Sajan se juth mat bolo - 24 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 24

પ્રકરણ ચોવીસમું/૨૪

‘મર ગયાં સાહિલ.... મર ગયાં સાહિલ..... મર ગયાં સાહિલ....’

જેમ તીક્ષ્ણ ધારદાર હથિયાર હૈયાં સોંસરવું આરપાર વીંધાઈ જાય ત્યારે જે ગળું ચીરતી ચીસ નીકળે એવાં.... ચિત્કાર સાથે બાજુમાં પડેલા કાચના જગને સામેની દીવાલ પર ટીંગાડાડેલા ફૂલ લેન્થ અરીસા પર બળપૂર્વક ઘા કરતાં સપનાએ ચીસ પાડી...

‘સાહિલલલલલલલલલલલલલલલલલલલલલ’

સપનાની કલ્પાંત જેવી ચીખમાં તૂટલાં દર્પણની સેંકડો કરચો ચુભ્યાનું દર્દ હતું.

માત્ર ગણતરીના કલાકો પહેલાં સો ટચના સોના જેવું સ્મિત લઈ, આંખોમાં ભવિષ્ય ઉજાગર કરવાના શમણાંનું આંજણ આંજીને આવેલો સાહિલ આ દુનિયામાં હયાત નથી, એ વજ્રઘાત જેવી વાતની પારાવાર પીડાથી પીડાતી સપનાના અનપેક્ષિત પ્રહાર જેવા પ્રત્યાઘાતે બે પળ માટે અત્યંત ક્રોધિત બિલ્લુને પણ વિચલિત કરી દીધો.

ક્રોધાવેશમાં હોવાં છતાં બિલ્લુની ચસકી ગયેલાં દિમાગમાં ચમકારો થયો કે, જો સપના, સાહિલના ઘાતકી ઘટનાના બનાવથી અજાણ છે, તેનો મતલબ કે, સાહિલની હત્યામાં સપના પ્રત્યક્ષ રીતે સંકળાયલી નથી, એ વાતને સમર્થનનું સંકેત મળે છે.


હજુ સપનાની ગળું ચીરતી ચીસ શમે એ પહેલાં સપનાના મોબાઈલનો મેસેન્જર ટોન રણક્યો.... ડિસ્પ્લે પર ‘સાહિલ’ નામ આવતાં બીજી પળે બિલ્લુ સતર્ક થતાં બોલ્યો..

‘સપના.. કોલ રીસીવ મત કરના’
બિલ્લુ સમજી ગયો કે, ખાખી કુત્તોને સૂંઘના શુરુ કર દિયા હૈ.

‘ચલ, નિકલ અભી યહાં સે ફૌરન.’
સપનાને ઊભાં થવાનો ઈશારો કરી ચપટી વગાડતાં બિલ્લુ બોલ્યો.
‘પર...’ ધીમેકથી સપના બોલી..
‘અરે...અભી તેરા પર ગયા ભાડ મેં.. એકબાર બોલ દિયા ના, અબ ખડી હો જા, ચલ મેરે સાથ ચુપચાપ સમજી.’ રીતસર બિલ્લુ બરાડ્યો.

‘મુજે સિર્ફ મેરે પિતાજી કી તો તસ્વીર લેની હૈ.’
બિલ્લુના ઓથાર નીચે પણ ભયથી ફફડતી સપના માંડ આટલું બોલી શકી.
‘સિર્ફ એક મિનીટ.. જો ભી લેના હૈ લે કે ચલ.’ બિલ્લુ બોલ્યો


પહેલીવાર બિલ્લુને તેના અસલી અને અલગ અંદાજનો પરચો મળતાં સપના ચુપચાપ સ્વ.પિતા મનહરલાલની છબી છાતી સરસી ચાપી,
નીચી નજર કરી ચુપચાપ ચાલવા લાગી. હજુયે મેસેન્જર ટોન સતત રણકતો હતો.. એટલે બિલ્લુએ ગુસ્સામાં સપનાના હાથમાંથી મોબાઈલ ઝુંટવીને ઘા કર્યા પછી ફટાફટ બન્ને ત્યાંથી રવાના થયાં.

આ તરફ અમર્યાદિત ગતિમાં કાર હંકારીને સૂર્યદેવ આવી પહોચ્યો ઘટના સ્થળે.
સૂર્યદેવને આવતો જોઇ, મજનુ દોડીને તેને બાથ ભીડી, પોક મુકીને રડવા લાગ્યો.
સાહિલનો રક્તરંજિત મૃતદેહ જોઇને બાહોશ ભડવીર સૂર્યદેવ પણ ભાંગી પડ્યો..

