DREAM GIRL - 34 books and stories free download online pdf in Gujarati

ડ્રીમ ગર્લ - 34

ડ્રીમ ગર્લ 34

જિગર ઊંડા વિચારોમાં હતો. આ લોકોનું ધ્યાન નિલુથી દુર હટાવવું જરૂરી હતું. પણ કેવી રીતે ? નિલુ એની હદયની ધડકન હતી. એ કોઈ પણ રીતે નિલુને સલામત રાખવા ઇચ્છતો હતો. કોઈ પણ સમસ્યા પ્રત્યે વિચારતા રહેવું જોઈએ. કોઈને કોઈ ઉપાય મળી જ રહે છે. આખરે એને એક રસ્તો દેખાયો અને એના મનને રાહત થઈ. અમી અને પ્રિયા. પણ અંતરમને એને ઠપકો આપ્યો. નિલુ માટે અમીનો ભોગ આપવાનો? ના.. ના.. એ ના થઇ શકે.
જિગરને અમી યાદ આવી. કેટલી સુંદર ? અને એ નાદાનનું દિલ જિગર પર હતું એ જિગર જાણતો હતો. જિગર સમજતો હતો કે અમીના હદય પર શું વિતતું હશે. પણ જિગર શું કરી શકે ? એના જીવનમાં પહેલાંથી જ નિલુ આવી ગઈ હતી. અને માટે જ જિગર યેન કેન પ્રકારે અમીને ચીડવી પોતાનાથી દુર કરવા માંગતો હતો. પણ અમીને જિગરના એવા વર્તનથી કોઈ ફરક પડતો ન હતો.
જિગર ક્યારેક વિચારતો હતો કે ઈશ્વરે આવી દુનિયા શા માટે બનાવી હશે ? અમી મને ચાહે, હું નિલુ ને ચાહું. શા માટે ? શા માટે ઈશ્વરે માનવીમાં આવી સંવેદનાઓ મૂકી હશે? એ નાદાન, માસૂમ છોકરી પર શું વિતતું હશે એ જિગર કલ્પી શકતો હતો. એનું મન બુમો પાડી ને કહેતું હતું. હે ઈશ્વર, માનવીની આ વેદનાનો તું જ જવાબદાર છે. પણ એના સુધી જિગરનો અવાજ ક્યાં પહોંચવાનો હતો. એ તો મસ્ત હતો એની વાંસળીના સુર માં.
ગાડી પાસે ઉભેલા વ્યક્તિને જોઈને જિગરને લાગ્યું કે આ વ્યક્તિને ક્યાંક જોયેલો છે. કદાચ એની ગાડી બગડી હતી. યસ, આ તો એ જ છે જે રાત્રે ઘરે આવ્યો હતો. હેમંત... હેમંત ચેટરજી. જિગરે જીપ ધીમી કરી અને એ વ્યક્તિથી સ્હેજ આગળ જઇ જીપ સાઈડમાં ઉભી કરી. જિગર જીપમાંથી ઉતરી એ વ્યક્તિ તરફ ગયો. હેમંતની નજર જિગર પર પડી.
" હેલો સર, ગુડ મોર્નિંગ. "
" ગુડ મોર્નિંગ, સવાર સવારમાં કઈ બાજુ. "
" બસ, એમ જ લટાર મારવા નીકળ્યો હતો. લાગે છે આપની ગાડી બગડી છે ? "
" યસ, મિકેનિક ને બોલાવ્યો છે. "
એટલામાં ગાડીમાંથી એક યુવતી ઉતરી. ડાર્ક રેડ લેગિન્સ પર વ્હાઇટ કુર્તામાં એ ખૂબ જ સુંદર લાગતી હતી.
" જિગર, મીટ માય વાઈફ વિશિતા, એન્ડ વિશિતા આ એ યુવક છે જેણે અભિજિત રહાણે ને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. "
" ઓહ, નાઇસ ટુ મીટ યુ. "
જિગરે અનુભવ્યું કે વિશિતાના અવાજમાં મધુરતાની સાથે સતાનો રણકો હતો. આખરે એ એક એ.સી.પી.ની પત્ની હતી.
" સર, હું આપની ગાડી જોઈ શકું છું ? "
" યસ, વ્હાય નોટ. "
જિગરે ગાડી ચેક કરી અને સમજી ગયો કે ગાડી ગેરેજમાં ટોઈંગ કરીને જ લઈ જવી પડશે. બે દિવસ પહેલાં આમાં કંઈ થાય એમ નથી.
" સર, ગાડી તો હાલ રિપેર નહિ થાય, આપ કહો તો હું આપને ઘરે છોડી દઉં. "
હેમંત કંઈ બોલે એ પહેલાં જ વિશિતા બોલી.
" યસ, શ્યોર. મારે એ પણ જાણવું છે કે તમે ફાયરિંગ વચ્ચે વગર હથિયારે એ જમેલામાં કૂદી કેવી રીતે પડ્યા. "
" શ્યોર મેડમ, પણ એ એક અકસ્માતથી વધારે ન હતું. બસ, એ કેમ બન્યું એ મારી પણ સમજમાં ના આવ્યું. એ વખતે ફક્ત એક જ વિચાર આવ્યો હતો કે કોઈને બચાવવો છે. "
" પણ એ બાહોશીનું કામ હતું. બીજું કોઈ હોત તો ત્યાંથી ભાગી જાત. "
મિકેનિક આવી ગયો હતો. હેમંતે ગાડીની ચાવી મિકેનિકને આપી અને વિશિતા સાથે એ જિગરની જીપમાં ગોઠવાયો. વિશિતાને જિગરની જીપ ખૂબ જ ગમી.
" તમારી જીપનો લુક ખૂબ જ સુંદર છે. એમ લાગે કે કોઈ એન્ટિક પીસ છે. ક્યાંથી લાવ્યા કે ક્યાં બનાવડાવી ? "
" મને આનો શોખ છે. એક જૂની જીપ ખરીદી, મેં જાતે જ રીનોવેટ કરી છે. "
" ફાઇન..ફેન્ટાસ્ટિક.. "
" થેન્ક્સ. "
હેમંતનું ઘર આવી ગયું હતું. જિગરે ઘરની બહાર જીપ ઉભી રાખી.
" અરે, અંદર ચલો. ચ્હા પી ને જજો. "

