Punjanm - 42 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 42


પુનર્જન્મ 42


" બાથટબ તૈયાર થયું ? કેટલી વાર છે હજુ ? "
ખૂબ જ ઉંચા અવાજે બોલાયેલા આ શબ્દોમાં ભયંકર ગુસ્સો હતો અને સ્હેજ તોછડાઈ પણ હતી. સુધીર કે મોનિકાની કેરટેકર માટે મોનિકાનું આ રૂપ નવું હતું. ઘોડાને ચાબુક વાગે અને ઘોડો ઝડપથી ભાગે એમ કેરટેકરની કામની સ્પીડ વધી ગઈ.
" મેમ બે જ મિનિટ, પાણીનું ટેમ્પરેચર સેટ નથી થયું. "
" વોટ રબીશ, ટેમ્પરેચર સેટ નથી થયું. "
મોનિકાએ બાજુમાં ટેબલ પર પડેલો ગ્લાસ છુટ્ટો ફેંક્યો. ફર્શ પર પડી એ ગ્લાસના ટુકડા થઈ ગયા. સુધીર મોનિકાનો ગુસ્સો જોઈ હતપ્રભ થઈ ગયો. એક કેરટેકર આવી અને કાચ ભેગા કરવા લાગી.
" મેમ, બાથટબ રેડી છે. "
મોનિકા ઉભી થઇ અને બાથરૂમમાં ચાલી ગઈ. સુધીર ઉભો થઇ એના રૂમમાં ચાલ્યો ગયો.
લગભગ અડધા કલાક પછી મોનિકા બાથરૂમમાંથી બહાર આવી. એણે જોયું સુધીર ન હતો. એણે બધા નોકરોને બોલાવ્યા.
" તમે બધા મારા ખાસ વિશ્વાસુ માણસો છો. આજે મારી તબિયત ઠીક નથી. કોઈને મારાથી ઊંચે અવાજે બોલાઈ ગયું હોય તો સોરી. "
" ઇટ્સ ઓ.કે. મેમ... "

*** *** *** *** *** *** *** ***

સાડા છ વાગે મોનિકા એની ગાડીમાં નીકળી. લગભગ અડધા કલાકે સુધીરને ખબર પડી કે એ નીકળી ગઈ છે. સુધીરનું મગજ ગુસ્સાથી ફાટતું હતું. એણે નક્કી કર્યું એ આનો બદલો લેશે. એને એના પૈસાનું, એની સુંદરતાનું અભિમાન છે. જેના પર પતિ તરીકે પોતાનો અધિકાર છે. એ એને હું બતાવીશ. એ ક્રૂરતાથી મરવી જોઈએ. આસાન મોત એને ના મળવું જોઈએ.

મોનિકા વૃંદાના ઘર આગળથી વૃંદાને લઈને એરપોર્ટ તરફ ગઈ.

*** *** *** *** *** *** *** ***
સમય થવા આવ્યો હતો. પણ અનિકેતનો કોઈ અતોપતો ન હતો. ફોન પર એ ક્યારનો ય હમણાં આવું છું નો રાગ આલોપતો હતો.
અનિકેત પાર્કિંગમાં જીપ પાર્ક કરી એન્ટ્રી એરિયા તરફ ગયો. મોનિકા અને વૃંદા ત્યાં ઉભા હતા. ચાર બોડીગાર્ડ પણ દૂર ઉભા હતા. કેટલાક અજાણ્યા લોકો પણ મોનિકાને જોવા ઉભા રહી ગયા હતા. કોઈ કામથી આવેલા પ્રેસ રિપોર્ટર અને ફોટોગ્રાફર્સ પણ મોનિકાને ઘેરીને ઉભા હતા.
અનિકેત આવા ટોળાથી ટેવાયેલ ન હતો. એ ધીમે પગલે આગળ વધ્યો. મોનિકાએ એને જોયો.
" કેમ આમ ધીમે ધીમે આવે છે જલ્દી આવ. મારો ટાઈમ થવા આવ્યો છે. "
અનિકેત મોનિકાની પાસે આવ્યો. એણે જોયું વૃંદા આજે ખૂબ સુંદર લાગતી હતી.
મોનિકા અનિકેતને પગે લાગી. અનિકેતે એને ઉભી કરી અને માથે હાથ ફેરવ્યો. ફોટોગ્રાફર્સના કેમેરાની ફ્લેશ લાઇટો ચમકતી હતી.
" જલ્દી પાછી આવી જજે. "
" મને આશીર્વાદ આપ, જે કામ માટે જાઉં છું એમાં સફળ થાઉં. "
" ઈશ્વર તને દરેક કામમાં સફળતા અપાવે. "
મોનિકાએ આંખના ખૂણે આવેલા સ્નેહબિંદુને હળવેથી રૂમાલમાં લઇ લીધા. મોનિકા અને વૃંદા એરપોર્ટની અંદર ગયા. એ લોકો દેખાયા ત્યાં સુધી અનિકેત હાથ હલાવતો રહ્યો.