થોડી જ વારમાં ઇન્વેસ્ટીગેશ ઓફિસર, એમ્બ્યુલન્સ, ડોગ સ્કવોડ, ફિંગરપ્રિન્ટ એક્ષપર્ટ પ્રિન્ટ અને ડીઝીટલ મીડિયાના રિપોર્ટર એક પછી એક આવે એ પહેલાં...

મજનુને એક તરફ કોર્નરમાં લઇ જઈને સૂર્યદેવે ફરીવાર મજનુ સાથે અકલ્પનીય દિલધડક દાસ્તાનની ગહન અને તલસ્પર્શી ચર્ચા કરી. પણ ચર્ચાના અંતે મજનુએ અણધાર્યા ઘટનાની અગત્યની કડીનો ઉલ્લેખ કરતાં સૂર્યદેવની આંખો પહોળી થઇ ગઈ. બે ઘડી માટે તો સૂર્યદેવનું દિમાગ ચક્કર ખાઈ ગયું. સ્પષ્ટ શબ્દોમાં મજનુની વાત સાંભળ્યા પછી પણ સૂર્યદેવને વિશ્વાસ નહતો બેસતો એટલે સૂર્યદેવે ફરી પૂછ્યું..
અને ફરીથી મજનુનો એ જ પ્રત્યુત્તર હતો.

સાહિલના મૃત્યુ કરતાં તેના મૃત્યુનુ સબબ વધુ સંગીન હતું. બે મિનીટ માટે આંખો મીચીને ઊંડાં શ્વાસ ભરી સૂર્યદેવ વિચારવા લાગ્યો. બીજી જ પળે વીજળીના ચમકારા જેવો આઈડીયા સસ્ફૂર્યો.. એટલે તરત જ બોલ્યો..


‘હવે સાંભળ....હું તને જે કહું, બિલકુલ એ મુજબ શબ્દે શબ્દનું તારું બયાન, પોલીસ અધિકારી, કોર્ટ, મીડિયા દરેક સામે એક સમાન હોવું જોઈએ. તો જ આપણે સાહિલના કાતિલને આસાની શોધી શકીશું. સમજી ગયો ?

ફરી કલ્પાંત સાથે ચોધાર આંસુએ રડતાં મજનું બોલ્યો..
‘પણ સાહેબ... કાતિલ જડી જવાથી મારો સાહિલ સજીવ થશે ? જેણે કદી સપનામાં પણ કોઈનું બુરું નથી સોચ્યું, એ.. એ... ખુદાનો બંદો હસતાં હસતાં સપનુ થઇ ગયો સાહેબ. આજે મજનુ ફરી એકવાર લાચાર અને લાવારીશ થઇ ગયો.’

મજનુના કાળજું કંપાવતાં રુદન સાથે સૂર્યદેવએ મનોમન પ્રણ લીધું કે, નિર્દોષ અને માસૂમ સાહિલના હત્યારાને ખત્મ નહીં કરે તો આજીવન માટે ફરજ અને વર્દીનો ત્યાગ કરી દઈશ.

સૂર્યદેવે સૌ પહેલાં સાહિલના મોબાઈલની કોલ ડિટેઈલને ખંખોળવાનું શરુ કર્યું..
લાસ્ટ મેસેન્જર કોલમાં નામ નીકળ્યું
‘સરિતા શ્રોફ.’
મેસેજીસ રીડ કર્યા એ પરથી શાતિર સૂર્યદેવના શંકાની સોય સરિતા શ્રોફ તરફ સંકેત દર્શાવતી હતી.તાત્કાલિક સાયબર ક્રાઈમના અધિકારીનો સંપર્ક કરીને સાહિલના સેલફોનની તમામ રજેરજની માહિતી યુધ્ધના ધોરણે એકઠી કરીને મોકલવાનુ કહ્યું.
આ તરફ મધ્ય રાત્રિએ સડસડાટ સપનાને લઈને કારમાં નીકળેલો
બિલ્લુ, એ મનોમંથનમાં હતો કે, અચાનક વાવાઝોડા માફક ઉડીને આવેલી અણધારી આફતના વંટોળથી બચવા કઈ દિશા તરફ જવું..

એ પછી શહેરથી આશરે દસેક કિલોમીટર દૂર એક બહુમાળી ઈમારતના પાર્કિંગમાં કાર થોભાવી બિલ્લુ બોલ્યો...

‘ઉતર જા,ચલ મેરે સાથ.’