** ** ** ** ** ** ** ** ** ** **

સવારના સાડા છ વાગ્યા હતા. નિલુ એના નિત્યક્રમ પ્રમાણે ઘરેથી નીકળી. સોસાયટીના દરવાજાની બહાર નીકળી, જિગરના ઘર આગળથી મંદિર તરફ ચાલી. એની નજર જિગરના ઘર તરફ ગઈ. જિગરના ઘરના દરવાજે તાળું હતું.
નિલુએ જિગરને ફોન લગાવ્યો.
" હેલો... "
" યસ, બોલ. "
" ક્યાં છો, ઘરને તાળું કેમ છે ? "
" અરે હું કામથી બહાર નીકળ્યો છું. અને મારી વાત ધ્યાનથી સાંભળ. "
" બોલ. "
" તારું ધ્યાન રાખજે અને એકલી ક્યાંય જતી નહિ. "
" કેમ ? "
" હું તને થોડીવાર પછી કોલ કરું છું. ટેઈક કેર. "
" ઓ.કે.... "
જિગરે વાત પૂરી કરી અને ચ્હાનો કપ હાથમાં લીધો. સાથે સેન્ડવીચ પણ હતી. વિશિતા બોલી.
" કોઈ ગાડીને તમારી જીપ જેવો લુક આપવો હોય તો કેટલો ખર્ચ થાય. "
" મેડમ, વસ્તુ કરતાં મહેનત વધુ થાય છે. વસ્તુઓનો ખર્ચ બહુ હોતો નથી. પણ કેમ આવું પૂછવું પડ્યું. "
" મારી પાસે એક જૂની ગાડી છે એટલે પૂછ્યું. "
હેમંત હસી પડ્યો.
" બૈરાઓની આ જ ખાસિયત છે. કોઈ સારી વસ્તુ જુએ એટલે ગમી જાય અને જોઈએ જ. "
" ચિંતા ના કરશો. હું મારી બચતમાંથી કરાવીશ, તમારી જોડે પૈસા નહિ માગું. "
" અરે સ્વીટી, મેં તારા માટે ક્યાં પૈસાનો હિસાબ રાખ્યો છે. "
છતાં વિશિતા હેમંત તરફ નારાજ થઈ મ્હો ફેરવીને બેઠી.
" મેડમ, હું સારામાં સારી રીતે ગાડી ડેકોરેટ કરું તો સામાનનો ખર્ચ લગભગ પચાસ હજારથી વધુ ના થાય. "
" અને તમારી મજૂરી ? "
" મજૂરી કોઈ નહિ. "
" કેમ કઈ ખુશી માં ? "
" તમે મારા ભાભી સમાન છો, દિયર તરફથી ગિફ્ટ સમજી લેજો. "
" આજ કાલ ભાભી દિયરનો સબંધ ભાઈને નથી ગમતો. "
હેમંત વિશિતાનો ગુસ્સો અને એનો કટાક્ષ સમજતો હતો. એ હસીને બોલ્યો.
" વિશુ, હજુ નારાજ છે ? જિગર જેવો ભાઈ મેળવીને હું ખુશ થઈશ. પણ નાનો ભાઈ, મોટો ભાઈ કંઈ આપે તો ના નથી પાડતો. "
" કોઈ જરૂર નથી અમારા દિયર ભાભી વચ્ચે આવવાની. મારા દિયરને કંઇ આપવું હશે તો હું આપી દઈશ. "
" ઓ.કે.. બાબા, તું જાણેને તારો દિયર જાણે. "
જિગરે વિશિતાની ગાડીના ફોટા પાડ્યા અને કહ્યું,
" મેડમ... "
" વન મિનિટ, નો મેડમ.... ભાભી. "
" ઓહ સોરી, ભાભી. હું તમને પાંચ સાત ફોટા મોકલીશ. તમે એમાંથી પસંદ કરશો એવો લુક બનાવી આપીશ. "
" ઓ.કે.. "
** ** ** ** ** ** ** ** ** **
એક નવા સબંધ સાથે જિગર બહાર નીકળ્યો. હવે જરૂર હતી નિલુ સાથે વાત કરવાની. અમી માટે... જિગરે ફોન લગાવ્યો.
(ક્રમશ:)

07 માર્ચ 2021