*** *** *** *** *** *** *** ***

વાતાવરણમાં હળવી ઠંડક આવી હતી. વહેલી સવારે એ ઠંડક વધારે લાગતી હતી. અનિકેત એક કામળો લઈ બહાર ખાટલામાં આડો પડ્યો. મન થોડું વિચારે ચડ્યું હતું. કામ બહુ ગુંચવાયું હતું. સચદેવા એ પરમિશન લેટ આપી નહિ તો કામ ક્યારનું ય પતી ગયું હોત. બસ હવે વધારે લેટ નથી કરવું. મોનિકા ટુર પરથી આવે એટલે વધુમાં વધુ એક મહિનામાં એ આમાંથી મુક્ત થઈ જશે. સંવેદનાના તાણાવાણા રાત્રે શાંતિથી સુવા નથી દેતા. મોનિકા આવશે ત્યાં સુધીમાં ચૂંટણી પતી ગઈ હશે. પછી એ એક જ કામ બાકી રહે છે. એને વૃંદા યાદ આવી. એને વિચાર આવ્યો કે ઈશ્વર સ્ત્રીઓને આટલી સુંદર કેમ બનાવતા હશે?

એને વિચાર આવ્યો કે એ કાલે સચદેવાને મળી લે. આગળનું પ્લાનીંગ ફાઇનલ કરી દે. એણે પ્રાઇવેટ મોબાઈલ કાઢયો અને સચદેવાને મેસેજ કર્યો.

દસ મિનીટ પછી સચદેવાનો મેસેજ આવ્યો. તમારી ગાડી ગમે ત્યાં પાર્ક કરી સિલ્વર ઓક મોલ આગળ દસ વાગે મળજો.
અનિકેતે બાબુ અને સાવંતને ફોન કરી પ્રોગ્રામ ચેન્જ કર્યો. કાલે અગિયાર વાગે એ લોકો રેડી રહે. એ ફોન કરશે.

*** *** *** *** *** *** *** ***

સવારે અનિકેત તૈયાર થઈને નીકળ્યો ત્યારે રમણકાકા મોનિકાના પ્લોટ પર મજૂરોને જરૂરી સૂચના આપતા હતા. દસ આર્કિટેક પાસેના પ્લાન મંગાવી મોનિકાએ અનિકેતને એક પ્લાન ફાઇનલ કરવાનું કહ્યું હતું. મોનિકાએ ફાઇનલ ઓથોરિટી અનિકેતને આપી હતી. પણ એક સ્પષ્ટ સૂચના હતી કે મોનિકાના ઘરનો દરવાજો અને ગેલેરી એણે કહ્યું છે એમ જ રહેવા જોઈએ. મોનિકાને બહુ જલ્દી મકાન જોઈતું હતું એટલે રાતનો સમય છોડી, દિવસે બરાબર કામ ચાલતું હતું.

*** *** *** *** *** *** *** ***

અનિકેતે સિલ્વર ઓક મોલના પાર્કિંગમાં જીપ પાર્ક કરી અને મોલમાં એક આંટો મારી બહાર આવી ઉભો રહ્યો. એક મેસેજ આવ્યો. એમાં ગાડી નમ્બર અને ગાડીનો કલર લખ્યો હતો. અનિકેતે ગાડી શોધી કાઢી. ગાડીનો ડ્રાઈવર બહાર જ ઉભો હતો. અનિકેત એની પાસે ગયો.
" હેલો, આઈ એમ અનિકેત. "
એ માણસે મોબાઈલમાં જોયું અને અનિકેત તરફ જોયું. કદાચ એની પાસે અનિકેતનો ફોટો હતો.
" વેલકમ સર. "
અનિકેત ગાડીમાં બેઠો અને એણે ગાડી રવાના કરી.
ગાડી મોનિકાના ફાર્મ હાઉસમાં પ્રવેશી.

*** *** *** *** *** *** *** ***

લાઈબ્રેરીમાં સચદેવાએ અનિકેતનું સ્વાગત કર્યું. અનિકેતનું કોલ્ડડ્રીન્ક અને ચ્હા નાસ્તાથી સ્વાગત થયું. થોડીવારમાં બાજુનો દરવાજો ખુલ્યો અને સુધીર આવ્યો. એ રૂમમાં ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું. સાથે કોઈ છોકરીના ગાવાનો અવાજ આવતો હતો. મોનિકાની ગેરહાજરીમાં અનિકેતને આ મકાન અજાણ્યું લાગ્યું.
" વેલકમ મી.અનિકેત. "
" થેન્ક્સ સુધીરજી. "

(ક્રમશ:)

15 ઓક્ટોબર 2020