લીફ્ટમાં એન્ટર થયાં પછી બાવીસ માળની બિલ્ડીંગના સત્તરમાં માળે લીફ્ટ થોભાવી
ફર્નિશ્ડ ફ્લેટ નંબર સડસઠ ઓપન કરી બન્ને દાખલ થતાં બિલ્લુ બોલ્યો..
‘અભી તુમ યહાં રહોગી.. તુમ મતલબ સિર્ફ તુમ. તુમ્હારે ઇલાવા કિસી કો યે પતા નહીં હોના ચાહિયે કી તુમ યહાં હો. આઈ બાત સમજ મેં ? ’

ધીમે ધારે નીતરતાં અશ્રુ સાથે અતિ આહત અને નત્ત મસ્તક સપના દબાયેલા અવાજમાં માત્ર એટલું જ બોલી..
‘જી’

સોફા પર બેસવાનો ઈશારો કરતાં બિલ્લુએ પૂછ્યું..
‘અબ બતા તું આખરી બાર કબ મિલી થી, સાહિલ સે ? ઔર તેરી યે હાલત કૈસે હુઈ ?

એટલે છેલ્લાં કલાકથી ચુપકીદીના ચક્રમાં ભીંસાતી સપના, ગળે બાજેલા ડૂમા સાથે રુદનના બાંધને રોકવા બંને હથેળીમાં તેનું મોં દાબીને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી.

મીઠાં નિર્મળ જળ જેવા પશ્ચાતાપ સાથે વહેતાં સપનાના ખારા આંસુના સૈલાબે આકરા મિજાજના બિલ્લુની ક્રોધાગ્નિને આંશિક હદે શાંત પાડી દીધી. ઊંડે ઊંડે બિલ્લુને અહેસાસ થયો કે, ભીતરથી ભરાયેલી સપનાને હળવી થવાં થોડો સમય આપવો જરૂરી છે.

દસેક મિનીટ પછી મુશ્કિલથી જાત પર કાબુ મેળવ્યાં બાદ દુપટ્ટાથી આંસુ લૂછતાં ધીમેકથી સપના બોલી..
‘મુજે ફ્રેશ હોના હૈ, ઔર બહોત પ્યાસ ભી લગી હૈ.’

‘આઓ મેરે સાથ..’
ઊભાં થઇ વોશરૂમ અને કિચન તરફ દિશાનિર્દેશ કરતાં બિલ્લુ બોલ્યો.એ પછી બિલ્લુએ આંખો મીચીને વિચાર્યું કે, ઉતાવળમાં જરર કંઇક કાચું કપાયું છે.
પાંચથી સાત મિનીટ પછી સ્હેજ સ્વસ્થ લાગતી સપના નીચી નજરો ઢાળીને બિલ્લુ સામે બેઠી એટલે બિલ્લુએ પૂછ્યું..

‘પહેલે ઠીક સે સાંસ લે લે, ફિર બતા ક્યા હુઆ..’

ચુપચાપ નીતરતાં અશ્રું સાથે ધીમા અવાજમાં સપના બોલી..
‘જબ મૈને પહેલી બાર સાહિલ સે બાત કી તબ..............’
એ પછી જે ઘડીએ ખુર્શીદલાલાએ સપનાના માથા પર પ્રહાર કર્યો, ત્યાં સુધીના ઘટનાચક્રનો સવિસ્તાર ચિતાર સપનાએ રડતાં રડતાં બિલ્લુને કહી સંભળાવ્યા પછી ફરી એકવાર સપનાના રુદનનો બાંધ તૂટી પડતાં દુપટ્ટાને મોં પર દાબતાં બોલી..

‘મૈને સાહિલ કો નહીં મારા.... બિલ્લુભૈયા... મૈને નહીં મારા...’

‘એક મિનીટ...એક મિનીટ... પર ઉસ હરામ કે જણે ખુર્શીદને તુજે વહાઁ દેખ કે થેંક યુ સપના ઐસા ક્યું બોલા ? ઔર સાહિલ કે પાસ ડાયમંડ હૈ, ઇસ બાત કા પતા વો હરામી કૈસે લગા ? ઇસ ગહેરી ચાલ કે પીછે જરૂર કમીને ઈકબાલ કા હાથ હૈ. ઈસલીયે વો ખવીશ કી ઔલાદ મેરા કોલ નહીં ઉઠા રહા.’
તામસી પ્રકૃતિનો તુંડમિજાજી બિલ્લુ રોષે ભરાઈ દાંત કચકચાવતા આગળ બોલ્યો..

‘અગર ખુર્શીદ ઔર ઈકબાલ મેરે હાથ લગ ગયે તો દોનો કી ઐસી નંગી બારાત નિકાલૂંગા કી મેરે કહેરકી કહાની સૂન કે ઉસકી આનેવાલી સાત પુશ્તો કી રૂહ કાંપ ઊઠેગી.’

એ પછી ફાટફાટ ત્રણથી ચાર કોલ્સ ડાયલ કરીને બિલ્લુએ તેના તમામ સાગરીતોને ચારે દિશામાં દોડતાં કરી મૂકયાં પછી અચાનક કંઇક યાદ આવતાં બિલ્લુ બોલ્યો..

