કાગળમાં એણે લિસ્ટ બનાવ્યું હતું. અને એક પછી એક કામ એ ચેક કરતી જતી હતી. સૌથી વધારે ચિંતા એને રોયની હતી. ટુર પર જતાં પહેલાં એનો રિપોર્ટ મળી જાય તો સારું....

******************************

રાત્રે બે વાગે અનિકેતની આંખ ખુલી. બહાર કોઈ ટ્રેક્ટર જેવો અવાજ આવતો હતો. અનિકેતને સમજમાં નહતું આવતું કે રમણકાકા શું કરે છે. પણ પછી મન મનાવ્યું કે જે હશે એ આજે નહિ તો કાલે ખબર પડવાની જ છે. કાલે અજયસિંહે સોંપેલાં ગામમાં પ્રચારનું આયોજન કરવાનું હતું. પણ અનિકેત વૃંદાને મળવા માંગતો હતો. બધા કામના ચક્કરમાં એ કામ રહી જતું હતું. મોનિકા ટુર પતાવી પાછી આવે એ પહેલાં ઘણા કામ પતાવવા ના હતા. પણ અનિકેતે નક્કી કર્યું કાલે એ જરૂર વૃંદાને મળવા જશે....

****************************

માણસનું મન વિચિત્ર છે. એક સમય એવો હોય છે જ્યારે એલાર્મ વાગે તો પણ માણસ ઉઠતો નથી. અને બીજો સમય એવો હોય છે જ્યારે માણસ વગર એલાર્મેં ઊંઘમાંથી ઉઠી જાય છે. એક બાયોલોજીકલ એલાર્મ મગજમાં કામ કરતી હોય છે.
અનિકેતને મોડી ઉંઘ આવી હતી. છતાં એ સમયસર ઉઠી ગયો. ફટાફટ નિત્યક્રમ પતાવી એ તૈયાર થયો. જીન્સ પેન્ટ, ટી શર્ટ, સ્પોર્ટ શૂઝ પહેરી એ અરીસા સામે ઉભો રહ્યો. ચહેરા પર ક્રીમ લગાવી, માથું ઓળી એ પોતાની જાતને જોઈ રહ્યો. એણે અરીસામાં પાછળ સ્નેહાને ઉભેલી જોઈ. સ્નેહાના ચહેરામાં એને વૃંદા દેખાઈ.

અનિકેત ખડકી ખોલી બહાર નીકળ્યો. એ બહારનો નજારો જોઈ આશ્ચર્યમાં પડી ગયો. અનિકેતની સામેના ચાર ઘર અને એ લાઈનના ત્રણ બંધ ઘર, એમ સાત ઘર અને એ સાત ઘરની પાછળના સાત ઘર ન હતા. ત્રણ જે.સી.બી. મશીન કામ કરતા હતા. બધો કાટમાળ એક ખૂણામાં ભેગો કર્યો હતો. બીજી ત્રણ ટ્રક આવીને ઉભી હતી. અનિકેતને કંઇ સમજમાં આવતું ન હતું. પણ એ ખડકી બંધ કરી માસીને ચાવી આપી, જીપ લઈને નીકળી ગયો....

***************************


વૃંદાના ફ્લેટથી થોડે દુર ખુલ્લી જગ્યામાં જીપ ઉભી રાખીને અનિકેત બેઠો હતો. અને એ દસ ગામના પસંદ કરેલા લોકોને ફોન કરી જરૂરી સૂચના આપવા લાગ્યો.
લગભગ પોણા કલાકની રાહ જોયા પછી વૃંદા બહાર નીકળી. અનિકેતે જીપ સ્ટાર્ટ કરી...

(ક્રમશ:)

06 ઓક્ટોબર 2020