‘હમમમ.. અબ સમજ મેં આયા.’
‘ક્યા.? સપનાએ પૂછ્યું..
‘તું હાઇવે સે ઘર કૈસે પહોંચી ? બિલ્લુએ સામો સવાલ કર્યો..
‘પતા નહીં, ક્યું કી અચાનક ખુર્શીદને મેરે સિર પર વાર કિયા, ફિર મુજે કુછ યાદ નહીં હૈ.. ઔર જબ આપને મુજ પર પાણી ડાલા તબ મેં હોંશ મેં આઈ..’

‘તુજ પર હમલા કરને કે બાદ ક્યા હુઆ યે તો, જબ યે ગટર કે કીડે મેરે હાથ લગેંગે તબ માલૂમ પડેગા.. પર તુજે ફ્લેટ પે ખુર્શીદ ઔર ઉસકા ઔર એક બંદા છોડ કે ગયા હૈ, યે બાત પાક્કી હૈ.’

‘આપકો કૈસે પતા લગા ?’ આશ્ચર્ય સાથે સપનાએ પૂછ્યું.

‘તેરે ફ્લેટકી પાર્કિંગ મેં કાર લગાને કે બાદ સિક્યુરીટી ગાર્ડ કે સાથ મેરી બાત હુઈ..
ઉસને બતાયા કી દો મર્દ તુજે બેહોંશી કી હાલત મેં છોડને આયે થે.. ઉસને જો હુલિયા બતાયા વો ઠીક ખુર્શીદ પર ફીટ બૈઠતા હૈ. ફિર મૈને ઉસકે પાસ સે તેરે ફ્લેટકી એક્ષ્ટ્રા ચાબી લેકર તેરા ફ્લેટ ખોલા.’

‘પર તુ જીસ ટેક્ષી સે સાહિલ કો મિલને ગઈ ઉસ ટેક્ષીવાલે કો કૌન સે નંબર સે કોલ કિયા થા ? બિલ્લુએ પુછ્યું

‘વો જો ફોન આપને તોડ દિયા.’ સપના બોલી..

‘અરે... નાદાન લડકી તું કીસ દલદલ મેં ફંસ ગઈ પતા હૈ તુજે ? પિછલે કંઈ દિનો સે તેરે ચક્કર મેં પડે એક બેગુનાહ ડાયમંડ માર્કેટમેં કાફી નામ કમાયા હૂએ જવાન બંદે કી હત્યા હુઈ હૈ. કૈસે ભી કર કે પુલિસ કે કુત્તે તુજ તક પહોંચ હી જાયેંગે. તબ કહેના કી મેં તો મજાક કર રહી થી. અરે... બેવકૂફ જુમ્મા જુમ્મા ચાર દિન હૂએ ઔર ગાંવ ચીડિયા બિલ્લુ કે દમ પર ઇતના ફુદક રહી હૈ. તુજે દસ દફા આગાહ કિયા થા મૈને.
પર પતા નહી સાલી તેરે દિમાગ મેં ક્યા કર દિખાને કા ફીતુર સવાર થા.’

‘અબ કાન ખોલ કે મેરી બાત તેરે દિમાગ મેં ઠૂસ કે ભર દે. જબ તક મેં ન કહું તબ તક તૂ યહાં સે કહીં નહીં જાયેગી. કોઈ ભી ફોન કા ઇસ્તેમાલ નહીં કરના હૈ. કિસી સે ભી નહીં મિલના હૈ. જો કુછ ભી કામ હૈ યહાં કે સિક્યુરીટી ગાર્ડ કો બોલ દેના હો જાયેગા. બસ બાત ખતમ. જરા સી ભી ચાલાકી કી તો તુજે ભી સાહિલ કે પાસ જાને મેં દેર નહીં લગેગી સમજ લેના... ઔર હા યે સબ મેં ઈસલીયે કર રહા હૂં કી બેગુનાહ હૈ.. પર દુસરી બાર કી ગલતી મેં માફ નહીં કરુંગા યાદ રખના.’.

ધમકીના સ્વરૂપમાં નહીં પણ સપનાના કિલ્લેબંધ સુરક્ષા માટે આક્રોશ ભર્યા અંદાજમાં બિલ્લુએ કરેલાં વાજીબ આકરાં શબ્દ પ્રહારની અસર કરતાં સપનાને સાહિલની અણધારી એક્ઝીટનો આઘાતનો ગાળિયો વધુને વધુ ભીંસાઈનને ગૂંગળાવી રહ્યો હતો.

‘ઔર કુછ કહેના હૈ, તુજે ? શાંતિ સ્વરમાં બિલ્લુએ પૂછ્યું..

પ્રત્યુતર માટે એકપણ શબ્દોચાર કરવો એ હવે સપનાને નિરર્થક લાગ્યું એટલે ફર્શ પર નજર ખોડીને ચુપચાપ બેસી રહી.

એટલે બીજી પાળે બિલ્લુ પણ ફ્લેટનું બારણું બંધ કરીને ત્યાંથી નીકળી ગયો..
ગ્રાઉન્ડ ફ્લોર પર આવી... અંગત એવા સુરક્ષાકર્મી સાથે અગત્યની ચર્ચા કરીને રવાના થયો ત્યાં મોબાઈલ પર ગણપતનો કોલ આવ્યો..

‘હાં, બોલ કુછ ઔર પતા ચલા ? અધીરાઈથી બિલ્લુએ પૂછ્યું..
‘કુછ ખાસ તો નહીં પર...એક ઔર બુરી ખબર હૈ.’ ગણપત બોલ્યો..
‘કયા ? ’ અધીરાઈથી બિલ્લુએ પૂછ્યું
‘વો ભગીરથ કા લડકા સૂર્યદેવ ઇસ સાહિલ કા પક્કા દોસ્ત હૈ.’

‘સપના..... બેમૌત મરા સાહિલ તુજે જીને નહીં દેગા ઔર સૂર્યદેવ તુજે મરને નહીં દેગા. અબ વાપિસ સરિતા સે સપના બનને કે લિયે તુજે દુસરા જન્મ લેના પડેગા.’
ગુસ્સાથી લાલચોળ બિલ્લુ એવું મનોમન બોલ્યા પછી કહ્યું..
‘અચ્છા રખ મેં તુજે બાદ મેં કોલ કરતાં હૂં.’
બિલ્લુ તેના બંગલે આવ્યો ત્યારે સમય થયો હતો વ્હેલી પરોઢના ચાર અને પિસ્તાળીસ મીનીટનો.

પોલીસ ડીપાર્ટમેન્ટના ઉપરી અધિકારીઓને જાણ થઇ કે મૃતક સાહિલના સૂર્યદેવ સાથેના અંગતથી પણ વિશેષ ગાઢ સંબંધ હતાં.. અને સાથે સાથે સુર્યદેવની ક્લીન ઈમેજના કારણે તપાસનો દૌર ધમધમાટ સાથે શહેરમાં ફરી વળ્યો..

દરેક વિભાગ તરફથી ચાલતી સંગીન જુર્મની કડીઓ મેળવવાની તજવીજ અને તફ્તીશ વચ્ચે... બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે જયારે સાહિલની અંતિમ યાત્રા નીકળી ત્યારે ચિક્કાર જનમેદની સાથે સાથે... જાણે અશ્રુધારાનો સૈલાબ ફરી વળ્યો..
હરપળ મજાક અને મસ્તીના મૂડમાં રહેતો મજનુ એક ખૂણામાં તદ્દન બૂત બની, કંઇક ચિત્કારને ગળીને ચુપચાપ બેઠો’તો.

હૈયાંફાટ કલ્પાંત કરતાં સાહિલના પરિવારને સૂર્યદેવે શક્ય એટલી સાંત્વના અને હૈયાંધારણ આપીને તંગ વાતવરણ હળવું કરવાનો પ્રયાસ કર્યો.

સાહિલના ચિતાની આગ ઠંડી પડી ગઈ હતી પણ, જીવથી પણ વ્હાલાં જીગરી માસૂમ મિત્રના પ્રતિશોધની અગનજ્વાળા સૂર્યદેવને પળે પળ દઝાડતી હતી. મોડી રાત્રે તેના ડીપાર્ટમેન્ટની ચેમ્બરમાં બેસીને કોમ્પ્યુટર સીસ્ટમ પર સાહિલના કોલ્સ હિસ્ટ્રીની ઝીણવટથી તપાસ કરતાં બન્નેના કોલ્સ રેકોર્ડીંગ સાંભળ્યા પછી સૂર્યદેવને ગળા સૂધી ખાતરી થઇ ગઈ કે.. આ ફરજી સરિતા શ્રોફ જ સાહિલના કત્લનું કારણ છે. સાહિલને મળવા માટે સરિતાએ કરેલાં કોલ પરથી ટેક્ષીચાલકને ઝડપી લીધો, પછી તે ટેક્ષી ચાલકની સૂર્યદેવે ઉલટ તપાસ કરતાં ભયથી ફફડતો ટેક્ષી ચાલક પોપટની માફક સઘળું સત્ય બોલી ગયો હતો. સરિતાના સીમ કાર્ડની તપાસ કરતાં તે તદ્દન બોગસ નીકળ્યું. સરિતા જે વ્યક્તિનું નામનું સીમકાર્ડ ઉપીયોગ કરતી હતી તે વ્યક્તિ આઠ વર્ષ પહેલાં મૃત્યુ પામી ચુકી હતી.
જે લોકેશન પરથી ટેક્ષી ચાલકે સપનાને તેની કારમાં બેસાડી હતી તે સ્થળની જાણ થતાં સૂર્યદેવને વધુ એક કડી હાથ લાગી કે, સરિતાએ સાહિલને કરેલાં તમામ કોલ્સ અને ટેક્ષીચાલકે બતાવેલું સ્થળ એકસમાન જ હતું.
એ કડીના અનુસંધાનના આધારે સૂર્યદેવે પુછપરછ માટે ઝડપ્યો સરિતાના ફ્લેટના સુરક્ષાકર્મીને. ‘સરિતા શ્રોફ’ નામની કોઈ સ્ત્રી વિષે ઇન્ક્વાયરી કરતાં સિક્યુરીટી ગાર્ડે બીકના માર્યા જવાબ આપ્યો કે, તે આ નામની સ્ત્રીને નથી ઓળખતો પણ, તે રાત્રે જે કંઈ પણ બન્યું તે ઘટનાની વિગતવાર વાત સૂર્યદેવને કહી દીધી. બિલ્લુભૈયાનો ઉલ્લેખ કર્યા વગર, કારણ કે સિક્યુરીટી ગાર્ડને પોલીસ કરતાં બિલ્લુનો ભય વધુ હતો.

એ પછી સિક્યુરીટી ગાર્ડે સરિતાનો ફ્લેટ નંબર આપ્યો. ફ્લેટના મૂળ માલિકની તપાસ કરતાં માલૂમ થયું કે, તે ફ્લેટ કોઈ દુબઈ સ્થિત મુસ્લિમ બીઝનેસ મેનનો છે. પણ તેનો સંપર્ક થઇ શક્યો નહીં એટલે શંકાના આધારે સૂર્યદેવે સ્પેશિયલ પરમીશન સાથે ઓન પેપર આગળની કાર્યવાહી કરતાં બંધ ફ્લેટ પર કબજો કરી, ફ્લેટની ભીતર બધું જ ફેંદી માર્યું પણ કશું જ વાંધાજનક અથવા સપનાની ઓળખ કે અનુસંધાન મળે એવો કોઈ જ પુરાવો હાથ ન લાગ્યો. એ પછી એ ફ્લેટને ટ્વેંટી ફોર બાય સેવન સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ મૂકી દીધો..

ત્રીજા દિવસે.. સપના જે ફ્લેટમાં હતી ત્યાંના સિક્યુરીટી ગાર્ડને કોલ લગાવતાં બિલ્લુ બોલ્યો..
‘બિલ્લુ બોલ રહા હૂં... ક્યા ખબર હૈ છોરી કી ?’
‘સલામ સાબ..કુછ નહીં સાબ.. તીન દિન સે એક લબ્ઝ નહીં બોલી યે લકડી.’
‘કુછ ખાને પીને કે લિયે બોલા ? ફરી બિલ્લુએ પૂછ્યું
‘કુછ ભી નહીં મૈને દો તીન દફા પૂછા મગર મુંહ સે આવાઝ હી નહીં નિકાલતી,’
‘અચ્છા બાત કરાઓ મુજસે.’ બિલ્લુ બોલ્યો
‘જી સાબ.’ એમ કહી લીફ્ટ મારફતે સત્તરમાં મળે જઈ સપનાના ફ્લેટની ડોરબેલ પ્રેસ કરતાં બે મિનીટ પછી ઓળખ પૂછીને સપનાએ ડોર ઉઘાડ્યું.. એટલે સિક્યુરીટી ગાર્ડ બોલ્યો..
‘લો..સાબજી સે બાત કરો.’
એટલે સાવ ધીમા અવાજે સપના એટલું જ બોલી..
‘જી’
‘કિસી જન્નત નશીન કે પીછે ખુદ પર ઇતના અત્યાચાર નહીં કરતે... અગર વો બંદા તુજે ઇતના હી અજીજ થા તો અપને મુંહ મેં નિવાલા ડાલ તો ઉસ કે રૂહ કો સૂકૂન મિલેગા.’
‘ઔર તેરે મર જાને સે ભી વો વાપિસ નહીં આયેગા. મેં કલ આતા હૂં તુજે મિલને કે લિયે. ઔર કુછ કહેના હૈ ?
તદ્દન પ્રેક્ટીકલ પ્રકૃતિના બિલ્લુએ ટૂંકીને ટચ વાતમાં સપનાને સમજાવવાની કોશિષ કરી.

‘જી. કુછ નહીં.’ સપના બોલી.
‘ઠીક હૈ.’ કહી બિલ્લુએ કોલ કટ કર્યા પછી બોલ્યો...
‘લગતા હૈ ઇસ લડકે કી મૌત કી ગૂંજ બહોત દૂર તક જાયેગી.’

‘કુછ ચાહિયે બેટી.’ સિક્યુરીટી ગાર્ડે પૂછ્યું..
‘હા, બ્રેડ ઔર ચાઈ.’ ભરાઈ આવેલી આંખો લૂછતાં સપના બોલી.
‘જી, થોડી દેર મેં લે કે આતા હૂં.’


બારી પાસે બેસતાં ફરી શરુ થયું જાયન્ટ ફજેત ફાળકા જેવું વિચાર વલોણું....

છેલ્લાં ત્રણ દિવસથી સાહિલ સાથેની પ્રથમ વાર્તાલાપથી લઈને અંતિમ મુલાકાત સુધીના તમામ સંવાદ ક્ષણે ક્ષણે ખીલ્લાની માફક સપનાના દિમાગમાં ખોડાતા હતાં.
પરિસીમા વિનાના પારાવાર પશ્ચાતાપની જલદ જલન સપનાના અંતરઆત્માને એ હદે દઝાડતી હતી કે, સપનાને તેની ચામડી ઉતરડી નાખવાનું મન થતું હતું.

રતનપુરથી આવ્યાં પછી બધું જ સમુંનમું પર ઉતરી ગયું હતું પણ.. સાહિલના સહજ સત્સંગમાં આવ્યાં પછી.. સપનાની મહ્દ અંશે સ્થિર થવાં જઈ રહેલી જિંદગી નબળી પળમાં સંતુલન ગુમાવતાં છેક ટોચ પરથી તળમાં ધકેલાઈ ગઈ.

ગમ્મતમાં મૂકેલી એક કરોડ જેવી માતબર રકમની માંગને સાહિલે હસતાં હસતાં કેટલી સહજતાથી સ્વીકારી લીધી. ? અને એ પણ મારા જૂઠને સત્ય સાબિત કરવા માટે ? આઆ....આટલો પ્રેમ ? અને હું મારા અતિ વિશ્વાસના મદમાં છકી જઈને છેક સૂધી તેના પાવન પ્રેમને મજાકમાં ખપાવતી રહી.

સાહિલ.... તારા મૃત્યુનું સબબ માટે સપના આ અવિરત વહેતી આંસુની સરિતામાં ડૂબી જશે. ઓ.... સાહિલલલલલલલલલલલ.......મને માફ કરી દે.. માફ કરી દે..’
આટલું બોલીને દીવાલ સાથે માથું અફળાવતા સપના પોક મુકીને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી.

મોડી સાંજના સમયે સૂર્યદેવ તેની ચેમ્બરમાં સાહિલના કેસનો અભ્યાસ કરતાં ચાની ચુસ્કી ભરી ત્યાં એક અધિકારી બોલ્યો..
‘સર.. આપને કોઈ મળવા આવ્યું છે.’
‘કોણ છે..? સામું જોયા વગર સૂર્યદેવે પૂછ્યું
‘નામ નથી કહ્યું.. પણ કહે છે સાહિલના મર્ડર કેસના અનુસંધાનમાં મળવા માંગે છે.’
તરત જ સુર્યદેવની આંખ પોહળી થઇ ગઈ.. એટલે બોલ્યો
‘મોકલો અંદર.’
થોડીવાર પછી આશરે પંચાવન સાઈંઠ વર્ષની ઉંમરનો જેન્ટલ મેન લાગતો વ્યક્તિ સુર્યદેવની ચેમ્બરમાં દાખલ થતાં બોલ્યો..
‘ગૂડ ઇવનિંગ સર.’
‘ગૂડ ઇવનિંગ.. આવો બેસો..’ સૂર્યદેવ બોલ્યો. એ વ્યક્તિ ચેર પર બેઠાં પછી સૂર્યદેવે પૂછ્યું
‘આપનો પરિચય ?’..
‘જી મારું નામ માણેકલાલ પટેલ. મારો ડાયમંડનો બિઝનેશ છે.’
‘હાં, બોલો શું કહેવું છે આપને ?’ સૂર્યદેવ બોલ્યો
‘સર, તમારું ખુબ નામ સાંભળ્યું છે એને તમે સાહિલના કેસની તપાસ કરો છો, એટલે હિંમત કરીને વાત કરવાં આવ્યો છું.’
‘જી, કોઈપણ જાતના ડર વગર બોલો. સાહિલને આપ કઈ રીતે ઓળખતા હતાં ?

થોડી ક્ષણો ચુપ રહ્યાં પછી માણેકલાલ બોલ્યાં..
‘અમે બન્ને પરસ્પર છેલ્લાં ચાર વર્ષથી ડાયમંડના બિઝનેશ સાથે સંકળાયેલા. અમારા બન્નેના અનન્ય બોન્ડીંગ માટે એક વાત કોમન હતી અને તે હતો ભરોસો. પણ..’
એમ કહી માણેકલાલ બોલતા અટકી ગયાં
‘પણ... શું ? સૂર્યદેવે પૂછ્યું..
‘જે રાત્રે સાહિલ સાથે આ બનાવ બન્યો તે સાંજે મેં સાહિલને એક કરોડના ડાયમંડ આપેલા એક પાર્ટીને પહોંચાડવા માટે.’

આટલું સાંભળતા સૂર્યદેવ તેની ચેરમાં ટટ્ટાર થઈને બેસી ગયો. પળમાં અનેક વિચારોનું વાવોઝોડું દિમાગમાં ફરી વળ્યું..
‘તો તમે અત્યાર સુધી પોલીસ ફરિયાદ કેમ ન નોંધાવી ? કે પછી ફરિયાદ નોંધવા માટે જ આવ્યાં છો ? ઉલટ તપાસ કરતાં સૂર્યદેવે પૂછ્યું.

સ્હેજ દુઃખી થતાં માણેકલાલ બોલ્યાં..
‘સાહેબ..શાયદ એક કરોડના હીરા પરત મળી જશે પણ, સાહિલ જેવો સો ટચના સોના જેવો સાથીદાર નહીં મળે.. હું માત્ર આપની પાસે એ આશા લઈને આવ્યો છું કે, કદાચ આપને આ વાત પરથી કોઈ સંગીન સુરાગનો સંકેત મળે બસ. અને આ વાત મેં આપના જેવા અધિકારી પર ભરોસો છે, એટલે કહી છે. બાકી સાહિલની ઓળખ અમારા વ્યવસાયમાં કોહિનૂર હીરા તરીકે થતી.’
આટલું બોલતા માણેકલાલની આંખો ભીની થઇ ગઈ.
સૂર્યદેવ પણ થોડો ગમગીન થઇ ગયો. પછી પૂછ્યું
‘અચ્છા તમારી અને સાહિલની અંતિમ મુલાકાતમાં શું વાર્તાલાપ થયેલો ?

‘વાતચીત તો વ્યવસાયને લગતી અને સામાન્ય જ હતી પણ સાહિલની બોડી લેન્ગવેજ પરથી મેં એક વાતની નોંધ લીધી કે, સાહિલ જરૂર કોઈ મૂંઝવણમાં હતો. ખુલીને વાત નહતો કરી શકતો. અને તે દિવસે તે ઉતાવળમાં પણ હતો.’

ત્યારબાદ સૂર્યદેવ અને માણેકલાલ દરમિયાન એકાદ કલાકનો વાર્તાલાપ ચાલ્યો
અંતે સૂર્યદેવે માણેકલાલનો કોન્ટેક્ટ નંબર લીધો અને બન્ને છુટ્ટા પડ્યા..

મોડી રાત્રે આશરે બે વાગ્યે બેડ પર પડ્યાં પડ્યાં સૂર્યદેવને સાહિલની બેરહમ હત્યા પાછળ કોઈ એક ઠોસ કારણના કડીની કેડી સૂઝતી નહતી.. કયાંય સૂધી આંખો મીચીને ઊંડાં વિચારમાં ગરકાવ થયાં બાદ અચનાક કંઇક યાદ આવતાં સરિતાના તમામ કોલ્સ રેકોર્ડીંગ ફરથી સાંભળવા લાગ્યો..

અચનાક એક કન્વર્શેશને વારંવાર સંભાળ્યા પછી એક જ શબ્દ પરથી સરિતા શ્રોફનું પગેરું મળવાની શક્યતા પ્રબળ થઇ ગઈ. બીજી જ ઘડીએ તેના સ્ટાફને દોડતાં કરીને વહેલી પરોઢે તે શકમંદ વ્યક્તિને ઝડપી લીધા પછીની સઘન પૂછપરછ બાદ સૂર્યદેવે તેના ઉપલા અધિકારીને કોલ કરતાં કહ્યું..

‘સર.. સાહિલ મર્ડર કેસ મેં ગિરફ્તારી કે લિયે આપકો દિલ્હી સરકાર સે પરમીશન લેની હોગી.’
‘પર ક્યું, કીસ કે લિયે ? અધિકારીએ પૂછ્યું
‘ક્યું કી સર, સાહિલ કો ફાસને કે લિયે સરિતા શ્રોફ નામ કા કાટા ડાલા ગયાં થા. પર ડોર જીસકે કે હાથમ મેં હૈ વો બડે બડે મગર મચ્છ હૈ.. નામ હૈ.... ઈકબાલ મિર્ચી ઔર બિલ્લુ બનારસી.

વધુ આવતાં અંકે.